Monday, February 23, 2009

મૂકસેવક રવિશંકર મહારાજ


ઘસાઈને ઉજળા થઈએ,
બીજાના ખપમાં આવીએ,
ભેગાં મળીને જીવે તે ગામડાંની સંસ્કૃતિ,
ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ.

આ ત્યાગ અને સહકારની ભાવના વ્યક્ત કરતાં શબ્દો છે રવિશંકર શિવરામ વ્યાસ એટલે કે ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજના। આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ છે. શિવ એટલે કલ્યાણ અને શિવરાત્રિ એટલે કલ્યાણકારી રાત્રિ. સન 1884માં 25 ફેબ્રુઆરીએ શિવરાત્રિ હતી અને તે દિવસે ખેડા જિલ્લાના રઢુ ગામમાં રવિશંકર મહારાજનો જન્મ થયો હતો. તેમનું મૂળ વતન મહેમદાવાદ તાલુકાનું સરસવણી.

મહારાજ બાળપણમાં ખૂબ તોફાની હતા અને હંમેશા કંઇક નવું કરવાનો તરવરાટ હતો। નદીમાં કલાકો સુધી તરવાનો શોખ તો મિત્રો સાથે ગામના પાદરે આમલીપીપળી રમવામાં એક્કા. પરંતુ તેમની તોફાની વૃત્તિ ક્યારેય કુમાર્ગે ન વળી. પિતા શિવરામ વ્યાસે જીવનમાં શિસ્તનું મહત્વ સમજાવ્યું તો માતાની ધર્મપરાયણ વૃત્તિએ નાનપણથી જ સમાજસેવાના બીજ રોપ્યાં.

સન 1899-1900માં આખા પ્રાંતમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો। ચેપી રોગ હોવાથી સૌ પોતાનો જીવ બચાવવામાં વ્યસ્ત. કોઈ રોગીની પાસે ફરકતું નહોતું. મરેલાની અંતિમ ક્રિયા કરવાની કોઈમાં હામ નહોતી. તે સમયે જે તે વિસ્તારમાં કોઈ સ્વર્ગ સિધાવી ગયું છે કે અલ્લાહને પ્યારું થઈ ગયું છે તેવી જાણ કિશોર રવિશંકરને થાય કે તરત જ તે પોતાના મિત્રોને લઇને ત્યાં પહોંચી જાય અને મૃતકની અંતિમ ક્રિયા કરે. તે સમયે પ્લેગે કાળો કેર મચાવ્યો હતો અને તેમાંથી રવિશંકરના માતા-પિતા પણ બચી શક્યા નહોતા. તેમણે 19મા વરસે પિતાનું તો 22મા વર્ષે માતાનું છત્ર ગુમાવ્યું. ભણતર કેટલું ? માત્ર છ ચોપડી. પણ તેઓ તેમની પાસે અનુભવનું ભાથું વધારે હતું.

તે સમયે ભારતમાં ધોળા અંગ્રેજોનું શાસન હતું। (અત્યારે કાળા અંગ્રેજો શાસન કરે છે) હિંદુસ્તાનમાં વંદેમાતરમની ગૂંજ ઠેરઠેર સંભાળતી હતી. આ દરમિયાન રાષ્ટ્ર અને સમાજની સેવા કરવા આતુર રવિશંકર સ્વાતંત્ર્યસેનાની મોહનલાલ કામેશ્વર પંડયાના સંસર્ગમાં આવ્યા. તેમણે રવિશંકરમાં રહેલી તાકાત અને ઊર્જા પિછાણી. દરમિયાન 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે ભારત આવી ગયા અને તેમણે અંગ્રેજો સામે આઝાદીની લડત શરૂ કરી. તેમણે અમદાવાદમાં કોચરબ ગામમાં આશ્રમ શરૂ કર્યો.

અહીં ગાંધીજીની રવિશંકર વ્યાસ સાથે મુલાકાત થઈ જેણે રવિશંકરની જીવનને એક નવી દિશા આપી અને રવિશંકર વ્યાસમાંથી રવિશંકર મહારાજ તરફની યાત્રા શરૂ થઈ। ગાંધીજીએ અંગ્રેજ સરકારે જપ્ત કરેલા પુસ્તક 'હિંદ સ્વરાજ' પુસ્તકની નકલો વહેંચવાનું કામ તેમને સોંપ્યું અને તેમણે નડિયાદમાં ઘેરઘેર તે પુસ્તક વહેંચ્યું.

ઇ. સ. 1922માં ગાંધીજીએ અંગ્રેજો સામે અસહકારનું આંદોલન શરૂ કર્યું જેની શરૂઆત બારડોલીથી થવાની હતી. તેમાં ભાગ લેવા 2,000 સ્વયંસેવકોએ નામ નોંધાવ્યા હતા જેમાં બે નામ સૌથી અગ્રેસર હતા-મોહનલાલ પંડ્યા અને રવિશંકર મહારાજ. આંદોલન શરૂ થાય તે પહેલાં જ અંગ્રેજોએ બાપૂની ધરપકડ કરી અને છ વર્ષ જેલની સજા કરી. તે સમયે જેલની બહાર ત્રણ કલાકથી બાપૂના દર્શનની રાહ જોતા ઊભેલા રવિશંકર ચુકાદો સાંભળીને રડી પડેલાં. ત્યારે ગાંધીજીએ તેમને કોમની સેવા કરવાનું કહ્યું હતું. તેમનો એ પડ્યો બોલ ઝીલી તેમણે ધારાળા, પાટણવાડિયા, બારૈયા જેવી કોમની સેવા કરવાનો સંકલ્પ કર્યો.

તેમણે ચોરી કરીને જીવન ગુજરાતી કોમો વચ્ચે જઈ તેમના જીવનમાં માનવતાની મહેંક પ્રસરાવી હતી। દારૂબંધીથી માંડીને દુકાળમાં રાહત આપવા સુધીનાં અને કોલેરાથી માંડીને અતિવૃષ્ટિની મુશ્કેલીમાં જનસેવા કરી માનવસેવા એ જ પ્રભુસેવાનો સંદેશ આપ્યો.

ગુજરાત રાજ્યની સ્થાપના સન 1960માં તેમના શુભ હસ્તે થઈ હતી। તે સમયે તેમણે ગુજરાતના રાજકારણીઓને જનસેવક બનવાની અને સાદગી જાળવી જનતાના હિતમાં શાસન કરવાની સલાહ આપી હતી. અફસોસ આજે મહારાજની સાદગી અને જનસેવાની ભાવનાનું ગુજરાતમાં ક્યાંય સ્થાન નથી. મહારાજે સૂચવેલી સાદગીના સ્થાને ગુજરાતના શાસકો અત્યારે પોતાની પ્રશંસા કરતાં પાટિયા ઠેરઠેર ઊભા કરી પ્રજાને માથે કાળો કેર મચાવી રહ્યાં છે. જનસેવા કરવાના નામે ઠેરઠેર તાયફા રચી ભોટ જનતાની વધુ ને વધુ છેતરપિંડી કરવાના કારસા રચાઈ રહ્યાં છે. ક્યાં સત્તાના કેફમાં મદમસ્ત આધુનિક કૌરવસેના અને ક્યાં મહારાજના સિદ્ધાંતો.....

જનસેવા કરવા ઉઘાડા પગે સેંકડો માઇલનો પ્રવાસ ખેડનાર મહારાજ ભ્રષ્ટાચારથી વ્યથિત હતા. તેમણે તેમના મૃત્યુના આઠ-દસ મહિના પહેલાં તમામ સંસ્થાઓમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેમણે પોતાના અંતિમ સંસ્કાર સાદગીપૂર્ણ રીતે કરવા અને પોતાની પાછળ કોઈ સ્મારક ઊભું ન કરવા સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ બોચાસણમાં પોતાના પુત્ર પાસે ચાલ્યાં ગયા. ત્યાં તેમણે પોતે પાંચ દાયકા પહેલાં સ્થાપેલા આશ્રમમમાં 1 જુલાઈ, 1984ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

No comments: