જે પ્રજા પોતાના ઇતિહાસ અને રાષ્ટ્રનાયકોને ભૂલી જાય છે તેમની સંસ્કૃતિ અને તેમના રાષ્ટ્રની નૈતિકતાનું ઝડપથી અધઃપતન થઈ જાય છે. શું આપણને આપણા દેશના ગૌરવશાળી ઇતિહાસમાં રસ છે? શું આપણને આપણા રાષ્ટ્રનાયકો યાદ છે? ગયા મહિનાની 23 માર્ચે શહીદ દિવસ હતો. અંગ્રેજો સામે આઝાદીની જંગમાં 23 માર્ચ, 1931ના રોજ ત્રણ યુવાન ક્રાંતિકારીઓ શહીદ ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ હસતાં હસતાં ફાંસીના માંચડે ચડી ગયા હતા. અને આજે આપણી પેઢીને યુવાનો શું કરે છે? હસતાં-હસતાં ભ્રષ્ટાચાર કરે છે અને પ્રામાણિકતાની વાતો કરનારાઓને આદર્શવાદી પાગલ કહે છે.
જીવતી લાશ જેવા અને ભરયુવાનીમાં ઘરડી માનસિકતા ધરાવતા આ યુવાનો અને પોતાને યુવાન માનતા આધેડ ઉંમરના ગધેડાઓને તેમના ગૌરવશાળી સાંસ્કૃતિક વારસાની યાદ અપાવવા એનડીટીવીએ પ્રવાસન મંત્રાલય સાથે દેશની સાત અજાયબી વિશે સર્વેક્ષણ કર્યું હતું. તેમાં ગુજરાતના ઐતિહાસિક સ્થળ ધોળાવીરાનો સમાવેશ થયો છે, જેનું ઉત્ખન્ન છેલ્લાં પાંચ વર્ષથી બંધ છે. ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિનું મહત્વપૂર્ણ કેન્દ્ર હતું.
ગુજરાતમાં હડપ્પા સંસ્કૃતિના અવશેષ સૌપ્રથમ લીમડી તાલુકામાં રંગપુરમાં મળી આવ્યાં હતા. તે પછી 1954થી 1958 દરમિયાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાલા ગામે લોથલનો ટીંબો મળી આવ્યો હતો. આ સંશોધન ચાલુ રહેતાં 1967માં કચ્છમાં ધોળાવીરામાં હડપ્પા સંસ્કૃતિ કેટલી વિકસીત હતી તેના પુરાવા મળ્યાં હતા.
ધોળાવીરાની શોધનો શ્રેય ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગના જે પી જોશીને જાય છે પણ તેનું મોટા પાયે ખોદકામ 1990-91માં ડો. આર કે વિષ્ટના નેતૃત્વમાં થયું હતું. કચ્છી માંડુઓ ધોળાવીરાને કોટડા તરીકે જાણે છે. વિસ્તારની દ્રષ્ટિએ જોઇએ તો ધોળાવીરા પૂર્વથી પશ્ચિમમાં 775 મીટર અને ઉત્તરથી દક્ષિણ 600 મીટરમાં ફેલાયેલું હતું તેવા અવશેષો પ્રાપ્ત થયા છે.
આ શહેરની અનેક વિશેષતા છે જે હડપ્પા સભ્યતાના કોઈ અન્ય ઐતિહાસિક કેન્દ્રમાં જોવા મળતી નથી. હડપ્પા સભ્યતાના અન્ય નગર બે ભાગમાં વિભાજીત હતા જ્યારે ધોળાવીરા ત્રણ ભાગમાં વહેંચાયેલું હતું. તેમાંથી બે ભાગમાં મજબૂત કિલ્લેબંધી જોવા મળે છે જ્યારે ત્રીજો ભાગ કિલ્લાની બહાર સ્થિત છે. શહેરની ચારે દિશામાં નગરના ચાર દરવાજા હોવાનું પણ જણાય છે.
અહીંથી પ્રાપ્ત થયેલા સૌથી મહત્વપૂર્ણ અવશેષો દસ શિલાલેખો છે. તે ખાસ કાપવામાં આવેલા પાસાદાર પથ્થરો પર કંડારાયેલા છે. તેની લિપી ઉકેલાઈ શકી નથી. આ લિપીના અક્ષર બહુ મોટા છે. દરેક અક્ષરની લંબાઈ 37 સેમી અને પહોળાઈ 24 સેમી છે.
આ નગરે પૂર્વ હડપ્પા અવસ્થા, હડપ્પા સંસ્કૃતિની વિકસીત અવસ્થા અને હડપ્પા સંસ્કૃતિના પતનની અવસ્થાને નિહાળી હતી.
No comments:
Post a Comment