Thursday, July 23, 2009

માલિકની જેમ કામ કરો, ગુલામની જેમ નહીં


તમે માલિકની જેમ કામ કરો, ગુલામની જેમ નહીં. માનવજાતના 99 ટકા લોકો ગુલામની જેમ કાર્ય કરે છે અને તેનું ફળ દુઃખ સ્વરૂપે મળે છે, કારણ કે આ બધું સ્વાર્થવૃત્તિથી પ્રેરાય છે. સ્વતંત્ર રીતે કાર્ય કરો ! પ્રેમથી કાર્ય કરો ! પ્રેમથી કરેલા દરેક કાર્યને પરિણામે સુખ મળે છે. પ્રેમથી કરેલું એક પણ કાર્ય એવું નથી જેને પરિણામે સુખ અને શાંતિની પ્રતિક્રિયા ન મળે. સાચું અસ્તિત્વ, સાચું જ્ઞાન અને સાચો પ્રેમ, એકબીજા સાથે સનાતન રીતે સંકળાયેલા છે. પણ જ્યાં સુધી સ્વતંત્ર્તા ન હોય ત્યાં સુધી પ્રેમ ન જ આવે.

ગુલામમાં સાચો પ્રેમ ન સંભવે. ગુલામને ખરીદો, તેને સાંકળે બાંધો અને કામ કરાવો તો એ વેઠિયાની જેમ કામ કરશે. પણ એનામાં પ્રેમ હશે નહીં. ગુલામની જેમ આપણે કામ કરીએ તો આપણામાં પ્રેમ ન હોય તે સ્વાભાવિક છે. તેના પરિણામે આપણું કાર્ય સારું થતું નથી. સગાઓ, મિત્રો અને આપણા પોતા માટે પણ કરેલાં કામો પણ આવાં જ છે.

સ્વાર્થવૃત્તિથી કરેલું કાર્ય ગુલામનું કાર્ય છે. ગુલામની જેમ કાર્ય કરવાથી સ્વાર્થીપણું અને આસક્તિ આવે છે, પણ આપણા મનના માલિક તરીકે કાર્ય કરવાથી અનાસક્તિનો આનંદ આવે છે. આપણે જે કાંઈ કાર્ય કરીએ છીએ તેમાં બદલાની આશા રાખવાથી આપણા પ્રગતિ રુંધાય છે. એટલું જ નહીં દુઃખ પણ ઉત્પન્ન થાય છે. તમે તમારા બાળકોને જે આપ્યું છે, તેના બદલામાં તેમની પાસેથી કોઈ અપેક્ષા રાખો છો? તમારા બાળકો માટે કામ કરવાને તમે ફરજ માનો છો અને ત્યાં તમે કોઈ બદલાની અપેક્ષા રાખતા નથી. કોઈ પણ વ્યક્તિ કે શહેર કે રાષ્ટ્ર માટે તમે જે કાંઈ કરો ત્યારે તમારાં બાળકો માટે કરેલા કાર્ય જેવો ભાવ રાખો. બદલામાં કશી આશા ન રાખો.

No comments: