જો તમે તમારા વિચારો અને વાણીને સંપૂર્ણપણે એકરૂપ બનાવી શકો તો તમે ધાર્યું કામ કરી શકશો. ભવિષ્યમાં શું થવાનું છે તેની જ જે ગણતરી કર્યા કરે તે કદી કશું સિદ્ધ કરી શકતો નથી. તમે જે સાચું અને શુભ માન્યું હોય, એ ગણ્યા કરવાથી શો ફાયદો ?
જિંદગી કેટલી બધી ટૂંકી છે ! જો તમે ભવિષ્ય ભાખ્યા કરો અને પરિણામોની જ ગણતરી કર્યા કરો તો એટલા સમયમાં કશું પણ સાધ્ય થશે ખરું ? ફળદાતા તો માત્ર ઇશ્વર જ છે; તો બધું એને સોંપી દો। તમારે એની સાથે શી નિસ્બત છે ? તે દ્રષ્ટિએ વિચારો જ નહિ; તમે કાર્ય કર્યે જાઓ.
શ્રદ્ધા, હિંમત, વિવેક અને ત્યાગ તમારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો। કૃપાનો પવન તો ફૂંકાઈ જ રહ્યો છે; ફક્ત તમારે તમારા સઢ ઊંચે ચડાવવાના છે. તમારું ભાવિ તમારા પોતાના હાથમાં છે. બીજ પોતાની શક્તિથી વૃક્ષ ઊગે છે; હવા અને પાણી કેવળ તેને સહાય જ કરે છે. બહારની સહાય જરૂર ચોક્કસ પડે છે, પણ જો અંદર સત્વ નહીં હોય તો ગમે તેટલી બહારની સહાય થશે તો પણ કંઈ વળશે નહિ.
જો તમારે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરવી હશે તો વીર્યશાલી અને કાર્યશીલ બનવું પડશે. કામ કરો, કામ કરો, કામ કરવા મંડી પડો ! नान्यः पन्था विद्यतेडयनाय અર્થાત્ 'આ સિવાય ઉદ્ધારનો બીજો કોઈ માર્ગ નથી.' લોખંડી સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિનો સંયોગ થાય તો આખું જગત તમારા ચરણમાં પડે.
No comments:
Post a Comment