Monday, February 23, 2009

વેદના, ગુસ્સો અને લડાયકતાઃ પાકિસ્તાનના પત્રકાર આલમનો મિજાજ


છેવટે તેણે સચ્ચાઈની ખાતર પોતાના જીવનું બલિદાન આપી દીધું....જો તેને તમે તમારો સાચો ભાઈ માનતા હોય તો તમારે તાલિબાનો સામે ઝૂકવાનું નથી...સ્વાત ઘાટીને તાલિબાનોને નરકમાં ફેરવી દીધી છે તેનો ચિતાર આપણે દુનિયા સામે રજૂ કર્યો છે અને રજૂ કરીશું...તાલિબાની શાસનમાં કચડાતી પ્રજાની વેદનાનો ચિતાર કરવા હું સ્વાત ઘાટીમાં આવ્યો છું અને હજુ પણ વારંવાર આવતો રહીશ...હું મારી સાથે બંદૂક નહીં લાવું પણ કલમ લઇને આવીશ જેને મારી પર હુમલો કરવો હોય તે કરે......! આ શબ્દો છે પાકિસ્તાનના જીઓ ટીવી ચેનલના સંપાદક હામિદ મીરના છે અને પડઘો છે પાકિસ્તાનના પત્રકાર આલમના મિજાજનો.

વેદના, ગુસ્સો અને લડાયકતા! પાકિસ્તાનના પત્રકારો પાસે આ ત્રણ લાગણી પ્રદર્શિત કરવા સિવાય કંઈ બચ્યું નથી। તેઓ ઝઝૂમી રહ્યાં છે-પોતાની જ બિરાદરીના નરાધમો સામે. તેઓ લડી રહ્યાં છે-સત્તાના કેફમાં મદમસ્ત થયેલા અને ઇસ્લામનું વિકૃત અર્થઘટન કરનારા પોતાના જ જાતબાંધવો સામે. તાલિબાન અને આતંકવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. પાકિસ્તાનની સરકારે પાળેલો તાલિબાની ભસ્માસુર અત્યારે તેનો જ કોળિયો કરવા આગળ વધી રહ્યો છે અને તેની સામે કલમના સિપાહીઓએ બંડ પોકાર્યો છે. આ લડાઈમાં જીઓ ટીવી ચેનલના યુવાન પત્રકાર મૂસા ખાનખેલનો ખેલ પડી ગયો. ટીવી ચેનલને ન્યૂઝ પૂરા પાડતો મૂસા પોતે જ હેડલાઇન બની ગયો. તેનો કસૂર શું હતો?

તે પોતાના ધર્મને બદનામ કરતાં વિકૃત તત્વોને ખુલ્લાં પાડતો હતો। તેણે જંગલી તાલિબાનીઓ સામે લડવા પોતાના જાતબાંધવો વચ્ચે ચિંગારી ચાંપી હતી. તેણે આતંકવાદી પિશાચીઓના લોખંડી પહેરામાં કતરાં કતરાં મરતી માતા અને બહેનોના જીવનની કરુણ વાસ્તવિકતા જગજાહેર કરી હતી. ફુલસમાન બાળકોના હાથમાંથી પુસ્તકો છીનવી બંદૂકો પકડાવી દેનારા માનવતાના ભક્ષકોને તેણે ખુલ્લાં કર્યા હતા. પાકિસ્તાનમાં ઇસ્લામનું સાચું અર્થઘટન કરવું ગુનો છે અને તે ગુનાની સજા મૂસા ખાનખેલને ભોગવવી પડી.

તેના આ ખેલમાં તેણે એક દિવસ પોતાના જીવનની બાજી ગુમાવવી પડશે તેનાથી તે વાકેફ હતો। તેની ઉંમર કેટલી હતી? માત્ર 28 વર્ષ. મૂસાએ 19 વર્ષની ઉંમરે પત્રકારત્વ જગતમાં પા પા પગલી માંડી હતી. નવ વર્ષની કારકિર્દીમાં તે 'જંગલીસ્તાન' બની ગયેલા પાકિસ્તાનને ખરેખર પાક બનાવવા માગતા કેટલાંક પત્રકારો સાથે ખભેખભે મેળવીને ઝઝૂમ્યો. બદલામાં તેને અને તેના પરિવારને શું મળ્યું? મૂસાને બદન પર 32 ગોળી મળી અને તેના પરિવારને ગળું કપાયેલી હાલતમાં તેની લાશ. ઇસ્લામપરસ્ત મુસલમાનને તાલિબાની કાફિરોએ રહેંસી નાંખ્યો. સ્વાતની ઘાટીમાં તાલિબાની કાફિરોએ આ પહેલાં પણ ત્રણ પત્રકારોને અલ્લાહના દરબારમાં મોકલી દીધા છે. પાકિસ્તાનને પાક રાખવા અત્યારે બંદૂક સામે કલમ લડી રહી છે.

પત્રકારો માટે જેલની અંધારી કોટડી કે અમાનુષી હત્યાના ભોગ બનવું નવાઈ નથી। આતંકવાદી સંગઠન અલ કાયદાએ સાત વર્ષ પહેલાં અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લનું કરાંચીમાંથી અપહરણ કરી તેનું ગળું કાપી નાંખ્યું હતું. અલ કાયદા તેને અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએનો એજન્ટ હોવાનું માનતી હતી. કલમના સિપાહીઓ કાયમ સંઘર્ષ કરતાં રહ્યાં છે. 1990ના જાન્યુઆરીથી માર્ચ સુધીમાં બ્રાઝિલ, અલ સાલ્વાડોર, રૂમાનિયા અને તુર્કીમાં કલમ પકડનારા હાથને ભાંગીને ભૂક્કો કરી નાંખવામાં આવ્યા હતા. નેવુના દાયકમાં ઇરાકમાં રીપોર્ટિંગ કરવા ગયેલા લંડન ઓબ્ઝર્વરના પ્રતિનિધિ ફરઝાદ બાર્ઝોફતને 'ઇરાકનો દુશ્મન' ગણાવી ફાંસીના માંચડે લટકાવી દેવાયો હતો. અત્યારે તાલિબાનો પાકિસ્તાનના પત્રકારોનો દુશ્મન ગણી રહ્યાં છે. આવી જ પરિસ્થિતિ ગુજરાતમાં પણ છે.

યાદ કરો 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના પત્રકાર પ્રશાંત દયાળ અને એડિટર ભરત દેસાઈ પર મોદીકાકાની સરકારે રાજદ્રોહનો ગુન્હો દાખલ કર્યો હતો.........

ચલતે-ચલતેઃ હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ.
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ;!
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ
સમર્પણ હો, સમર્પણ હો, પ્રભુ પ્યારા તને ઓ!
ઝવેરચંદ મેઘાણી

No comments: