Wednesday, February 4, 2009

રાંચીના દીનબુંધ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી


અત્યારે સામાન્ય માણસ જેટલો આતંકવાદીઓથી ડરે છે તેટલો જ અને કદાચ તેના કરતાં પણ વધારે ફફડાટ તે ડોક્ટરના દવાખાનાના પગથિયા ચડતાં અનુભવે છે. આર્થિક ઉદારીકરણ પછી ટૂંક સમયમાં લખપતિ-કરોડપતિ થઈ જવાની લાલચમાં ડોક્ટરો દર્દીને માણસ સમજવાને બદલે રૂપિયા કમાવવાનું મશીન સમજી બેઠા છે. જે વ્યવસાયનો હેતુ સમાજની સેવા કરવાનો અને લોકોને જીવનદાન આપવાનો હતો તે વ્યવસાયમાં નિર્દય અને ધુતારા પ્રવેશી ગયા હોય તેવો આલમ છે. અત્યારે લોકો ડોક્ટરોને ચંબલના ડાકુ કરતાં પણ ખતરનાક સમજી રહ્યાં છે. આ ઘનઘોર અંધારી રાત્રિ જેવા આલમમાં આશાનો એક દીપ રાંચીમાં છેલ્લાં 42 વર્ષથી ઝળહળી રહ્યો છે.

ઝારખંડની રાજધાની રાંચીના 73 વર્ષીય ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એવા ડોક્ટર છે જેમનું લક્ષ્ય ટાટા, બિરલા કે અંબાણી બનવાનું નથી। તેમનો સિદ્ધાંત જનસેવા એ જ પ્રભુસેવા છે. દર્દી ગરીબ હોય કે ધનિક, તેમની ફી માત્ર પાંચ રૂપિયા છે. ચોંકી ગયા ને! તમે કહેશો કે પાંચ રૂપિયામાં તો અત્યારે 100 ગ્રામ સિંગ-ચણા પણ મળતા નથી. પણ ના શ્યામાપ્રસાદનો હેતુ 100 ગ્રામ સિંગ-ચણા ખાઈને આજુબાજુનું વાતાવરણ ખરાબ કરવાનો નથી. તેમનો હેતુ સમાજમાં ગરીબોની સેવા કરી એક સારા આચરણની સુવાસ ફેલાવવાનો છે.

અત્યારે તે દરરોજ સવારે 10।30 કલાકે પોતાના કિલનિકમાં આવીને દર્દીઓની સેવામાં લાગી જાય છે અને સાંજે 7.30 સુધી આ શ્રમયજ્ઞ ચાલતો રહે છે. તેમણે પટણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી ડોક્ટરની ડિગ્રી મેળવી છે અને ત્યાં જ પ્રોફેસર તરીકે સેવા આપી છે. તેમણે 1959માં સિવિલ આસિસ્ટન્ટ સર્જનનું પદ સંભાળતી વખતે સમાજસેવા કરવાની જે પ્રતિજ્ઞા લીધી હતી તેના પર તેઓ સતત અમલ કરી રહ્યાં છે. તેઓ 1966માં રાંચી આવી ગયા અને પછી તે જ તેમની કર્મભૂમિ બની ગઈ.

રાંચીમાં આવીને રહેવાનું શરૂ કર્યાના 42 વર્ષ પછી પણ તે નામમાત્રની ફી લઇને દર્દીઓની સારવાર કરી રહ્યાં છે। ગરીબોના ફિક્કા ચહેરાં પર હાસ્યની એક લહેરના દર્શન કરવા આ વયોવૃદ્ધ ડોક્ટર આવકપેટે જે થોડા-ઘણાં રૂપિયા મળે છે તેમાંથી અમુક રકમનું દાન વિવિધ શાળાને કરે છે. ભોગ-વિલાસ અને દેખાડાની આ દુનિયામાં એવી કઈ બાબત છે જે તેમને સમાજસેવામાં પ્રવૃત્ત રહેવા માટે પ્રેરણા આપે છે?

તેઓ ગરીબોની વેઠવી પડતી મુશ્કેલીઓના નામે લેખો લખી મોટી મોટી વાતો કરી કે ફિલ્મો બનાવી જમાનાની વાહવાહી લૂંટવા માગતા નથી। તેઓ ગરીબી દૂર કરવાના સોનેરી વચનો આપી કોઈ વિસ્તારના ધારાસભ્ય કે સંસદસભ્ય પણ બનવા માગતા નથી. તેમની પ્રેરણા સંવદેનશીલતા છે. તેઓ ગરીબોને જુએ છે ત્યારે તેને તે પોતે કઈ રીતે મદદરૂપ થઈ શકશે તે પ્રશ્ન પોતાની જાતને પૂછી શકે છે અને પછી પોતાનાથી થાય તેટલી મદદ કરે છે. તેમને અનેક આંતરરાષ્ટ્રીય સ્વયંસેવી સંસ્થાઓએ પુરસ્કાર આપવાની ઓફર કરી હતી, પણ તેઓ નમ્રભાવે તેમને દૂરદૂરથી રામરામ કરી દે છે. તેમનો રામ તો ગરીબોની સેવા કરવામાં વસ્યો છે, નહીં કે કોઈ એવોર્ડમાં.

1 comment:

punita said...

There is ond doctor in gold coin complex at jodhpur char rasta. His work is more or less same...