Sunday, July 12, 2009

ઊઠો, વીર બનો, દોષનો ભાર તમારે માથે જ લઈ લો



આપણી નિષ્ફળતા માટે આપણે બીજાને દોષ દઇએ છીએ. જે ઘડીએ હું નિષ્ફળ જાઉં છું તે વખતે કહું છું કે અમુક માણસ મારી નિષ્ફળતાનું કારણ છે. નિષ્ફળતા વખતે માણસને પોતાના દાષ અને નબળાઇઓ કબૂલ કરવી ગમતી નથી. દરેક માણસ પોતાની જાતને નિર્દોષ માને છે અને દોષનો ટોપલો કોઈ અન્ય વ્યક્તિ ઉપર અથવા કોઈ વસ્તુ ઉપર અથવા છેવટે દુર્ભાગ્ય ઉપર ઢોળે છે.

આ વિશ્વમાં આપણા સિવાય બીજું કોઈ પણ આપણને નુકસાન કરી શકે તેમ નથી. એટલે આપણે કોઇને દોષ દેવો ન ઘટે, પણ આપણે તો આપણાં કર્મોને જ દોષ દેવો ઘટે. માનવશરીર જ્યાં સુધી દુર્ગુણ, અપથ્ય, ખોરાક, ટાઢતડકામાં ખુલ્લું પડી રહેવાના કારણે ક્ષીણ ને સત્વહીન થાય નહીં ત્યાં સુધી કોઈ પણ રોગનાં જંતુઓ તેમાં પ્રવેશી શકતાં નથી. તંદુરસ્ત માણસની આસપાસ ભલેને લાખો ઝેરી જંતુઓ ભમતાં હોય, એથી એને જરા સરખી આંચ આવતી નથી.

દોષ આપણો જ છે. ઊઠો, વીર બનો, દોષનો ભાર તમારે માથે જ લઈ લો. બીજાના પર કાદવ ફેંકવાનો પ્રયાસ કરશો નહીં. જે દોષને કારણે તમારે સહન કરવું પડે છે તેનું એકમાત્ર કારણ તો તમે જ છો. યાદ રાખો કે તમારા ભાગ્યનિર્માતા તમે પોતે છો.

સેન્ટરપોઇન્ટઃ નિષ્ફળતા સ્વાભાવિક છે અને માનવજીવનનું સૌંદર્ય છે

No comments: