હવે તેમનો સાચો ચહેરો ઉજાગર થઈ રહ્યો છે. આ બહુરૂપીઓએ પોતાનો સ્વાર્થ સાધવા તેમના ચહેરા પર અનેક મહોરાં લગાવ્યાં હતા. હવે એક પછી એક મહોરું ઉતરતું જાય છે. અસલી ચહેરો ધીમે ધીમે સ્પષ્ટ થતો જાય છે. વાસ્તવિકતા ખતરનાક અને અસહનીય છે.
વાત છે હિંદુત્વના પહેરેદારોની. રામ અને શ્યામના નામે નિર્દોષ પ્રજાના લોહીની હોળી રમીને આ બહુરૂપીઓ અત્યારે દેશમાં એક યા બીજા રાજ્યના સિંહાસન પર તખ્તનશીન છે અને તેઓ પોતાને ઇશ્વરથી પણ પર સમજવા લાગ્યાં છે. મધ્યપ્રદેશમાં સંસ્કૃતિના સ્વયંભૂ રક્ષક શિવરાજસિંહ ચૌહાણની સરકારને ન શેહ છે, ન શરમ છે. છે તો માત્ર નફ્ફટાઈ... સત્તાના મદમાં ચૂર આ સરકારના રાજમાં શું થયું તે જાણશો તો તમારું મસ્તક પણ શરમથી ઝૂકી જશે. (આપણા દેશમાં વ્યક્તિગત સ્વાર્થમાં અંધ થઈ ગયેલા દેશદ્રોહીઓની કમી નથી અને તેમની પાસે શરમની અપેક્ષા રાખવી નકામી છે. )
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ અને ઉજ્જૈનમાં સોમવારે ભાજપની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યાલય પર ધામધૂમપૂર્વક ઉજવણી થઈ હતી. તેના કાર્યકર્તાઓએ ફોડ્યા, મીઠાઇઓ વહેંચી. સાબુના સપતરાં જેવો ચહેરો ધરાવતા યુવાનો લંગૂરછાપ નૃત્ય કરતાં હતા. કોઈ ઉજવણી કરે, ફટકાડાં ફોડે, લાડુ વહેંચે તેમાં મને કે તમને કોઈ વાંધો ન હોય. પણ આ ઉજવણી શેની હતી તે જાણશો તો તમારા મોંમાંથી બેથી ચાર અશ્લિલ શબ્દ નીકળી જશે તેની ખાતરી આપું છું. આ વાત સાંભળી સંસ્કારી, શિષ્ટ અને ભદ્ર માણસ પણ ગુસ્સે થઈ જાય. ગુસ્સે ન થાય તો તેમને તેમની મર્દાનગી પર શંકા થવી જોઇએ. મોટી, જોડી મૂંછો રાખનારા બધા મર્દ હોતા નથી.
વિદ્યાર્થી પાંખની ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કોઈ ઉમેદવારનો વિજય થયો નહોતો કે તેમના કોઈ પૂ્ર્વજની જન્મજયંતિ નહોતી. તેમ છતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આ લંગૂરછાપ કાર્યકર્તાઓ ગઇકાલે સમાચાર ચેનલના કેમેરા સામે નાચતા હતા, કારણ કે ઉજ્જૈનની એક કોલેજના પ્રોફેસર એચ. એસ સભરવાલની જાહેરમાં થયેલી હત્યાના કેસમાં તેમના નેતાઓ નાગપુરની સેશન્સ કોર્ટમાં નિર્દોષ છૂટી ગયા હતા.
26 ઓગસ્ટ, 2006ના રોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના છ વિદ્યાર્થીઓએ અને તેમની પાછળ ઘેટાની જેમ દોડી ગયેલા બુદ્ધિહીન વિદ્યાર્થીઓએ જાહેરમાં સેંકડો લોકોની વચ્ચે પ્રોફેસર સભરવાલને મારીમારીને અધમૂઆ કરી નાંખેલા. કારણ શું? સભરવાલે યુનિવર્સિટીની વિદ્યાર્થી પાંખની ચૂંટણી રદબાતલ જાહેર કરી હતી. તેના વિરોધમાં સભરવાલને ઢોરમાર મારવામાં આવ્યો હતો. તે સમયે સભરવાલની શું હાલત હતી તેના ક્લિપંગ સોમવારે સમાચાર ચેનલો દેખાડતા હતા. તે જોઇએ ત્યારે ગુરુ દેવો ગુરુ વિષ્ણની સંસ્કૃતિના પહેરેદારો બનીને કેવા લલવા બેસી ગયા છે તે સ્પષ્ટ જણાઈ આવશે. સભરવાલને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં પણ તે કોઈ નિવેદન આપે તે પહેલાં જ મૃત્યુ પામ્યા. તે પછી સભરવાલને હાર્ટએટેક આવી ગયો હોવાનું કોઈ કેસનું કોકડું વાળી દેવામાં આવ્યું અને હવે ન્યાયનું કોકડું કોર્ટમાં વળી ગયું છે. કોર્ટ લાચાર છે. કોઈ સાક્ષી અદાલતમાં જુબાની આપવા તૈયાર થયો નથી.
હકકીતમાં આ બાબત શિવરાજસિંહ ચૌહાણની સરકાર, ભાજપ અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ત્રણેય માટે શરમજનક છે. પણ તેને બદલે તેઓ ઉજવણી કરી રહ્યાં છે અને તેમની આ ઉજવણીને સમાજ લાચાર અને નિઃસહાય નજરે જોઈ રહ્યો છે. વ્યક્તિગત સ્વાર્થમાં અંધ બની ગયેલો સમાજ નંપુસક થઈ જાય છે. તેની પાસે ચૂપચાપ અન્યાય સહન કર્યા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી.
આ કેસમાં એકમાત્ર સાક્ષી હતો. તેણે સભરવાલની હત્યા પછી સમાચાર ચેનલોના કેમેરા સામે હત્યારાઓને અદાલતમાં ઓળખી લઇશ તેવી જાહેરાત કરી હતી. પણ તેની જીભ પણ અદાલતમાં સિવાઈ ગઈ. તે શા માટે ચૂપ રહ્યો હશે તે ઓપન સીક્રેટ છે. તે પણ જાણે છે કે વર્તમાન સમાજમાં એકતાનો અભાવ છે. અહીં સાચું કહેનારને સજા મળે છે, તે એકલો પડી જાય છે અને બહુરૂપીઓ અને જૂઠ્ઠાઓને સાથીદારો મળે છે.
આ ચુકાદાની સૌથી મોટી અસર કોલેજના શિક્ષણ પર પડશે. જગજાહેર વાત છે કે, યુવાન વિદ્યાર્થીઓને ભણવામાં રસ નહીં હોવાથી તેમને ભણાવવામાં અને તેમની કારકિર્દીને યોગ્ય દિશામાં વાળવામાં કોલેજના બહુ ઓછા પ્રોફેસરોને રસ છે. પણ સભરવાલ પ્રકરણ પછી તો પ્રોફેસરો વિદ્યાર્થીઓમાં બિલકુલ રસ લેશે નહીં.
નાગપુર સેશન્સ કોર્ટ (સુપ્રીમ કોર્ટના આદેશના પગલે આ કેસને ઉજ્જૈનથી નાગપુરની કોર્ટમાં ખસેડવામાં આવ્યો હતો)ના ચુકાદા પછી તેમના પુત્ર હિમાંશુ સભરવાલે સુપ્રીમ કોર્ટમાં જવાની જાહેરાત કરી છે. તમને લાગે છે કે સુપ્રીમ કોર્ટમાં તેમને ન્યાય મળશે? સભરવાલ હત્યા કેસના ચુકાદાથી તમારું મસ્તક શરમથી ઝૂકી જતું નથી?
No comments:
Post a Comment