Tuesday, July 14, 2009

મને એક કલાકને માટે પણ આખા હિંદનો સરમુખત્યાર નીમવામાં આવે તો..............


જો મને એક કલાકને માટે પણ આખા હિંદનો સરમુખત્યાર નીમવામાં આવે તો સૌથી પહેલું કામ હું એ કરું કે દારૂના એકેએક પીઠાને કશું વળતર આપ્યાં વિના બંધ કરી દઉં. ગુજરાતમાં જ્યાં ખજૂરાં છે તે બધાંનો નાશ કરું. કારખાનાવાળા પાસે મજૂરો માટે મનુષ્યને યોગ્ય એવી સ્થિતિ પેદા કરાવું અને આ મજૂરોને જ્યાં નિર્દોષ પીણાં અને તેટલાં જ નિર્દોષ મનોરંજનના સાધનો મળે એવાં ઉપહારગૃહો અને ક્રીડાગૃહો ખોલાવું.

કારખાનાના માલિકો નાણાંની તંગીનું કારણ બતાવે તો હું તેમનાં કારખાનાં બંધ કરી દઉં. દારૂનો સંપૂર્ણપણે ત્યાગ કરનાર હોઈ એક કલાકની સરમુખ્યારી મળવા છતાં હું મારું ભાન ઠેકાણે રાખું, એટલે મારા યુરોપિયન મિત્રો અને માંદા માણસો જેમને બ્રાન્ડી કે એવી ચીજની દવા તરીકે જરૂર હોય તે સૌની સરકારી ખર્ચે હોશિયાર ડોક્ટરો પાસે તપાસ કરાવડાવું અને જ્યાં જરૂર હોય ત્યાં તેમને પ્રમાણપત્રોવાળા દવાના વેપારીઓ પાસેથી ઠરાવેલા પ્રમાણમાં આ જલત પીણાં મેળવવાનો અધિકાર આપનારાં પ્રમાણપત્રો આપવામાં આવે એવી ગોઠવણ કરું.

દારૂની આવક પૂરતી ખોટને માટે હું સીધો જ લશ્કરી ખરચ પર કાપ મૂકું અને સેનાધિપતિ નવી સ્થિતિમાં ગમે તેમ કરીને ચલાવે એવી તેની પાસે અપેક્ષા રાખું. કારખાનાં બંધ પડવાને લીધે જે મજૂરો બેકાર બને તેમને માટે કારખાનાંની નજીક તરત જ નમૂનેદાર ખેતીશાળાઓ કાઢી ત્યાં તેમને મોકલી દઉં, સિવાય કે મને એ કલાકમાં એવી સલાહ મળે કે આ જરૂરી શરતો સાચવીને સરકાર એ કારખાનનાં ચલાવીને નફો કરી શકે અને તેથી માલિકો પાસેથી તે પોતે લઈ શકે એમ છે.

No comments: