Sunday, February 15, 2009

જે સંસ્થાઓને માનવ જીવ માટે સહાનુભૂતિ નથી, તે સંસ્થાઓ માટે મને જરાય સહાનુભૂતિ નથી


પશ્ચિમના દેશોમાં હિંદુસ્તાનના વૈદિક ધર્મની ધ્વજા લહેરાવી સન 1897માં સ્વામી વિવેકાનંદ કલકત્તા પાછા આવ્યા. તે પછી રામકૃષ્ણ મિશનના શ્રદ્ધાળુઓ અને વિવિધ ધાર્મિક-સામાજિક સંસ્થાના કાર્યકારો તેમને મળવા આવતા હતા. એક દિવસ ગોરક્ષાસમાજના એક ઉત્સાહી પ્રચારક સ્વામીજીની મુલાકાતે આવ્યા. માથે ભગવી પાઘડી સાથે પૂરેપૂરો નહિ પણ લગભગ સંન્યાસીને મળતો આવતો પોશાક તેમણે પહેર્યો હતો. તેઓ ઉત્તર તરફના કોઈ હિંદી ભાઈ હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. આ ગોરક્ષા પ્રચારક ભાઈના આગમનના ખબર સાંભળી સ્વામીજી દીવાનખાનમાં આવ્યા. પ્રચારક ભાઈએ સ્વામીજીને પ્રણામ કરીને ગૌમાતાના એક ચિત્રની ભેટ ધરી. ચિત્ર હાથમાં લઈ સ્વામીજીએ નજીક ઊભેલા એક ભાઈને તે સોંપ્યું અને પ્રચારક સાથે વાત શરૂ કરી.

સ્વામીજીઃ તમારી સંસ્થાનો ઉદ્દેશ શો છે ?

પ્રચારકઃ આપણા દેશની ગૌમાતાઓને અમે કસાઇના હાથમાંથી બચાવીએ છીએ। કેટલીક જગ્યાએ પાંજરાપોળો સ્થાપી છે. માંદી, ઘરડી અને કસાઇ પાસેથી ખરીદેલી ગાયોને આવી પાંજરાપોળોમાં સાચવવામાં આવે છે.

સ્વામીજીઃ એ તો ખરેખર સુંદર કાર્ય છે। તમારી આવકનાં સાધન શાં છે ?

પ્રચારકઃ આપના જેવા મહાનુભાવોની ઉદાર સખાવત પર જ સંસ્થાનું કાર્ય ચાલે છે.

સ્વામીજીઃ અત્યાર સુધીમાં તમે કેટલું ભંડોળ એકઠું કર્યું છે ?

પ્રચારકઃ મારવાડી વેપારીઓ આ કામમાં ખાસ ટેકો આપે છે. આ શુભ કાર્ય માટે તેમણે મોટી રકમ આપી છે.
સ્વામીજીઃ અત્યારે મધ્યપ્રદેશમાં ભયંકર દુષ્કાળ ફાટી નીકળ્યો છે; ત્યાં નવ લાખ માણસો ભૂખે મરી ગયાની ભારત સરકારે જાહેરાત કરી છે. આ દુષ્કાળના સમયમાં તેમને સહાય કરવા તમારી સંસ્થાએ કંઈ કર્યું છે ?
પ્રચારકઃ દુષ્કાળ કે એવી બીજી કોઈ વિપત્તિઓ અર્થે અમે સહાય કરતાં નથી; ફક્ત ગૌમાતાના રક્ષણ માટે જ આ સમાજની સ્થાપના કરવામાં આવી છે.

સ્વામીજીઃ તમારાં પોતાનાં લાખો ભાઈબહેનો દુષ્કાળ વખતે મૃત્યુના પંજામાં સપડાયા છે, ત્યારે તમારી પાસે પૈસો હોવા છતાં પણ આ દારુણ આફત વખતે તેમને અનાજની મદદ કરવાની તમારી ફરજ છે, એમ શું તમે નથી માનતા ?

પ્રચારકઃ ના જી; આ દુષ્કાળ તો માનવીનાં પાપકર્મોના પરિણામે ફાટી નીકળ્યો છે. જેવાં કર્મ તેવાં ફળ.

પ્રચારકના મોંએથી આવા શબ્દો સાંભળતા જ સ્વામીજીની વિશાળ આંખોમાંથી જાણે કે આગના તણખા ઝરવા લાગ્યા; તેમનો ચહેરો લાલચોળો થઈ ગયો. પરંતુ પોતાનો આવેગ દબાવી રાખી તેમણે કહ્યું: "જે સંસ્થાઓને માનવ જીવ માટે સહાનુભૂતિ નથી, પોતાના જ ભાઈઓને ભૂખથી મરતા દેખવા છતાં જેઓ તેમને બચાવવા મૂઠીભર ચોખા પણ આપતા નથી, પરંતુ પક્ષીઓ અને પશુઓને બચાવવા અનાજના ઢગલે ઢગલા આપી દે છે, તેવી સંસ્થાઓ માટે મને જરાય સહાનુભૂતિ નથી. આવી સંસ્થાઓ દ્વારા સમાજનું કંઈ પણ કલ્યાણ થાય તેમ હું માનતો નથી. લોકો પોતાનાં કૃત કર્મોના કારણે મરે છે એમ કહીને જો તમે કર્મવાદની દલીલ કરતા હો, તો એ પરથી આપોઆપ એ સિદ્ધ થાય છે કે આ દુનિયામાં કોઈ પણ બાબત માટે પ્રયત્ન કરવો નકામો છે. પશુઓના રક્ષણનું તમારું કાર્ય પણ આમાં અપવાદરૂપ નથી. તમારા ઉદ્દેશની બાબતમાં પણ એમ જ કહી શકાય કે ગૌમાતાઓ પણ પોતાનાં કર્મને લીધે જ કસાઇના હાથમાં પડીને મૃત્યુ પામે છે, તેથી આ બાબતમાં આપણે કાંઈ કરવાની જરૂર નથી."

પ્રચારક થોડા શરમાયા. તેમણે કહ્યું: "જી હા, આપ કહો છો તે સાચું છે. પણ શાસ્ત્રો કહે છે ગાય તો આપણી માતા છે."

સ્વામીજીએ સ્મિત કરતાં કહ્યું: "ગાય આપણી માતા છે એ હું સમજી શકું છું; તેના સિવાય આવા કાબેલ બાળકોને કોણ જન્મ આપે ?"

સ્વામીજીએ આવો તીવ્ર કટાક્ષ કર્યો હોવા છતાં ગૌરક્ષાસમાજના તે બેશરમ અને નિર્દય પ્રચારકે સંસ્થાના કાર્ય માટે મદદની માગણી કરી. ત્યારે સ્વામીજીએ કહ્યું : "હું તો અકિંચન સંન્યાસી છું; તમને મદદ કરી શકું તેટલા પૈસા હું ક્યાંથી લાવું ? પણ જો કદાચ મારી પાસે કાંઇ પૈસા આવશે તો તેનો ઉપયોગ હું માનવસેવા માટે પ્રથમ કરીશ. સહુ પહેલાં માનવીને જિવાડવાનો હોય; તેને ખોરાક, શિક્ષણ અને આધ્યાત્મિકતા આપવાં જોઇએ. આ બધું કરતાં જો કાંઈ વધશે તો જ તમારી સંસ્થાને કાંઇક આપવામાં આવશે."

આ સાંભળીને પ્રચારક ભાઈ સ્વામીજીને વંદન કરી ચૂપચાપ વિલા મોંએ પાછાં ફર્યા.

No comments: