Wednesday, July 22, 2009

દસ ઊંડા શ્વાસ લો, ધુમ્રપાનની ટેવમાંથી મુક્તિ મેળવો



મિત્રો, કોઈ મને પૂછે કે, પત્રકાર એટલે? તો મારા પત્રકાર મિત્રો પર નજર ફેરવીને હરખ સાથે એક જ જવાબ આપું કે જેના હૈયે સમાજનું હિત વસેલું હોય, જેના મનમસ્તિષ્કમાં સમાજ માટે સારું કરવાની ભાવનાનો ભંડાર ભર્યો હોય તે પત્રકાર. મારા પત્રકાર મિત્રો મારા માટે દિવાદાંડી સમાન છે, મારી પ્રેરણાનો દરિયો છે. તેમને જોઇને આજે મને પણ સમાજનું હિત કરવાનું મન થઈ ગયું. અત્યારે સમાજમાં યુવાધન ધુમ્રપાનના ધુમાડામાં નષ્ટ થઈ રહ્યું છે. તો વિચાર્યું કે સારું કામ જ કરવું હોય તો આ લોકોને સિગારેટ છોડવાનો ઉપાય બતાવું. કહેવાય છે કે ભાવના સારી હોય તો ખુદા ભાવતું ભોજન પીરસે છે. મારી સાથે પણ એવું જ થયું. મેં પ્રભુને પ્રાર્થના કરી કે, હે પરમ કૃપાળું પરમાત્મા સિગારેટ છોડવાનો ઉપાય બતાવ. પ્રભુએ મને જે કહ્યું તે તમારી સમક્ષ રજૂ કરી રહ્યો છું.

શરીર એક યંત્ર છે. આ યંત્રને જેટલી ટેવ છે, તેને નવી ટેવ વડે બદલવી પડશે. તમારે સિગારેટ પીવાની ટેવનો ત્યાગ કરવો હોય તો તાજગી જગાવતી નવી ટેવ તમારે પાડવી પડશે. નહીં તો તમે ધુમ્રપાન ક્યારયે છોડી નહીં શકો.

મિત્રો, તમને જ્યારે ધુમ્રપાન કરવાનો વિચાર આવે ત્યારે દસ ઊંડા શ્વાસ લો જેથી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ, તાજી હવાનું પ્રમાણ વધશે એટલે તાજગી વધુ સમય ટકી રહેશે. આ એક નવી ટેવ છે.

દોસ્તો, જ્યારે પણ ધુમ્રપાન કરવાનો વિચાર આવે દસ ઊંડા શ્વાસ લો. પણ તેની શરૂઆત શ્વાસ લેવાથી ન કરો, શ્વાસ કાઢવાથી શરૂ કરો. જ્યારે પણ સિગારેટ પીવાનું મન થાય તો સીધો શ્વાસ બહાર કાઢો. જોરથી શ્વાસ બહાર ફેંકી દો. એટલે શરીરની અંદર જેટલો કાર્બન ડાયોકસાઇડ હશે તે બહાર નીકળી જશે. પછી જોરથી શ્વાસ લો એટલે કાર્બન ડાયોકસાઇડની જેટલી જગ્યા હતી ત્યાં ઓક્સિજન ઘૂસી જશે. તમારા લોહીમાં તાજગીનો સંચાર થશે. સતત આ પ્રક્રિયાનું પુનરાવર્તન કરતા રહો. તેમાં સફળતા મળશે તો સમજો કે તમે ધુમ્રપાન છોડી શકશો.

ધુમ્રપાન કરવું તેના કરતાં તાજો શ્વાસ લેવો વધારે ફાયદાકારક છે. મિત્રો, આ પદ્ધતિના તો બે ફાયદા છે. એક આડકતરી રીતે તમે પ્રાણાયામ કરો છો અને બીજું સ્વાસ્થ્ય માટે હાનિકારક ધુમ્રપાનમાંથી તમે છૂટકારો મેળવશો.

દોસ્તો, આ પદ્ધતિનો ફાયદો થાય તો ધુમ્રપાનની આદત ધરાવતા તમારા મિત્રોને નિઃસ્વાર્થભાવે કહેજો...ભલું કરશો તો ભલું થશે...

No comments: