ઉર્દૂના જાણીતા જાસૂસી નવલકથાકાર ઇબન-એ-સફીએ પોતાની એક નવલકથામાં લખ્યું છે કે, 'ચીનીઓના બાપ અને પાકિસ્તાનીઓની વાત પર ક્યારેય વિશ્વાસ ન કરવો.' ખબર તેમણે કયા આધારે લખ્યું, પણ શર્મ-અલ-શેખમાં ભારતીય વડાપ્રધાન મનમોહન સિંઘ સાથેની મંત્રણા અને મુંબઈમાં 26/11 હુમલાના ગુનેગાર અજમલ આમિર કસાબની કબૂલાત પર (ના)પાકે જે કળા દેખાડી છે તે જોતાં ઇબન-એ-સફીની વાતમાં ખરેખર દમ છે તેનો સ્વીકાર તો પાકિસ્તાન તરફી કથિત ધર્મનિરપેક્ષ અમીચંદોએ પણ કરવો જ પડે.
હિંદુસ્તાનના ઉર્દૂ અખબારો જણાવે છે, નાપાક પાકિસ્તાન પાસેથી પાક વલણની આશા રાખવાથી કશું વળવાનું નથી. બીજી તરફ પાકિસ્તાનના ઉર્દૂ અખબારોનું વલણ અત્યંત નિરાશાજનક છે. તેમાં પાકિસ્તાનનું અગ્રણી ઉર્દૂ અખબાર 'મિલ્લત ન્યૂઝ' આગળ પડતું છે. શર્મ-અલ-શેખમાં સંયુક્ત નિવેદન પર પાકિસ્તાનના ઉર્દૂ અખબારો તેમના વઝીર-એ-આલમ યુસુફ ગિલાની પર આફરીન થઈ ગયા છે. પાકના નાપાક પત્રકારોએ તો ઇજિપ્ત જ 'વી વિન'ના બણગાં ફૂંકવાની શરૂઆત કરી દીધી હતી. ગિલાની ઇજિપ્તથી સ્વદેશ પાછાં ફરી રહ્યાં હતાં ત્યારે લાળપાડું નાપાક પત્રકારો તેમને ત્રણ વખત મળ્યાં હતા અને વારંવાર અભિનંદન આપ્યા હતા.
રાજકીય નેતાઓ સાથે સલામત અંતર જાળવવું એક કળા છે અને અત્યંત ઓછા પત્રકારો તેમાં માહેર હોય છે. પાકિસ્તાનના આ લાળપાડું પત્રકારોનું કહેવું છે કે, પાકિસ્તાને પોતાની શરતો પર ભારતને સમજૂતી કરવા રાજી કર્યું. ભારતે બલૂચિસ્તાન અને વઝીરિસ્તાનમાં દખલઅંદાજીની વાત પણ કબૂલી લીધી છે. પાકિસ્તાનના મીડિયાથી વિપરીત આપણા ઉર્દૂ અખબારોએ વધુ ગંભીરતા દાખવી છે. તે લખે છે, પાકિસ્તાન ભ્રમમાં ન રહે. દિલ્હીથી પ્રકાશિત થતું 'સહાફત' લખે છે કે, 'પાકિસ્તાન વાટાઘાટને ભારતની નબળાઈ ન સમજે. અમે ઝરદારી કે ગિલાનીના કારણે વાટાઘાટ કરવા રાજી થયા નથી. ત્યાંની જનતાની શાંતિ અને સલામતી માટે અમે આ માનવતાવાદી પગલું લીધું છે.'
'જદીદ ખબર' લખે છે, 'પાકિસ્તાન ભલે ગમે તે કહે. સાચી વાત એ છે કે આંતરરાષ્ટ્રીય અને હિંદુસ્તાનના દબાણમાં આવીને તેને મુંબઈ હુમલા માટે પોતાની જમીનનો ઉપયોગ અને તેમાં પાકિસ્તાનના આતંકવાદીઓનો હાથ હોવાની વાત કબૂલવી પડી છે.' એક ઉર્દૂ અખબારે લખ્યું છે કે, પાકિસ્તાન પર વિશ્વાસ કરવા જેવો નથી. તેની જમીનનો નાપાક ઇરાદા માટે ઉપયોગ નહીં થાય અને ત્યાંથી ભારત પર આતંકવાદી હુમલા નહીં તેની કોઈ ખાતરી નથી.
કસાબની કબૂલાત અને ફાંસની સજા મેળવવાની ઇચ્છા પર પણ હિંદુસ્તાન અને પાકિસ્તાનના ઉર્દૂ અખબારોનો દ્રષ્ટિકોણ અલગ-અલગ છે. હિંદુસ્તાનના ઉર્દૂ અખબારોએ કસાબની કબૂલાતના સમાચારને 'હા, મૈં કાતિલ હૂં', 'મૈંને સેંકડો બેગુનાહોં કા ખૂન કિયા હૈ' જેવા મથાળા સાથે પ્રકાશિત કર્યા છે. પાકિસ્તાનના ઉર્દૂ અખબારો કસાબની કબૂલાત એક ષડયંત્ર માને છે. તેઓ પૂછે છે કે, 'અમેરિકાના વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટન ભારતની મુલાકાતે આવ્યા ત્યારે જ કસાબે કબૂલાત કેમ કરી?'
No comments:
Post a Comment