Friday, April 10, 2009

'ભોળો સંજુ' રાજકારણમાં કેમ પ્રવેશ્યો?


જ્યારે માણસ કોઈ પણ વ્યાસાયિક ક્ષેત્રમાં ચાલે તેમ ન હોય ત્યારે તેણે રાજકારણમાં ઘૂસી જવું। ભારતીય રાજકારણની અત્યારે આવી જ સ્થિતિ હોય તેવું લાગે છે. તેનું સારામાં સારું ઉદાહરણ સંજય દત્ત છે. હવે બોલીવૂડમાં તેનો બહુ ગજ વાગે તેમ નથી. 'લગે રહો મુન્નાભાઈ' પછી સંજય દત્તની એક પણ હિટ ફિલ્મ આવી હોવાનું તમને યાદ છે? લગે રહો॥ પછી સંજુ બાબાની કોઈ નવી ફિલ્મ આવી હોય એવું મને યાદ નથી. છેલ્લાં કેટલાંક સમયથી માન્યતા સાથેના પ્રેમસબંધો અને લગ્ન તથા દુઃખમાં તેને સહારો આપનાર બહેનો સાથેના ઝઘડાને કારણે તે સમાચાર માધ્યમોમાં ચમકતો રહે છે. સંજય દત્ત મૂળે રાજકીય પ્રાણી નથી. તેના સ્વભાવ ભોળો છે. ભોળા શબ્દનો એક્ઝટ સમાનાર્થી શબ્દ મૂર્ખ થાય છે. દુનિયામાં કોઈ ભોળું હોતું જ નથી. વ્યક્તિ કાં તો સમજુ હોય કાં પછી મૂર્ખ. બોલીવૂડમાં પણ ભોળા સંજુનો ઉપયોગ અનેક લોકોએ કર્યો છે. તો પ્રશ્ન એ છે કે તેણે રાજકારણમાં શા માટે પ્રવેશ કર્યો?

તેની પાછળ બે શક્યતા હોવાનું જાણવા મળ્યું છે। આપણે પહેલી શક્યતા પર વાત કરીએ. અત્યાર સુધી રાજકારણમાં પ્રવેશ કરનાર કોઈ ગુનેગારને કે રાજકારણમાં પ્રવેશ કરી ગુનો આચરનારને સજા થઈ હોય તેવું ભાગ્યે જ બન્યું છે. જ્યાં સુધી ગુનેગાર રાજકારણમાં સક્રિય હોય ત્યાં સુધી તો તેને સજા થતી જ નથી. સંજય દત્તના મગજગમાં આ વાત સારી રીતે ઠસાવી દેવામાં આવી છે. અહીં ઠસાવી દેવામાં આવી છે તેવું લખવાની ફરજ પડે છે, કારણ કે સમાજવાદી પક્ષમાં પ્રવેશી તે જે રીતે વિધાનો કરી રહ્યો છે તેના પરથી તેનામાં કેટલી બુદ્ધિ છે તે સમજી શકાય છે. હકીકતમાં સંજય દત્તને થયેલી સજા સુપ્રીમ કોર્ટ યથાવત રાખે તેવી પૂરેપૂરી શક્યતા છે. સંજુબાબા તેમાંથી હેમખેમ બહાર નીકળવા માગે છે અને રાજકીય દબાણ ઊભું કરવા માગે છે. એટલે તેણે રાજનીતિનો સહારો લીધો છે.

આ માટે તેણે કોંગ્રેસમાં ઘૂસવા પ્રયાસ કર્યો હતો પણ મુંબઈ બોમ્બ વિસ્ફોટમાં સંડોવણીના તેના ઇતિહાસને ધ્યાનમાં રાખીને સોનિયા એન્ડ કંપનીએ તેને દૂરથી જ રામ રામ કરી દીધા। એટલે સંજય દત્ત ગિન્નાયો છે કોંગ્રેસમાં પ્રવેશ મેળવવામાં નિષ્ફળતા મળી તે માટે સંજય દત્ત તેની બહેન પ્રિયા દત્તને જવાબદાર માને છે. એટલે જ તેણે અત્યારે કોંગ્રેસ અને પ્રિયા-બંનેને નિશાન બનાવ્યાં છે. તો સામે પક્ષે સમાજવાદી પક્ષને રાજકીય સમજણનો અભાવ ધરાવતા મોટા ભાગના ભારતીયોને ભરમાવવા શું એક સ્ટાર પ્રચારકની જરૂર નથી?

સમાજવાદી પક્ષ પાસે વર્ષ 2007 સુધી અમિતાભ બચ્ચનરૂપી બ્રહ્માસ્ત્ર હતું। ઉત્તરપ્રદેશમાં વર્ષ 2002માં વિધાનસભાની ચૂંટણી યોજાઈ તે પહેલાં તેના સામાજિક કાર્યક્રમોમાં હાજર રહી અમિતાભ બચ્ચને તેને લખનૌની ગાદી સર કરી શકાય તેટલો માર્ગ મોકળો કરી દીધો હતો, પણ તે પછી મુલાયમ સરકારે એવી કામગીરી કરી કે વર્ષ 2007ની ચૂંટણીમાં સમાજવાદી પક્ષની ડૂબતી નૈયાને ખુદ બીગ બી પણ બચાવી ન શક્યા. અમિતાભ બચ્ચન મુશ્કેલીમાં હતા ત્યારે અમરસિંહે તેમને સાથ આપ્યો હતો અને આ અહેસાનનું ઋણ બચ્ચન પરિવારે છેલ્લાં પાંચ વર્ષમાં ઘણું બધું સહન કરી ચૂકવી દીધું છે.

છેલ્લાં પાંચેક વર્ષમાં બચ્ચન પરિવારને રાજકીય કિન્નાખોરીના જે અનુભવો થયાં છે તે પછી અમિતાભ સમાજવાદી પક્ષથી સલામત અંતર રાખી રહ્યાં છે। લોકસભાની આ ચૂંટણીમાં તેઓ સમાજવાદી પક્ષનો પ્રચાર કરવાના નથી તે વાત સ્પષ્ટ થઈ ગઈ છે. આ સંજોગોમાં સમાજવાદી પક્ષે સંજય દત્તને સાથે લીધો છે. પણ સમાજવાદી પક્ષની સાયકલની સવારી કરવામાં ક્યારેક પંક્ચર પડી જાય છે અને તેને સંધાવતા બહુ સમય લાગે છે.

જ્યારે માણસ ભવિષ્યનો વિચાર કર્યા સિવાય બેફામ વિધાનો કરે છે ત્યારે તેને સાહસિક કરતાં દુઃસાહસિક કહેવો વધારે યોગ્ય છે. સંજય દત્ત આ અર્થમાં દુઃસાહસ કરી રહ્યો છે. જો આગામી સરકારમાં સમાજવાદી પક્ષનું કોઈ સ્થાન નહીં હોય અને કોંગ્રેસના નેતૃત્વવાળી કે તેના ટેકાવાળી સરકાર રચાશે તો તેને મુશ્કેલી વેઠવી પડશે અને તે સમયે તેણે પ્રિયા દત્ત સિવાય બીજું કોઈ બચાવી નહીં શકે તે વાત નક્કી છે.

No comments: