Tuesday, April 14, 2009

વિધવા મહિલાઓની ગાડી પાટે ચડાવતી બિનાલક્ષ્મી નેપરમ


લોકસભાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યાં છે। કોંગ્રેસ દેશનો વિકાસ કર્યા હોવાનો દાવો કરે છે તો ભાજપ મજબૂત સરકાર આપવાનું વચન આપે છે। ચૂંટણી ટાણે નેતાઓ આવે છે, વચનોની લ્હાણી કરે છે અને ગાદી મળતાં જ વચનોને યાદ રાખે તે નેતા એક બાપની ઔલાદ। આ નેતાઓના ફરજંદો હવે રાજકારણમાં પદાર્પણ કરી રહ્યાં છે. લોહીપાણી એક કરતી પ્રજાના ટેક્સમાંથી લીલાલહેર કરતાં આ રાજકારણીઓ હવે ક્યાંય ન ચાલે તેવા તેમના લાડકા સંતાનોને લોકસભામાં ઘુસાડી પ્રજાને માથે મારવા માગે છે। આ માટે તેઓ યુવાન નેતાઓને તક આપવી જોઇએ તેવી વાતો કરી ભોળી એટલે કે મૂર્ખ જનતાને મહામૂર્ખ બનાવી રહ્યાં છે. હકીકતમાં આ દેશમાં અનેક યુવાનો એવા છે જે ખૂણે બેસીને ખરેખર સમાજને એક સારો માર્ગ ચીંધી રહ્યાં છે. આવા જ એક સામાજિક કાર્યકર બિનાલક્ષ્મી નેપરમ છે.

34 વર્ષીય બિનાલક્ષ્મીએ મણિપુરમાં મણિપુર વૂમન ગન સરવાઇવર્સ નેટવર્ક (એમડબલ્યુજીએસએન)ની રચના વર્ષ 2004માં કરી હતી। આ સંગઠન મહિલાઓને લોન આપી નાનો-મોટો વ્યવસાય સ્થાપિત કરવામાં મદદ કરે છે. તેમણે ચાર વર્ષ પહેલાં વધતાં જતાં સુરક્ષા ખર્ચ પર ચર્ચા-વિચારણા કરવા કન્ટ્રોલ આર્મ્સ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયાની શરૂઆત પણ કરી છે.

બિનાલક્ષ્મી નેપરમ કિશારી હતી ત્યારે વિચારતી હતી કે બંદૂક અને હિંસા તો જીવનનો સામાન્ય હિસ્સો છે। મ્યાંમારની સરહદ પર સ્થિત મણિપુર નશીલી દવાની દાણચોરી અને ત્રાસવાદી સંગઠનોના હુમલાઓને કારણે જાણીતું છે. ગયા વર્ષે મણિપુરમાં વિભાજનવાદી ત્રાસવાદી સંગઠનોના હુમલામાં 700થી વધુ લોકો માર્યા ગયા છે અને 300 મહિલાઓ વિધવા થઈ છે.

નેપરમ સ્વદેશ પાછાં ફર્યા તે પહેલાં લંડનમાં એક બિનસરકારી સંગઠન સેફર વર્લ્ડ સાથે કાર્યરત હતા। ભારત આવ્યાં પછી તેમણે જાણકારી મળી કે, આતંકવાદીઓ અને સૈન્ય વચ્ચેની અથડામણમાં મહિલાઓ વિના કારણે ભોગ બને છે. આ કારણે તેમણે મહિલાઓને સામાજિક-આર્થિક સુરક્ષા પ્રદાન કરવા મણિપુર વૂમન ગન સરવાઇવર્સ નેટવર્કની સ્થાપના કરી છે. તેમનું કહેવું છે કે, આ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિઓ ચેપી રોગ જેવી છે જેમાં દરરોજ સેંકડો લોકો માર્યા જાય છે અને તેમની વિધવાઓની બાકીની જિંદગી નર્ક જેવી બની જાય છે.

એક યુવાન મહિલા દેશ માટે પોતાનાથી બનતું બધું કરી છે જ્યારે રાજકારણીઓનાં ઐય્યાશ અને દેશની વાસ્તવિક સમસ્યાઓની જાણકારીઓમાં ઢબુ પૈસાનો ઢ જેવા પુત્ર-પુત્રીઓ કરોડો રૂપિયાના રોડ શો કરી જનતા જનાર્દન પાસે મતોની ભીખ માગી રહ્યાં છે. ખૈર, જેમની માનસિકતા કંગાળ હોય તેમના વંશજો પાસેથી વધુ શું અપેક્ષા રાખી શકાય!

No comments: