Monday, February 2, 2009

ચા,ચાય અને ટીચા એટલે અમારા પત્રકારોનું અમૃત। ચા મળે એટલે કેટલાંક પત્રકારો પાણી-પાણી થઈ જાય તો કેટલાંક પત્રકારોને પાણી ચડી જાય. ચા મર્દાના પીણું છે. તે મિત્રોના હ્રદયના તાર જોડે છે. મૈત્રીના અફીણને વધુ ઘોળતી ચાનો ઇતિહાસ એકસો-બસ્સો નહીં, પણ પાંચ હજાર વર્ષ જૂનો છે. બીજા શબ્દોમાં કહીએ તો તેનો જન્મ થયો ત્યારે ઇજિપ્તમાં જગપ્રસિદ્ધ પિરામિડોનું નિર્માણ કરનાર ફેરો (શાસક) સત્તા પર હતા, ઉત્તર ભારતમાં મોહેંજોદડો અને હડપ્પા જેવી મહાન સભ્યતા સ્થાપિત થઈ ગઈ હતી, બેબિલોન સંસ્કૃતિ પા પા પગલી માંડતી હતી અને અત્યારે સૌથી વધુ સભ્ય ગણાતી પશ્ચિમી દુનિયામાં મનુષ્યો જંગલી અવસ્થામાં ગુફાઓમાં રહેતા હતા.

ચાનો જન્મ ક્યાં અને કેવી રીતે થયો તેને લઇને અનેક માન્યતાઓ અને દંતકથાઓ છે। તેમાંથી એક સૌથી વધારે પ્રચલિત દંતકથા મુજબ ચાનો જન્મ ચીનમાં થયો છે. કદાચ એટલે ચા શબ્દ ચીનની વધારે નજીક લાગે છે. ચીનમાં ચાનો જન્મ બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારના ફળસ્વરૂપે થયો છે તેવું માનવામાં આવે છે. સેંકડો વર્ષ પહેલાં બુદ્ધનો એક જાણીતો શિષ્ય બોધિધર્મ બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા ચીન ગયો. ત્યાં તે એક પર્વત પર થોડો સમય દરરોજ ધ્યાન ધરતો હતો. ક્યારેક-ક્યારેક ધ્યાન દરમિયાન તેને ઝોંકા આવી જતા. તેમણે સતત ધ્યાનમાં મગ્ન રહેવા એક નવી રીત અપનાવી. જ્યારે તેમને ઝોંકુ આવતું ત્યારે તેઓ પોતાના નેણમાંથી વાળ ખેંચી જમીન પર ફેંકી દેતા. બોધિધર્મે તે પર્વત પર ઘણી જગ્યાએ ધ્યાનમાં ધર્યું હતું અને જે જગ્યાએ તેમણે તેમની નેણના વાળ ફેંક્યા હતા ત્યાં ત્યાં ચાની પત્તીઓ ફૂટી નીકળી. તે સમયેથી ચા જાગરણનું સુંદર પ્રતિક બની ગઈ અને ચાની ચુસ્કીથી નિંદ્રારાણી છૂ મંતર થઈ જાય છે તે વાત સાચી છે.

ચા શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ઇ। સ. પૂર્વે 350માં ચીનમાં પ્રકાશિત થયેલા એક શબ્દકોશ ઇથ-ઇયામાં મળે છે. શરૂઆતમાં ચાનો ઉપયોગ ઔષધિરૂપે થતો હતો. ચીનમાં તેની ઘાટી લીલી પત્તીઓને ઉકળતા પાણીમાં નાંખી તેનો સ્વાદ માણવામાં આવતો. પાછળથી ધીમેધીમે લોકોએ જાણ્યું કે જો તેની કોમળ પત્તીઓને તોડી એક નિશ્ચિત તાપમાને સૂકવી દેવામાં આવે અને તે પછી તેને ગરમાગરમ દૂધ-પાણી સાથે ઉકાળવામાં આવે તો તેની લિજ્જત વધી જાય છે.

