Tuesday, February 10, 2009

દાદીમાના પિત્ઝા


અરે, હુઝુર વાહ દાદીમા બોલિયે! કર્ણાટકની રાજધાની બેંગલૂરની આઇટી કંપનીઓમાં કામ કરતાં યુવાનો પર દાદીમાના હાથનો જાદુ છવાઈ ગયો છે. તેઓ આતુરતાપૂર્વક દાદીમાની વાનની રાહ જુએ છે. આ દાદીમા આખા શહેરમાં પિત્ઝાવાળા દાદીમા તરીકે જાણીતા છે. તેમના હાથે બનેલા પિત્ઝાનો સ્વાદ માણતા યુવાનોને દાદીમાના હાથના પિત્ઝાનું વ્યસ્ન થઈ ગયું છે. આ દાદીમા એટલે બેંગલૂરમાં રહેતી 73 વર્ષીય પહ્મા શ્રીનિવાસન અને તેમની 75 વર્ષીય સખી જયલક્ષ્મી શ્રીનિવાસન. તે બંને હવે હવે પિત્ઝા ગ્રૈની નામે ઓળખાય છે.

શું તમે જાણો છો આ બંને વૃદ્ધ મહિલાઓ આટલી મોટી ઉંમરે પિત્ઝાનું વેચાણ શા માટે કરે છે? તેઓ ન તો એકલતા દૂર કરવા માગે છે કે ન તેઓ આર્થિક તંગીમાં છે। આ બંને મહિલા એક સમાજમાં નિરાધારને આધાર આપવા માટે પિત્ઝા વેચે છે. તેઓ આટલી મોટી ઉંમરે મજૂરી કરે છે જેથી પેટે પાટા બાંધી પોતાના સંતાનોને ભણાવનાર માતાપિતાને જ્યારે તેમના લાડકા સંતાનો જ નિરાધાર કરી રસ્તે રઝળતાં કરી દે તો તેમને આશરો આપી શકે. બેંગલૂરના યુવાનોને દાદીમા અને તેમના પિત્ઝા બંને પ્રત્યે માન છે, કારણ કે તેઓ આ કમાણીમાંથી વૃદ્ધો માટે ઘરડાઘર બનાવવાનું અને તેને નિભાવવાનું તેમનું સ્વપ્ન સાકાર કરવા માગે છે.

પહ્માને 2003માં વૃદ્ધો માટે ઘરડાઘર બનાવવાનો વિચાર આવ્યો હતો। ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફાઇનાન્સ મેનેજર તરીકે નિવૃત્ત થયેલા પહ્માએ આ વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા નિવૃત્તિ સમયે પ્રાપ્ત થયેલી રકમમાંથી બેંગલૂરથી 30 કિલોમીટર દૂર વિજયનગર ગામમાં જમીન ખરીદી, પણ આ જમીન પર ઘરડાંઘર બનાવવા 78 લાખ રૂપિયાની જરૂર હતી.

આટલી મોટી રકમ કેવી રીતે ભેગી કરવી તેને પહ્માને સમજણ પડતી નહોતી। પરંતુ કહેવાય છે કે જે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા સતત મહેનત કરે છે તેમના માટે ખુદ ઇશ્વર જ માર્ગ કરી દે છે. પહ્માને પણ માર્ગ મળી ગયો. તેમની સહેલી જયલક્ષ્મીએ આટલું મોટું ભંડોળ ભેગું કરવા તેમને પિત્ઝા વેચવાની સલાહ આપી. પહ્માને આ સલાહ ગમી ગઈ અને તેમાંથી પિત્ઝા હેવનનો જન્મ થયો.

પહ્મા અને જયલક્ષ્મીએ બહુરાષ્ટ્રીય આઇટી કંપનીઓમાં પિત્ઝાનું વેચાણ શરૂ કર્યું અને ઝડપથી તેમના પિત્ઝા બેંગલૂરના યુવાનોમાં લોકપ્રિય થઈ ગયા। આ બંને મહિલાઓએ તેમના સાહસમાં અન્ય 10 મહિલાઓને પણ રોજગારી પૂરી પાડી છે. તેમણે ઓર્ડર સમયસર પહોંચાડવા માટે એક વાન લીધી છે, જેમાં મહિલામંડળ શાકભાજી, ચીઝ અને પિત્ઝા બેસને લઇને આઇટી ઓફિસમાં જાય છે અને ત્યાં ઓર્ડર મુજબ પિત્ઝા તૈયાર કરી આપે છે. પિત્ઝા તૈયાર કરવા માટે જરૂરી વીજળી, જગ્યા અને અન્ય સ્રોતનો ઉપયોગ ઓફિસમાંથી જ કરે છે. આ રીતે પિત્ઝાની લિજ્જત માણવા ઇચ્છતાં લોકો સસ્તાં, ગરમ અને સ્વાદિષ્ટ પિત્ઝાનો આનંદ લઈ શકે છે.

અત્યારે પહ્મા અને જયલક્ષ્મીનું પિત્ઝા હેવન દરરોજ સરરેાશ 120 પિત્ઝાનું વેચાણ કરે છે. પિત્ઝાની કિંમત 30 રૂપિયાથી લઇને 120 રૂપિયા સુધી છે અને તેમાં પ્રિઝરવેટિવનો ઉપયોગ થતો નથી. તેમાંથી તેમને જે ફાયદો થાય છે અને શુભચિંતકો પાસેથી જે દાન મળે છે તેનું રોકાણ તેઓ તેમનું ઘરડાઘર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કરવામાં કરે છે.

4 comments:

bhargav said...

Thanks. Good Inspirational STORY.

Divyang shukla said...

Nice story man. keep inspiring.

Unknown said...

good one...

Ajit said...

it is really inspirational. they are working for a noble cause.