Tuesday, February 24, 2009

મોટા ભાઈ, ભારતનું આંતરરાષ્ટ્રીય શોષણ ચરમસીમાએ પહોંચ્યું...


સ્લમડોગ..સ્લમડોગ...બ્લડી ઇન્ડિયન ડોગ......અમેરિકનો આજકાલ ભારતીયોની સ્લમડોગ કહીને મજાક ઉડાવે છે આવા સમાચાર મિત્ર પરાગ દવેએ બેથી ત્રણ દિવસ પહેલાં રાજકોટના 'અકિલા' અખબારની વેબસાઇટ પર દેખાડ્યા હતા. વિદેશીઓની મજાકને હોંશે હોંશે માથે ચડાવવાની ભારતીયોને આદત છે. ઓસ્કર એવોર્ડ સમારંભ યોજાઈ ગયો અને તેમાં ભારતનું આંતરરાષ્ટ્રીય શોષણ ચરમસીમાએ પહોંચી ગયું. સ્લમડોગને એવોર્ડની હારમાળા પહેરાવવામાં આવી. જોકે તેનાથી કોઇને નવાઈ લાગી નહોતી. પણ જેમ જેમ ઓસ્કર એવોર્ડની જાહેરાત થતી ગઈ અને ડોગના એવોર્ડની સંખ્યામાં વધારો થતો ગયો તેમ તેમ તેનો આફરો કેટલાક લોકોને ચડતો ગયો. તેમાંની સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સમજદાર અને જવાબદાર ( બસ દુર્દશાનો એટલો આભાર છે, જે મળે છે તે મુજથી સમજદાર છે) એક વ્યક્તિએ ગઇકાલે સવારે જ મને ફોન કર્યો. લગભગ સવારના નવ વાગ્યા હશે અને હું ઊંઘમાં હતો.

મોટા ભાઈએ મને શા માટે ફોન કર્યો તેની જાણકારી આપી દઉં। આ પહેલાં બ્લોગમાં મેં સ્લમડોગ મિલિયનેર વિશે લખ્યું હતું. તેમાં દેશ પર ધાર્મિક અને સામાજિક બાબતે જે પ્રહાર કરવામાં આવ્યાં છે તેના પર મારો મત રજૂ કર્યો હતો. તે વિશે આ મોટા ભાઈએ મને ખખડાવી નાંખતી ભાષામાં એકીશ્વાસે કહ્યું કે, ડેનીએ શું ખોટું દેખાડ્યું છે? શું ભારતમાં ગરીબી નથી? શું ભારતમાં ઠેરઠેર જોવા મળતી ગરીબી દેખાડવી કોઈ અપરાધ છે? ક્યાં સુધી વાસ્તવિકતાથી મોં ફેરવશો? મારી ઊંઘ ઊડી ગઈ. મોટા ભાઈ અખબારોમાં ચમકતા મોટા મોટા નામોનું ઉચ્ચારણ ટૂંકા નામથી જ કરે છે...આ તો એમની અદા છે॥મને ઉઠાડવા મારી મમ્મી સવારના સાડા આઠની આંટા મારતી હતી પણ મારી ઊંઘ ઊડતી નહોતી. પણ મોટા ભાઈના ફોને નિદ્રારાણીને ઊભી પૂછડીએ ભગાડી દીધી. થેન્ક યૂ, મોટા ભાઈ....

ડોગ ફિલ્મને ઓસ્કર મળ્યો તેનાથી તેઓ અત્યંત ખુશ છે। તેમને મને જવાબ આપવા કહ્યું હતું. જો મે મારી રીતે કંઈ પણ જવાબ આપ્યો હોત તો તેઓ તેનો વિરોધ કરશે તે નક્કી વાત છે. તેનું કારણ છે. હું કોઈ છાપાનો સિદ્ધહસ્ત અને જગપ્રસિદ્ધ લેખક નથી. જો છાપામાં લેખ લખતો હોત તો મારી સાથે રેપો જાળવવા, સંપર્કસૂત્રો સ્થાપિત કરવા અને ઓળખાણ ઊભી કરવા મોટા ભાઈએ ચોક્કસ મારા મતને સમર્થન આપ્યું હોત. હું મોટા ભાઈને બરોબર જાણું છું. એટલે અહીં ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્દેશક પ્રિયદર્શન અને હાઇડ પાર્ક એન્ટરટેઇનમેન્ટના ચેરમેન અશોક અમૃતરાજ ડોગ ફિલ્મ વિશે શું માને છે તે રજૂ કરું છું:

ભારતનું આંતરરાષ્ટ્રીય શોષણ: પ્રિયદર્શન

સ્લમડોગમાં મુંબઈની ઝૂંપડપટ્ટી દેખાડવામાં આવી તેનો મને કોઈ વાંધો નથી। મને માત્ર વાસ્તવિકતાને જે રીતે રજૂ કરવામાં આવી તે ગમ્યું નથી. જમાલને આખી રાત વીજળીના આંચકા આપવામાં આવ્યાં અને સવારે તે ફૂલ જેવો તાજોમાજો દેખાય? અમિતાભ બચ્ચનના હેલિકોપ્ટરને જુહૂના સંડાસ સિવાય બીજે ક્યાં ઉતરવાની જગ્યા જ નહીં? અને ફિલ્મમાં દેખાડવામાં આવેલા તોફાનને રમખાણ કહી શકો છો? જાણે કોઈ બાળકે ફોટો ખેંચ્યા હોય તેવું લાગે છે. જો આ ફિલ્મને કોઇએ બચાવી હોય તો તે ભારતની જમીન સાથે જોડાયેલા એ. આર. રહેમાનના સંગીત અને રસુલ પોકુટ્ટીના સાઉન્ડ ઇફેક્ટ્સે.

સૌથી દુઃખની વાત એ છે કે જ્યારે કોઈ વિદેશી આપણને સ્લમડોગ કહે ત્યારે આપણે સાંભળીએ છીએ, પણ કોઈ ભારતીય વાળંદને બાર્બર કહે છે ત્યારે આપણે વિરોધ કરીએ છીએ. જો સ્લમડોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ મળતી હોય તો તેનું કારણ એ છે કે તેઓ ભારત વિશે તેનાથી વધારે કંઈ જાણતા નથી. ભારત આફ્રિકાના ખંડમાં આવેલો સોમાલિયા જેવો દેશ નથી. આપણે વિશ્વની અગ્રણી પરમાણુ તાકાત છીએ. આપણા ઉપગ્રહ બ્રહ્માંડમાં ફરે છે. આપણા પોલીસ કમિશનરોની ઓફિસ ઝૂંપડી જેવી લાગતી નથી. આ તો ભારતનું આંતરરાષ્ટ્રીય શોષણ છે.

બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં ઘણી સારી ફિલ્મો નોમિનેટ નથી થઈ: અશોક અમૃતરાજ

સ્લમડોગ વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે, પણ તેની સાથે સાથે તે વાત પણ સાચી છે કે બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં ઘણી સારી ફિલ્મો નોમિનેટ નથી થઈ। પછી તે ક્લિન્ટ ઇસ્ટવૂડની ગ્રૈન ટોરિનો હોય કે ક્રિસ નોલાનની ધ ડાર્ક નાઇટ હોય. સ્લમડોગ એવા સમયે આવી છે જ્યારે અમેરિકા મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. એક મહિનામાં 60,000 લોકો બેરોજગાર થયા છે. આ પ્રકારની ફિલ્મ તેમને યાદ અપાવે છે કે અત્યારે તેમનું જીવન ગમે તેટલું ખરાબ કેમ ન હોય, પણ ભારતમાં 20થી 30 કરોડ લોકો તેમના કરતાં વધારે ખરાબ હાલતમાં હસતાં-હસતાં જીવી રહ્યાં છે. શું ડિકી એટનબરોની ફિલ્મ 'ગાંધી' ફિલ્મે જે પ્રભાવ પાડ્યો હતો તે પ્રભાવ સ્લમડોગ પાડી શકશે? હું તો એવું માનતો નથી.

બાય બાય મોટા ભાઈ.....

No comments: