Sunday, April 19, 2009

'આઝાદી પછી આદર્શ પત્રકારત્વનો છેલ્લો ટમટમતો દીવડો હસમુખ ગાંધી હતા'


'આઝાદી પછી આદર્શ પત્રકારત્વનો છેલ્લો ટમટમતો દીવડો હસમુખ ગાંધી હતા।' આ શબ્દો છે સુરતથી ચાલતાં ડેઇલી ટેબ્લોઇડ 'ડીબી-ગોલ્ડ'ના તંત્રી દિલીપ ગોહિલના. હસમુખ ગાંધી જેવા નિર્ભીક, તેજાબી અને સ્પષ્ટ વિચારો ધરાવતા સંપાદકના હાથ નીચે તૈયાર થયેલા દિલીપ ગોહિલ 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી' અને રેડિફની ગુજરાતી વેબસાઈટમાં આસિસ્ટન્ટ એડિટર હતા. 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી' કયા કારણસર બંધ થયું, રેડિફની વેબસાઇટને શી મુશ્કેલી નડી, અત્યારે ડીબી ગોલ્ડને પડતી મુશ્કેલી વગેરે વિષય પર તેમની સાથે શનિવારે સવારે વાતો થઈ, જે પ્રશ્નોતરી સ્વરૂપે રજૂ કરું છું:

પત્રકારત્વમાં પ્રવેશ કરવાની ઇચ્છા કેવી રીતે થઈ?
મારું મૂળ ગામ રાજુલા. પહેલેથી જ વાંચનનો શોખ હતો. વિવિધ મેગેઝીન અને પુસ્તકો વાંચતો રહેતો. તે સમયે લખવાની ઇચ્છા જાગી હતી. પછી ભાવનગર યુનિવર્સિટીમાં અંગ્રેજી વિષય સાથે સ્નાતકની ઉપાધિ મેળવી. (B.A. With English) તે સમયે લેખક બનવાનો થનગનાટ હતો, પણ ગુજરાતમાં સામાન્ય રીતે પ્રોફેસર-લેખકોની સંખ્યા વધારે છે. અહીં માત્ર લેખક તરીકે ગુજરાન ચલાવવું અત્યંત કઠિન છે, જ્યારે પ્રોફેસરો મફતમાં કે મફતના ભાવે ગમે તેવું સર્જન કરે તો પણ તેમને ઘર ચલાવવામાં વાંધો ન આવે.
તે સમયે મારી સમક્ષ શિક્ષક અને પ્રોફેસર બનવાની સારી તક હતી। અંગ્રેજી ભાષાની જાણકારી હોવી જોઈએ તેવી માનસિકતા લોકોમાં ઘડાઈ રહી હતી અને અન્ય વિષયના પ્રોફેસર કે શિક્ષક બનવા કરતાં અંગ્રેજીના વિષયમાં પ્રોફેસર કે શિક્ષક બનવું પ્રમાણમાં સરળ હતું, પણ શિક્ષકો વેદિયા હોય તેવી ભાવના પહેલેથી જ મારા મનમાં ઘૂસી ગયેલી. એટલે શૈક્ષણિક ક્ષેત્રમાં તો પ્રવેશ ન જ કરવો એવી ગાંઠ વાળી લીધેલી. તે પછી લેખક થવા માટે સૌથી નજીકનું ક્ષેત્ર પત્રકારત્વ છે તેવી જાણકારી મળી અને રાજકોટની સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં પ્રવેશ મેળવ્યો.

કારકિર્દીની શરૂઆત જનસત્તાથી થઈ હતી...
હા। જનસત્તામાં 1986-87માં ટ્રેઇની પત્રકાર તરીકે જોડાયો હતો. તે સમયે ગુજરાતી પત્રકારત્વનું કેન્દ્ર મુંબઈ હતું. બધા મોટા પત્રકારો અને લેખકો-સાહિત્યકારો મુંબઈમાં સ્થાયી થયેલા. મુંબઈના પત્રકારત્વનો અનુભવ લેવાની અને શક્ય હોય તો ત્યાં સ્થાયી થવાની ઇચ્છા મોટા ભાગના યુવાન પત્રકારોમાં જોવા મળતી હતી. જનસત્તામાં બે-પાંચ મહિના કામ કર્યું તે દરમિયાન મુંબઈથી પ્રસિદ્ધ થતાં 'યુવદર્શન'માં કામ કરવાની તક મળી. ત્યાં થોડો સમય કામ કર્યુ. પણ પત્રકાર તરીકે પહેલી વ્યવસ્થિત શરૂઆત 'સમકાલીન'થી થઈ.

હસમુખ ગાંધીના હાથ નીચે?
હા। મારું સૌભાગ્ય છે કે, ગુજરાતી પત્રકારત્વના ઉત્તમ તંત્રીની નજર હેઠળ મને કારકિર્દીની વ્યવસ્થિત શરૂઆત કરવાનો મોકો મળ્યો.

તે સમયે યુવાન પત્રકારોમાં હસમુખ ગાંધી આદર્શ સમાન હતા..
ચોક્કસ। તેમના હાથ નીચે તૈયાર થવું એક લહાવો હતો. યુવાન પત્રકારો તેમની સાથે કામ કરવાનું સ્વપ્ન સેવતા હતા. પણ તેમની સાથે કામ કરવું બહુ મુશ્કેલ હતું. તેમને સ્વભાવ બહુ આકરો હતો. તેઓ પત્રકારત્વના સિદ્ધાંતો તથા ગુણવત્તાયુક્ત ભાષાના આગ્રહી હતા. આઝાદી પછી પત્રકારત્વનો જે આદર્શ હતો તેની તે છેલ્લી મશાલ સમાન હતા, સ્વતંત્રતા પછી આદર્શ પત્રકારત્વનો છેલ્લો ટમટમતો દીવડો હતો.

હસમુખ ગાંધીને ગુજરાતી પત્રકારત્વના ઉત્તમ તંત્રી ગણવામાં આવે છે.....
તેઓ પત્રકારત્વના સિદ્ધાંતો અને ભાષા સાથે બાંધછોડ કરતાં નહીં। યુવાન પત્રકારોને પ્રોત્સાહન આપતા। ભૂલ હોય તો ટકોર કરતા। તેઓ માનતા હતા કે, તંત્રી કોઈ પત્રકારનો દોસ્ત ન હોઈ શકે, જ્યારે અત્યારે તંત્રીઓ આખી દુનિયાના દોસ્ત હોય છે। તેમનામાં સાચું કહેવાની તાકાત હતી, કારણ કે તેમને તેમની આવડત પર વિશ્વાસ હતો। તેમના હાથ નીચે પત્રકારત્વની એક આખી પેઢી તૈયાર થઈ છે. તેમનો સૌથો મોટો ગુણ તટસ્થતા હતી। તેઓ પૂર્વગ્રહથી પર હતા. ન્યાયાધીશની જેમ તંત્રી પણ શંકાથી પર હોવો જોઈએ અને ગાંધીસાહેબની પત્રકારત્વ પ્રત્યેની નિષ્ઠા પર કોઈ આંગળી ચીંધી ન શકે. તેની સરખામણીમાં અત્યારે તંત્રીઓ દલાલની ભૂમિકા ભજવી રહ્યા છે. હાલ મોટા ભાગના તંત્રી દલાલ જ છે. અત્યારે વાતાવરણ જ એવું છે કે, સારો દલાલ હોય તે જ તંત્રી થઈ શકે.

સમકાલીન છોડ્યા પછી તમે 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી' મેગેઝીનમાં જોડાયા હતા. તેની ગુણવત્તા સારી હોવા છતાં બંધ થવાનું કારણ?
'ઇન્ડિયા ટુડે'નું મેનેજમેન્ટ. તે 'ઇન્ડિયા ટુડે-અંગ્રેજી' જેવું સ્ટાન્ડર્ડ ગુજરાતીમાં જાળવી રાખવાનો આગ્રહ ધરાવતું હતું. આ માટે તેમણે 'ઇન્ડિયા ટુડે-અંગ્રેજી'ના મોટા ભાગના વિષયો ગુજરાતી મેગેઝીનમાં આપવાની શરૂઆત કરી. એટલે અનુદિત પત્રકારત્વ વધારે થઈ ગયું અને સામાન્ય ગુજરાતીઓ સ્પર્શી ન શક્યું. (આ જ ધંધો અત્યારે 'સન્ડે ઇન્ડિયન' નામનું એક ગુજરાતી મેગેઝીન કરી રહ્યું છે અને તેને સફળતા મળી નથી। આ જ રીતે ચાલતું રહેશે તો નિષ્ફળતા મળવાની પૂરેપૂરી ખાતરી છે- કેયૂર કોટક)

ખરેખર મેનેજમેન્ટે 'ઇન્ડિયા ટુડે-અંગ્રેજી'નાં પત્રકારત્વનું જે સ્ટાન્ડર્ડ હતું તેવી ગુણવત્તા ગુજરાતી પત્રકારત્વમાં વિકસાવવાની જરૂર હતી। 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી'માં ગુજરાત અને ગુજરાતીઓને રસ પડે તેવી માહિતીઓ પીરસવાની જરૂર હતી. પણ મેનેજમેન્ટ આ વાત સમજ્યું નહીં એટલે મેગેઝીન 'ક્લાસ' માટે બની ગયું અને 'માસ'માં પકડ જમાવી શક્યું નહીં. તેનું સર્કયુલેશન વધ્યું નહીં. દરમિયાન હર્ષદ મહેતાનું કૌભાંડ બહાર આવ્યા પછી મંદીનો ગાળો હોવાથી જાહેરાતની આવક પણ ઘટી ગઈ. તેની સામે ખર્ચ બહુ વધારે હતો એટલે મેનેજમેન્ટે મેગેઝીન બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

'ઇન્ડિયા ટુડે-ગુજરાતી'ના સંપાદક શીલા ભટ્ટે મેનેજમેન્ટ સમક્ષ ગુજરાતીઓને પોતાનું લાગે તેવી માહિતી મેગેઝીને આપવી જોઈએ એ પ્રકારની રજૂઆત કરી નહોતી?
તેમણે રજૂઆત કરી હતી, પણ મેનેજમેન્ટ તેના નિર્ણય પર મક્કમ હતું। તેઓ અંગ્રેજી મેગેઝીન જેવો વાચકવર્ગ ગુજરાતમાં વિકસાવવા માંગતા હતા. આ માટે મેનેજમેન્ટે ધીરજ ધરવાની તૈયારી પણ દેખાડી હતી. પણ પાંચ-છ વર્ષમાં જ ધીરજ ખૂટી ગઈ હોય તેવું લાગ્યું.

ઇન્ડિયા ટુડેમાં કામ કરવાનો શો ફાયદો થયો?
પત્રકારત્વની સ્કિલનો પરિચય થયો, કમ્પાઇલેશન અને પ્રેઝન્ટેશન સારામાં સારું કેવી રીતે કરવું તેનો અનુભવ મળ્યો। મારી કારકિર્દીની વ્યવસ્થિત અને સારી શરૂઆત સમકાલીનમાં થઈ તો ઇન્ડિયા ટુડેમાં મારી કારકિર્દીને વેગ મળ્યો. હું તેમાં જુનિયર પત્રકાર તરીકે જોડાયો હતા અને ચાર વર્ષમાં ચાર પ્રમોશન સાથે આસિસ્ટન્ટ એડિટર થયો હતો. પત્રકારત્વનાં બે પાસાં-ડેસ્ક (તંત્રી) અને રિપોર્ટિંગ (રિપોર્ટર)માં તૈયાર થવાની તક મને બે કાબેલ માણસો પાસેથી મારી કારકિર્દીની શરૂઆતમાં જ મળી. સમકાલીનમાં હસમુખ ગાંધી નીચે ડેસ્કનું કામકાજ શીખ્યો તો ઇન્ડિયા ટુડે-ગુજરાતીમાં શીલા ભટ્ટ સાથે રિપોર્ટિંગ સ્કિલ વિકસી. મને ગુજરાતી ભાષાના આ બંને ઉત્તમ પત્રકારો સાથે કામ કરવાનો લહાવો મળ્યો.

ગુજરાતી પત્રકારત્વમાં શીલા ભટ્ટ, વર્ષા પાઠક જેવી મહિલા પત્રકારો આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે. તેનું શું કારણ?
મુખ્ય પ્રવાહનાં અખબારો મહિલા પત્રકારોને બહુ તક આપતાં નથી અને તેમને જોઈએ તેવું વાતાવરણ મળતું નથી। શીલા ભટ્ટ અને વર્ષા પાઠક બંનેને ચિત્રલેખામાં મનપસંદ કામ કરવાની તક મળી અને સાથેસાથે તેમને અનુકૂળ વાતાવરણ મળ્યું હતું. ઉપરાંત તે બંને ક્ષેત્રમાં આગળ વધવા મહેનત કરવા તૈયાર હતાં.

અત્યારે ગુજરાતી પત્રકારત્વમાં મહિલા પત્રકારોની સંખ્યા વધી છે...
(હસતાં-હસતાં) સંખ્યા અને ગુણવત્તાને બહુ ઝાઝો સંબંધ નથી. સંખ્યા વધી છે અને અત્યારે ટીવીમાં મહિલા પત્રકારો માટે સારી તક છે, પણ તેમનામાં રૂટિનથી વિશેષ કંઈ કરવાનો બહુ ઉત્સાહ નથી તે હકીકત છે.

તમે પછી શીલા ભટ્ટ સાથે રેડિફની ગુજરાતી વેબસાઇટમાં પણ આસિસ્ટન્ટ એડિટર તરીકે કામ કરેલું..
ઇન્ડિયા ટુડે-ગુજરાતી બંધ થયું પછી ઘરે બેઠો। આર્થિક સુમેળ સાધવા નાનાં-મોટાં અખબારોમાં કામ કર્યું. પછી રેડિફની ગુજરાતી વેબસાઇટમાં કામ કર્યું. તે એક નવા જ પ્રકારનું પત્રકારત્વ હતું. તેમાં મને શીલાબહેન સાથે ફરી એક વખત કામ કરવાની તક મળી હતી.

રેડિફની વેબસાઇટે પણ કામ ખરેખર સારું કર્યું હતું તેમ છતાં તેને પણ નિષ્ફળતા મળી. તેનું શું કારણ?
શીલા ભટ્ટ, વિક્રમ વકીલ અને અમારી ટીમે ખરેખર સારું કામ કર્યું હતું। ધરતીકંપ વખતે બિનનિવાસી ગુજરાતીઓમાં અમારી વેબસાઇટ સૌથી વધુ જોવાતી હતી. આ કામગીરી બદલ અમારી સાઇટને અમેરિકાની યુનિવર્સિટીનો એક ઇન્ટરનેશનલ જર્નાલિઝમ એવોર્ડ પણ મળ્યો હતો. અમે ધરતીકંપ વખતે ઝડપથી સચોટ માહિતી આપતા હતા. પણ ફરીથી આવકની સમસ્યા હતી. કોઈ પણ સાહસ આવક ન કરે તો તેને બંધ કરી દેવામાં જ ભલાઈ છે. હકીકતમાં તે ઇન્ટરનેટના પ્રસારનો પ્રારંભિક સમયગાળો હતો. તેમાં ગુજરાતી વેબસાઇટનો વિચાર સમય કરતાં આગળ હતો. વળી તે સમયે ઇન્ટરનેટનો તેજીનો ફુગ્ગો ફૂટી ગયો એટલે અમને બેવડો ફટકો પડ્યો. આવકના સ્રોત ઘટી ગયા એટલે સ્વાભાવિક રીતે તેને બંધ કરી દેવા સિવાય મેનેજમેન્ટ પાસે અન્ય કોઈ વિકલ્પ જ નહોતો.

એટલે એવું કહી શકાય કે તમે મંદીના સરળ શિકાર છો...
(હસતાં-હસતાં) 1990 પછી તમામ મંદીનો ભોગ બન્યો છું।

ઘણા પત્રકારો એવું કહે છે કે, તમે ક્યાંય બહુ ટકતા નથી..
તેમાં અર્ધસત્ય છે। જ્યાં મને કામ કરવાની મજા આવતી હતી તે બધાં માધ્યમો કે પ્રકાશનો જમાના કરતાં આગળ હોવાથી સ્પર્ધામાં ટકી શક્યાં નહીં એટલે બંધ થઈ ગયાં. ઇન્ડિયા ટુડે અને રેડિફ છોડવાનો કોઈ સવાલ જ નહોતો. બાકીની નોકરીઓમાં કામ કરવાની મજા નહોતી આવતી એટલે છોડી દીધી. હું માત્ર રૂપિયા માટે કામ કરવામાં માનતો નથી. રૂપિયા જીવનમાં જરૂરી છે, પણ સારું કામ કરવાથી જે સંતોષ મળે તેનાથી વિશેષ બીજી કોઈ બાબત નથી.

