Wednesday, April 15, 2009

'90 ટકા ગુજરાતી કવિતાઓ સાંભળી-વાંચીને એમ જ લાગે છે કે આખી પ્રજાને હીજડાઓ કરી મૂકવાનું ષડયંત્ર રચાઈ ગયું છે'


પુસ્તકઃ ઇન્ટરવ્યૂઝ
લેખક-સંપાદકઃ યશંવત ત્રિવેદી
પ્રકાશકઃ આર આર શેઠની કંપની
કિંમતઃ રૂ. 38

અચાનક મારી તેના પર નજર પડી અને તેને મારું બનાવવામાં એક પણ ક્ષણનો વિલંબ ન કર્યો। હું આવું સાહસ હવે માત્ર પુસ્તકો સાથે જ કરી શકું છું. ''ઇન્ટરવ્યૂઝ'' નામના આ પુસ્તકમાં યશંવત ત્રિવેદીએ મનુભાઈ પંચોળી 'દર્શક', ડો. ચંદ્રવદન ચી મહેતા, સુંદરમ, ડો. રમણલાલ જોશી, ઉમાશંકર જોશી, ચન્દ્રકાંત બક્ષી જેવા ગુજરાતના જાણીતા સાહિત્યકારોની વિસ્તૃત મુલાકાત લીધી છે. અહીં ચન્દ્રકાંત બક્ષીની મુલાકાતનો એક અંશ મૂકું છું.

યશવંત ત્રિવેદીઃ તમે વિધાન કર્યું છે કે, ''કોઈ પણ sensible માણસ કવિતા લખે નહિ,'' તો શું બધા કવિઓ non-sensible છે? ઊલટાનું, તમારાં વર્ણનો અને સંવાદો ખૂબ કાવ્યમય હોય છે। તો તમારા વિષે ભાવકે શું સમજવું? કેટલીકવાર વિવેચકો વાર્તાઓ વિષે એવું કહે છે કે ''વાર્તા કાવ્યનાં સીમાડા પર પહોંચી જાય છે,'' તે વિષે તમે શું વિચારો છો?

બક્ષીઃ ક્યાંક વાંચ્યું હતું કે કવિતા, વરાળની જેમ, દબાણ હોય તો જ સર્જાય છે। કવિતા આત્માની ભૂગોળનું દર્શન છે. ગઝલનો અર્થ વાંચ્યો હતો કે, ગિઝલા (હરણનું બચ્ચું) જીવલેણ રીતે આહત થઈ ગયું ત્યારે ગળામાંથી જે અંતિમ ઘરઘરાટ કરે એને ગઝલ કહેવાય છે-અને એ ગઝલ જીવનમાં એક જ વાર આવે. કવિતા એક રઈસી કલાપ્રકાર છે, શબ્દોનો ઉપયોગ સમાપ્ત થઈ જાય પછી રહેતા ભાવોમાંથી કાવ્યનું સર્જન થતું હોય છે, કવિતામાં પ્રત્યેક અલ્પવિરામ અને પ્રત્યેક ખાલી જગ્યાનો પણ ગર્ભિત અર્થ હોય છે. કવિતાના સર્જક પાસે વિષય અને સાધનોની, ન્યૂરોસર્જન પાસે હોય છે એમ પાક્કી ચોકસાઈ અને સફાઈ જોઈએ. આજના યુગમાં કવિતા એક મૃતઃપ્રાય કલાપ્રકાર છે. ટેકનોલોજીનો યુગ અને કવિઓની નવરી ઉડાનો આ બેનું સહઅસ્તિત્વ સંભવ નથી. કવિતામાંથી સંગીત અને ગેયતા ઓગળી જાય છે ત્યારે કવિતાનાં હાડકાં બોલાવ માંડે છે. કવિતાના શ્રેષ્ઠ દિવસો મરી ચૂક્યા છે.

1971ના ડિસેમ્બરના ભારત-પાકિસ્તાનના યુદ્ધ નિમિત્તે લખાયેલાં શૌર્યગીતો તમે વાંચ્યા-સાંભળ્યાં છે? કોઈ sensible માણસ યુદ્ધને આ રીતે જોઈ શકે? મુંબઈના ગુજરાતી રેડિયો પર જેને હું ''ગમાણ'' કહું છું-ગુજરાતના જૂના જોગીઓ વારે-તહેવારે જે કવિતાઓ છોડે છે એ સાંભળી છે? 90 ટકા ગુજરાતી કવિતાઓ સાંભળી-વાંચીને તમને એમ જ લાગે છે કે આખી પ્રજાને હીજડાઓ કરી મૂકવાનું એક ષડયંત્ર રચાઈ ગયું છે, મને ગુજરાતી કવિઓનો બહુ મોટો ભાગ હંમેશા રમૂજી લાગ્યો છે। કવિતા લખવાનું, આવી કવિતાઓ લખવાનું મારું કામ નથી - હું કોઈ દિવસ નિર્વીર્ય કવિતાઓ લખવાનો નથી. દસ-પાંચ ટકા કવિઓ મને ગમે છે જેમના પરવાઝમાં એમની ઘુટનનું સાતત્ય સ્પષ્ટ દેખાય છે. બાકી કવિતાકારો માત્ર ગમ્મત આપે છે.

''વાર્તા કાવ્યની સીમા પર પહોંચે છે'' એ કથનથી વધીને વાર્તાનું બીજું અપમાન નથી. આવું લખનારા-બોલનારા ન વાર્તાને સમજે છે, ન કવિતાને. કવિતા એટલે ઉચ્ચ અને વાર્તા એટલે ઉચ્ચથી જરા નીચે આવા રમૂજી વિચારો આ કળિયુગમાં રાખવા બુદ્ધિનાશની નિશાની છે. વાર્તા પોતાની રીતે સ્વસ્થતાની ચરમ સીમા પર પહોંચેલો એક કલાપ્રકાર છે, એને કવિતાનાં કોષ્ટકોમાં ગોઠવીને પીઠ થાબડવાની જરૂર નથી. ''કાવ્ય વાર્તાની ઊંચાઈએ પહોંચે છે,'' એવી વિચિત્ર તુલના કરી શકાય? ''વાર્તા કાવ્યની સીમા પર પહોંચે છે'' એવું વાંચું છું ત્યારે મને વિચાર આવે છે કે ''વાઘની આંખો મોરપીંછના રંગની સીમા પર પહોંચે છે'' જેવું મૂર્ખાઈભર્યું કોઈ કહી રહ્યું છે...હું આ બધાનો અર્થ સમજતો નથી.

1 comment:

Anonymous said...

નેહલ મહેતાએ તમારા બ્લોગ અંગે ધ્યાન દોર્યુ. સરસ બ્લોગ. આ પોસ્ટની લિન્ક નીચે આપેલ કોમ્યુ પર મૂકેલ છે .
http://www.orkut.co.in/Main#CommMsgs.aspx?cmm=16175426&tid=2594108943559452836&na=4