Wednesday, April 8, 2009

જૂતાં ફેંકો, પબ્લિસિટી પાઓ!


શું ગઈકાલ સુધી તમે જરનૈલ સિંઘને ઓળખતા હતા? ના, આપણામાંના મોટા ભાગના લોકોને (વિદ્વાનશિરોમણી અને આજુબાજુ બધા ઉપર નજર રાખવાનું દૈવી કાર્ય કરતાં પપ્પુ પંચાતિયાને બાદ કરતાં) ખબર નહોતી કે, જરનૈલ સિંઘ નામે એક પત્રકાર નવી દિલ્હીમાં હિન્દી અખબાર 'દૈનિક જાગરણ'માં કામ કરે છે। પણ ચિદુ પર જૂતું ફેંકી જરનૈલ 'પાપે' દેશભરમાં જાણીતી થઈ ગયા. ઓ બલ્લે બલ્લે, જૂતાં ફેંકો, પબ્લિસિટી પાઓ!

પત્રકારો પાસે વિરોધ કરવા માટે કલમ હોય છે, પણ હવે તો કલમના સિપાહીઓને કલમ સિવાય એક બીજું શસ્ત્ર હાથ લાગ્યું છે। તેનું નામ છે જોડા. પત્રકારોને આ શસ્ત્રનાં દર્શન કરાવનાર કલમના સેનાપતિનું નામ મુન્તઝેર અલ-ઝૈદી છે. મૂળે ઇરાકનાં ઝૈદી મહાશયે અમેરિકાના મૂળિયા મૂળમાંથી જ હચમચાવી દેવાનું ભગીરથ અભિયાન પાર પાડનાર જૂનિયર જ્યોર્જ બુશ ઉપર જૂતાંનો પ્રહાર કર્યો હતો. જોકે અંકલ સેમ પર જૂતાં ફેંકવાનું ઇનામ તેમને મળી ગયું છે અને અત્યારે તેઓ જેલમાં પથારીવશ છે. એવું સાંભળવા મળ્યું છે કે, અમેરિકાના સૈનિકોએ ઝૈદીજીની પાંસળીઓને ભાંગીને તેનો પાવડર અમેરિકા રવાના કરી દીધો છે. અમરિકા સહિષ્ણુતાની વાતો કરે છે, જ્યારે ભારત તો સહિષ્ણુતાનાં દાખલાં બેસાડે છે. નહીં તો પાકિસ્તાન જેવો ખોખલો અને નિર્માણની સાથે જ ભિખારી જાહેર થયેલો દેશ આટલા બધા ઠેકડાં મારતો હોત...

ગઇકાલે મહાવીર જયંતિ હતી। અજ્ઞાનીઓના ઓરતા ન રાખી વાંકદેખાઓને ક્ષમા કરવાનો ઉપદેશ મહાવીર સ્વામીએ આપ્યો છે. મહાવીર સ્વામીના ઉપદેશોનું પાલન ખરેખર કેટલાં જૈનો કરે છે તેની ચોક્કસ જાણકારી નથી પણ ચિદમ્બરમે આ ઉપદેશનું પાલન કરી જરનૈલને માફી આપી મહાવીર સ્વામીને હેપ્પી બર્થ ડેની શુભકામના પાઠવી દીધી. જરનૈલની આ હરકતથી કોંગ્રેસના કેમ્પમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે તો ભાજપના લોકો હાથ મસળવા લાગ્યાં છે. તેમને થયું કે જરનૈલે બધો ખેલ બગાડી દીધો. તેને આવું વળી કાં સૂઝ્યું?

હકીકતમાં જરનૈલે જૂતું ફેંકી મોટાભાગના શીખોના કોંગ્રેસ પરનાં ગુસ્સા પર પાણી ફેરવી દીધું છે એવું ભાજપના માધાંતાઓનું માનવું છે। તેઓ માથાના વાળ ખેંચી રહ્યાં છે અને જરનૈલે રાત્રિના બાર વાગ્યા પહેલાં આવું કામ શા માટે કર્યું હશે તેવું વિચારે છે.

ચિદમ્બરમે ગાંધી ચિંધ્યા માર્ગે માફી આપી શીખોના હ્રદય જીતવાનો મોકો હાથમાંથી જવા દીધો નથી. હવે બાકીનું કામ 10, જનપથના સામ્રાજ્ઞી મહારાણી સોનિયા અને ભાજપ જેમને સોનિયાજીના વજીર તરીકે ઓળખાવે છે તે વડાપ્રધાન મનમોહન સિંઘ પુરું કરી દેશે.
હવે નરેન્દ્ર મોદી પત્રકાર પરિષદ પહેલાં બધા પત્રકારોને મીડિયારૂમની બહાર જૂતાં કાઢીને અંદર આવવાની કદાચ સૂચના આપશે.

No comments: