Wednesday, July 8, 2009

કાંશીરામ સંગ માયાવતીઃ રૂ. 2,000 કરોડનું આંધણપુણ્યભૂમિ ભારતમાં અત્યારે બે મુખ્યમંત્રી અતિ વિશિષ્ટ છે. એક છે ગુજરાતનરેશ નરેન્દ્ર મોદી અને બીજા છે દેશના સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશના સામ્રાજ્ઞી કુમારી માયાવતી. આ બંને આત્મશ્લાઘાનું જીવતું જાગતું ઉદાહરણ છે. ગુજરાતના અખબારો, જાહેર માર્ગો, દિવાલો, બસની આગળ-પાછળ, જ્યાં જ્યાં નજર પડે ત્યાં તમને વિવિધ મુદ્રામાં મોદી અંકલની તસ્વીર નજરે પડશે. મોદી કાકાને પોતાની તસવીરો ખેંચાવાનો શોખ છે તો માયા મેમસાહેબને પોતાની મૂર્તિઓ કે પ્રતિમાઓ ઊભી કરી મોતીઓના દાણા જેવા દાંત દેખાડી પોતાના જ હસ્તે આ પ્રતિમાઓનું ઉદઘાટન કરવાનું ઘેલું લાગ્યું છે.

માયા મેડમે રાજકારણમાં પા પા પગલી માંડી ત્યારે તેમને તસવીરો ખેંચાવવાનો શોખ હતો. હવે તેઓ ફોટાઓની માયાથી પર થઈ ગયા છે અને મૂર્તિઓ કે પ્રતિમાઓ લગાવવાનું ભૂત વળગ્યું છે. કોની પ્રતિમાઓ? તેમની આંગળી પકડી રાજકારણમાં ખેંચી લાવનાર તેમના પ્રિય ગુરુ કાંશીરામની. ભારતીય ગુરુ હોય ત્યાં ચેલો કે ચેલી હોય જ, નહીં તો ગુરુની આત્મના શાંતિ ન મળે. એટલે કાંશીરામની સાથેસાથે તમને બહેનજી ઉર્ફે માયાવતીની પ્રતિમા પણ જોવા મળશે. માયા સંગ કાંશીરામની વિવિધ પ્રતિમાઓ ધરાવતા કેટલાં સ્મારકોનું નિર્માણ થઈ રહ્યું છે અને તેની પાછળ જનતા જનાર્દનના કેટલાં રૂપિયાનો ધુમાડો થઈ રહ્યો છે?

એકલા લખનૌ શહેરમાં 413 એકરથી વધુ જમીન પર પાંચ ઉદ્યાન અને સ્મારકનું નિર્માણ થયું છે. તેમાં 'દલિતોના જીવિત દેવી' તરીકે પોતાના ઓળખાવતા બહેનજીની 'હાથી અને મદનિયા સાઇઝ'ની કાંસાની અને સંગેમરમરની અનેક પ્રતિમાઓ ઊભી કરવામાં આવી છે. આ દરેક પ્રતિમામાં બોયકટ હેરસ્ટાઇલ ધરાવતા બહેનજી હાથમાં પાકીટ ઝુલાવતા નજરે પડે છે. સારી વાત એ છે કે, બહેનજીએ અહીં દર્શનાર્થીઓને પાકીટમાં ફરજિયાત રૂપિયા-બે રૂપિયાનું દાન કરવાનો આદેશ આપ્યો નથી. આ શહેરમાં જ આટલાં જ ઉદ્યાન અને સ્મારકનું નિર્માણ થયું છે. તેમાં બહેનજીના માર્ગદર્શક કાંશીરામની પ્રતિમાઓ ઊભી કરવામાં આવી છે. આ ઉપરાંત આ સ્મારકોમાં બહુજન સમાજ પક્ષના પ્રતિક હાથીની 60 પ્રતિમાઓ પણ સ્થાપિત કરવામાં આવી છે. હાથી-હાથણ અને મદનિયાની જય હો....

હાથીઓના પ્રતિમાઓ રૂ. 52.2 કરોડમાં બની, કાંશીરામની મૂર્તિઓ બનાવવાનો ખર્ચ રૂ. 3.37 કરોડ આવ્યો અને બહેનજીનું જીવતું જગતિયું રૂ. 3.49 કરોડમાં પડ્યું. આ બધો ખર્ચ બહેનજીએ પોતાને જન્મદિવસે ઉઘરાવેલા ફંડફાળામાંથી કર્યો નથી, પણ જનતા જનાર્દને કાળી મજૂરી કરી સરકારને જે કરવેરો ભર્યો હતો તેનો ધુમાડો થઈ ગયો છે. બહેનજીની આ ઘેલછા જોઇને ઇતિહાસના અભ્યાસુઓને મુઘલ બાદશાહ શાહજહાંની યાદ આવી જાય છે. શાહજહાએ જેટલાં વર્ષ શાસન કર્યું તેમાંથી અડધોઅડધ સમય તો મહેલો અને મકબરા બનાવવામાં જ પસાર કર્યાં હતા. તેના આત્માને હજુ પણ શાંતિ મળી હોય તેવું લાગતું નથી...
1995માં ભાજપના સમર્થનથી બહેનજી પહેલી વખત મુખ્યમંત્રી બન્યાં પછી મૂર્તિઓનો રાફડો ખડકવાના તેમના શોખે ફૂંફાડો માર્યો છે. મુખ્યમંત્રી બન્યા પછી તરત જ લખનૌમાં આંબેડકર સ્મારકનું નિર્માણ શરૂ કર્યુ. તેનું કામ વર્ષ 2003માં પૂર્ણ થયું. પણ બહેનજી મે, 2007માં ભારે બહુમતી મેળવી લખનૌની ગાદી પર બેઠા પછી આ સ્મારકનો મોટા ભાગનો હિસ્સો તોડી પાડવામાં આવ્યો અને રૂ. 150 કરોડના ખર્ચે નવેસરથી સ્મારક ઊભું કરવામાં આવ્યું. લખનૌના જાણીતા જેલ રોડ પર કાશીરામ સ્મારક બની રહ્યું છે. તેનો ખર્ચ રૂ. 370 કરોડ થવાનો છે. તેમાં પણ કાશી સંગ માયા ઠેરઠેર દેખાશે. માયાદીદીના હાથમાં પાકીટ તો હશે જ. બિજનૌર રોડ પર 51 એકરમાં રમાબાઈ આંબેડકર રેલી મેદાનનું નિર્માણ ચાલુ છે. તેની પાછળ રૂ. 65 કરોડનો ધુમાડો થશે. બહેનજીએ પોતાની આ દિવાનગીના માર્ગમાં દેશભક્તોને પણ કચડી નાંખ્યાં છે.

લખનૌમાં કારગિલ યુદ્ધના શહીદોની સ્મૃતિમાં 80 એકર જમીનમાં એક સ્મારક બનાવવામાં આવ્યું છે. બહેનજીએ આ સ્મારક તોડીને તેમાં કાંશીરામ સાંસ્કૃતિક સ્થળ બનાવવાનું આયોજન કર્યું છે અને તેમાં રૂ. 90 કરોડનો ખર્ચ થશે. તેમાં કાંશી સંગ માયાની મૂર્તિઓ તો હશે જ એ ભૂલતાં નહીં. આવી વિવિધ યોજનાઓ પર માયા મેમસાહબ રૂ. 2,000 કરોડનું પાણી કરી રહ્યાં છે. માયા મેમસાહેબ જે પ્રદેશમાં આવ્યાં ભવ્ય સ્મારક ઊભા કરી રહ્યાં છે તેની સ્થિતિ પર નજર કરીએઃ

- દેશના સૌથી મોટા રાજ્યમાં સાક્ષરતા દર ઘણો નીચો છે. અહીં દર 100 વ્યક્તિએ 44 વ્યક્તિ અભણ છે
- આ રાજ્યમાં બાળકના જન્મ સમયે સૌથી વધુ માતા મૃત્ય પામે છે
- દેશમાં તાજા જન્મેલા બાળકોના સૌથી વધુ મૃત્યુ થતાં ટોચના પાંચ રાજ્યમાં ઉત્તર પ્રદેશ સામેલ છે
- દેશમાં સૌથી વધુ બાળમજૂરો માયામેમસાહેબના રાજ્યમાં છે
- દેશમાં સૌથી વધુ ગરીબો આ રાજ્યમાં રહે છે. અહીં ગરીબી રેખા નીચે જીવતાં લોકોની સંખ્યા 5.9 કરોડ છે એટલે કે ગુજરાતની કુલ વસતી કરતાં વધુ ગરીબો ઉત્તર પ્રદેશમાં રહે છે
- ઉત્તર પ્રદેશમાં કુલ 97,122 ગામડાં છે, જેમાંથી 41 ટકા ગામડામાં હજુ પણ વીજળી મળતી નથી

ઉત્તર પ્રદેશ હજુ મૂળભૂત સુવિધાઓથી વંચિત છે ત્યારે માયા મેમસાહેબની આ ઘેલછાં શું યોગ્ય છે?

No comments: