Thursday, July 16, 2009

બચ્ચન પાન કોર્નર....


બોલીવૂડના સાચા અને એકમાત્ર સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને 'કૂલી' ફિલ્મના શૂટિંગમાં જીવલેણ ઇજા થઈ અને તે બ્રીચકેન્ડી હોસ્ટિપટલમાં જીવને અને મૃત્યુ વચ્ચે સંઘર્ષ કરી રહ્યાં હતા. આ વાત હું, તમે અને આખી દુનિયા જાણે છે. પણ બહુ ઓછાને ખ્યાલ હશે કે, તે સમયે મુંબઈના એક થિયેટરની બહાર ટિકિટો કાળા બજારમાં વેચતો એક માણસ જયા બચ્ચન પાસે પહોંચી ગયો અને તેણે માત્ર એટલું જ કહ્યું, બચ્ચનસાહેબના જીવનની જેટલી તમારે જરૂર છે તેટલી જરૂર મારે અને મારા જેવા અનેક લોકોને છે. જયા બચ્ચન ચમકી ગયા અને પછી કાળા બજારિયાએ કહ્યું, 'હું બચ્ચનસાહેબની ફિલ્મોની ટિકિટો કાળા બજારમાં વેંચું છું અને તેમાંથી જ મેં મારી ત્રણ દિકરીના લગ્ન કર્યા છે.'

1980ના દાયકામાં મુંબઈની મુલાકાતે આવેલા ફ્રાન્સના એક ફિલ્મ વિવેચકે અમિતાભ બચ્ચનને 'વન મેન ઇન્ડસ્ટ્રીઝ' ગણાવ્યા હતા. રીમઝીમ વરસાદમાં ગરમાગરમ દાળવડા ચપોચપ વેંચાઈ જાય તેમ અમિતાભ બચ્ચન નામે પેન, સીમેન્ટ, તેલ, કોલ્ડ ડ્રિંક્સ, ફેઇરનેસ ક્રીમ જેવી અનેક ચીજવસ્તુઓનું ધૂમ વેચાણ થાય છે. પણ આ બધી કંપનીઓને બીગ-બીના નામનો ઉપયોગ કરવાનો વિચાર આવ્યો તે પહેલાં તેમને પૂછ્યાં વિના અને એક પણ રૂપિયો ચૂકવ્યાં વિના આપણા એક ગુજરાતી બંધુએ તેમને પોતાના ધંધાના બ્રાન્ડ એમ્બેસેડર બનાવી દીધા છે. બચ્ચનની સ્ટાઇલમાં કહીએ તો હઇ...! સાલ્લા..યે તો પક્કા ગુજરાતી નીકલા..
વાત છે મણિનગર રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ વિસ્તારમાં છેલ્લાં સાડા ત્રણ દાયકાથી ધમધોકાર ચાલતાં બચ્ચન પાન કોર્નરની. લગભગ 35 વર્ષ પહેલાં કોઈ કંપનીના માર્કેટિંગ હેડને એવો ખ્યાલ પણ નહોતો કે બચ્ચનના નામે ધંધો કરીએ તો ચાંદી જ ચાંદી થઈ જાય. ત્યારે જિતેન્દ્ર ગોરધન પટેલે બોલીવૂડના મહાનાયકના નામે પાનનો ગલ્લો શરૂ કર્યો. તે પછી તેમણે ક્યારેય પાછું વળીને જોયું નથી. તે અને તેમનો પરિવાર બચ્ચન પાન કોર્નર કરીને તરી ગયા. 60 વર્ષની ઉંમર ધરાવતા જિતુભાઈએ આ પાન કોર્નરમાંથી થતી આવકમાંથી તેમના છોકરાઓને ભણાવી-ગણાવી લાઇને કર્યાં છે. ગઈકાલે મણિનગર ઓવરબ્રીજ નીચે સ્થિત સિંધી માર્કેટ પાસેથી પસાર થયો ત્યારે બચ્ચન પાન કોર્નર જોઇને ઊભો રહી ગયો. મને મહાનાયકના આ ગ્રેટ ફેન વિશે જાણવાની ઇચ્છા થઈ. હુક્કાપાણી કરતાં કરતાં તેમની સાથે થયેલી વાતચીત રજૂ કરું છું:

તમારું નામ?
(જિતુભાઈ અગ્નિપથની સ્ટાઇલમાં જવાબ આપતાં કહે છે) જિતુ ગોરધન પટેલ

અમિતાભ બચ્ચનના બહુ મોટા આશિક છો...
બચ્ચન કોને પસંદ નથી...

ગલ્લાનું નામ પહેલેથી બચ્ચન પાન કોર્નર છે?
ચાલુ કર્યો ત્યારથી.

તેની પાછળનું કારણ?
આપણને તે ગમતો હતો એટલે. બીજું કોઈ કારણ નથી.

તમે સેટ થઈ ગયા..
જોરદાર. આખા એરીયામાં નામ થઈ ગયું. બધા દુકાનના નામ પોતાના ભગવાનના નામે રાખે, પણ આપણે બચ્ચનના નામે શરૂ કર્યું. ધંધો જામી ગયો.

બચ્ચને ફ્રેન્ચ દાઢી રાખી પછી તમે પણ તે જ સ્ટાઇલ અપનાવી લીધી?
કૌન બનેગા કરોડપતિ જોયું પછી આપણે પણ ફ્રેન્ચ દાઢી રાખવાનું શરૂ કર્યું છે. તે સ્ટાઇલ બદલશે પછી બદલી નાંખશું.

આખા એરીયામાં તમને બધા બચ્ચન જ કહે છે ને?
બચ્ચન તરીકે જ ફેમસ છું...

બચ્ચનની સૌપહેલી ફિલ્મ કઈ જોઈ હતી?
દિવાર.

અત્યાર સુધી કેટલી વખત જોઈ છે?
લગભગ 70 વખત. તેમાંથી 50 વખત તો થિયેટરમાં. 'મુકદર કા સિંકદર' 36 વખત જોઈ. અગ્નિપથ 40 વખત જોઈ. 'ડોન' 50થી વધુ વખત જોઈ. બચ્ચનની મોટા ભાગની ફિલ્મો ઓછામાં ઓછી 25 વખત જોઈ હશે.

દિવારનો ફેવરિટ ડાયલોગ?
જાઓ પહેલે ઉસે પકડ કર લાઓ જિસને મેરે હાથ પર યે લિખ દિયા કિ મેરા બાપ ચોર હૈ...
(મારા મનમાં તરત જ એક શબ્દ આવ્યો હંઈ...)

તે વખતે કાળા બજારિયાનો ધંધો ધમધોકાર ચાલતો હતો...
'દિવાર'થી 'ખુદા ગવાહ' સુધી કાળા બજારિયાઓનો જમાનો હતો..

'કુલી' વખતે રાજકોટમાં બચ્ચનના એક પ્રશંસકે ચાલીને ચોટીલા ચામુંડાના માતાના દર્શન કરવાની બાધા રાખી હતી. તમે કંઈ બાધા-માનતા રાખી હતી?
હા. કેમ નહીં? બચ્ચન જ્યાં સુધી સાજો ન થયો ત્યાં સુધી એક ટાઇમ જ ખાતો હતો...

બચ્ચન રાજકારણમાં પ્રવેશ્યા ત્યારે તેમને ગમ્યું હતું?
તેનું કામ નહીં. સારા માણસે રાજકારણથી દૂર જ રહેવું જોઇએ. રાજીવ ગાંધીની ભાઇબંધીને કારણે રાજકારણમાં ગયો પણ સારું થયું પાછો લાઇને ચડી ગયો.

બચ્ચને અમિતાભ બચ્ચન કોર્પોરેશન લિમિટેડ (એબીસીએલ) બનાવી પણ ફેઇલ ગયો. છેવટે અભિનય તરફ જ પાછું ફરવું પડ્યું...
તે સાચો કલાકાર છે. બીજી બધી લાઇનમાં તેનું કામ નહીં...

(ત્યાં એક ભાઈ પાન લેવા આવ્યા તેમણે કહ્યું જિતુભાઈ દર વર્ષે બચ્ચનનો જન્મદિવસ પણ ઉજવે છે)

સાચી વાત છે, જિતુભાઈ?
હા. દર વર્ષે 11 ઓક્ટોબરે મારા ગલ્લાની બહાર મંડપ બાંધું છું અને બચ્ચનનો મોટો ફોટો મૂકું છું. ચોકલેટ વહેંચીએ. કાયમી ગ્રાહકને પાન આપીએ. મંડપના બચ્ચનના પીક્ચરના ગીત વગાડીએ, તેના ડાયલોગ્સ વગાડીએ. તે દિવસે તો રાતે સો જેટલા લોકો ભેગા થઇએ. છેલ્લાં એક-બે વર્ષથી અમે બધા ગાંધીગ્રામ અમિતાભ પાન પાર્લર છે ત્યાં બચ્ચનનો જન્મદિવસ ઉજવીએ છીએ.

ગયા વર્ષે જન્મદિવસે તો બચ્ચનસાહેબ બિમાર હતા...
હા, ગયા વર્ષે અમે જન્મદિવસ ઉજવ્યો નહોતો. પણ ધૂન રાખી હતી. તે તાજોમાજો રહે એટલે તેના માટે પ્રાર્થના કરતાં હતા.

બચ્ચનની બીજી ઇનિંગ્સમાં કઈ ફિલ્મ સૌથી વધી ગમી?
બાગબાન, સરકાર, સરકાર ટૂ, વક્ત, આંખે, નિઃશબ્દ. આજની પેઢીએ ખાસ જોવા જેવી ફિલ્મ છે. પીક્ચરના એન્ડમાં જોરદાર ડાયલોગ બોલે છે. આજનો કોઈ હીરો એકધારો તેવો ડાયલોગ બોલી શકે?

'ચીની કમ' ન ગમી?
મસ્ત ફિલ્મ હતી. પણ ઘરે ખબર નહોતી પડી. (હસી પડે છે)

શાહરૂખની 'ડોન' ગમી હતી?
શાહરૂખનું કામ છે ડોન બનવાનું? તે બીજો રાજેશ ખન્ના છે. અમિતાભ એક જ છે, તેના જેવું બીજું કોઈ છે નહીં અને થશે પણ નહીં. શાહરૂખના ડોનના પોસ્ટર જોઇને જ હસવું આવતું હતું. ક્યાં અમિતાભ અને ક્યાં શાહરૂખ..

શોલેની રીમેક જોઈ હતી?
રામગોપાલ વર્માના વાદે ચડીને બચ્ચને પણ ન કરવાનું કર્યું.

અગ્નિપથની રીમેકમાં અમિતાભની ભૂમિકા ઋત્વિક ભજવવાનો છે?
(હસતાં-હસતાં) અમિતાભના ફિલ્મોની રીમેક ન બનાવાય. તેના જેવો અભિનય કોઈ કરી શકે? તે પણ ઋત્વિક? તેની પાસે અમિતાભ જેવો અભિનય કરવાની તાકાત છે?

બચ્ચનના વ્યક્તિત્વની કઈ ખૂબી તમને ગમે?
અભિમાન બિલકુલ નહીં. આટલો મોટો માણસ છે તો પણ જેન્ટલમેન છે. કેટલું મોટું દેવું થઈ ગયું હતું તો પણ દેવાળિયો જાહેર ન થયો અને બધું દેવું એક્ટિંગ કરીને ચૂકતે કરી દીધું. બાકી બીજા બધા મોટા માણસો કેવા હોય છે તે આપણે જાણીએ છીએ...

તેનો જવાબ આપણે બધા જાણીએ છીએ. બચ્ચન એક જ છે. પછી જિતુભાઈએ મને સાદું બનારસી પાન ખવડાવ્યું અને મેં વિદાય લીધી.

2 comments:

* મારી રચના * said...

wah... aanu naam sacho bkhakt... (fan) aapno aabhar aavi vyakti no parichay karawava badal..

Unknown said...

Interesting article indeed...