ચા શબ્દની ઉત્પત્તિ 'ટે' શબ્દથી થઈ, પણ ઝડપથી આ શબ્દ 'ચા' શબ્દમાં ફેરવાઈ ગયો। આ જ શબ્દ આજે ઉપયોગમાં આવતા 'ટી'નો જન્મદાતા છે. અત્યારે અમેરિકા અને યુરોપમાં ચાને 'ટે' તરીકે જ ઓળખવામાં આવે છે. ભારતમાં તેને ચા કે ચાય, રશિયા અને પોર્ટુગલમાં ચા અને અરબીમાં ચાય નામે ઓળખવામાં આવે છે.

છઠ્ઠી અને સાતમી સદી સુધી ચા પાવડર સ્વરૂપે જ મળતી હતી, પણ સામાન્ય રીતે તેના દાણાને વધુ પસંદ કરવામાં આવતા હતા। રશિયામાં તેની લોકપ્રિયતા બહુ હતી. ધીમે ધીમે ચીનમાં તે એટલી લોકપ્રિય થઈ ગઈ કે તેને વિશેષ પ્રસંગે પીરસવામાં આવતી હતી. આઠમી સદીની શરૂઆતમાં ચા ચીન અને જાપાનમાં સુવિધાસંપન્ન વર્ગ વચ્ચે ખાસ્સી લોકપ્રિય થઈ ગઈ અને તેમના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ. તેની લોકપ્રિયતા એવી હતી કે તે બંને દેશની તત્કાલિન સરકારે તેના પર કરવેરો લાગૂ કરવા વિચારણા પણ કરી હતી. દસમી સદીમાં સુંગ શાસનમાં ચાની કળા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ.

હુઈ-તી-સન નામના ચીની શાસકના સમયે ચા બનાવવાની પ્રક્રિયા રાજસી અંદાજમાં થવા લાગી। તેના સમયે ચાની પત્તીઓ વીણવાનું કામ માત્ર યુવાન છોકરીઓ જ કરતી હતી. સોનની કાતરની મદદથી તે ફક્ત ચાની તાજી કળીઓ તોડતી હતી. તેને સોનાના જ મોટા વાસણમાં સૂકવવામાં આવતી. પછી તેને રાજાના ગરમ પાણીના પ્યાલામાં નાંખવામાં આવતી હતી. લોકો દૂરદૂરથી આ પ્રક્રિયા જોવા આવતા હતા. આ વાતનો ઉલ્લેખ મહાન પ્રવાસી માર્કો પોલોએ પણ કર્યો છે.

ધીમેધીમે આઠમી સદીમાં ચા જાપાનમાં પહોંચી ગઈ। ઇ. સ. 729માં જાપાનના શાસકે રાજમહેલમાં જૈન કાર્યશાળામાં ભાગ લેનારા ભિક્ષુઓને ચીની ચા પીવડાવી. પછી તો મોહ-માયાનો ત્યાગ કરનાર આ ભિક્ષુઓને ચાનો ચસ્કો એવો લાગ્યો કે તેઓ પોતાના દેશ પાછાં ફર્યા ત્યારે પોતાની સાથે ચાની પત્તીઓ લેતાં આવ્યા અને તેને પોતાના વિહારોમાં લગાવી દીધા. ઐતિહાસક દસ્તાવેજો દર્શાવે છે કે કોરિયામાં ઇ. સ. 661માં ચા ભગવાનને અર્પિત કરવામાં આવતી હતી. ગોરિયો રાજવંશ (918-1932)માં ચાય બૌદ્ધ મંદિરોમાં પ્રસાદ સ્વરૂપે ચઢાવવામાં આવતી હતી.

ચલતે-ચલતેઃ ચા ઉકાળતી વખતે ઉપર પરપોટા આવી જાય તો રૂપિયા આવશે અને તમે ઝડપથી ધનિક બની જશો.

2 comments:

punita said...

good one

zilan said...

vah, cha jetlij intresting story chhe. maza padi gai.