પોતાના ચમચાઓનો જ ગુલાલ કરતી આ દુનિયામાં સૌથી વધુ અન્યાયનો ભોગ સ્વમાની અને પ્રતિભાશાળી વ્યક્તિઓ બને છે. તમે અવલોકન કરજો કે મોટાભાગની મંડળીઓ હંમેશા ઓછી પ્રતિભાશાળી વ્યક્તિઓ જ બનાવે છે અને તેનો એક જ હેતુ હોય છે-માંહેમાંહેનો સ્વાર્થ સંતોષવો. હકીકતમાં સિંહના ટોળા હોતા નથી અને માનવરૂપી કૂતરા એકલાં ફરતા નથી. માનવરૂપી કૂતરાઓની દુનિયા વિશે જાણવા જેવું છે.
અમુક ઓછા પ્રતિભાશાળી પણ પોતાના આકાઓને ખુશ કરી અડ્ડો જમાવવામાં સફળ નિવડેલા અને એક કે બે મુદ્દે સમાન વિચારો ધરાવતા માનવરૂપી બે પગવાળાં કૂતરા પોતાનો એક અલગ ચાકો બનાવી લે છે। પછી તેઓ પોતાની સાથે રહી શકે અને એકબીજાનો પ્રચાર કરી શકે તેવા બીજા કૂતરાઓને પોતાની સાથે લેવા ઠેરઠેર લાળ પાડતાં ફરે છે. મોટેભાગે તેમને તેમના જેવા ડોગી સરળતાથી મળી જાય છે. ક્યારેક તેમની મંડળીમાં કોઈ રસ ન લે તેવી વ્યક્તિ મળી જાય તો પછી આ બધા ડોગી ભેગા થાય છે અને તેમની સાથે ભળવામાં રસ ન ધરાવતી વ્યક્તિ વિરૂદ્ધ આખા જમાનામાં દુષ્પ્રચાર કરવાનું આયોજન કરે છે. આ આખી ડોગી મંડળી તેમના ક્ષેત્રની જુદી જુદી શેરીઓમાં ફેલાઈ જાય છે અને ત્યાંની જુદી જુદી શ્વાન મંડળીઓમાં પેલી વ્યક્તિ વિરૂદ્ધ ભસે છે. બધી શ્વાન મંડળીઓ એક ગુપ્ત બેઠક યોજી તેમની લાળપાડુ પ્રવૃત્તિઓમાં રસ ન લેનારા માણસનો બહિષ્કાર કરવાનો નિર્ણય લે છે.
આ તો વાત થઈ શ્વાનમંડળીઓની વિવિધતામાં એકતાની। હવે આ મંડળીઓમાં કાર્યરત બે પગવાળાં કૂતરાઓની સર્વસામાન્ય પ્રકૃતિ પર નજર દોડાવીએ. મંડળીની બેઠકમાં દરેક શ્વાન અજાતશત્રુ અને સર્વના મિત્ર હોવાનું એક મહોરું ધારણ કરીને જાય છે. બેઠકમાં તેઓ એકબીજાની એટલી બધી ખુશામત કરે છે કે અમુક શ્વાનને ઘરે આવીને પેન્ટ બદલવા પડે છે. આ પ્રકારના શ્વાન જ્યારે આપણો દિવસ બગડવાનો હોય ત્યારે ભટકાઈ જાય છે. આ સમયે તેમનો અસલી ચહેરો પ્રગટ થાય છે. તે તેમની જ મંડળીના બીજા મોટા ભા થઇને બેસી ગયેલા શ્વાનના ટાંટિયા ખેંચવામાં પાછી પાની કરતા નથી. હકીકતમાં દરેક શ્વાન પોતાની મંડળીનો સિંહ બનવાના પ્રયાસમાં જ લાગેલો હોય છે. વાતને અંતે પછી તે પોતાની મંડળીના સેનાપતિ શ્વાન વિશે ધીમેથી કહે છે કે, 'તેની પાસે પ્રતિભા નથી, વગ છે અને અત્યારે વગદારનો સાથીદાર બનવાનો જમાનો છે.'
ખબર પડી? પોતાની મંડળીના માણસોનો ઉપયોગ કરી આગળ વધવું અને પછી તેમને જ લાત મારવી। દરેક શ્વાન આ જ પ્રકારની પ્રવૃત્તિઓમાં રચ્યોપચ્યો રહે છે. પોતાના મોં અને માથામાં જે ગંદકી હોય છે તેને પુસ્તકનું સ્વરૂપ આપવું અને પછી પોતાની મંડળીના સભ્યોની સંખ્યાની તાકાત દેખાડી પ્રકાશન કરાવવું. પુસ્તક વિમોચનનો કાર્યક્રમ રાખવો અને તેમાં સાથીદાર શ્વાનોને એવા જ પ્રશ્નો પૂછવાનું કહેવું જેથી પોતાની પૂંછડી પટપટાવવાની કળામાં ચાર ચાંદ લાગી જાય.
જો તમે પણ આવી શ્વાનપ્રવૃત્તિ ધરાવતા હોય તો તમારી આજુબાજુ નજર કરજો ગમતાનો ગુલાલ કરતી શ્વાનમંડળી અત્ર, તત્ર, સર્વત્ર હાજર છે। તેમાંથી તમને જે મંડળીમાં સૌથી વધારે ફાયદો દેખાય તેમાં જોડાઈ જજો અને પછી તમારી મંડળીના સેનાપતિ શ્વાનની 'જય હો' બોલાવજો.
અને જો તમારામાં અલગારી પ્રવૃત્તિ હોય, કોઇની ખુશામત કરવાની કળા ન હોય, તમને શ્વાનમંડળી પ્રત્યે સૂગ હોય, ગમતાનો ગુલાલ ઉડાવવાની ઇચ્છા ન હોય, કોઈ દંભેપૂરા અને દિલથી ખોટા શ્વાનનો પ્રચાર કરવામાં બિલકુલ રસ ન હોય તો તો દુનિયાની માને મારી આંખ, યા હોમ કરીને તમારી મનગમતી પ્રવૃત્તિમાં પડી જાઓ.
2 comments:
very interesting observation of dogs and Lions. must be a discovery channel fan.
વાત સાચી છે દોસ્ત. આ તો ઘરના ભૂવા ને ઘરના ડાકલાં. આપણા કથિત મહાન વ્યક્તિઓએ જો સમાજ સેવાનું કામ કરવું હોય તો તેમણે તેમના જુનિયસર્ને આગળ આવવા પ્રોત્સાહન આપવું જોઇએ. પોતાની પાસે આવેલી તક જે તે ક્ષેત્રમાં નવા પ્રવેશી રહેલા જુનિયરને આપવી જોઇએ. આમ વ્યક્તિએ પોતાનું ટોળું રચીને મહાન બનવા કરતા કમર્થી મહાન બનવાની જરૂર છે. આપણે ગુજરાતી સાહિત્યનો વ્યાપ અન્ય ભાષની જેમ નથી વધતો એમ ફિરયાદ કરીએ છીએ પરંતુ તેમાં ખરો વાંક સન્માન સમારંભોમાં મહત્ત્વના સ્થાન શોભાવતા ગુરુજનોનો છે કે જેમણે ક્યારેય નવા નિશાળીયાઓને પ્લેટફોર્મ પુરું પાડ્યું જ નથી. દરેક સ્પર્ધામાં પોતાની કૃતિ જ જીતવી જોઇએ. ભાઇ તમે તો સિદ્ધ થઇ જ ગયા છો તમારે સ્પર્ધામાં યુવા પ્રતિભાને સ્થાન આપવા સ્પર્ધાથી દૂર રહેવું જોઇએ.
Post a Comment