તમે રેડિફ પછી ઇ-ટીવીમાં જોડાયા હતા. તે અનુભવ તમારા માટે એકદમ નવો હતો...
સાચું કહું તો મેં કામ કર્યું તેના કરતાં ઘરે વધારે બેઠો છું। તે પછી થોડો સમય નાનું-મોટું કામ કર્યું. ઇ-ટીવી દ્વારા ટીવી ચેનલમાં કામ કરવાનો અનુભવ મળી ગયો. તે એક અલગ પ્રકારનો અનુભવ હતો. ઇન્ડિયા ટુડે-ગુજરાતી અને રેડિફની ગુજરાતી વેબસાઇટ એ 'હાઇ કોસ્ટ, હાઇ કલાસ ઓપરેશન' હતાં, જ્યારે ઇ-ટીવી 'લો-કોસ્ટ ઓપરેશન' હતું. ઇ-ટીવીમાં મેનપાવર અને ક્વોલિટીની મુશ્કેલી હતી. મારે પત્રકારત્વમાં પા પા પગલી માંડતા યુવાનોને વ્યાવહારિક તાલીમ આપવી પડી હતી. તેમાંથી હું પણ ઘણું બધું શીખ્યો હતો. અમે ઇ-ટીવીમાં જે ક્વોલિટી કંટ્રોલ સિસ્ટમ દાખલ કરી છે, તેનું આજે પણ પાલન કરવામાં આવે છે.

ઇ-ટીવીમાં પણ તમે બહુ સમય કામ નહોતું કર્યું....
ઇ-ટીવીમાં હું હૈદરાબાદ હતો। તે સમયે અમદાવાદમાં ડેઇલી ટેબ્લોઇડ 'મેટ્રો' શરૂ થયું હતું. એટલે પાછો ફર્યો અને તેમાં જોડાયો. પણ મેનેજમેન્ટમાં મેટ્રોને આગળ વધારવાની બહુ પ્રતિબદ્ધતા નહોતી. એટલે ધીમેધીમે તેમાંથી રસ ઊડતો ગયો. તેવામાં ભાસ્કર ગ્રૂપે સુરતમાંથી ડેઇલી ટેબ્લોઇટ 'ડીબી ગોલ્ડ' શરૂ કર્યું. તેમાં એડિટર તરીકે જોડાયો.

ડીબી ગોલ્ડ પણ મંદીનો શિકાર બન્યું છે....
મેં કહ્યુંને કે હું મંદીનો આસાન શિકાર છું। અમારું સર્કયુલેશન સારું એવું છે અને તેમાં એક કોપીનો ઘટાડો થયો નથી. પણ સમસ્યા ફરીથી આવકની છે. મંદી આવતાં જાહેરાતની આવક ઘટી ગઈ છે.

મેનેજમેન્ટ સુરતમાં શિફ્ટ કરવા વિચારે છે?
હા, મેનેજમેન્ટ એવું વિચારે છે, પણ અવઢવમાં છે। હજુ કાંઈ નક્કી થયું નથી. જોઈએ શું થાય છે.

તમે રેડિયો સિવાય સમાચાર સાથે જોડાયેલાં મોટા ભાગનાં માધ્યમમાં ખરેખર સારું કામ કર્યું છે. તેના ફાયદા અને ખાસ તો ગેરફાયદા શા છે?
(હસતાં-હસતાં) ફાયદો એ કે બેકાર થયા પછી કોઈ પણ માધ્યમમાં હું નોકરી કરી શકું। મારી પાસે તમામ માધ્યમનો સારો અનુભવ છે અને ગેરફાયદો એ કે મેં 'ઇન્ડિયા ટુડે-ગુજરાતી' અને રેડિફ સિવાય લાંબો સમય કામ કર્યું નહીં. જોકે લાંબો સમય એક જગ્યાએ કામ કરવાથી આ ક્ષેત્ર માટે કંઈ કરી શકાતું ન હોય તો તેનો કંઈ અર્થ નથી.

તમે બે દાયકા કરતાં વધારે સમયથી પત્રકારત્વમાં છો. આ સમયગાળામાં તમને શો ફરક દેખાય છે?
સૌથી મોટો ફરક તો તેની અસરકારકતાનો છે। તે સમયે લોકોને અખબારોમાં વિશ્વાસ હતો. તેમાં પ્રગટ થતાં સમાચારોમાં સરકારને ઉથલાવી દેવાની તાકાત હતી. પણ આર્થિક ઉદારીકરણ પછી ચિત્ર બિલકુલ બદલાઈ ગયું છે. પત્રકારત્વમાં મિશનનું સ્થાન કમિશને લીધું છે. અત્યારે સંપાદકે સમાચારોનું સંપાદન કરવાને બદલે બીજા ન કરવાનાં કામ વધુ કરવા પડે છે. મિડિયા મેનેજરોનો જમાનો છે. આજે આ ક્ષેત્રમાં ગ્લેમર વધી ગયું છે. લોકોમાં સમાચાર માધ્યમોની વિશ્વસનીયતા રહી જ નથી.

બીજો ફરક ભાષાનો છે। જેમ જેમ પેઢી બદલાય તેમ ભાષાનો ઘાટ બંધાતો જાય. તેને બદલે રિવર્સ ટ્રેન્ડ જોવા મળે છે. આજે કોઈ નવો પત્રકાર સળંગ પાંચ સાચાં વાક્ય લખી દે તો નવાઈ લાગે.

યુવાન પત્રકારો વિશે તમારું શું માનવું છે?
મોટા ભાગના યુવાન પત્રકારો પત્રકારત્વમાં કેમ આવ્યા છે તેની ખબર જ પડતી નથી. અમારી વખતે જે વાંચતા-લખતા હોય તેને જ પત્રકારત્વમાં પ્રવેશ મળતો. ભાષા અને વિષયની સમજ જરૂરી હતી. અમને ખબર જ હતી કે રૂપિયા ઓછા જ મળવાના છે તેમ છતાં પત્રકારત્વ પ્રત્યે પ્રતિબદ્ધ હતા. અત્યારે તો ટીવી અને સેટેલાઇટને કારણે આ ક્ષેત્રમાં ગ્લેમર વધી ગયું છે. લોકો પૈસો અને પ્રસિદ્ધ મેળવવા પત્રકારત્વમાં પ્રવેશ કરી રહ્યાં છે, પણ તે માટે મહેનત કરવા તૈયાર નથી.
-------------
દિલીપ ગોહિલ કવિજીવ પણ છે। તેમની એક કવિતા 'નિસ્સાસા'ની નકલ 'ઇકોનોમિક ટાઇમ્સ'માં મારી સાથે કામ કરતા અજિત મકવાણાએ આપી હતી.

નિસ્સાસા

નિસ્સાસા નિસ્સાસા, મણમણના નિસ્સાસા
શમણા કેરી સુંદરીઓના કિસ્સાસા કિસ્સાસા...મણમણના નિસ્સાસા..
બારીઓમાં ઉઘડે ને દ્વારમાંથી ખુલ્લે એ છોડિયુંની
શેરીના રસ્તા ભાઈ લિસ્સાસા લિસ્સાસા...મણમણના નિસ્સાસા..
લગરિક બોલે પણ લાટ લજવાય જવાનીના
બોલ બહુ લાગે મને મિઠ્ઠાસા મિઠ્ઠાસા....મણમણના નિસ્સાસા..
સ્તનો કેરા ખેલ માંડે ટી-શર્ટમાં જોગણિયું
ને દેહ કેવા કળાય જાની અચ્છાસા અચ્છાસા...મણમણના નિસ્સાસા..
ચાલ ચાલે મલપતી ચાલે તો છોકરાવની
સાયકલુંના ચક્ર ફરે ધીમ્માસા ધીમ્માસા...મણમણના નિસ્સાસા..

1 comment:

Umesh Deshpande said...

Thanks Mayur for Publishing Frank interview of mr Dilip Gohil.