Tuesday, February 17, 2009

ગરીબ દેશના 'કુબેર' શાસક


જે દેશનાં 77 ટકા લોકોની દૈનિક આવક 20 રૂપિયા કરતાં ઓછી છે અને 30 કરોડ લોકો ગરીબી રેખા નીચે ટુકડે-ટુકડે મરી રહ્યાં છે ત્યાં રાજનીતિના ધંધામાં ચાંદી જ ચાંદી છે. અહીં આપણા ગરીબ, લાચાર અને નિઃસહાય દેશના ધનિક રાજકારણીઓની કેટલીક માહિતી રજૂ કરી છેઃ

રાજ્યસભાના લગભગ 50 ટકા અને લોકસભાના 33 ટકા સાંસદો પાસે એક કરોડ રૂપિયા કે તેથી વધારે સંપત્તિ છે.

લોકસભા અને રાજ્યસભાના સૌથી વધુ 10 ધનિક સભ્યોની કુલ સંપત્તિ રૂ. 1,500 કરોડ છે.

લોકસભાની 2004માં યોજાયેલી ચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચાખનાર નાગાલેન્ડના નીમથુંગોની સંપત્તિ 9,005 કરોડ છે.

દેશના વિવિધ રાજ્યોની વિધાનસભાના સભ્યો ઘણા સાંસદોની સરખામણીમાં વધારે ધનિક છે. 30 રાજ્યોમાં સૌથી વધારે ધનિક ધારાસભ્યોની કુલ સંપત્તિ 2,042 કરોડ રૂપિયા છે અને સૌથી મોટી કમનસીબી એ છે કે 150 કરોડપતિ ધારાસભ્યોમાંથી 59 પાસે તો પાન કાર્ડ પણ નથી.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે ગરીબો છે અને તેની 33 ટકા જનતા એટલે કે 5.9 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે , પણ તેના મુખ્યમંત્રી માયાવતી દેશના 30 મુખ્યમંત્રીઓમાં સૌથી વધારે ધનિક છે. માયા મેમસાહબે રૂ. 52 કરોડની સંપત્તિ જાહેર કરી છે. એટલું જ નહીં આ રાજ્યના 113 ધારાસભ્યો કરોડપતિ છે.

મધ્યપ્રદેશમાં છ કરોડ લોકોમાંથી 2।5 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવનને ટકાવવા સંઘર્ષ કરી રહ્યાં છે, પણ આ રાજ્યના 80 ધારાસભ્યો કરોડપતિ છે.

રાજસ્થાનમાં વસુંધરા રાજેના શાસનકાળમાં અને મધ્યપ્રદેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપના શાસનકાળમાં ઘારાસભ્યોની સંપત્તિમાં પાંચ ગણો વધારો થયો.

કર્ણાટકમાં કોંગ્રેસ અને દેવગૌડાના જનતા દળ (એસ)ના વારાફરતી શાસનકાળમાં કોંગ્રેસી ધારાસભ્યોની સંપત્તિમાં પાંચ ગણો વધારો થયો.

રાજ્યસભાના 20 સૌથી વધુ ધનિક સાંસદોએ જાહેર કરેલી કુલ સંપત્તિ 1,500 કરોડ રૂપિયા છે.

મુંબઈમાં 1985માં આયોજિત કોંગ્રેસના શતાબ્દી સમારંભમાં રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, ''રાજનીતિ, સત્તા અને તાકાતની દલાલીનું સાધન બની ગઈ છે. આ દલાલો (રાજકારણીઓ)ના લોકઆંદોલનોનો હેતુ સામંતવાદી લોકશાહી સ્થાપિત કરવાનો છે.'' હકીકતમાં આપણે ત્યાં સામંતવાદી લોકશાહી ધીમેધીમે ચરમસીમાએ પહોંચી રહી છે. દેશના રાજકીય પક્ષો પર નજર દોડાવો તો તમે પોતે જ અવલોકન કરી શકશો કે એક પણ રાજકીય પક્ષમાં લોકશાહી નથી. બધા પક્ષમાં સામંતશાહી પ્રવર્તે છે અને તેમાં સગા-વહાલાઓનું જ પ્રભુત્વ છે. મોટાભાગના રાજકારણીઓ તેમના પોતાના માથે પડેલા અને લબડતા હોઠ ધરાવતા સંતાનોનો બોજ દેશની જનતા પર લાદી રહ્યાં છે અને જે રાજકારણીઓ વાંઢા છે તેમની સામાજિક-માનસિક તમામ પ્રકારની વિકૃતિઓ અને હતાશાનો ભોગ બિચારી ભોળી જનતા બની રહી છે.


(આંકડા 'ઇન્ડિયા ટુડે'ના તાજા અંકમાંથી લેવાયા છે)

1 comment:

Ajit Makwana said...

I like this artical. keep it up. RAJKARAN ma badha dalla j hoy chhe, pan evu kaheva ni himmat kon kare chhe? Praja-praja kahi ne pote RAJA bane chhe.