Tuesday, July 28, 2009

ટેસ્ટ ક્રિકેટ જ અસલી કળા છે અને તેનું મહત્વ વધશેઃ બિશનસિંઘ બેદી


'સ્ટાર ક્રિકેટરો આઇપીએલ રમવા ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરવા માંડશે' તેવું કહી ભારતીય ક્રિકેટ ટીમના કોચ ગેરી કર્સ્ટને વિવાદ છેડી દીધો છે. આઇપીએલના આગમન સાથે જ ટેસ્ટ ક્રિકેટનો મૃત્યુઘંટ વહેલો વાગી જશે તેવી ભવિષ્યવાણી અનેક જાણીતા ક્રિકેટરોએ કરી છે, પણ આઇસીસીના સર્વકાલિન મહાન ખેલાડી (હૉલ ઑફ ફેમ)માં સામેલ ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને 'વિવાદાસ્પદ વિધાનોના બાદશાહ' બિશનસિંઘ બેદી ટેસ્ટ ક્રિકેટના અંતને માનવા તૈયાર નથી. તેમનું કહેવું છે કે , આગામી દિવસોમાં ટેસ્ટ ક્રિકેટનું મહત્વ વધશે. બેદીએ ભૂતપૂર્વ સ્પિનર બોરિયા મજૂમદાર સાથે કરેલી વાતચીત અહીં રજૂ કરવામાં આવી છેઃ

આઇસીસીના સર્વકાલીન મહાન ખેલાડીઓમાં સ્થાન મળતાં કેવી લાગણી અનુભવો છો?
તમે જે કામ ઇમાનદારીપૂર્વક કર્યુ હોય તેને માન્યતા મળે ત્યારે બહુ સારું લાગે તે સ્વાભાવિક છે. જે કામ માટે તમે આજીવન સર્મપિત રહ્યાં હોય અને કોઈ તેની કદર કરે કે તેને મહત્વ આપે છે ત્યારે સંતોષ થાય છે.

તમને કેપ (ટોપી) મળી ગઈ?
(બિશનસિંઘ બેદી હસી પડે છે) ના. ડેવિડ મોર્ગનને મને પૂછ્યું છે કે હું કેપ ક્યાં લેવાનું પસંદ કરીશ. મને પંજાબ કે દિલ્હીમાં કેપ મેળવવાની ઇચ્છા છે. શક્ય ન હોય તો પછી લોર્ડસમાં કેપ લેવાની ઇચ્છા છે. તે મારા મનપસંદ મેદાનમાંનું એક છે. કદાચ તે મને આઇસીસીના શતાબ્દીના આયોજનમાં જ ટોપી પહેરાવી દે. (બંને ભૂતપૂર્વ ક્રિકેટર મિત્રો હંસી પડે છે)

તમે છેલ્લાં 50 વર્ષથી ક્રિકેટ સાથે જોડાયેલા છો. આ દરમિયાન તમે ક્રિકેટમાં શું ફેરફાર અનુભવ્યાં?
અનેક પરિવર્તન. પણ દરેક ફેરફાર સારા હોય તે જરૂરી નથી. અત્યારે કાંડુ વાળવાના 15 ડિગ્રીના નિયમ સાથે હું સહમત નથી. ખરેખર તે નિયમ નહીં દાદાગીરી છે. બીજી વાત એ છે કે અત્યારે દરેક ઑફ સ્પિનર દૂસરા ફેંકવા માગે છે અને તે બોલિંગનો એવો પ્રકાર છે જેને તમે જોવાનું પસંદ નહીં કરો. કોઈ સ્પિનર પરંપરાગત સ્પિનની લૂપ, ઘુમાવ અને ઉછાળ જેવી ખાસિયતોનો પ્રયોગ કરી વિકેટ ઝડપશે તો મને ગમશે.

ટ્વેન્ટી-20 કિક્રેટ વિશે તમારું શું માનવું છે?
નવા પ્રયોગ કરવાની જરૂર હંમેશા હોય છે, ટ્વેન્ટી-20 પણ આવો જ એક પ્રયોગ છે.

કેટલાંક ક્રિકટરોનું માનવું છે કે તેનાથી ટેસ્ટ ક્રિકેટનો મૃત્યુઘંટ વહેલો વાગી જશે?
ટેસ્ટ ક્રિકેટમાં જ ક્રિકેટરોની સાચી ક્ષમતા જાણી શકાય છે. ટેસ્ટ ક્રિકેટ કાબેલ ક્રિકેટરોની રમત છે. ક્રિકેટની સાચી કળા છે. ક્રિકેટરૂપી મુગટમાં સૌથી કિંમતી રત્ન છે. ક્રિકેટના આ ક્લાસિક સ્વરૂપને કોઈ પણ નબળી ન કહી શકે...

પણ ઘણા ક્રિકેટરો ટેસ્ટ ક્રિકેટનો અંત વહેલો આવી જશે તેવી ભવિષ્યવાણી કરી રહ્યાં છે...
આગામી દિવસોમાં ખબર પડે જશે. તમે જોશો કે તમામ પ્રકારના દબાણ વચ્ચે ટેસ્ટ ક્રિકેટનું મહત્વ વધશે. તેનું પ્રત્યક્ષ ઉદાહરણ એશીઝ શ્રેણી છે.

ક્રિકટેનું વધારે પડતું વ્યાવસાયિકરણ થઈ ગયું છે?
રમતને ટકાવવા, પ્રતિભાશાળી ખેલાડીઓને તેની સાથે જોડવા અને રમતને આકર્ષક બનાવવા તમારે નાણાંની જરૂર પડે છે. ક્રિકેટ રમીને તમારે જિંદગી નાણાભીડમાં પસાર કરવી પડે તો તમે ક્રિકેટ રમવાનું પસંદ કરશો? જરૂર સંતુલનની છે.

No comments: