Wednesday, July 22, 2009

સિંહ આલા પર ગઢ ગેલા


મરાઠીમાં એક કહેવત છેઃ 'ગઢ આલા પર સિંહ ગેલા' અર્થાત્ ગઢ તો જીતી ગયા, પણ સરદાર ગુમાવી બેઠા. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવું ગયું છે. આ પરિણામના સંદર્ભમાં ભાજપ માટે આ કહેવતને ટ્વીસ્ટ કરીને કહેવું હોય તો આ રીતે કહી શકાયઃ'સિંહ આલા પર ગઢ ગેલા' એટલે મહાનગરપાલિકા પર શાસન ટકાવી રાખવા ભાજપે મેદાનમાં ઉતારેલા સિંહ તો જીતી ગયા, પણ ગઢ હાથમાંથી ગયો.

કોંગ્રેસના વિજયનો આનંદ નથી અને મોદીજીના મોડેલનું સૂરસૂરિયું થયું તેનું જરા પણ દુઃખ નથી. પણ અહીં ભાજપનો પરાજય લખવો ઉચિત છે? ના, આ પરાજ્ય ભાજપનો નથી. ગુજરાતમાં વર્ષ 2002 પછી ભાજપનું એક પક્ષ તરીકે અસ્તિત્વ જ નથી. ભાજપ અત્યારે મોજપમાં અર્થાત મોદીજી જનતા પક્ષમાં ફેરવાઈ ગયો છે. એટલે જૂનાગઢમાં પરાજય ભાજપનો નહીં, પણ મોજપનો થયો છે. મોદીજી અને તેમની દરબારીઓ માટે જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી અત્યંત મહત્વપૂર્ણ હતી.

લોકસભાની ચૂંટણી પછી રાજ્યમાં આ સૌપ્રથમ ચૂંટણી હતી. બધાની નજર તેના પર હતી. મોદીજીએ દિગ્ગજોને ઉતારી મહાનગરપાલિકાની ચૂંટણીને પ્રતિષ્ઠાના પ્રશ્ન બનાવી દીધો હતો. બધાના મનમાં પ્રશ્ન હતોઃ લોકસભાની ચૂંટણીની જેમ જૂનાગઢમાં પણ મોદીજીનો જાદુ નહીં ચાલે? મોદીજીના ભક્તો તરત જ એવી દલીલ કરે છે કે, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીમાં મોદીજીના જાદુને શા માટે જોડવામાં આવે છે? વર્ષ 2002ની વિધાનસભાની ચૂંટણીમાં વિજય મળ્યાં પછી મોદીજીએ પોતે જ અમદાવાદ, સુરત, રાજકોટ જેવી મહાનગરપાલિકાની ચૂંટણીને મોદીકેન્દ્રીત બનાવી દીધી હતી. બધા લોકો સાથે ચાલવા માગતા હોય તો પણ એકલા જ આગળ વધી જવા માગતા સ્વકેન્દ્રીત મહાનુભવોની આ નિશાની છે. આ પ્રકારની માનસિકતા ધરાવતા લોકો તમામ બાબતોને સ્વકેન્દ્રીત બનાવવા માગતા હોય છે. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી પણ મોદીજીની આજુબાજુ ફરતી હતી.

આ ચૂંટણીમાં પક્ષના ઉમેદવારોથી લઇને ચૂંટણી લડવાની વ્યૂહરચના સુધીની તમામ બાબતો મોદીજીએ પોતાના હસ્તક રાખી હતી. મોદીમંડળીના સભ્યો તેને 'મોદીમોડેલ' કહે છે. તેમાં 23 કોર્પોરેટરના પત્તાં કાપી નાંખ્યા હતા. ભૂતપૂર્વ સંસદસભ્ય ભાવનાબેન ચિખલીયા, મહેન્દ્ર મશરુ જેવા દિગ્ગજોને 'પ્રમોશન' આપી કોર્પોરેટરની ચૂંટણી લડાવી હતી. પોતાના ગુરુ અડવાણીજીના પગલે ચાલી મોદીજીએ મુસ્લિમોને આવકાર્યા અને પાંચ મુસ્લિમોને ટિકિટ આપી હતી. ચૂંટણીની આચારસંહિતા લાગૂ પડે તે પહેલાં સોરઠના વિકાસ માટે 600 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું. અને ઇવીએમ મશીનોએ મંગળવારે શું સંદેશ આપ્યો? યે પબ્લિક હૈ, યે સબ જાનતી હૈ, યે પબ્લિક હૈ...

સંદેશ સ્પષ્ટ છેઃ પ્રજાનું કામ નહીં કરો તો ઘરે ભેગા થવું પડશે. કોઈનું કરિશ્માઈ વ્યક્તિત્વ આડે નહીં આવે. જૂનાગઢને વર્ષ 2004માં પહેલી વખત મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યો અને તે વેળાએ 51માંથી 36 બેઠકો મોદીજી જનતા પક્ષ (મોજપ) પાસે હતી. પણ વિજયના કેફમાં મદમસ્ત મોદીજીના ભક્તોએ પાંચ વર્ષ સુધી જૂનાગઢ મહાનગરપાલિકાને યાદવાસ્થળીમાં ફેરવી દીધી. પક્ષના કર્તા-હર્તા-સમાહર્તા મોદીજી તેમના દરબારીઓને વાળશે તેવી જૂનાગઢની જનતાને અપેક્ષા હતી. પણ મોદીજી દિલ્હી જવાની તૈયારીઓમાં વ્યસ્ત હતા. દિલ્હીની ફ્લાઇટ ચૂકી ગયા એટલે જેટલો રાજપાટ છે તેના પર હાલ પૂરતું ધ્યાન આપવાનું તેમણે વિચાર્યું. જૂનાગઢ બચાવવા મોદીજીએ નવા દરબારીઓ ઊભા કર્યા અને તેમને મત આપવાનું કહ્યું. પણ જૂનાગઢની પ્રજાએ વિચાર્યું કે આ નવા સભ્યો પણ યાદવાસ્થળી નહીં રચે તેની શું ખાતરી? તેમણે પુનરાવર્તનને બદલે પરિવર્તન પસંદ કર્યું. અને પરિવર્તન સ્વસ્થ લોકશાહીનું ચિહ્ન છે...

No comments: