Friday, April 3, 2009

હૈ રામકે વજૂદપે હિંદોસ્તાંકો નાઝ, એહલે નઝર સમઝતે હૈં ઇસકો ઇમામે હિંદ


ગાંધીજીના હીરો કોણ હતા? મર્યાદા પુરષોત્તમ રામ। ગાંધીજી માટે રામ આદર્શ હતા. રઘુપતિ રાઘવ રાજારામ તેમનું પ્રિય ભજન હતું. રામની સત્ય પ્રત્યે નિષ્ઠા બાપુના સત્યનો આધાર હતી. તેઓ રામનામને પારસમણિ કરતાં પણ અમૂલ્ય ગણતા હતા. હિંદુઓ રામને વિષ્ણુનો સાતમો અવતાર ગણે છે. તેઓ ત્રેતાયુગના મહાનાયક હતા અને આજે તેમનો હેપ્પી બર્થ ડે છે.

મહાકવિ તુલસીદાસજીએ રામના જન્મનું વર્ણન કરતાં લખ્યું છે કે, 'પવિત્ર ચૈત્ર માસ, નવમી તિથિ, શુક્લ પક્ષ અને અભિજિત મુહૂર્ત....બપોરનો સમય....ઠંડી અને તાપ સામાન્ય...શીતળ, મંદ અને સુવાસિત પવન...વનો ફળફૂલયુક્ત॥રત્નમણિથી ઝળહળતાં પર્વતો...અમૃતની ધારા વહાવતી સરિતાઓ...દેવસમૂહોથી ભરાઈ ગયેલું નિર્મળ આકાશ...અયોધ્યાનગરી પર પુષ્પવૃષ્ટિ અને જગનિવાસ પ્રભુ પ્રગટે અખિલ લોક બિશ્રામ એટલે કે સર્વ જનોનો સુખ-શાંતિ આપવા જગતના સ્વામી પ્રગટ થયા....અત્યંત કૃપાળુ, દીનદયાળુ, કૌશલ્યા હિતકારી પ્રભુ પ્રકટ થયા.'

વિનાબાએ 1959માં સંગરૂરમાં રામનવમીએ કહ્યું હતું કે, 'રામનવમીએ મારી મા બપોરે બાર વાગે રામજીનો જન્મ થઈ રહ્યો છે એવા ખ્યાલથી ધ્યાનમાં બેસી જતી અને તેની આંખોમાંથી અશ્રુધારા વહેવા માંડતી.' પતંજલિ કહે છે કેઃ तज्जपस्तदर्थभावनम्- હ્રદયનાં ઊંડાણમાંથી રામનામનો ઉચ્ચાર કરવાથી માનવીનો અહમ્ દૂર થાય છે. શ્રીરામ માત્ર હિંદુઓના મહાનાયક નથી, પણ સમગ્ર ભારતના આરાધ્યપુરુષ છે.

કવિ ઇકબાલે રામથી પ્રભાવિત થઈ 'ઇમામે હિંદ' કવિતા લખી છે અને તેમાં રામને 'ઇમામે હિંદ' અર્થાત્ 'હિંદુસ્તાનના ધર્મપુરુષ' તરીકે ઓળખાવ્યાં છે। 'હૈ રામકે વજૂદપે હિંદોસ્તાંકો નાઝ, એહલે નઝર સમઝતે હૈં ઇસકો ઇમામે હિંદ.' કેટલાંક આધુનિક શીખ વિદ્વાનો એવું કહે છે કે 'આદિગ્રંથ'માં હિંદુ પરંપરા કે વિચારોમાંથી કંઈ લેવામાં આવ્યું નથી.' પણ તેનો જવાબ જાણીતા લેખક અને શીખ સમુદાયના ખુશવંત સિંઘે આપ્યો છે કે, 'આદિગ્રંથમાં ભગવાનનાં નામો 15,028 વખત, હરિ શબ્દ 8,000 કરતાં વધારે વખત અને રામનું નામ 2,522 વાર આવે છે.' ગરુ નાનક મહાન રામભક્ત હતા. તેઓ કહે છે કે,

રે મન! રામસો કર પ્રીત
શ્રવણ ગોવિન્દ-ગુણ સુનો
અરુ ગાઉ રસના ગીત
કર સાધુ-સંગત સુમિર માઘો
હોય પતિત પુનીત
કહે નાનક રામ ભજ લે
જાત અવસર બીત
રે મન! રામસો કર પ્રીત

ક્રાંતિકારી કવિ કબીરે લખ્યું છે કે, 'બાહેર ભીતર રામ હૈ, નેનન કા અભિરામ; જિત દેખું તિત રામ હય, રામ બિના નહીં ઠામ।' તુલસીદાસ કહે છે કે, રામનું નામ પડતાં જ કલ્યાણ થાય છે, સર્વ મંગળ થાય છે. જયારે મનુષ્યના પ્રયાસોથી કોઈ પરિણામ પ્રાપ્ત થતું નથી ત્યારે તે ઇશ્વરને શરણે જાય છે. ગાંધીજીએ આવા સંજોગોમાં રામનામ 'રામબાણ' હોવાનું કહ્યું છે. રામ અને રામબાણ શબ્દ પ્રત્યે મોહમ્મદ અલી ઝીણાને નફરત હતી.

ગાંધીજી અને ઝીણા વચ્ચે સપ્ટેમ્બર-ઓક્ટોબર, 1937માં મંત્રણા યોજાઈ હતી જે પૂરા 23 દિવસ ચાલી હતી. આ મંત્રણા દરમિયાન એક વાર ઝીણા ગાંધીજીને વળાવવા દરવાજા પાસે પગથિયું ઊતર્યા ત્યારે ગાંધીજીએ જોયું કે તેમનો પગ ખોડંગાતો હતો. ઝીણાને પગે સહેજ મચકોડ આવી ગયો હતો એટલે મચકોડવાળા ભાગ પર એક રામબાણ જેવી દવા મોકલીશ એમ ગાંધીજીએ કહ્યું હતું. ઝીણાએ દવા સ્વીકારી, પણ ગાંધીજીએ રામબાણ શબ્દનો ઉપયોગ કર્યો હતો એટલે તેનો ઉપયોગ કર્યો નહોતો. હરી ઓમ!
આઝાદી પહેલાં ઝીણાએ રામ અને હિંદુનો વિરોધ કરી ભારતમાતાનું હ્રદય ચીરી નાંખ્યું અને આઝાદી પછી? રાજરમત સમજ્યાં વિના પોતે પરમ વિદ્વાન હોવાના ફાંકામાં જીવતા બાલિશ હિંદુઓની ધાર્મિક ભાવના રામમંદિરના મુદ્દે ભડકાવી ભાજપે નવી દિલ્હીની ગાદી સર કરી। પછી રામના ભૂલી અલ્લાહના આશિક બની લીલી ટોપીઓ ધારણ કરી અને બાકી રહેતું હતું હોય તેમ ઝીણાની મઝાર પર જઈ શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. ઓમ નમઃ શિવાય!

રીવર્સ સ્વીપઃ ભાજપ કન્સ્ટ્રક્શન કંપની નથી અને તેણે રામ મંદિર બનાવાનો ઠેકો લીધો નથી-મુખ્તાર અબ્બાસ નકવી, ભાજપના રાષ્ટ્રીય ઉપપ્રમુખ

1 comment:

thesisbinding said...

लबरेज़ है शराबे-हक़ीक़त से जामे-हिन्द ।
सब फ़ल्सफ़ी हैं खित्ता-ए-मग़रिब के रामे हिन्द ।।
ये हिन्दियों के फिक्रे-फ़लक उसका है असर,
रिफ़अत में आस्माँ से भी ऊँचा है बामे-हिन्द ।
इस देश में हुए हैं हज़ारों मलक सरिश्त,
मशहूर जिसके दम से है दुनिया में नामे-हिन्द ।
है राम के वजूद पे हिन्दोस्ताँ को नाज़,
अहले-नज़र समझते हैं उसको इमामे-हिन्द ।
एजाज़ इस चिराग़े-हिदायत का है ,
यहीरोशन तिराज़ सहर ज़माने में शामे-हिन्द ।
तलवार का धनी था, शुजाअत में फ़र्द था,
पाकीज़गी में, जोशे-मुहब्बत में फ़र्द था ।
- Dr. ALLAMA IQBAL

SEE THIS BLOG : http://return2mars.blogspot.com/