એક વાર હું કાશીમાં એક જગ્યાએથી પસાર થતો હતો. ત્યાં એક બાજુ પાણીનું મોટું તળાવ હતું અને બીજી બાજુ ઊંચી દિવાલ હતી. તે જગ્યાએ ઘણા વાંદરા હતા. તેમણે મને ત્યાંથી પસાર ન થવા દેવાનું નક્કી કર્યુ. તેઓ કિકિયારી કરવા લાગ્યા, ચીસો પાડવા માંડયા, મારા પગે ચોંટવાનો પ્રયાસ કરવા લાગ્યા. તેઓ મારી નજીક આવ્યા, એટલે મેં દોડવાનું શરૂ કર્યું. પણ જેમ હું જેમ વધુ ઝડપથી દોડતો ગયો તેમ વાંદરાઓ પણ ઝડપથી પાછળ પડ્યા અને તેઓ મને બચકાં ભરવા આવ્યા. તે જ વખતે અચાનક એક અજાણ્યા ભાઈ આવી ચડ્યા. તેણે મને બૂમ પાડી કહ્યું, 'વાંદરાની સામે થાઓ.' હું પાછો ફર્યો અને વાંદરાની સામે થયો, એટલે તેઓ પાછા ફર્યા અને આખરે નાસી ગયા.
જીવનનો આ એક બોધપાઠ છેઃ ભયની સામે થાઓ, હિંમતપૂર્વક સામનો કરો. જીવનની હાડમારીઓમાંથી આપણે ભાગતા નથી ત્યારે વાંદરાઓની જેમ તે પાછી હઠે છે. ભય, મુશ્કેલી અને અજ્ઞાનને નસડાવાં હોય તો આપણે તેમની સામે લડવું પડશે. આપણે સ્વાતંત્ર્ય મેળવવું હોય તો પ્રકૃતિ પર વિજય મેળવીને જ પ્રાપ્ત થશે, નહીં તે નાસી છૂટીને. નામર્દને કદી વિજય સાંપડતો નથી.
મારા યુવક મિત્રો ! સુદ્રઢ બનો. નબળા લોકોને માટે આ જિંદગીમાં અથવા બીજી કોઈ જિંદગીમાં કોઈ સ્થાન નથી. નબળાઈ ગુલામી તરફ દોરી જાય છે. તે સર્વ પ્રકારનાં માનસિક અને શારીરિક દુઃખો લાવે છે. નબળાઈ મૃત્યુ છે. આપણી આજુબાજુ અસંખ્ય જીવાણુઓ રહેલા છે, પણ જ્યાં સુધી આપણે નબળા ન પડીએ અને શરીર તેમને સંઘરવાને તૈયાર તેમ જ અનુરૂપ બને ત્યાં સુધી તે આપણને કશું નુકસાન કરી શકતાં નથી. દુઃખના અસંખ્યા જીવાણુઓ ભલે આપણી આજુબાજુ ઊડતા હોય, કંઈ વાંધો નહીં ! જ્યાં સુધી મન નબળું ન પડે ત્યાં સુધી તેઓ આપણી પાસે આવવાની હિંમત કરી શકશે નહીં.
સેન્ટર પોઇન્ટઃ શક્તિ જીવન છે, શાશ્વત અને અમર છે; નિર્બળતા બોજ છે, દુઃખ છે, મૃત્યુ છે.
No comments:
Post a Comment