આપણી દ્રષ્ટિ સમક્ષ, અહીં ભારતમાં બે મોટાં ભયસ્થાનો દેખાય છે। તેમાંનું એક તે ભૌતિકવાદનો ભસ્માસુર અને બીજું તે નર્યા વહેમીવેડાનો નરકાસુર, પુરાણમતવાદ. આ બંનેનું જડમૂળ કાઢવું જોઇએ.
આજે એવા પણ માણસો છે જે પાશ્ચાત્ય વિદ્વત્તાનું પાન કરીને એમ માને છે કે પોતાને બધું જ્ઞાન પ્રાપ્ત થઈ ચૂક્યું છે। આપણા પ્રાચીન ઋષિઓની એ હાંસી ઉડાવે છે. હિન્દુઓએ જે કાંઈ વિચાર્યું છે તે એમને મન તુચ્છ છે; હિન્દુઓના દર્શન એમને મન કેવળ બાળકોનો બડબડાટ લાગે છે; હિન્દુઓનો ધર્મ એમને મન મૂર્ખાઓનો વહેમ જ લાગે છે.
અનુકરણ એ સંસ્કૃતિ નથી। હું રાજાનો વેશ ધારણ કરું છું તેથી કાંઈ રાજા થોડો જ બની જવાનો હતો? સિંહનું ખોળિયું પહેરવાથી ગધેડો કદી સિંહ નહીં જ બની શકે. અનુકરણ, કાયરવૃત્તિથી કરેલું અનુકરણ કદી પ્રગતિસાધક બની શકતું નથી. ઊલટું, માણસનાં ભયંકર પતનનું જ સ્પષ્ટ લક્ષણ બની રહે છે. જે ક્ષણે મનુષ્ય પોતાને તિરસ્કારવા માંડે છે તે ક્ષણે તેના પર અંતિમ કારી ઘા પડે છે, જ્યારે માણસને પોતાનાં પૂર્વજોનાં નામથી શરમાવા જેવું લાગે ત્યારે સમજી લેવું કે એનો અંત હવે દૂર નથી. ભારતની જે જીવનપ્રણાલી છે એને છોડીને ક્યાંયે કોઇના તાણ્યા તણાઇ જશો નહીં. ઘડીભર એમ માનશો નહીં કે ભારતવાસીઓ કોઈ બીજી પ્રજા જેમ ખાયપીએ, પહેરેઓઢે કે બોલેચાલે, તો તેથી ભારતનું કલ્યાણ થઈ જવાનું છે.
ત્યારે બીજી બાજુ શિક્ષિત છતાં અમુક પ્રકારની ઘેલછા જેને વળગી હોય એવો પણ એક વર્ગ છે જે દરેક વસ્તુના શુકન, અપશુકન જોવા બેસે છે। એની જાતિના, ખાસ દેવો વિશેના તથા એના અમુક ગામના વહેમોને એ તત્વજ્ઞાનની, અધ્યાત્મવિદ્યાની ને ભગવાન જાણે કેવાયે પ્રકારની બાલિશ દલીલો કરીને સાર્થ ઠરાવવા મથે છે.
આપણે ઘણા વહેમોને પોષ્યા છે, આપણા શરીર ઉપર ઘણાં ડાઘ અને વ્રણ છે। એ બધાંને છેદી નાખવાની જરૂર છે. એનાથી આપણા ધર્મનો, રાષ્ટ્રજીવનનો કે આપણી આધ્યાત્મિકતાનો નાશ થતો નથી. એથી ધર્મના કોઈ પણ સિદ્ધાંતને જરા સરખી આંચ આવતી નથી. એ ડાઘને જેટલા સત્વર આપણે દૂર કરીશું, તેટલા સત્વર જ ધર્મના શ્રેષ્ઠ સિદ્ધાંતો વધુ તેજસ્વી બની ઝળકી ઊઠશે.
સેન્ટર પોઇન્ટઃ ઢોંગી બનવા કરતાં સ્પષ્ટ વક્તા બનવું વધુ સારું છે
No comments:
Post a Comment