બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.
ઝંખે મિલનને કોણ જો એની મજા કહું!
તારો જે દૂર દૂરથી સહકાર હોય છે.
ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાનો લોકો કેવા મિલનસાર હોય છે!
દાવો અલગ છે પ્રેમનો, દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેનો અધિકાર હોય છે.
કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈવાર હોય છે.
હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી,
આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે.
નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નથી શકતો,
તારા ભણી જે મમતા લગાતાર હોય છે.
જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.
જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી 'મરીઝ',
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.
No comments:
Post a Comment