જે મનુષ્ય દીન-દુખિયાઓમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે ખરેખર શિવની ઉપાસના કરે છે. જે મનુષ્ય ભગવાન શિવને કેવળ મંદિરોમાં જ જુએ છે તેના કરતાં જે મનુષ્ય દીનદુખિયામાં તેમનાં દર્શન કરે છે અને નાતજાત વગેરેનો વિચાર કર્યા વિના તેમની સેવા કરે છે, તેની ઉપર ભગવાન શિવ વધુ પ્રસન્ન થાય છે.
એક ધનવાન મનુષ્યને એક બગીચો હતો। તેમાં બે માળી કામ કરતાં હતા। તેમાંનો એક માળી ખૂબ આળસુ હતો; તે બિલકુલ કામ કરતો નહીં. જ્યારે માલિક બગીચામાં આવે ત્યારે ઊભો થઈ હાથ જોડીને કહેતોઃ ''મારા માલિકનું મુખ કેટલું સુંદર છે!'' બીજો માળી ઝાઝું બોલતો નહીં, પરંતુ સખત મહેનત કરતો અને તમામ પ્રકારનાં ફળ અને શાકભાજી ઉગાડતો તથા બધો માલ પોતાના માથે ઊંચકી ખૂબ દૂર રહેતા પોતાના માલિકને પહોંચાડતો. આ બે માળીમાંથી કયો માળી તેના માલિકને વધુ પ્રિય હશે!
ભગવાન શિવ માલિક છે અને આ જગત તેનો બગીચો છે। બે પ્રકારના માળી અહીં હોય છે; એક આળસુ અને કપટી માળી કે જે કાંઈ કરતો નથી, પરંતુ કેવળ ભગવાન શિવનાં સુંદર નેત્રો, નાક અને બીજાં અંગોનાં વર્ણન કર્યાં કરે છે; જ્યારે બીજો માળી ભગવાન શિવનાં દીનદુખિયાં અને નિર્બળ સંતાનો, સર્વ જીવજંતુઓની સંભાળ લે છે. ભગવાન શિવને તે બેમાંથી કોણ વધુ વહાલો હશે?
જે પિતાની સેવા કરવા માગે છે તેણે સૌથી પ્રથમ તેનાં સંતાનોની સેવા કરવી જોઇએ. જે ભગવાન શિવની સેવા ઇચ્છે છે તેણે તેના સંતાનોની સેવા કરવી જોઇએ. તેણે સૌથી પ્રથમ આ જગતમાં બધાં પ્રાણીઓની સેવા કરવી જોઇએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે, ઈશ્વરના ભક્તોની જે સેવા કરે છે તે તેના શ્રેષ્ઠ સેવકો છે.
No comments:
Post a Comment