Friday, July 24, 2009

'હું જ રાજ્ય છું': દૈવી સિદ્ધાંતમાં માનતા આપખુદ, નિરંકુશ, સર્વાસત્તાધીશ અને નબળા લૂઈ શાસકો

(નિર્બળ, નિરંકુશ, સર્વસત્તાધીશ લૂઈ શાસકોના વૈભવવિલાસનું પ્રતીક વર્સેલ્સ મહેલ)

સામાન્ય રીતે મનુષ્યની મૂળભૂત જરૂરિયાત રોટી, કપડા અને મકાન છે. શાસકો પોતાની સત્તાના કેફમાં અંધ બનીને પ્રજાની આ ત્રણ મૂળભૂત જરૂરિયાત પર તરાપ મારે છે ત્યારે ક્રાંતિનું બીજારોપણ થાય છે. ઓક્સફર્ડ ડિક્શનરીમાં ક્રાંતિનો અર્થ 'આમૂલ પરિવર્તન', 'પરિસ્થિતિમાં મહાન પલટો' આપવામાં આવ્યો છે. ક્રાંતિ એટલે જૂની વ્યવસ્થાનો નાશ અને નવી વ્યવસ્થા માટેનું વિસ્ફોટક પરિવર્તન. જનતા જૂની વ્યવસ્થાથી ત્રાસી જાય છે ત્યારે નવી વ્યવસ્થા પ્રસ્થાપિત કરવા ક્રાંતિનો માર્ગ અપનાવે છે. ફ્રાંસની જનતા પણ આપખુદ, નિરંકુશ અને નિર્બળ રાજાશાહી વ્યવસ્થાથી ત્રાહિમામ પોકારી ગઈ હતી અને તેની ક્રૂર બેડીઓમાંથી છૂટવા પ્રજાએ ક્રાંતિનો કાંટાળો માર્ગ પસંદ કર્યો હતો. સર્વસત્તાધીશ અને નિર્બળ લૂઈ રાજાશાહીના કારણે ફ્રાંસના રાજકીય, વહીવટી, કાનૂની, સામાજિક અને આર્થિક એમ તમામ ક્ષેત્રે અરાજકતા ફેલાયેલી હતી અને સામાન્ય જનતા તેમાં પીસાઈ રહી હતી.

રાજાશાહી કે સરમુખત્યારશાહીની સફળતાનો આધાર રાજા કે સરમુખત્યારની યોગ્યતા, કુશળતા અને તેના દ્રઢ મનોબળ પર હોય છે. પ્રજા અને રાષ્ટ્રના હિત માટે કાર્ય કરતી કોઈ પણ શાસન વ્યવસ્થાનો સ્વીકાર જનતા કરે છે. આપણી સામે ક્યુબાના સામ્યવાદી સરમુખત્યાર ફિડેલ કાસ્ટ્રોનું ઉદાહરણ છે. ક્યુબામાં છેલ્લાં 50 વર્ષથી કાસ્ટ્રોનું શાસન છે. અમેરિકાએ તેને દૂર કરી મૂડીવાદ સ્થાપવા અનેક પ્રયાસ કર્યા છે, છતાં પ્રજા કાસ્ટ્રોના જનહિતકારી શાસન વ્યવસ્થાથી સંતુષ્ટ છે. પણ ફ્રાંસમાં પરિસ્થિતિ વિપરીત હતી.

ફ્રાંસમાં રાજાને રાજકાજમાં સલાહ આપવા લોકપ્રતિનિધિઓની એક સભા હતી જે જનરલ એસ્ટેટ નામે ઓળખાતી હતી. તેમાં પ્રજાના ત્રણ વર્ગોને સ્થાન હતું-ધર્મગુરુઓ, ઉમરાવો અને સામાન્ય જનતા. પણ લૂઈ રાજાઓએ 1614 પછી તેનું અધિવેશન જ બોલાવ્યું નહોતું. લોકોને તેની ચૂંટણી અને કામગીરી પણ યાદ નહોતી. રાજા સંપૂર્ણપણે મનસ્વી થઈ ગયા હતા અને અમર્યાદિત શક્તિઓનો ઉપયોગ કરતા હતા. તેમના સ્વેચ્છાચારી આચરણ પર અંકુશ લગાવી શકતી કોઈ સંસ્થા હતી તો એ પાર્લમા હતી. તે પ્રતિનિધિ સભા નહોતી પણ તેની કામગીરી થોડી ઘણી અદાલત જેવી હતી. તેનું મુખ્ય કાર્ય રાજાના આદેશોને મંજૂર કરવાનું કે ફગાવી દેવાનું હતું. ફ્રાંસમાં કુલ 13 પાર્લમા હતી જેમાં પેરિસની પાર્લમા સૌથી વધુ શક્તિશાળી હતી.

ક્રાંતિ અગાઉના વર્ષોમાં પાર્લમાએ રાજાના કેટલાક અયોગ્ય આદેશોને માન્ય કરવાનો ઇનકાર કરી દીધો હતો અને જનતાનું ધ્યાન ખેંચ્યું હતું. પણ રાજા અને તેના દરબારીઓએ એક યુક્તિ વાપરી તેને પણ નબળી પાડી દીધી. પાર્લમામાં પદો વંશાનુગત બનાવી દીધા. યોગ્ય વ્યક્તિની પસંદગીને કોઈ અવકાશ જ રહેવા ન દીધો. જે સંસ્થા કે રાજ્યનું સંચાલન યોગ્ય વ્યક્તિના હાથમાં ન હોય ત્યાં અરાજકતા જ સર્જાય છે. ઇતિહાસકાર સી ડી એમ કેટલ્બીએ કહ્યું છે કે, 'ફ્રાંસમાં જૂની વ્યવસ્થાનું સૌથી આગળ પડતું લક્ષણ હતું-અરાજકતા.' અને આ અરાજકતા માટે જવાબદાર કોણ હતા? પૃથ્વી પર શાસન કરવા પોતાને પરમેશ્વરના પ્રતિનિધિ માનતા મદમસ્ત લૂઈ શાસકો.

લૂઈ રાજાઓ દૈવી સિદ્ધાંતમાં માનતા હતા. લૂઈ 14મો (1643-1715) ગર્વથી કહેતો, 'I am the State' અર્થાત્ 'હું જ રાજ્ય છું.' તે આપખુદ અને નિરંકુશ શાસક હતો, પરંતુ તેનું મનોબળ દ્રઢ હતું. તેણે અવ્યવસ્થા અને અંધાધૂંધી સર્જે તેવા પરિબળોને અંકુશમાં રાખ્યાં હતા. તેના પછી શાસન વ્યવસ્થા ક્રમશઃ નબળી પડતી ગઈ. તેના પુત્ર લૂઈ 15મામાં (1715-1774) એક શાસક માટે જરૂરી યોગ્યતા કે કુશળતા નહોતી. હેઝ, મૂન અને વેલેન્ડને મતે, 'તેણે વહીવટ કરવા ઉપપત્નીઓ અને અયોગ્ય પ્રધાનો રાખ્યા હતા.' શાસનતંત્રને સુધારવાને બદલે તે આનંદ-પ્રમોદ અને ભોગ-વિલાસમાં ચૂર રહેતો હતો. તેને કેટલાંક યોગ્ય સલાહકારોએ શાસનમાં સુધારો કરવાની સલાહ આપી ત્યારે તેણે શું જવાબ આપ્યો હતો?

'અત્યારે જે વ્યવસ્થા છે તેમાં મારું આયખું પૂરું થઈ જશે. પછી ચિંતા કરવાની શું જરૂર!' પણ મોત નજીક આવ્યું ત્યારે તેને અહેસાસ થયો હતો કે ફ્રાંસમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પોતાના મૃત્યુ સમયે તેણે કહ્યું હતું, 'મારા મૃત્યુ પછી પ્રલય થશે...' અને ખરેખર પ્રલય થયો. તેના પુત્ર લૂઈ 16મામાં નેતૃત્વક્ષમતા નહોતી. અને અધૂરામાં પૂરું તે ભલો અને ભોળો હતો. નપોલિયન કહેતો કે, 'લોકો રાજાને ભલો માણસ કહે ત્યારે તેનું શાસન નિષ્ફળ ગયું છે તેમ માનવું.'

આ ભલા અને ભોળા શાસક પર તેની પત્ની મહારાણી મેરી આન્તાનેતનો પ્રભાવ હતો. તે ઑસ્ટ્રિયાની મહારાણી મેરિયા થેરીસાની પુત્રી હતી. મેરી મૂર્ખ હતી અને કોઈ પણ બાબતે લાંબું વિચારવાની તેની પાસે ક્ષમતા નહોતી. તે સતત ખોટા સલાહકારોથી ઘેરાયેલી રહેતી અને લૂઈ 16મો તેનો પડ્યો બોલ ઝીલતો હતો. તે પણ તેના બાપની ભોગ-વિલાસી હતો. તેના વૈભવવિલાસના આંકડા પર નજર ફેરવશો તો ફ્રાંસની પ્રજાનો આક્રોશ આપણને યોગ્ય લાગે છે.

રાજા અને તેના કુટુંબીજનો ફ્રાંસની રાજધાની પેરિસથી 12 માઇલ દૂર વર્સેલ્સમાં વિશાળ રાજમહેલમાં રહેતા હતા. તેના ભવ્ય દરબારમાં કેટલાં માણસો હતા? 18,000. તેમાંથી 16,000 તો રાજા અને તેના કુટુંબીજનોના અંગત નોકરો હતા. બાકીના 2,000 ખુશામતિયા અને ઉમરાવો હતા. મેરી પાસે જ 500 સેવકો હતા. શાહીતબેલામાં 1,900 ઘોડા હતા અને તબેલાનો ખર્ચ જ દર વર્ષે 40 લાખ ડોલર આવતો. રાજા દર વર્ષે ભવ્ય ભોજનસમારંભો યોજતા જેની પાછળ દર વર્ષે 15 લાખ ડોલરનો ધુમાડો થતો. ખેડૂતો ભૂખ્યે મરતાં અને રાજા ભોજનસમારંભો યોજતા! ક્રાંતિના વર્ષમાં જ રાજારાણીએ પોતાના મોજશોખ અને વૈભવવિલાસની પાછળ બે કરોડ ડોલર કરતાં વધારેનો ખર્ચ કર્યો હતો અને આ બધું જોઇને પ્રજાનો ગુસ્સારૂપી લાવારસ ઉકળી રહ્યો હતો...જરૂર હતી એક ચિંગારીની અને તે ચિંગારી ખુદ રાજા લૂઈ 16માએ જ ચાંપી....

No comments: