Wednesday, February 18, 2009

ઊઠો, જાગો, બધાં દુઃખ દૂર કરવાની શક્તિ તમારી અંદર જ છે


પ્રકૃતિ સામે જે કોઈ બળવો કરે છે તે જ ચેતન છે; તેમાં જ ચેતના પ્રગટ થાય છે. એક નાની કીડીને મારવા પ્રયત્ન કરી જુઓ; જીવન બચાવવા એક વાર તો તે પણ સામનો કરશે. જ્યાં જ્યાં પ્રયત્ન છે, બળવો છે, ત્યાં ત્યાં જીવનની નિશાની છે; ત્યાં ચેતના પ્રગટ થાય છે.

માણસો અને રાષ્ટ્રોની બાબતમાં પણ આ બાબત લાગુ પડે છે. જગતનો ઇતિહાસ વાંચશો તો તમને જણાશે કે એક આપણા દેશ સિવાય બીજા બધા દેશોને એક લાગૂ પડે છે. આજે આપણે એક જ દુનિયામાં જડ પદાર્થની જેમ ભોંય પર ચત્તાપાટ પડ્યાં છીએ. તમે સંમોહની અસર તળે છો. બહુ બહુ સમયથી બીજા તમને કહેતા આવ્યા છે કે તમે નિર્બળ છો, તમારામાં શક્તિ નથી; અને તમે તે સ્વીકારી લઇને એકાદ હજાર વર્ષથી એમ માનતા થઈ ગયા છો કે આપણે કંગાળ છીએ; આપણે નકામા છીએ.

આ શરીર પણ ભારતમાતાની માટીમાંથી જ જન્મ્યું છે; પણ મેં ક્યારેય એવું માન્યું નથી. તેથી જ તમે જુઓ છો કો ઇશ્વરની કૃપાથી જે લોકો હંમેશાં ભારતીયોને હલકા અને નિર્બળ માને છે, તેમણે જ મને દૈવી સન્માન આપ્યું છે અને હજુ પણ આપી રહ્યાં છે. જો તમે એમ માનશો કે તમારા અનંત શકિત, અનંત જ્ઞાન અને અજેય બળ રહેલાં છે, તો તમે પણ મારા જેવા જ બની શકો.

આ સત્ય મારી પાસેથી સાંભળો, સમજો અને તેની અનુભૂતિ કરો; પછી ગામેગામ અને દરેક શહેરમાં તેનો પ્રચાર કરો. બધાંને ઉપદેશ આપોઃ ''ઊઠો, જાગો, હવે વધારે ઊંઘો નહીં; બધી ખામીઓ અને બધાં દુઃખ દૂર કરવાની શક્તિ તમારી અંદર જ છે. તેમાં શ્રદ્ધા રાખો એટલે એ શક્તિ આપોઆપ પ્રગટ થશે.''

1 comment:

Nimesh Khakhariya said...

Swami ji ne vanchva ni maza aave che, Osho kyare vanchva malse?