Friday, April 17, 2009

શાહરૂખ 'નાથાલાલ' ખાન


તુલસીદાસજીએ રામચરિતમાનસમાં કહ્યું છે કે, 'ઐસા કલજુગ આયેગા, હંસ ચુનેગા દાન તિનકા, કૌઆ મોતી ખાએગા।' શું અત્યારે 'સૂંઠને ગાંગડે ગાંધી' બની બેઠેલા લોકો તમને જોવા મળતાં નથી? અત્યારે નાણે નાથાલાલ બની બેઠેલા નાથિયાઓનો જમાનો છે. આવા જ એક 'નાથાલાલ' શાહરૂખ ખાને તેની દુર્બુદ્ધિનો પરિચય આપ્યો છે. તેને ક્રિકેટના કની પણ કદાચ બરાબર ખબર પડતી નથી અને વર્તણૂંક આ ક્ષેત્રના ખાટું હોવા જેવી કરે છે. એટલું જ નહીં ક્રિક્ટના માધાંતા ગણાતા સુનિલ ગાવસ્કરની ટીકા કરે છે. શાહરૂખે કોલકાત્તા નાઇટ રાઇડર ટીમમાં 'રોટેટ કેપ્ટનશિપ ફોર્મ્યુલા' અપનાવી લીધી અને સૌરવ ગાંગુલીના સ્થાને બ્રેંડન મૈકુલમને કેપ્ટન બનાવવાનો નિર્ણય લીધો છે.

જ્યારે આપણને કોઈ બાબતે સમજણ ન પડતી હોય ત્યારે જાણકાર વ્યક્તિની સલાહ લેવી જોઇએ. પણ અહંકારી અને મૂર્ખના સરદારો શું કરે છે? સામાન્ય રીતે તમે જોયું હશે કે, ઓછી આવડતવાળા અને સાથેસાથે અહંકારી પ્રકૃતિ ધરાવતા માણસો પોતાના જેટલી કે તેમનાથી ઓછી આવડતવાળા માણસોની સલાહ લેશે. તેઓ જાણકાર માણસની જાણી જોઇને અવગણના કરશે. શાહરૂખ 'નાથાલાલ' ખાને આવું જ કર્યું. ક્રિકેટના નિષ્ણાત ગણાતા સુનિલ ગાવસ્કરે પોતાના એક લેખમાં ચાર કેપ્ટનને બદલે એક જ કેપ્ટન રાખવાની સલાહ આપી તો શાહરૂખે રૂપિયાનો પાવર દેખાડ્યો અને કહી દીધું કે, જો ગાવસ્કરમાં ત્રેવડ હોય તો તેણે સલાહ-સૂચના કરવાને બદલે ટીમ ખરીદી લેવી જોઇએ.

ખરેખર ગાવસ્કરની વાત સાચી હતી. યુદ્ધનું મેદાન હોય કે ક્રિકેટનું મેદાન હોય, સેનાપતિ તો એક જ હોય. જો યુદ્ધના મેદાનમાં ઉતર્યા પછી વારંવાર સેનાપતિ બદલાય તો સૈન્ય દિશાહીન થઈ જાય. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન શેન વોર્ને પણ કહ્યું છે કે, 'બુચાનની ચાર કેપ્ટન રાખવાની વ્યૂહરચના ટીમના ખેલાડીઓને મૂંઝવણમાં મૂકવા સિવાય બીજી કોઈ સિદ્ધિ નહીં મેળવે.' પણ માલિકમાં જ મીઠું ન હોય ત્યાં તેના મૂર્ખના સરદાર સમાન નોકરની જ બોલબાલા હોય તેમાં કોઈ નવાઈ નથી.

કોલકાતા નાઇટ રાઇડર ટીમના માલિક શાહરૂખે ન તો ગાવસ્કરની સલાહ માની છે ન તો શેન વોર્નની. બુચાનન અંકલે મૈકુલમ ઉપરાંત ક્રિસ ગેલ, બ્રાડ હોગ અને સૌરવ ગાંગુલીને કેપ્ટન બનાવવાની યોજના ઘડી કાઢી છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે આ જ બુચાનન મહોદય ઓસ્ટ્રેલિયાની ટીમના કોચ હતા ત્યારે તેમણે આવી જ પદ્ધતિ અપનાવવાની ઓસ્ટ્રેલિયાના બોર્ડને સલાહ આપી હતી. પણ ઓસ્ટ્રેલિયાના બોર્ડે તેને જરૂર પડશે તો તારી સલાહ માંગી લઇશું તેમ કહી ચૂપ કરી દીધો હતો. તે સમયે શેન વોર્ન પણ ટીમમાં હતો અને તેણે કોચ બુચાનનની આ મૂર્ખામી ભરેલા સૂચનની ઠેકડી ઉડાવી હતી. વોર્નનું તો કહેવું છે કે, બુચાનનને રોજ સવારે ગાંડાઘેલા વિચાર લઇને આવતો અને ક્રિકેટ બોર્ડને રજૂ કરતો, પણ બોર્ડ તેને 'ટેકન ફોર ગ્રાંટેડ' લેતું હતું. તો પછી શાહરૂખે તેને આટલો બધો ભાવ કેમ આપ્યો? કારણ કે, ગાંગુલી સહિત બીજા બધા તેને 'ટેકન ફોર ગ્રાંટેડ' લે છે.

2 comments:

Parag Dave said...

u r right. Shahrukh does not know anything abt cricket. Chak De ma pan a hockey j ramyo chhe. Pan ene have samjai gayu chhe k Ganguly Kolkata no captain na hoy to shu thay? Good one. Keep it up. I read ur blog regular, though I dont write my own regular...

bheja fry said...

આર્ટીકલ સારો લખે છે, પરંતુ તોડી મરોડીને