Wednesday, February 4, 2009

ભેદભાવ શા માટે?


એક દેડકો હતો. ઘણા વખતથી એ કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો અને ત્યાં જ ઊછર્યો હતો. દેડકાનું જીવન કૂવા પૂરતું જ મર્યાદિત હતું અને તે કૂવાને જ દુનિયા માનતો હતો. એક દિવસ સાગરમાં રહેતો બીજો એક દેડકો એ કૂવામાં આવી પડ્યો.

પેલા દેડકાએ તેને પૂછ્યું, ''તું ક્યાંથી આવે છે?''

''હું સાગરમાંથી આવું છું.''

''સાગરમાંથી? સાગર વળી કેવડો મોટો છે? શું એ આ કૂવા જેટલો મોટો છે ખરો?'' આમ કહીને પેલા કૂવામાંના દેડકાએ કૂવાની એક બાજુએથી બીજી બાજુ સુધી કૂદકો માર્યો.

સાગરમાંના દેડકાએ જવાબમાં કહ્યું, "મિત્ર! સાગરને શું તમે તમારા નાના કૂવા સાથે સરખાવો છો?"

પેલા કૂવામાંના દેડકાએ બીજો કૂદકો માર્યો અને પૂછ્યું, "ત્યારે તમારો સાગર આવડો મોટો છે?"

"તમે મૂર્ખાઈભરી વાત કરી રહ્યાં છો. સાગરને તે વળી કૂવા સાથે સરખાવાતો હશે?"

કૂવામાંના દેડકાએ કહ્યું, "સમજ્યા હવે! મારા કૂવા કરતાં કશું મોટું ન હોઈ શકે; આ કૂવા કરતાં બીજું કશું વધારે વિશાળ હોઈ ન શકે, આ સાગરનો દેડકો જૂઠ્ઠા બોલો છે; તેને તગડી મૂકવો જોઇએ."

અત્યાર સુધી આપણી આ જ મુશ્કેલી રહી છે.

હું હિંદુ છું; મારા નાના કૂવામાં બેસી હું એમ વિચારું છું કે, સમગ્ર જગત આ મારા નાના કૂવામાં સમાઈ જાય છે। ખ્રિસ્તી ધર્મનો અનુયાયી તેના નાના કૂવામાં બેસી રહે છે અને સમગ્ર જગત તેના કૂવામાં સમાઈ જાય છે એમ માને છે. ઇસ્લામનો અનુયાયી તેના નાના કૂવામાં બેસી રહી છે અને તેને જ સમગ્ર જગત માને છે.

પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. તે ઝનૂને દુનિયાને હિંસાથી ભરી દીધી છે અને લોહીથી લથબથ કરી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાને નિરાશામાં ગર્ત કરી દીધી છે. આ ત્રાસદાયક રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો માનવસમાજે અત્યાર કરતાં વધારે પ્રગતિ સાધી હોત.

સેન્ટર પોઇન્ટઃ વહેમ એ માનવજાતનો મોટો શત્રુ છે, પણ ધર્મઝનૂન એથીયે મોટો શત્રુ છે

No comments: