તમારા મગજમાં ઠાંસેલી અને જીવનભર વણપચી રહીને કાળો કેર વરતાવતી માહિતીનો સંચય એટલે કેળવણી નહીં. જીવનનું ઘડતર કરે, મનુષ્યને મર્દ બનાવે., તેના ચારિત્ર્યનો વિકાસ કરે તેવા વિચારની આપણને જરૂર છે. માત્ર પાંચ જ વિચારો પચાવીને તેમને તમારા જીવન અને ચારિત્ર્યમાં વણી લીધા હોય તો આખું પુસ્તકાલય ગોખી નાખનાર કોઈ પણ માણસ કરતાં તમે વધુ કેળવણી પામેલા છો. કેળવણી અને માહિતીના અર્થમાં કશો જ ફેર ન હોય તો, પુસ્તકાલયો જગતમાં સર્વશ્રેષ્ઠ જ્ઞાનીઓ ઠરે અને સર્વજ્ઞાનસંગ્રહો ઋષિમુનિઓમાં ખપે.
સાધારણ જન સમુદાયને જીવનસંગ્રામમાં લડવા માટે જે કેળવણી મદદરૂપ ન થાય, જે કેળવણી ચારિત્ર્યબળ ઊભું ન કરી શકે, જે કેળવણી તમારામાં પરોપકારની ભાવનાનું સિંચન ન કરી શકે તેને શું આપણે કેળવણી કહીશું? કેળવણીનો હેતુ શો છે?
આપણે એવી કેળવણીની જરૂર છે જેના વડા મનની શક્તિમાં વૃદ્ધિ થાય, આપણી બુદ્ધિનો વિકાસ થાય, આપણે સ્વાવલંબી બનીએ. કેળવણી માત્રનો હેતુ મનુષ્યને ખરો મનુષ્ય બનાવવાનો છે. માનવને વિકાસના પંથે ચડાવવો એ જ કેળવણીનું અંતિમ લક્ષ્ય છે. જે શિક્ષણથી મનુષ્યની ઇચ્છાશક્તિનો પ્રવાહ સંયમિત બને અને ફળદાયી બને તેને જ સાચું શિક્ષણ કહેવાય. લોખંડી માંસપેશીઓ અને પોલાદી સ્નાયુઓની અત્યારે આપણા રાષ્ટ્રને જરૂર છે.
જેની સામે થવાની કોઈ હિંમત પણ ન કરે, જે સૃષ્ટિના ગુપ્ત રહસ્યને ભેદી શકે અને તેનો તાગ મેળવી શકે, જે મરજીવા બનીને સમુદ્રના તળિયે મોતનો સામનો કરીને પણ જીવનનું રહસ્ય શોધી શકે એવા રાક્ષસી મનોબળની આપણે જરૂર છે. માનવને 'માનવ' બનાવતો ધર્મ આપણે જોઇએ. માનવને 'માનવ' બનાવે તેવા સિદ્ધાંતો આપણે ઇચ્છીએ છીએ. આપણે સર્વત્ર માનવને 'સાચો માનવ' બનાવી એવી કેળવણી ઝંખીએ છીએ.
No comments:
Post a Comment