આપણે બાળકોનો રચનાત્મક ખ્યાલો આપવા જોઇએ। નકારાત્મક વિચારો મનુષ્યોનો કેવળ નિર્બળ બનાવે છે. જ્યાં માતાપિતા પોતાનાં સંતાનોને વાંચવા લખવા માટે કાયમ ટોક ટોક કર્યા કરે અને, ''તું કાંઈ ઉકાળવાનો નથી, તું તો મૂર્ખ છે.'' એવું કહ્યાં કરે ત્યાં ઘણાં દાખલાઓમાં ખરેખર એ સંતાનો એવાં જ બની જાય છે. જો તમે તેમને પ્રેમથી બોલાવો અને પ્રોત્સાહન આપો તો યોગ્ય સમયમાં તેઓ અવશ્ય સુધરી જશે. જો તમે તેમને રચનાત્મક ખ્યાલો આપી શકો તો તેઓ સાચા મનુષ્યો બનશે અને પોતાના પગ પર ઊભા રહેતાં શીખશે.
માર મારવાથી ગેધેડો ઘોડાના રૂપમાં ફેરવાઈ જશે એવી સલાહ મળવાથી જે માણસે પોતાના ગધેડાને ટીપી નાખ્યો તેની રીતે પ્રમાણે આપણા બાળકોને કેળવવા મથતી કેળવણી પદ્ધતિ રદ થવી જોઇએ. માતાપિતાની અયોગ્ય જોહુકમીને કારણે બાળકોને આત્મવિકાસ માટે મુક્ત અવકાશ મળતો નથી.
મનુષ્યમાત્રમાં અપાર મનોવૃત્તિઓ રહેલી છે. તેમને પોતાની તૃપ્તિ માટે યોગ્ય અવકાશની જરૂર છે. સઘળું જ્ઞાન મનુષ્યની અંદર જ રહેલું છે અને જરૂર માત્ર તેને જાગ્રત કરવાની છે. પોતાનાં હાથ-પગ અને આંખ-કાનનો યોગ્ય ઉપયોગ કરવામાં બાળકો પોતાની બુદ્ધિ વાપરતાં શીખે એટલું જ માત્ર આપણે તેમના માટે કરવાનું છે. મનુષ્યને સુધારવાના બળજબરીથી થતા પ્રયાસો હંમેશાં એવી સુધારણાને પાછી ધકેલી દેવામાં જ પરિણમે છે. જો તમે કોઈ મનુષ્યને સિંહ થવા દેશો નહીં તો પછી એ શિયાળ બની જવાનો છે.
No comments:
Post a Comment