Wednesday, July 22, 2009

જોગી જટિલ અકામ મન, નગન અમંગલ વેશ...


તે દેવોની ઉત્પત્તિ અને ઐશ્વર્યનું કારણ છે..તે રુદ્ર છે..તે મહર્ષિ છે..આદિ અને અંતમાં મંગલરૂપ છે...તેના સમાન કોઈ પદાર્થ નથી...તે બ્રહ્મરૂપ છે..તે નીલકંઠ છે...તે પાંચ મહાપાપને દૂર કરવાવાળો છે...તે સર્વનો અધિપતિ છે...તે દેવોનો દેવ છે...તે મહાદેવ છે. મહાદેવ એટલે શું? શિવ એટલે શું? 'શં કરોતિ ઇતિ શંકરાઃ' જે બીજાનું મંગળ કરે છે, પણ પોતે અમંગળ વેશ ધારણ કરે છે તે જ શિવ છે. 'જોગી જટિલ અકામ મન, નગન અમંગલ વેશ.' જેની પાસે કંઈ નથી, તેનો સહારો શિવ છે.

હર હર મહાદેવમાં હર એટલે શું? જોડાણીકોશ જણાવે છે કે, હર એટલે શંકર અને શંકર એટલે શમ્ + કર. શમ્ એટલે કલ્યાણ. આ રીતે શંકર એટલે કલ્યાણ કરનાર. શિવ નટરાજ છે. તમામ વિદ્યાઓના દેવ શિવ છે. વ્યાકરણના પ્રણેતા શિવ છે. 'નૃત્યાવસાને નટરાજ રાજો નનાદ ડંકા નવપંચ વારમ્' તેમણે ચૌદ વાર ડંકો વગાડ્યો એટલે વ્યાકરણના નાદ 14 છે. શિવ કોના શિષ્ય હતા? તંડુ ઋષિના શિષ્ય હતા એટલે તેમની નૃત્ય શૈલી તાંડવ છે.

આચાર્ય અભિનવગુપ્તે લખ્યું છે-'આંગિકમ ભુવનમયસ્ય વાચિકમ! સર્વ વાંડ્મય આહાર્ય ચંદ્રતારાદિઃ તમ્ર નમઃ સાવિકં શિવમ્' અર્થાત્ સમગ્ર સૃષ્ટિ નટરાજનું સર્જન છે. શિવના અંગોનું સંચાલન, સૃષ્ટિ, તેમનું આંગિક નૃત્ય છે. શબ્દ-સ્વર-તાલ અને લય તેમના વાચિક નૃત્ય છે. ચંદ્ર અને તારા તેમના આહાર્ય નૃત્ય છે. મારન-મોહન-ઉચ્ચાટન-સ્તંભન અને વશીકરણ મંત્રના આ પાંચ અંગ છે. તેમના મહિનાનું નામ છે શ્રાવણ.

શ્રાવણમાં દશે દિશાઓ પંચાક્ષર ઓમ નમઃ શિવાયમાં લીન થઈ જાય છે. ઓમ એટલે અકાર, ઉકાર, મકાર, બિંદુ અને નાદનો સંગમ. તે પ્રણવ છે. પ્રણવમાં પ્ર એટલે પ્રકૃત્તિથી જન્મેલો સંસાર અને નવ એટલે સંસારસાગર તરવાની નૈયા. શિવપુરાણ મુજબ, નવ કરોડ વખત ઓમકાર મંત્રનો જપવાથી અહંકારનો નાશ થાય છે.

શિવ જ આદિ છે, તે જ અંત છે. ઉત્પત્તિ, સ્થિતિ અને લયના દેવ શિવ છે. સૃષ્ટિને અક્ષુણ રાખવા પુરુષ સાથે પ્રકૃતિનું મિલન જરૂરી છે. શિવ પુરુષ છે અને પ્રકૃત્તિ સ્વરૂપ છે, પાર્વતી. મહાદેવના પાંચ સ્વરૂપ છેઃસદ્યોજાત, વામદેવ, તત્પુરુષ, અઘોર, ઇશાન. ઇશાન, તત્પુરુષ, અઘોર, વામદેવ, અને સદ્યોજાત-એ પંચમહેશ્વરની મૂર્તિ પ્રસિદ્ધ છે. પંચમહેશ્વરની મૂર્તિમાં વિશ્વ વ્યાપેલું છેઃ શર્વ, ભવ, રુદ્ર, ઉગ્ર, ભીમ, પશુપતિ, ઇશાન અને મહાદેવ.

No comments: