સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સરકારી ઉદ્યોગોનો પાયો નાંખ્યો ત્યારે તેમણે તેને આધુનિક રાષ્ટ્રના મંદિર ગણાવ્યા હતા. તેમણે વિચાર્યું હતું કે, આ જાહેર સાહસો જે કમાણી કરશે તેમાંથી દેશની જનતાને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડીશું. દરેક ગામને સ્વચ્છ પાણી અને વીજળી પૂરી પાડીશું. પણ થયું શું? આ સરકારી ઉદ્યોગો દેશની જનતા પર બોજ બની ગયા અને અત્યારે તેને બચાવવા આપણા કરવેરાનો દૂરપયોગ થઈ રહ્યો છે. આ સરકારી ઉદ્યોગો ખોટ કરી રહ્યાં છે તેમાં જનતાનો વાંક છે કે વહીવટીતંત્રનો? આ ઉદ્યોગોને બચાવવા પ્રજાના નાણાનો ઉપયોગ કરવો કેટલે અંશે વાજબી છે? તેના બદલામાં પ્રજાને શું મળે છે?
થોડા દિવસ પહેલાં એર ઇન્ડિયાના મહારાજા રામપાતર લઇને ભારત સરકારના દ્વારે પહોંચી ગયા। ખોટમાં ચાલતી આ એરલાઇન્સના કર્મચારીઓની નોકરીને બચાવવા મહારાજાએ રૂ. 15,000 કરોડની માંગણી કરી અને મનુજીએ તેને મંજૂરી પણ આપી દીધી. પ્રશ્ન એ છે કે, જે સરકારી ઉદ્યોગો કમાણી કરતાં નથી તેને બચાવવાની શું જરૂર છે? એર ઇન્ડિયા ખોટ કરે છે તો તેમાં દોષ તેના મેનેજમેન્ટનો છે, જેમાં સરકારે તોતિંગ પગારે કહેવાતા બુદ્ધિધનોની નિમણૂંક કરી છે. તેમાં દિવસ-રાત મજૂરી કરતાં કરદાતાઓનો શું દોષ છે? તેમના નાણા આ ડૂબતી કંપનીને બચાવવા માટે રોકવાનો કોઈ અર્થ નથી. એર ઇન્ડિયા ખોટમાં ચાલે છે તેના ઘણા કારણ છે.
સૌપ્રથમ તો તે પ્રોફેશનલ એરલાઇન્સ કંપનીની જેમ કામ કરતી જ નથી। તે સરકારી નોકરીયાતોનો તબેલો છે. ગયા અઠવાડિયે ઇન્ડિયન એક્સપ્રેસે થોડા આંકડા રજૂ કર્યા હતા, જેનો અભ્યાસ કરીને ગગાજી ડોટ કોમને પણ સમજણ પડે કે એર ઇન્ડિયાની મુશ્કેલી છે. આ આંકડા પર એક નજર કરીએ-
એર ઇન્ડિયામાં 50,000 કર્મચારી છે. તેની પાસે 148 વિમાન છે. એટલે કે એક વિમાન પાછળ સરેરાશ 337 કર્મચારી લાગેલા રહે છે. આ વિમાનોમાં દર વર્ષે ઓછામાં ઓછા એક કરોડ લોકો મુસાફરી કરે છે. તેની સરખામણી અમેરિકન એરલાઇન્સમાં 60,000 કર્મચારી છે. તેની પાસે 993 વિમાન છે. આ હિસાબે એક વિમાન પાછળ માત્ર 60 કર્મચારી લાગેલા રહે છે. આ વિમાનોમાં દર વર્ષે આઠ કરોડ લોકો મુસાફરી કરે છે. એટલું જ નહીં આપણા દેશમાં ખાનગી એરલાઇન્સને મંજૂરી નહોતી ત્યારે એર ઇન્ડિયા અને ઇન્ડિયન એરલાઇન્સ બંને સરકારી કંપનીના વિમાન જ ઉડતા હતા. તે દિવસોમાં ઇન્ડિયન એરલાઇન્સના આતિથ્ય-સત્કાર વિશે જાણશો તો મોંમા આંગળા નાંખી જશો. ત્યારે ઇન્ડિયન એરલાઇન્સમાં દર વર્ષે 25,000 લોકો પ્રવાસ કરતાં હતા અને તેમની સરભરા માટે કેટલા કર્મચારીઓનો ઊભા પગે હતા? 25,000. તો પણ આ બધાએ ભેગા થઇને પ્રવાસીઓની એવી સેવા આપી હતી કે ખાનગી એરલાઇન્સને મંજૂરી મળતાં જ સરકારી એરલાઇન્સના છક્કાં છૂટાં ગયા. હજુ થોડા છક્કાં છૂટવાના બાકી છે.
મનુજી તેમની ગત સરકારમાં તો ખાનગીકરણ શબ્દ ઉચ્ચારતાં જ ધ્રૂજતાં હતા, કારણ કે તેમના ગળામાં લાલ ઘંટ લટકતાં હતા. પણ જનતા જનાર્દને લોકસભાની આ ચૂંટણીમાં લાલ ઝંડો હાથમાં લઇને ફરતાં ડાબેરીઓની ખસી કરી નાંખી છે તો પછી અર્થશાસ્ત્રી ડિસઇન્વેસ્ટમેનેટ મંત્રાલયને ફરી જીવંત કેમ કરતાં નથી? વિદેશી વિમાન કંપનીઓનો મુકાબલો એર ઇન્ડિયા કરી શકતી નથી તો પછી તેને બચાવવાની શું જરૂર છે? તેનું ખાનગીકરણ કેમ નહીં?
No comments:
Post a Comment