રાજસ્થાનના મધ્યકાલીન રાજા મહારાજા એશઆરામ કરવામાં મુઘલ બાદશાહો જેવા જ હતા. તેમના અંતઃપુર મુઘલોના હરમની જેમ અનેક યુવાન સુંદરીઓ મને-કમને રહેતી હતી અને રાજા મહારાજાઓની કામપિપાસાના શાંત કરતી હતી. જ્યારે કોઈ સુંદર સ્ત્રી રાજાની નજરે ચડી જતી ત્યારે રાજા તેને પોતાના હરમમાં લઈ આવતા હતા. ક્યારેક રાજા મહારાજા અંત્યત સ્વરૂપવાન સુંદરીઓની હાથની કઠપૂતળી બની જતાં હતા અને તે સુંદર તેમનો મનફાવે તેમ ઉપયોગ કરતી હતી. તેમ છતાં સરવાળે તેનાથી રાજા અને રાજ્યને નુકસાન જ થતું હતું.
જયપુરના મહારાજા જગતસિંહની એક સુંદરી પાછળની ઘેલછાએ સમગ્ર રાજ્યને નુકસાન પહોંચાડ્યું હતું। સવાઈ જયસિંહએ સર્જેલું વિશાળ સામ્રાજ્ય જગતસિંહની શરાબ અને સુંદરી પાછળની દિવાનગીમાં છિન્નભિન્ન થઈ ગયું હતું. મહારાજા જગતસિંહ ઇ. સ. 1803માં જયપુરની ગાદી પર બેઠા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતી. તે ઉતાવળિયા હતા. તેમની કામુકતા અનંત હતી. તેમને 18 પત્નીઓ હતી. સાથેસાથે તેમના હરમમાં અનેક દાસીઓ અને સુંદરીઓ હતી જે જગતસિંહની કામપીપાસાને શાંત કરતી હતી. મહારાજાધિરાજ શરાબ અને સુંદરીઓની દુનિયામાં મસ્ત રહેતા હતા અને રાજકાજ ભગવાન ભરોસે છોડી દીધું હતું.
જયપુર માટે તે મુશ્કેલ સમય હતો। સવાઈ જયસિંહનું રાજ્ય વિશાળ હતું જેનો એક છેડો આગ્રાને સ્પર્શતો હતો. તેમના અવસાન પછી આ વિશાળ સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું હતું. અનેક લોકો નવા દાવેદાર તરીકે સામે આવ્યા અને આ રાજ્યને પોતાના તાબામાં લેવાનો પ્રયાસ કર્યો હતો.
સવાઈ જયસિંહે જમીનનો એક મોટો વિસ્તાર ઇજારા સ્વરૂપે પ્રાપ્ત કર્યો હતો। મુઘલ સામ્રાજ્ય પતન તરફ અગ્રેસર હતું. તે સમયે મુઘલ સામ્રાજ્યે આપેલી જાગીરનું કોઈ મહત્વ નહોતું. આ જાગીરો સોનાની મરઘી સમાન હતી. આ સ્થિતિમાં બાબરના નબળા વંશજો પાસેથી જાગીર મેળવવી સરળ હતી. સવાઈ જયસિંહે અનેક જાગીર ઇજારા પર મેળવી તેને રાજ્યમાં ભેળવી દીધી હતી.
તેમના આ વિશાળ સામ્રાજ્યને સંભાળવા એક મજબૂત અને જાગૃત શાસકની જરૂર હતી। તે સમયે રાજ્યને મરાઠાઓથી સૌથી મોટો ખતરો હતો. તે લોકો રાજ્યમાં લૂંટફાંટ કરતાં હતા. સાથેસાથે રાજાઓ વચ્ચેની પરસ્પર દુશ્મનાવટ પરાકાષ્ઠાએ હતી. આ બધા કરતાં વધારે મહત્વપૂર્ણ મહારાજાની પોતાની કામુકતા તથા પોતાનું મિથ્યાભિમાન રાજ્ય માટે સૌથી વધારે નુકસાનકારક હતું.
આ મુશ્કેલ સમયમાં જગતસિંહે રાજકાજ પર ધ્યાન આપવાને બદલે શરાબ અને સુંદરી પર જ ધ્યાન આપ્યું। રાજ્ય અને રાજ્યની પ્રજાને પ્રેમ કરવાને બદલે તેઓ એક સુંદરીના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા. આ સુંદરી મુસ્લિમ જાતિની હતી. તે નાચ અને ગાયનમાં પ્રવીણ હતી. સોનામાં સુગંધ મળી. સુંદરતાની સાથે નૃત્ય અને ગાયનનો રસ જગતસિંહના મનમસ્તિષ્ક પર બરોબર ચડી ગયો. તે રાજ્ય પર તોળાઈ રહેલા જોખમને ભૂલી ગયા. તેમને અત્ર-તત્ર-સર્વત્ર રસકપૂરના દર્શન થતાં હતા.
તેઓ રસકપૂરને રાણીવાસમાં લઈ આવ્યાં। તેના રહેવા માટે એક સુંદર મહેલ 'રસનિવાસ'નું નિર્માણ થયું. તેમાં એક સુંદર બગીચો હતો જેમાં જગતસિંહ અને રસકપૂરના પ્રેમની સુગંધ ફેલાતી હતી. ધીમેધીમે તેનું સ્થાન જયપુરની મહારાણી સમાન થઈ ગયું. તેના અધિકાર, સુખસુવિધા ઉચ્ચકુળની મહારાણી કરતાં જરા પણ ઓછા નહોતા.
તે તેમની પ્રેમિકા, સાથીદાર, સલાહકાર અને કલાગુરુ હતી। રસકપૂર નૃત્ય અને જ્ઞાન વિદ્યામાં નિપુણ હતી. તેનું મધુર સંગીત રાજાના મનમાં રસધારા વહાવતા હતા. રસકપૂરની સંગીતમય મહેફિલોમાં રાજા એક એવા સંસારના પ્રાણી બની જતાં હતા જેમાં દુઃખ, કષ્ટ અને ચિંતાને કોઈ સ્થાન નહોતું. તેનું મધુર ગાનમાં તે આનંદિત થઈ જતા હતા. તરસ્યાને જળે ત્યારે જે શાંતિ અને રાહત અનુભવે તેવી જ લાગણી રાજા રસકૂપર પાસેથી અનુભવતો હતો. તે મધુર ગાન સાંભળતો સાંભળતો તેના ખોળામાં નિંદ્રાધીન થઈ જતો. તે સમારંભ સમયે જગતસિંહની બાજુમાં બેસીને હાથી પર સવારી કરતી હતી. લોકો તેનું મહારાણીની જેમ સમ્માન કરતાં હતા. મુખ્ય દિવાન મિશ્ર શિવનારાયણ તેને દિકરી સમાન ગણતા હતા.
જયુપરના જાણીતા ઇતિહાસકાર મુંશી જ્વાલાપ્રસાદે રસકપૂરની ઉચ્ચ સ્થિતિ પર ગુસ્સો વ્યક્ત કરતાં લખ્યું છે કે, ''તે નીચા કુળની નૃત્યાંગના જે અધિકારો ભોગવતી હતી અને તેનો દરજ્જો રાજ્યમાં એટલો ઊંચો હતો કે અન્ય પરણિત ઉચ્ચ કુળની મહારાણીઓ ઇર્ષાની અગ્નિમાં બળીને રાખ થઈ ગઈ હતી। જયપુરની સત્તાના સૂત્રો રસકપૂરના હાથમાં હતા. રાજ્યની તમામ અમૂલ્ય ચીજવસ્તુઓ તેને સમર્પિત કરી દેવાઈ હતી. એટલું જ નહીં વર્ષો સુધી એકત્રિત કરવામાં આવેલો જયગઢનો ખજાનો પણ તેને સોંપી દેવામાં આવ્યો હતો. તે પહેલાં આ ખજાનાનું રક્ષણ કાલી ખોહના મીણા કરતાં હતા.''
તે સમયે અંગ્રેજો રાજ્યમાં પગપેસરો કરવાનો પ્રયાસ કરતાં હતા। હોલ્કરે યુવાન મહારાજાને અંગ્રેજોના ષડયંત્ર પ્રત્યે સાવધાન પણ કર્યા હતા. પણ લોર્ડ લેકે એક શક્તિશાળી સેના મોકલવાની ધમકી આપી ત્યારે લાચાર જગતસિંહને અંગ્રેજો સાથે ઇ. સ. 1803ની સંધિ કરવી પડી. આ સંધિ સર્વસ્વ સમર્પણની માનવામાં આવે છે. જગતસિંહ ચારે તરફથી દુશ્મનોથી ઘેરાઈ ગયા હતા.
આ પરિસ્થિતમાં મહારાજા જગતસિંહે કૃષ્ણકુમારી બાબતે જોધપુર સામે યુદ્ધનું રણશિંગુ ફૂંકી દીધું અને લોસલનું યુદ્ધ થયું। તેમાં જગતસિંહ બાપૂની સેનાના ભૂંડા હાલ થયા. બાપૂ પરાજ્યનો સ્વાદ ચાખી નીચી મુંડીએ જયપુર પહોંચ્યા ત્યારે એક બીજી મુશ્કેલી તેમની રાહ જોઈની ઊભી હતી. તેમને બાપૂજી સિંધિયા અને હોલ્કરનો સામનો કરવો પડ્યો. આ બંને મરાઠા સરદારોએ એક મોટી રકમની માંગણી કરી. બીજી બાજુ અમીરખાંએ પણ જયપુર રાજ્યના ગામડામાં લૂંટફાટ કરી આતંક મચાવ્યો હતો. આ રીતે જયપુર પર વિનાશના વાદળો ઘેરાઈ રહ્યાં હતા.
પ્રસિદ્ધ ઇતિહાસકાર કર્નલ ટોડે તે સમયે જયપુરની દુર્દશાનું વર્ણન કરતાં લખ્યું છે કે, ''જયપુરની સુંદર દિવાલોને દરેક લૂંટારા અપમાનિત કરતાં હતા। વ્યાપાર વાણિજ્યનું પતન થઈ ગયું હતું. ખેતીવાડી પતન તરફ અગ્રેસર હતી. કોઈ એક દિવસ દરજીની દિવાન તરીકે નિમણૂંક થતી તો તે પછીના દિવસે એક વાણિયો દિવાન બની જતો. બધા દિવાનની મંઝિલ નાહરગઢનો કિલ્લો હતી, જે અપરાધીઓનું શરણસ્થળ હતું.''
આ સમસ્યામાંથી બહાર નીકળવા એક પછી એક સાત દિવાન બદલવામાં આવ્યાં, પણ કોઈ જયપુરને સંકટમાંથી બહાર કાઢી શક્યું નહીં। આટલા બધા દિવાનની નિમણૂંક પાછળ લોકોએ રસકપૂરનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી.
તે અનન્ય સુંદરી હતી, બહાદુર અને પ્રતિભાશાળી હતી, મુશ્કેલીઓને ઉકેલવામાં કુશળ હતી। તે રાજાને દરબારી ષડયંત્રોમાંથી બચાવતી હતી અને જીવનની વાસ્તવિકતાનો બહાદુરીપૂર્વક સામનો કરવા પ્રેરણા આપતી હતી.
જગતસિંહ રાજકાજ ચલાવવામાં તેની સલાહ લેતા હતા। મોટા પદો પર નિમણૂંક તેની ઇચ્છાથી જ થતી હતી. રાજાની વાતો જાણવા તેણે પોતાના જાસૂસો રોક્યા હતા. મુખ્ય દિવાન મહત્વપૂર્ણ કાર્યોમાં તેની સલાહ લેતા હતા. પણ તે રાજ્યના વિવિધ સરદારનો વિશ્વાસ જીતી શકી નહીં.
જયપુરના સરદાર રૂઢિચુસ્ત અને પરંપરાવાદી હતા। તેઓ એક નીચા વર્ણની યુવતીનો રાજકાજમાં વધતો જતો હસ્તેક્ષેપ સહન ન કરી શક્યા. તેમની વાત સંપૂર્ણપણે ખોટી પણ નહોતી. રાજ્ય ચારે તરફથી ઘેરાઈ ગયું હતું અને મહારાજાનું એક પણ પાસું ધાર્યું પડતું નહોતું. તેઓ નિર્ણય લેતાં પહેલાં કોઈની સલાહ પણ લેતા નહોતી. તેમના માટે રસકપૂર સર્વસ્વ હતી. તે તેનો પડયો બોલ ઝીલી લેતાં હતા.
કેટલાક સરદાર નીચા વર્ણની યુવતીને માનપાન આપવામાં પોતાનું અપમાન સમજતા હતા। જે સમારંભમાં રાજા જગતસિંહની શોભા રસકપૂર વધારતી તેમાં હાજર રહેવાની દૂનીના ઠાકુર ચાંદસિંહે ના પાડી દીધી. તેના આ વલણથી જગતસિંહ નારાજ થઈ ગયા અને તેમણે તેની વાર્ષિક કમાણી કરતાં બમણો દંડ કર્યો. તેના કારણે બીજા સરદાર નારાજ થઈ ગયા. દંડ ચૂકવી દેવાયો પણ રસકપૂર અને રાજાની તેના પ્રત્યેની દિવાનગીનો વિરોધ વધતો ગયો. મહારાજાને પદચ્યુત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું પણ તેની જાણકારી જગતસિંહને મળી જવાથી તેમાં નિષ્ફળતા મળી.
રસકપૂર હવે દુશ્મનોથી ઘેરાઈ ગઈ હતી જે તેને સતત હટાવવા માટે ષડયંત્ર રચી રહ્યાં હતા। તેના ચારિત્ર્યને લઇને અફવા ફેલાવવામાં આવી હતી. તેનાથી તેને ઘણું નુકસાન થયું. છેવટે જગતસિંહ લાચાર થઈ ગયા અને તેમણે તેમના સરદારોને રસકપૂર સોંપી દીધી. સરદારોએ રસકપૂરને નાહરગઢના કિલ્લામાં કેદ કરી હતી.
કહેવાય છે કે કાળ કોટડીમાં યાતના ભોગવીને કેટલાંક વર્ષો પછી તેનું મૃત્યુ થઈ ગયું. કેટલાક લોકોનું માનવું છે કે તે કોઈ રીતે જેલમાંથી ભાગવવામાં સફળ રહી હતી અને પછી જગતસિંહની ચિતા પર સતી થઈ ગઈ હતી. રસકપૂરના વિયોગને જગતસિંહ સહી ન શક્યા અને યુવાવસ્થામાં જ ઇશ્વરને પ્યારા થઈ ગયા.
No comments:
Post a Comment