ભારત ખરેખર પુણ્યભૂમિ છે. આ પૃથ્વી પર ધન્ય પૂણ્યભૂમિ હોવાનો જો કોઈ ભૂમિ દાવો કરી શકતી હોય, આ પૃથ્વી પરના જીવાત્માઓને પોતાનાં કર્મોનો હિસાબ ચૂકવવા જે ભૂમિ પર આવવું જ પડતું હોય, જ્યાં પરમાત્માને પંથે પ્રયાણ કરી રહેલા દરેક જીવાત્માએ પોતાનું અંતિમ ધામ પ્રાપ્ત કરવા આવવું જ પડતું હોય, જ્યાં માનવતાએ મૃદુતાની, ઉદારતાની, પવિત્રતાની, શાંતિની, સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હોય, સૌથી વિશેષ અંતમુર્ખતાની અને આધ્યાત્મિકતાની જો કોઈ ભૂમિ હોય તો તે ભારત ભૂમિ છે.
ઉચ્ચ આધ્યાત્મિક સત્યના પવિત્ર અને સનાતન જળપ્રવાહથી જગતને વારંવાર નવડાવી દેનાર ધર્મસંસ્થાપકોએ અતિ પ્રાચીન કાળથી આ ભૂમિ પરથી જ આરંભ કર્યો હતો। પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તે ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્વજ્ઞાનની ભરતીના મહાજુવાળનો આરંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો અને દુનિયાની ભૌતિક સંસ્કૃતિને-જડવાદને આધ્યાત્મિક ઓપ આપનાર જુવાળનો આરંભ પણ હવે અહીંથી જ થવો જોઈએ. બીજા દેશોમાં લાખોનાં હ્રદયના મર્મભાગોને બાળી રહેલો જડવાદનો ભડભડ બળતો દાવાનળ જેનાથી શાંત થઈ શકે તે જીવનદાયી શાંતિજળ આ ભૂમિમાં જ છે.
આપણી માતૃભૂમિ પ્રત્યે વિશ્વનું ઋણ ઘણું જ મોટું છે। જગતના અન્ય દેશો સાથે સરખામણી કરશો તો જણાશે કે દુનિયા જેટલી આ સહનશીલ હિંદુની ઋણી છે તેટલી આ પૃથ્વી પરની બીજી કોઈ પણ પ્રજાની નથી. જ્યારે ગ્રીસનું અસ્તિત્વ પણ નહોતું, જ્યારે રોમ વિશે કોઈને વિચાર સરખોય નહોતો આવતો, જ્યારે અત્યારના યુરોપિયનોના વડવા જંગલમાં રહેતા અને શરીર પર રંગના લપેડા કરતાં ત્યારે ભારત પ્રવૃત્તિથી ધમધમી રહ્યું હતું.
એક એવો કાળ હતો જ્યારે વિશાળ ગ્રીક પલટનોની કૂચના ધણધણાટથી ધરતી ધ્રૂજતી હતી। ગ્રીકોની એ પ્રાચીન ભૂમિ પોતાની પાછળ એક કથની સરખીયે મૂક્યા વિના આ પૃથ્વીના પડ પરથી ભૂંસાઈ ગઈ છે. એક એવો કાળ હતો જ્યારે રોમનોનો ગરુડધ્વજ આ દુનિયામાં મેળવવા જેવી દરેક વસ્તુ પર ઊડતો હતો, દરેક જગ્યાએ રોમનોની હાક વાગતી હતી. માનવજાતનું મસ્તક તેમની એડી તળે ચંપાયેલું હતું, રોમનું નામ સાંભળતાં ધરતી ધ્રૂજી ઊઠતી. પરંતુ આજે ત્યાંની કેપિટોલની ટેકરી ભાંગીને ભૂક્કા થઈ જઈ ખંડિયેર રૂપે ઊભી છે. જ્યાંથી સીઝરો સત્તાનો દોર ચલાવતા ત્યાં આજે કરોળિયાઓ પોતાનાં જાળાં બાંધે છે.
એવી જ પ્રતાપી બીજી પ્રજાઓ પણ આવી। તેમણે આનંદભર્યા તમાશા માણ્યા, સમૃદ્ધ રાજસત્તાના અને દુરાચારભર્યા પ્રજાકીય જીવનના થોડા એક કલાકો કાઢ્યા અને આખરે પાણી પરના પરપોટા પેઠે ફૂટીને અદૃશ્ય થઈ ગઈ. પરંતુ હિંદુસ્તાનની પ્રજા, તેની સંસ્કૃતિ અને તેનો વારસો આજે પણ અડીખમ છે. જમાનાઓથી કુશાગ્ર બુદ્ધિ અને સદીઓના અનુભવના ફળરૂપે ઘડાયેલા શાશ્વત રિવાજો હજુ પ્રચલિત છે. જેમ જેમ ભારતીય પ્રજા અને તેની સંસ્કૃતિ પર વિપત્તિના આઘાત થાય છે તેમ તેમ આપણો વારસો વધારેને વધારે મજબૂત બની રહ્યો છે. આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આઘાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમ જ રીતભાતો અને રીવાજોની સેંકડો ઊથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભું છે.
સેન્ટર પોઇન્ટઃ આ એ જ ભારતભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જોમ લઈને દુનિયા પરના કોઈ પણ પહાડ કરતાં વધારે મજબૂત છે.
No comments:
Post a Comment