Sunday, July 12, 2009

દારૂડિયા મજૂરોના ઘરની બરબાદી કેવી હોય છે તે જાણું છું. મારા પોતાના જ છોકરાનો જ દાખલો નથી શું?


શરાબ એ શેતાનની શોધ છે. ઇસ્લામમાં કહ્યું છે કે શેતાને જ્યારે પુરુષો અને સ્ત્રીઓને ફાસલાવવા માંડ્યા ત્યારે તેણે તેમની આગળ લાલ પાણી ધર્યું. દારૂ માણસના પૈસા જ નહીં, તેની બુદ્ધિ પણ હરી લે છે. જે અભાગી માણસો દારૂની બૂરી આદતના ગુલામ બની ગયા છે તેમને તેમાંથી છોડવવાની જરૂર છે. કેટલાંક તો આ માટે મદદ પણ માગે છે.

હિંદને દારૂ પીવાની લતમાંથી છૂટવાની ફરજ ન પાડી શકાય અને જેમને દારૂતાડી પાવાં હોય તેમને તે માટે સગવડ પૂરી પાડવી જોઇએ એવી ઉપરથી તથ્યવાળી ભાસતી છતાં ખરી રીતે પોલી દલીલથી તમે ભરમાશો નહીં. રાજ્ય પોતાની પ્રજાની બૂરી આદતોને માટે બંદોબસ્ત કરી આપતું નથી. આપણે વેશ્યાઘરોનું નિયમન કરતા નથી કે તેને માટે પરવાના આપતાં નથી. ચોરોને પોતાની ચોરી કરવાની વૃત્તિ સંતોષવા મળે તે માટે આપણે તેમને સગવડો પૂરી પાડતા નથી. દારૂને હું ચોરી કરતાં અને કદાચ વેશ્યાવૃત્તિ કરતાં પણ વધારે વખોડી કાઢવા લાયક ગણું છું.

દારૂડિયા મજૂરોના ઘરકુટુંબની બરબાદી કેવી હોય છે તે હું જાણું છું. મારા પોતાના જ છોકરાનો જ દાખલો નથી શું? જે એક વખતે બુદ્ધિશાળી, બહાદુર, દેશાભિમાની અને ત્યાગશક્તિવાળો હતો તે દારૂની લતથી સાવ વંઠી ગયો છે. તે આજે માતાપિતાના અને સમાજના હાથમાંથી ગયો અને જે આજે સખી ગૃહસ્થોની અકારત ઉદારતા પર જિંદગી ગુજારી રહ્યો છે! આ અપવાદ નથી. ઉપલા વર્ગના કેટલાયે લોકોના દિકરાઓના કિસ્સાઓનો મને જાતઅનુભવ છે.

જેઓ વ્યક્તિસ્વાતંત્ર્યની દલીલ આગળ ધરીને બોલે છે તેમને હિંદુસ્તાનની કશી ગતાગમ નથી. તેમની દલીલ એવી છે કે, માણસને વેશ્યાગમનની સગવડ રાજ્ય પાસેથી માગવાનો જેટલો અધિકાર છે તેટલો જ અધિકાર તેને રાજ્ય પાસેથી દારૂતાડી પીવાની સગવડ માગવાનો છે. હવે એક ઉદાહરણ આપું. જર્મની જેવા દેશમાં પોતાનું શિયળ વેચનારી સ્ત્રીઓના ઘરોને સરકાર તરફથી પરવાના આપવામાં આવે છે. એ દેશોમાં લોકો વેશ્યાગૃહોના પરવાના બંધ કરવાથી વધારે રોષે ભરાય કે દારૂનાં પીઠાં બંધ કરવાથી, એ હું જાણતો નથી. સ્ત્રીને પોતાના ગૌરવનું ભાન થશે ત્યારે તે પોતાનું શિયળ વેચવાની ના પાડશે, અને જે મહિલાઓ સ્ત્રીવર્ગના શિયળના રક્ષણ માટે આતુર હશે તેઓ કાયદેસરના વેશ્યાગમનને નાબૂદ કરાવવા આકાશપાતાળ એક કરશે. તે વખતે શું એવી દલીલ કરવામાં આવશે ખરી કે વેશ્યાઓ અને તેમનાં આશ્રિતો, જેમની આજીવિકાનો આધાર કેવળ આ ધંધા ઉપર જ હતો તેઓ એ ધંધો નાબૂદ થવાથી હાડમારીમાં આવી પડશે?

દારૂના વ્યસનનો ભોગ બનેલા રાષ્ટ્રની સામે પાયમાલી જ આવીને ઊભી રહે છે. ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એ બૂરી આદતના કારણે કેટલાંય સામ્રાજ્યો નાશ પામ્યાં છે. આપણે ત્યાં હિંદુસ્તાનમાં ભગવાન શ્રીકૃષ્ણ જે કુળના હતા તે મહાન યાદવકુળનો આ ટેવના કારણે નાશ થયો હતો. રોમની પડતીમાં ભાગ ભજવનારાં અનેક કારણોમાં એક કારણ આ બદી જ હતું.

No comments: