Sunday, February 15, 2009

કથિત સાંસ્કૃતિક પહેરેદારોનો આશય ખરેખર હિંદુ સંસ્કૃતિના રક્ષણનો છે ?


ઘટના 1: ઉજજૈનમાં બજરંગદળના કાર્યકર્તાઓએ એક ભાઈ-બહેનને પ્રેમી સમજી ફટકાર્યા
ઘટના 2: પૂણેમાં પિકનિક સ્પોટ પર વેલેન્ટાઇન ડે મનાવતાં ચાર પ્રેમી યુગલને શિવસેનાએ પરણાવી દીધા
ઘટના 3: જિંદમાં એક પ્રેમી યુગલને બજરંગદળના કાર્યકર્તાએ ફટકાર્યા. એટલું જ નહીં તેમની સાથે એક પોલીસ કર્મચારીએ પણ તેમની સાથે જોડાઇને યુવતીને વાળ પકડી ઢસડીને ફટકારી
ઘટના 4: મુંબઈમાં શિવ સેનાના કાર્યકારોએ એક પ્રેમી યુગલને પકડી તે બંનેના મોં પર ડામર લગાવી દીધો

વેલેન્ટાઈન ડે આવે એટલે સંસ્કૃતિના કહેવાતા પહેરેદારો ભગવો ઝંડો હાથમાં લઇને પોતાના ગુંડાઓ સાથે છાકટાં થઈને નીકળી પડે છે અને એક દિવસ નાટકબાજી કરી ભરપૂર પબ્લિસિટી મેળવે છે। ટીવી ન્યૂઝ ચેનલો પણ તેમને પબ્લિસિટી આપવામાં પાછી પાની કરતી નથી. શું સંસ્કૃતિના આ કથિત પહેરેદારોને આશય ખરેખર હિંદુ સંસ્કૃતિના રક્ષણનો છે ?

ના, બિલકુલ નહીં। હિંદુ સંસ્કૃતિમાં આ પ્રકારના જંગલી અને અસભ્ય વિરોધને કોઈ સ્થાન નથી. આ દેશનાં દરેક નાગરિકને પોતાના મનપસંદ તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીત કરવાનો અધિકાર છે. જો યુવાનો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા માગતા હોય તો તેનો વિરોધ કરવાનો કોઈને અધિકાર નથી. તેમ છતાં જો આ આપમેળે બની બેઠેલા સાંસ્કૃતિક પહેરેદારોને વેલેન્ટાઇન ડેનો વિરોધ કરવાનો શોખ હોય તો તેમણે શા માટે વિરોધ કરી રહ્યાં છે તેના યોગ્ય કારણો રજૂ કરવાં જોઇએ.પછી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવી કે ન કરવી તેનો નિર્ણય યુવાનો પર છોડી દેવો જોઇએ. શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવતા કોઈ પણ તહેવારનો વિરોધ કરવામાં નરી મૂર્ખાઈ છે.

આ સાંસ્કૃતિક પહેરેદારો વેલેન્ટાઇન ડેને પશ્ચિમનો તહેવાર ગણે છે અને ભારતીય યુવાનો તેનું આંધળું અનુકરણ કરી રહ્યાં છે તેવી દલીલ કરે છે। કબૂલ. વેલેન્ટાઇન ડે પાશ્ચાત્ય તહેવાર છે. પણ પ્રશ્ન એ થાય છે કે, જો તેમને પશ્ચિમી સંસ્કૃતિ પ્રત્યે આટલી સૂગ હોય તો તો તેઓ શા માટે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમોમાં અભ્યાસ કરવા મૂકે છે? સંસ્કૃત માધ્યમમાં અભ્યાસ કરવા માટે શા માટે મૂકતાં નથી? શા માટે તેઓ તેમના યુવાન પુત્રોને ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકા સ્થાયી વસવાટ કરવા મોકલી દે છે? કેમ ભારતમાતાની સેવા કરવાની આ સંસ્કૃતિના કથિત પહેરેદારોના સંતાનોની ફરજ નથી? શા માટે તેઓ આધુનિક વસ્ત્રો ધારણ કરે છે? શા માટે તેઓ ધોતિયુ અને પહેરણ પહેરતા નથી? ધોતિયુ અને પહેરણ પહેરતાં સંસ્કૃતિના આ લંગૂર પહેરેદારોને ડર લાગે છે, કારણ કે તેમને શંકા છે કે તેમનો જ કોઈ ભાઈ ભરસભામાં ક્યારેક ધોતિયુ ખેંચી લેશે.

હકીકતમાં આ લોકો સંસ્કૃતિના પહેરેદારો નથી. તેઓ તો કાચિંડા છે જે પોતાના હેતુ પાર પાડવા ક્યારેક લીલો રંગ ધારણ કરે છે તો ક્યારેક કેસરી.

No comments: