Friday, July 24, 2009

એકાગ્રતા એટલે સફળતા


જ્ઞાન મેળવાની કે કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવવાની એકમાત્ર પદ્ધતિ એકાગ્રતા છે. પ્રયોગશાળામાં કામ કરતો રસાયણશાસ્ત્રી મનની બધી શક્તિને એકત્રિત કરીને એક જ કેન્દ્રબિંદુ પર લાવે છે અને તત્વો પર ફેંકે છે. આ તત્વોનું વિશ્લેષણ થાય છે અને રસાયણશાસ્ત્રી જ્ઞાનની પ્રાપ્તિ કરે છે. ખગોળવેત્તા પણ પોતાના મનની શક્તિને એકત્ર કરીને એક જ કેન્દ્ર પર લાવે છે અને પોતાના દૂરબીન દ્વારા પદાર્થો પર ફેંકે છે. પરિણામો તારાઓ અને સૂર્યમંડળો સામે આવીને પોતાનું રહસ્ય ખુલ્લું કરે છે.

એકાગ્રતાની શક્તિ જેટલી વધુ તેટલું વધારે જ્ઞાન પ્રાપ્ત થાય. બૂટપોલિશ કરતો કોઈ છોકરો પોતાનું કામ એકાગ્રતાથી કરશે તો તે બૂટને અરીસા જેવા કરી શકશે. રસોઇયો એકાગ્રતાથી રસોઈ કરશે તો ભોજન સ્વાદિષ્ટ બનશે. પૈસા કમાવવાની બાબત હોય કે ઈશ્વરની આરાધનાની વાત હોય એકાગ્રતાની શક્તિ જેટલી પ્રબળ, તેટલું કામ સારું. એકાગ્રતા એક પોકાર છે, એક ધક્કો છે, જે કુદરતના દ્વાર તમારી સમક્ષ ખુલ્લા મૂકી પ્રકાશનો ધોધ વહેતો કરે છે.

સામાન્ય માનવી નેવું ટકા વિચારશક્તિ તો મનની ચંચળતાને લઈને ગુમાવે છે. મનુષ્યો અને પ્રાણીઓ વચ્ચે મુખ્ય ભેદ તેમની એકાગ્રતાની શક્તિમાં છે. પ્રાણઓમાં એકાગ્રતાની શક્તિ બહુ ઓછી હોય છે અને તેઓ લાંબા સમય સુધી એક વસ્તુ પર એકાગ્રતા સાધી શકતા નથી. મનુષ્ય-મનુષ્ય વચ્ચેના તફાવતના મૂળમાં પણ એકાગ્રતાનો જ સવાલ છે. નીચામાં નીચા અને ઊંચામાં ઊંચા માનવીની તુલના કરી જુઓ. આ બંનેમાં ભેદ કેવળ એકાગ્રતાની માત્રાનો જ છે.

કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ ક્ષેત્ર હોય તેની સફળતાનું રહસ્ય એકાગ્રતા જ છે. ઘણનો ઘા ક્યારે મારવો, અંદરનું દ્વાર ક્યારે ખખડાવવું એટલું આપણે જાણીએ તો પછી બ્રહ્માંડ તો પોતાનો ખજાનો-રહસ્યો તમારી સમક્ષ ખુલ્લાં કરવા તૈયાર છે. પણ પ્રહાર કરવાની આ તાકાતની જનેતા કોણ છે? એકાગ્રતા.
સેન્ટર પોઇન્ટઃ એક વિચારને પકડીને તેની જ ઉપાસનો કરો, ધીરજપૂર્વક તમારા પુરુષાર્થમાં આગળ ધપો. ચોક્કસ તમારો સૂર્યોદય થશે

No comments: