ધર્મ પ્રેમમાં છે, અનુષ્ઠાનોમાં નહીં. હ્રદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય, ત્યાં સુધી તેનું મંદિરમાં જવું અને શિવની ઉપાસન કરવી નકામી છે. જેઓ શરીર અને મનથી પવિત્ર છે તેમની પ્રાર્થના ભગવાન શિવ સાંભળે છે; પણ જેઓ પોતે અપવિત્ર હોવા છતાં બીજાને ધર્મનો ઉપદેશ આપે છે, તેમને છેવટે નિરાશા જ હાથ લાગે છે. બાહ્ય ઉપાસના એ આંતર ઉપાસનનાનું એક પ્રતીક માત્ર છે; આંતર ઉપાસના અને પવિત્રતા એ જ સાચી વસ્તુ છે. તે વિના બાહ્ય ઉપાસનાનો કશો જ ઉપયોગ નથી.
કળિયુગમાં લોકો એમ માને છે કે, તેઓ ગમે તેવું વર્તન કરે, પણ પછી કોઈ તીર્થધામમાં જાય તો તેમના બધાં પાપ ધોવાઈ જાય જશે। જો કોઈ માણસ અપવિત્ર મન સાથે મંદિરમાં જાય, તો તેના જૂનાં પાપમાં વધારો થાય છે અને ઘરેથી નીકળ્યો હતો તેના કરતાં વધારે ખરાબ માણસ તરીકે ઘેર પાછો ફરે છે. તીર્થ પવિત્ર સ્થળ છે જ્યાં હ્રદયથી વિશુદ્ધ મનુષ્યો પરમાત્મામાં લીન થઈ જાય છે. જ્યાં મંદિર ન હોય, પણ વિશુદ્ધ મનુષ્યોનો વાસ તે સ્થળ પણ તીર્થ બની જાય છે. વળી જ્યાં સેંકડો મંદિર હોવા છતાં લોકો અપવિત્ર હોય તો તે સ્થળેથી તીર્થ અદ્રશ્ય થઈ જાય છે. તીર્થક્ષેત્રમાં કરેલું પાપ ક્યારેય દૂર થતું નથી.
સર્વ ધર્મ અને ઉપાસનાનો આ મર્મ છેઃ પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયાં હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી; તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હ્રદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. તેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ તો સ્વાર્થીપણુ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે, હું પહેલો ખાઈ લઇશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ, બધું મારી પાસે જ રાખીશ, બીજાની પહેલાં હું સ્વર્ગે જઇશ, બીજાની પહેલાં હું મુક્તિ મેળવીશ, તે મનુષ્ય સ્વાર્થી છે.
નિઃસ્વાર્થ મનુષ્ય કહે છે કે, હું છેલ્લો રહીશ; હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી; નરકે જવાથી મારા ભાઇઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું. આ નિઃસ્વાર્થ વૃત્તિ જ ધર્મની કસોટી છે. જે વ્યક્તિમાં આ વૃત્તિ વધારે હોય છે તે વધુ ધાર્મિક છે અને ભગવાન શિવની વધુ સમીપ છે.
No comments:
Post a Comment