હુકમદારની જોહુકમીથી હું હવે લાચાર છું;
મુફલેસ દિલ દરવેશ દર્દી હું હવે બેજાર છું.
ઇશ્કે શરાબીની મજા જોવા હવે તૈયાર છું;
ખોફે જહાં ખમવા ખરે હરદમ હવે હુશિયાર છું.
માશૂકની મુરવ્વત ખરે! કરતાં હવે શીખનાર છું;
આલમ તણી બૂરી ખિલાફી હું હવે જીતનાર છું.
બની બહાવરો! બન્દો સનમ! હું બન્દગી કરનાર છું;
શોખીન શરાબીનો ખુમારીને હવે રડનાર છું.
માશૂક તણા જુલફે રહી આશક સદા છૂપનાર છું;
એ જુલ્ફની ખુશબો અને લજ્જત સદા ચૂમનાર છું.
ગુલઝારની સડકે પડેલા ખારને ખમનાર છું;
એ ગુલ ઉપર આફરીન થઈ ભેટી સદા ચૂમનાર છું.
ઝાંખી થયેલા નૂરની હું પેરમાં પડનાર છું;
મસ્તાન આબેહૂબ હુસ્ને! ત્યાં હું અંજાનાર છું.
આલમ થકી બાતલ થઈ હું દરખતે ચડનાર છું;
પાકી તલાશે એ પરિન્દાને હું પારખનાર છું.
માની મઝા એ સાથ તાબેદારીમાં જીવનાર છું;
કાબિલ! કરો સિતમ મગર ગરદન ન ઊંચકનાર છું.
આબેહયાતીના ઝરામાં હું હવે ડૂબનાર છું;
ઓ સનમ! તું કર રહમ! એ રહેમતે જીતનાર છું.
કલાપી
No comments:
Post a Comment