Thursday, July 23, 2009

ફ્રાંસની મહાન ક્રાંતિ


ક્રાંતિ અને જ્વાળામુખીમાં એક સમાનતા છે. તે બંને અચાનક ફાટી પડે છે, પણ તેના મૂળિયાં બહુ ઊંડે સુધી પથરાયેલા હોય છે. તેનો વિસ્ફોટ થાય છે ત્યારે આશ્ચર્ય સાથે જોવા સિવાય આપણી પાસે અન્ય કોઈ વિકલ્પ હોતો નથી, પણ તેને જન્મ આપનારાં પરિબળો સતત એકબીજાની વિરુદ્ધ કાર્ય કરતાં હોય છે. અસંતોષને જન્મ આપનારા પરિબળો ક્રાંતિ માટે જરૂરી પૃષ્ઠભૂમિ તૈયાર કરે છે અને તે પરિબળોમાંથી મુક્તિ આપવા માટે પ્રેરણા આપે છે-બૌદ્ધિક ચેતના. શાસકો જડ બની જાય અને બદલાતા સમયની સાથે પોતાનું જક્કી વલણ ન બદલે ત્યારે પરિવર્તનની પહેલ કરવાની જનતાને ફરજ પડે છે. આ પહેલ એટલે જ વિસ્ફોટ!

14 જુલાઈ, 1789ના રોજ આવો જ એક વિસ્ફોટ ફ્રાંસમાં થયો અને દુનિયા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આપખુદ, નિરકુંશ અને સર્વસત્તાધીશ રાજાશાહીથી તંગ આવી ગયેલી પ્રજાએ અન્યાય, અત્યાચાર અને આપખુદીના પ્રતિક સમાન બેસ્ટાઇલના કિલ્લા પર હુમલો કરી વિશ્વની એક મહાન ક્રાંતિનું રણશિંગુ ફૂંકી દીધું હતું. ઇતિહાસકાર કેટલ્બીએ કહ્યું છે કે, 'બેસ્ટાઇલના પતન સાથે ફ્રાંસની જનતા લોહી ચાખી ગઈ હતી અને હવે તે કોઇના વશમાં રહે તેમ ન હતી.'

અન્યાય, અત્યાચાર અને શોષણથી ત્રાહિમામ પોકારી ગયેલી જનતાની સહનશીલતાનો અંત આવી ગયો હતો અને તેણે ફ્રાંસમાં રાજાશાહીનો મૃત્યુઘંટ વગાડવાનું આહવાન કર્યું હતું. રાજા લુઈ સોળમાને તેના ઉમરાવ ડ્યુક ડી લિયાનકોર્ટે બેસ્ટાઇલના પતનના સમાચાર આપ્યા ત્યારે તેણે કહ્યું હતું કે, ''આ તો બળવો કહેવાય!'' રાજા બળવો અને ક્રાંતિ વચ્ચેનો ભેદ જાણતો નહોતો. કોઈ વ્યક્તિ કે જૂથ પોતાનું હિત સંતોષવા જે તે વ્યવસ્થાનો વિરોધ કરે તેને બળવો કહેવાય જ્યારે સમાજના હિત માટે બહુમતી પ્રજા જાગે અને સંપૂર્ણ શાસન વ્યવસ્થાને જડમૂળમાંથી ઉખાડીને ફેંકી દેવા મેદાને પડે તેને ક્રાંતિ કહેવાય. બળવાની અસર કામચલાઉ હોય છે જ્યારે ક્રાંતિ લાંબા સમય સુધી પ્રજાને પ્રેરણા પૂરી પાડે છે.

લુઈ સોળમો અભિમાનમાં મદમસ્ત હતો પણ તેના ઉમરાવ ડ્યુક ડી લિયાનકોર્ટ વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ હતો. તે જાણતો હતો કે આ બળવો નથી. તેણે જવાબ આપ્યો, ''નામદાર, આ બળવો નથી, આ તો ક્રાંતિ છે !'' ઇતિહાસ સાક્ષી છે, ફ્રાંસની રાજકીય ક્રાંતિ પર જેટલું લખાયું છે તેટલું કોઈ બીજી કોઈ ઐતિહાસિક ઘટના પર લખાયું નથી. આ ક્રાંતિ જેટલી સહાનુભૂતિ કે આક્રોશ વિશ્વની બીજી કોઈ ઘટના પર વ્યક્ત કરવામાં આવ્યો નથી. જવાહરલાલ નેહરુએ કહ્યું છે કે, ''તે ક્રાંતિ અનેક અસાધારણ ઘટનાઓથી ભરેલા નિત્ય પલટાતા જતા એક વિરાટ નાટક સમાન છે. તે ઘટનાઓ આજે પણ આપણને આશ્ચર્યચકિત કરે છે, આપણાં રુવાડાં ઊભા કરી દે છે.'' આ રોમાચંક ક્રાંતિ માટે જવાબદાર પરિબળો...બેસ્ટાઇલના કિલ્લાનું ઐતિહાસિક પતન...લૂઈ સોળમાનો શિરચ્છેદ અને ક્રાંતિની દુર્ગતિ વિશે હવે પછી...

No comments: