Thursday, April 23, 2009

સંજય ગાંધીની કાર્બન કોપી બનવા અગ્રેસર વરુણ ગાંધી


1963માં વિદેશ સચિવ વાય ડી ગુન્ડેવિયાએ જવાહરલાલ નેહરુને વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરવા આમંત્રણ આપ્યું હતું. અહીં ગુન્ડેવિયાએ કેરળમાં 1957માં સામ્યવાદીઓની સરકારની રચનાની વાત કરી ભોળાભાવે નેહરુને પૂછ્યું હતું કે, 'જો નવી દિલ્હીમાં પણ સામ્યવાદીઓની સરકાર બનશે તો જુદી જુદી સિવિલ સર્વિસનું શું થશે?' ત્યારે નેહરુએ શાંતિથી જવાબ આપતાં કહ્યું હતું કે, 'ભારત માટે સૌથી મોટો ખતરો સામ્યવાદ નથી, પણ બહુમતી હિંદુઓનો કોમવાદ છે.'

નેહરુ જે હિંદુ કોમવાદને દેશ માટે સૌથી મોટો ખતરો ગણતા હતા તેનું પ્રતિક આજે કોણ છે? તેમનો યુવાન પ્રપૌત્ર વરુણ ગાંધી. નેહરુ જનસંઘને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું અનૌરસ સંતાન ગણતા હતા. અત્યારે તે જ અનૌરસ સંતાનના નવા અવતાર ભાજપની ટિકિટ પર તેમનો પ્રપૌત્ર વરુણ ગાંધી પીલીભીતમાંથી ચૂંટણી લડી રહ્યો છે. તેમનું મુખ્ય શસ્ત્ર પણ કોમવાદ છે. એક સમયે નહેરુના વિચારોથી પ્રભાવિત વરુણ પર આજકાલ તેના પિતા સંજય ગાંધી બનવાનું ઝનૂન સવાર થયું છે. નહેરુ પરિવારના વારસાને તો સોનિયા એન્ડ સન્સ સંભાળી રહ્યાં છે એટલે વરુણ સમક્ષ તેના પિતાના વારસાને આગળ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.

લોકસભાની વર્ષની 2004ની ચૂંટણી સમયે માલેગાંવમાં ભાજપની એક ચૂંટણી સભા સંબોધતા તેમણે સામાન્ય રાજકારણીઓની જેમ સરકાર (મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી યુતિની રાજ્ય સરકાર)ની ટીકા કરવાનો ઇનકાર કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે, 'આ સરકારે કંઈ કામ કર્યું નથી તેવું બોલવાનું મને ઘણા લોકોએ કહ્યું છે. પણ હું એવું નહીં કરું. આરોપો અને પ્રતિઆરોપોથી કોઈનું ભલું થયું નથી. માત્ર જનતાને નુકસાન થયું છે. હું બીજા પ્રકારની રાજનીતિની શરૂઆત કરવા ઇચ્છું છું.'

તે સમયે વરુણને ભાજપના દંભી હિંદુત્વનો રંગ લાગ્યો નહોતો. નહેરુના સાહિત્યથી પ્રભાવિત હતા. તેના પાંચ વર્ષ પછી વરુણને ખ્યાલ આવી ગયો કે ભારતીય રાજકારણમાં જનતાને નુકસાન થાય તેવી અને ફાલતું ડાયલોગબાજી કરો તો જ આગળ વધી શકાય છે. કવિતાસંગ્રહ પ્રગટ કરનાર ઋજુ હ્રદયના કવિ અને સમાજની ભલાઈની વાતો કરનાર નેતાને ઓળખવાની ક્ષમતા કે તેને પ્રોત્સાહન આપવાનું ખમીર આ પ્રજામાં નથી. એટલે તેમના ભલા વિચારોનું સ્થાન હવે ભયાનક અને દંભી વિચારોએ લઈ લીધું છે.

વર્ષ 2009ની ચૂંટણીમાં પીલીભીતમાંથી વરુણ અંગારા વરસાવતો હતો. આ લોકો (મુસ્લિમો સમજવું)ના નામ બીક લાગે તેવા હોય છે...જેમ કે કરીમુલ્લા કે મઝહરુલ્લા...જો રાતે તમને મળી જાય તો..તમે ડરી જશો..પણ જો કોઈ હિંદુઓ પર આંગળી ઉઠાવશે...કે પછી કોઈ એમ માને છે કે હિંદુ નબળાં છે...તો હું ગીતાના સોગંધ લઉં છું કે હું તે હાથને કાપી નાંખીશ....અડવાણી એન્ડ કંપનીએ રામની છેતરપિંડી કરી અને હવે વરુણ ગાંધી કૃષ્ણ અને તેમની ગીતાને હાથો બનાવી રહ્યાં છે.

સંજય ગાંધી જેવી જ માનસિકતા વરુણ ધરાવે છે. પિતાની જેમ પુત્ર વરુણનું પણ માનવું છે કે, નેહરુ એક નબળા વ્યક્તિ હતા અને ભારતના ઇતિહાસમાં તેમના પિતા સંજય અને દાદી ઇન્દિરાએ જ નોંધપાત્ર કામ કર્યું છે. નૈતિક આદર્શવાદનો યુગ પૂર્ણ થઈ ગયો છે. જે રીતે સંજય ગાંધી ગુંડાગીરી પર ઉતરી આવતાં હતા તેવી જ છબી ઊભી કરવાનો પ્રયાસ વરુણ કરી રહ્યો છે. સંજય ગાંધી રાજકીય લાભ ખાટવા લોકોની ભાવના ભડકાવાનો વિકલ્પ વધારે પસંદ કરતાં હતા અને વરુણ ગાંધી પણ એ જ શોર્ટકટ અપનાવી રહ્યાં છે...

ચલતે-ચલતેઃ લેખક આન્દ્રે મલરૉક્સે એક વખત જવાહરલાલ નહેરુને પૂછ્યું હતું કે, 'આઝાદી ભારત સમક્ષ સૌથી મોટો પડકાર કયો છે?' નેહરુએ જવાબમાં કહ્યું હતું કે, 'એક ધાર્મિક દેશની અંદર એક ધર્મનિરપેક્ષ દેશનું નિર્માણ.'

No comments: