Thursday, February 26, 2009

'ગોધરા-અનુગોધરાની સાતમી વરસીએ પણ મોટા ભાગના ગુજરાતીઓમાં કલિંગબોધ જોવા મળતો નથી'


સાત વર્ષ પહેલાં 27મી ફેબ્રુઆરી, 2002ના રોજ સવારે સાડા નવની આસપાસ વિવિધ ન્યૂઝ ચેનલે ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના ભડકે બળતા ડબ્બા દેખાડયા હતા. ગોધરા અને તે પછી જે કંઈ બન્યું તે ગુજરાતના રાજકીય, સામાજિક અને કાયદાકીય ઇતિહાસમાં અભૂતપૂર્વ અને અકલ્પનીય હતું. ગુજરાત 2002 પહેલાં મહાત્મા ગાંધીના ગુજરાત તરીકે જાણીતું હતું પણ ગોધરા-અનુગોધરા પછી ગુજરાત પર હંમેશા માટે કાળો ડાઘ લાગી ગયો. ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના શુદ્ધ હિંદુત્વને ઝાંખપ લાગી ગઈ છે અને દિશાહીન હિંદુવાદ આકાર લઈ રહ્યો છે. ગોધરા-અનુગોધરાની આવતીકાલે સાતમી વરસી છે. તેના ઉપક્રમે ગુજરાતના જાણીતા રાજકીય સમીક્ષક અને 'નિરીક્ષક' પખવાડિયકના સંપાદક પ્રકાશ ન. શાહ સાથે ગોધરા-અનુગોધરાને લઇને કરેલી વાતચીત રજૂ કરી છેઃ

ગોધરાકાંડ પછી તમારી પહેલી પ્રતિક્રિયા શું હતી?
તે દિવસે 'નિરીક્ષક'ની ડેડલાઇન હતી એટલે અંક પૂર્ણ કરવામાં વ્યસ્ત હતો। તેવામાં જાણકારી મળી કે ગોધરા રેલવે સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસના કારસેવકોના કોચમાં ભડકો થયો છે. તે સમયે વિસ્તૃતપણે લખવાનો સમય નહોતો પણ મેં એટલું જરૂર લખ્યું હતું કે નવ લાઇસન્સ પ્રાપ્ત નરેન્દ્ર મોદીએ શુચિર્દક્ષ પણે કામ કરવાની જરૂર છે. ગોધરાકાંડના સમાચાર બ્રેક થયા તે પછી તરત જ તત્કાલીન વડાપ્રધાન વાજપેયીએ બીબીસીને કહ્યું હતું કે, સંયમ દાખવવાની જરૂર છે.

વાજપેયીએ વિશ્વ હિંદુ પરિષદને બંધનું એલાન પાછું ખેંચવાની અપીલ પણ કરી હતી...
ચોક્કસ। પણ વિશ્વ હિંદુ પરિષદે તો તરત જ તેની કામગીરીની રૂપરેખા બનાવી લીધી હતી. આ વાત સ્વ. કે. કા. શાસ્ત્રીએ રેડિફના પત્રકાર શીલા ભટ્ટ સાથેની મુલાકાતમાં કબૂલ કરી હતી. તેમણે શીલાબહેનને કહ્યું હતું કે, પરિષદે (વિશ્વ હિંદુ પરિષદ) ક્યા ક્યા વિસ્તારોને નિશાન બનાવવા તે માટે બેઠક કરી હતી. આ વાત 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'માં પ્રસિદ્ધ પણ થઈ હતી.

કે. કા. શાસ્ત્રીએ તે વાતનો રદિયો પણ આપ્યો હતો...
તેમણે રદિયો જરૂર આપ્યો હતો પણ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાએ છાપ્યો નહોતો। આ વાત તેમણે મને એક પત્ર લખીને કરી હતી. મેં તેમને લેખિતમાં કહ્યું હતું કે તમારો રદિયો આપવો હોય કે શીલા ભટ્ટ સાથેની મુલાકાત અંગે કોઈ ખુલાસો કરવો હોય તો 'નિરીક્ષક' તેને પ્રસિદ્ધ કરવા તૈયાર છે. પણ પછી તેમણે કોઈ જવાબ આપ્યો નહોતો.

ગોધરાકાંડ પછી રાજ્યના વિવિધ શહેરોમાં કોમી તોફાન ફાટી નીકળશે તેવી કલ્પના હતી?
ના। પણ મને ગોધરાકાંડ પહેલાં એવી ગંધ તો આવી જ ગઈ હતી કે કંઇક નવીન થશે. આવી કોઈ બાતમી મારી પાસે નહોતી. કોઈ ઇન્ફોર્મર સાથે મારા સંપર્ક પણ નહોતા અને આજે પણ નથી. પણ કોમી ભડકો થયો તેની મને નવાઈ નહોતી લાગી. આ વાત મેં ગોધરાકાંડ અને અનુગોધરાકાંડ પછી જસ્ટિસ કૃષ્ણા ઐયરના અધ્યક્ષપદે રચાયેલી પ્રજાકીય પંચ સમક્ષ કહી હતી. મેં પંચ સમક્ષ કહ્યું હતું કે: Godhara or no Godhara, this was going to happen.

કોમી તોફાનો બદલ એક વર્ગ સંપૂર્ણપણે રાજ્ય સરકારને જવાબદાર ઠેરવે છે તો બીજો વર્ગ એવું કહે છે કે તે સમયે જે બન્યું તે લોકોનો સ્વયંભૂ આક્રોશ હતો. તમે શું માનો છો?
ગોધરાકાંડ પછી જે કાંઈ થયું તે રાજ્ય સરકારની મિલીભગતથી થયું હતું। તે આપણી નજર સામે છે. અત્યારે રાજ્ય સરકારના જ મંત્રી માયાબહેન કોડનાની અને વિશ્વ હિંદુ પરિષદના જયદીપ પટેલને સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ(એસઆઇટી)ને ભાગેડુ જાહેર કરવાની ફરજ પડી છે. અમદાવાદની કમિશનર ઓફિસનું સંચાલન તત્કાલીન ગૃહ મંત્રી ગોરધન ઝડફિયા કરતાં એવું દરેક અખબાર કહેતાં હતા. સરકારે કોમી હુલ્લડો રોકવા પ્રયાસ કર્યો જ નહોતા. સરકારની ભૂમિકા કેવી હતી તે વિશે એક ઉદાહરણ સાથે વાત કરું.

ભારત-પાકિસ્તાનનું સર્જન થવા ટાણે પૂર્વ બંગાળમાં નોઆખલીમાં બહુમતી મુસ્લિમો લઘુમતી હિંદુઓ પર હુમલા કરતા હતા અને બિહારમાં બહુમતી હિંદુઓએ લઘુમતી મુસ્લિમોને નિશાન બનાવ્યાં હતા। તે સમયે નોઆખલીમાં મુસ્લિમ લીગની સરકાર હતી. તેના એક મંત્રી શમ્મસુદ્દીને મુસ્લિમોના ટોળાને કહ્યું હતું કે, હું તમારી જેમ પાકિસ્તાનમાં માનું છું. અમે સરકાર ચલાવીએ છીએ અને સરકારની ફરજ છે કે ખૂન, બળાત્કાર જેવા અપરાધ રોકે. સરકાર માટે તેના નાગરિકની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ છે. મુસ્લિમ લીગની સરકારનો એક મંત્રી જે વાત સમજતો હતો તે સમજણ તત્કાલીન ભાજપ સરકારના એક પણ મંત્રીએ દાખવી નહોતી.

ભાજપને વર્ષ 2002ની ચૂંટણીમાં જંગી બહુમતી મળશે તેવી ધારણા હતી?
સામાન્ય રીતે તોફાન થાય પછી પ્રજાને ટૂંક સમયમાં કલિંગબોધ (કલિંગબોધ એટલે પ્રાયશ્ચિતની ભાવના। મહારાજા અશોકને કલિંગના યુદ્ધ પછી પશ્ચાતાપ થયો હતો તેના પરથી આ શબ્દનું સર્જન કરવામાં આવ્યું છે) થાય છે. પણ ગુજરાતની પ્રજાને કલિંગબોધ થયો હોય તેવું ચૂંટણી વખતે લાગતું નહોતું એટલે પરિણામ બહુ ચોંકાવનારા નહોતા.

ગોધરા-અનુગોધરાની સાતમી વરસીએ ગુજરાતની જનતાને કલિંગબોધ થયો હોય તેવું તમને લાગે છો?
આ બાબતે થોડી વિસ્તૃત વાત કરું। ગોધરા-અનુગોધરા પછી મુખ્યમંત્રીના મુખ્ય સુરક્ષા સલાહકાર તરીકે કેટલોક સમય જાણીતા 'ઍન્કાઉન્ટર માર્તન્ડ' ગિલ હતા. રાજ્યમાં થોડા મહિના પછી પરિસ્થિતિ થાળે પડી પછી ગિલસાહેબ રવાના થયા તે પહેલાં નાગરિક સંગઠનની એક બેઠક યોજાઈ હતી. તેમાં તેમણે કહ્યું હતું કે, ''સામાન્ય રીતે કોઈ જગ્યાએ કોમી હુલ્લડો કે તોફાન થાય તેના થોડા દિવસ પછી પ્રજાને કલિંગબોધ થાય છે. તેમને કંઇક ખોટું થયું હોવાની કે સ્વસ્થ સમાજને ન શોભે તેવું થયું હોવાનો અપરાધબોધ થાય છે. પણ ગુજરાતમાં આ ભાવના જોવા મળી નથી.'' તેમના શબ્દો આજે પણ સાચાં છે અને ગોધરા-અનુગોધરાની સાતમી વરસીએ પણ મોટા ભાગના ગુજરાતીઓમાં કલિંગબોધ જોવા મળતો નથી.

તાજેતરમાં જ નરેન્દ્ર મોદીએ ડીએનએ સાથેની મુલાકાતમાં ગોધરા-અનુગોધરાને રાજ્ય સરકારની 'Unintensional Mistake' હોવાની વાત કરી છે...
ગોધરા-અનુગોધરા mistake નહોતી એટલે તે unintenional હોવાનો સવાલ જ નથી। હા, ગોધરા-અનુગોધરા પછી રાજ્ય સરકારે mistake જરૂર કરી છે. ગોધરા-અનુગોધરા પર પર પશ્ચાત્તાપ કરવાને બદલે મોદી સમગ્ર રાજ્યમાં ગૌરવયાત્રા લઇને ફરતા હતા. તે સમયે રાજ્ય સરકારને જાસૂસી રીપોર્ટ પર ધ્યાન આપવાનીયે ફૂરસદ નહોતી. છેવટે થયું શું? નરેન્દ્ર મોદીના નિવાસસ્થાન નજીક ગાંધીનગરમાં અક્ષરધામ પર આતંકવાદી હુમલો થયો. જે દિવસે હુમલો થયો તે દિવસે બપોરે બાર વાગતાં અમે તત્કાલીન રાષ્ટ્રપતિ કલામને મળવા ગયા હતા અને તેમને પણ રાજ્ય સરકારની બેફિકરાઈ વિશે માહિતગાર કર્યા હતા. તે દિવસે બપોરે દિલ્હીના પત્રકારો સાથે પણ આ અંગે વાત થઈ હતી અને તેવામાં અક્ષરધામ પર આતંકવાદી હુમલાના સમાચાર આવ્યાં. ગોધરા-અનુગોધરા પછી ગુજરાત અને દેશ પર આતંકવાદી હુમલાનું જોખમ વધી ગયું છે.

એટલે તમારો કહેવાનો અર્થ એ છે કે દેશમાં જે કાંઈ આતંકવાદી હુમલા થયા તે માટે ગોધરા-અનુગોધરા જવાબદાર છે?
આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે પણ ગુજરાતમાં થયેલા કોમી તોફાનોએ બળતામાં ઘી તો હોમ્યું જ છે। ગોધરા-અનુગોધરા પછી દેશના વિવિધ શહેરોમાં જે આતંકવાદી હુમલા થયા તેની તપાસનો સૂર એવું કહે છે કે આતંકવાદીઓના વિવિધ આશયમાંનો એક ગુજરાતના બનાવોનો બદલો લેવાનો છે. તે હુમલાઓને જસ્ટિફાય કરવાનો કોઈ ઇરાદો નથી પણ મુદ્દો એ છે કે, ગોધરા-અનુગોધરા પછી હિંદુ-મુસ્લિમ વચ્ચેનું ધ્રુવીકરણ વધારે મજબૂત થયું છે અને આતંકવાદી હુમલાનું પ્રમાણ વધ્યું છે તેને કોઈ નકારી શકે તેમ નથી. અડવાણીએ થોડા દિવસ પહેલાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના પ્રવચન પછી મુંબઈમાં જે આતંકવાદી હુમલા થયા તેમાં સ્થાનિક લોકોની ભૂમિકા વિના આટલું મોટું ષડયંત્ર પાર પાડવું અશક્ય છે તેમ કહ્યું હતું. પણ તપાસમાં સ્થાનિક લોકોને ભાગ લેવા પ્રોત્સાહન કોણે પૂરું પાડ્યું છે તે આપણે બધા જાણીએ છીએ.

ગોધરા-અનુગોધરા પછી સામાન્ય લોકોમાં નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં સતત વધારો થયો છે. ભાજપનો એક વર્ગ જે પહેલાં લાલકૃષ્ણ અડવાણીને 'છોટે સરદાર' કહેતો હતો તે હવે નરેન્દ્ર મોદીની સરખામણી સરદાર સાથે સરખાવે છે. જો ગોધરાકાંડ જેવી ઘટના બની હોત અને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાતના મુખ્યમંત્રી હોત તો તેમણે શું કર્યું હોત?
જેઓ નરેન્દ્ર મોદી કે બીજા કોઈ પણ રાજકારણીને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે સરખાવે છે કે છોટે કે મોટે સરદાર કહે છે તેઓ સરદારને સૌથી વધારે અન્યાય કરી રહ્યાં છે। જો ગોધરાકાંડ સર્જાયો હોય અને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે સરદાર હોત તો તે પ્રશ્નનો ઉકેલ ગોધરા રેલવે સ્ટેશને જ આવી ગયો હોત. તેઓ કાયદાના શાસનના ચુસ્ત હિમાયતી હતા. તેઓ અપરાધીને સજા કરવામાં માનતા હતા, નહીં કે અપરાધીના ધર્મ કે તેની નાતજાતના નિર્દોષ લોકોને. કોઈ નેતાની લોકપ્રિયતા અને તેની કામગીરીનું ન્યાયી મૂલ્યાંકન થવું જોઇએ જેની અપેક્ષા કલિંગબોધ ન અનુભવતી ગુજરાતની પ્રજાથી પાસેથી રાખવી વધુ પડતું છે.

અહીં એક બીજી વાત પણ કરવી છે। ભાજપ ઘણી વખત સોમનાથ અને અયોધ્યાની મુદ્દાની ભેળસેળ કરી દે છે. હકકીતમાં તે બંનેની સરખામણી ન થઈ શકે. સરદારે સોમનાથનો પુનરોદ્ધાર કરાવ્યો હતો પણ સોમનાથનું મંદિર વિવાદાસ્પદ નહોતું. તેમાં મંદિર-મસ્જિદનો કોઈ વિવાદ નહોતો. સરદારે ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતને અયોધ્યા મુદ્દો ભૂલી જવા કહ્યું હતું. સરદાર અયોધ્યાના વિવાદની ગંભીરતા સમજતાં હતા અને એટલે તેને સ્પર્શ ન કરવામાં જ માનતા હતા. વલ્લભભાઈની કારસેવા કે રામમંદિર આંદોલનમાં કલ્પના પણ ના કરી શકાય.

ગોધરા-અનુગોધરાના દોષિતોને સજા થાય તેવું તમને લાગે છે?
ગોધરામાં કારસેવકોના ડબ્બાનો ભડકો કરનાર સજા થવી જ જોઇએ અને તે પછી જેમણે ગોધરામાં આગ ચાંપવામાં કોઈ ભૂમિકા ભજવી નહોતી તેવા નિર્દોષ માણસોને જીવતા સળગાવી દેનારા અને તેમની કત્લેઆમ કરનારાઓને પણ સજા થવી જોઇએ। છેલ્લાં સાત વર્ષથી કમિશન પર કમિશન બેસાડવામાં આવી રહ્યાં છે. જોઇએ શું થાય છે.

ગોધરા-અનુગોધરાની દેશ પર લાંબાગાળે શું અસર થશે?
સુશિક્ષિત ગુજરાતી વર્ગે નાગરિક સમાજની દ્રષ્ટિએ બે સવાલના જવાબ આપવા પડશેઃ એક, તમે કાયદાના શાસનમાં માનો છે કે કેમ? બીજું, જો કાયદાના શાસનનું ઉલાળિયું કરવામાં કોઈ રાજકીય વિચારધારાનું સમર્થન મળી રહેતું હોય તો તમને તેમાં વાંધો છે? કાયદાના શાસનનો સવાલ સૌથી મહત્વપૂર્ણ છે। સાંપ્રદાયિકતા કે બિનસાંપ્રદાયિકતાની વાત તો પછી આવે છે. સવાલ દેશના બંધારણ અને કાયદાના સમ્માનનો છે. સવાલ માનવતાના ધોરણોનો છે.

'નિરીક્ષક'માં સાંપ્રદાયિકતા કે બિનસાંપ્રદાયિકતા વિશે બહુ ચર્ચા ચાલી હતી...
ગુજરાતના મુખ્ય પ્રવાહનો વર્તમાનપત્રો જે ચૂક્યાં હતાં તે વાત નિરીક્ષક, નયા માર્ગ અને ભૂમિપુત્રએ રજૂ કરી। તેમાં પણ 'નિરીક્ષક'માં ગાંધીવિચાર અને હિંદુત્વની પાયાની ચર્ચા થઈ હતી.

પણ ગાડી આડે પાટે ચડી ગઈ હતી એવું નહોતું લાગ્યું?
ચર્ચા થોડી આડે પાટે ચડી ગઈ હતી। મુદ્દો કાયદાકીય શાસનનો હતો અને ચર્ચા સાંપ્રદાયિકતા-બિનસાંપ્રદાયિકતા પર વધારે થઈ હતી: જેમ ઝનૂની મુસ્લિમો કે ઝનૂની હિંદુઓ એકમેકને મારવા લેતા હોય તેમ જાણે કે બિનસાંપ્રદાયિકતાની વાત કરનારા 'મારો કે કાપો'ને રક્તખેલ ખેલી રહ્યાં હોય, એવું ચિત્ર ઊભું કરવામાં આવ્યું હતું.

'નિરીક્ષક' સાંપ્રદાયિકતા અને બિનસાંપ્રદાયિકતાના નામે ગુણવંત શાહની ટીકા કરવાનું અને તેમની સામે વિચારો અને અભિપ્રાયો વ્યક્ત કરવાનું માધ્યમ બની ગયું હતું. પ્રવીણ ન. શેઠને તો આ વિશે તમને પત્ર લખવો પડ્યો હતો. તેમનો સૂર એવો હતો કે ગુણવંત શાહના વિચારોની સમીક્ષા એક આધાર સાથે થાય તેની સામે વાંધો નથી પણ તેમના વિરોધમાં પાયા વિનાના અને દ્વૈષી ઇરાદાથી લખાયેલા પત્રો ન પ્રકાશિત કરો.
તે સમયે ગુણવંત શાહ 'સંદેશ'માં લખતા હતા, કહો કે જે બધું ન બનવાનું બનતું હતું તેને માટે તે અનાયાસ એર કવરેજ બની રહ્યું હતું. તેમના વિચારો સાથે સહમત હોય કે ન હોય તેવા વાચકો કે લેખકોના મત સંદેશમાં છપાય તેવો બહુ અવકાશ નહોતો. એટલે 'નિરીક્ષક' ગુણવંત શાહના લેખ રી-પ્રિન્ટ કરી તેની સાથે જે તે લેખકોના જવાબ પ્રકાશિત કરતું હતું. તેમાં ગુણવંત શાહને નિશાન બનાવવાનું ધાર્યું નહોતું. 'નિરીક્ષક' તે પ્રકારની વિચારસરણીમાં ક્યારેય માનતું નથી. પણ સુશિક્ષિત ગુજરાતી વર્ગે જે બે સવાલના જવાબ આપવા જોઇએ તે વાત ગુણવંતભાઈને પણ લાગૂ તો પડે જ છે, જેમ મને કે બીજાને પણ.

Tuesday, February 24, 2009

મોટા ભાઈ, ભારતનું આંતરરાષ્ટ્રીય શોષણ ચરમસીમાએ પહોંચ્યું...


સ્લમડોગ..સ્લમડોગ...બ્લડી ઇન્ડિયન ડોગ......અમેરિકનો આજકાલ ભારતીયોની સ્લમડોગ કહીને મજાક ઉડાવે છે આવા સમાચાર મિત્ર પરાગ દવેએ બેથી ત્રણ દિવસ પહેલાં રાજકોટના 'અકિલા' અખબારની વેબસાઇટ પર દેખાડ્યા હતા. વિદેશીઓની મજાકને હોંશે હોંશે માથે ચડાવવાની ભારતીયોને આદત છે. ઓસ્કર એવોર્ડ સમારંભ યોજાઈ ગયો અને તેમાં ભારતનું આંતરરાષ્ટ્રીય શોષણ ચરમસીમાએ પહોંચી ગયું. સ્લમડોગને એવોર્ડની હારમાળા પહેરાવવામાં આવી. જોકે તેનાથી કોઇને નવાઈ લાગી નહોતી. પણ જેમ જેમ ઓસ્કર એવોર્ડની જાહેરાત થતી ગઈ અને ડોગના એવોર્ડની સંખ્યામાં વધારો થતો ગયો તેમ તેમ તેનો આફરો કેટલાક લોકોને ચડતો ગયો. તેમાંની સામાજિક, આર્થિક અને રાજકીય રીતે સમજદાર અને જવાબદાર ( બસ દુર્દશાનો એટલો આભાર છે, જે મળે છે તે મુજથી સમજદાર છે) એક વ્યક્તિએ ગઇકાલે સવારે જ મને ફોન કર્યો. લગભગ સવારના નવ વાગ્યા હશે અને હું ઊંઘમાં હતો.

મોટા ભાઈએ મને શા માટે ફોન કર્યો તેની જાણકારી આપી દઉં। આ પહેલાં બ્લોગમાં મેં સ્લમડોગ મિલિયનેર વિશે લખ્યું હતું. તેમાં દેશ પર ધાર્મિક અને સામાજિક બાબતે જે પ્રહાર કરવામાં આવ્યાં છે તેના પર મારો મત રજૂ કર્યો હતો. તે વિશે આ મોટા ભાઈએ મને ખખડાવી નાંખતી ભાષામાં એકીશ્વાસે કહ્યું કે, ડેનીએ શું ખોટું દેખાડ્યું છે? શું ભારતમાં ગરીબી નથી? શું ભારતમાં ઠેરઠેર જોવા મળતી ગરીબી દેખાડવી કોઈ અપરાધ છે? ક્યાં સુધી વાસ્તવિકતાથી મોં ફેરવશો? મારી ઊંઘ ઊડી ગઈ. મોટા ભાઈ અખબારોમાં ચમકતા મોટા મોટા નામોનું ઉચ્ચારણ ટૂંકા નામથી જ કરે છે...આ તો એમની અદા છે॥મને ઉઠાડવા મારી મમ્મી સવારના સાડા આઠની આંટા મારતી હતી પણ મારી ઊંઘ ઊડતી નહોતી. પણ મોટા ભાઈના ફોને નિદ્રારાણીને ઊભી પૂછડીએ ભગાડી દીધી. થેન્ક યૂ, મોટા ભાઈ....

ડોગ ફિલ્મને ઓસ્કર મળ્યો તેનાથી તેઓ અત્યંત ખુશ છે। તેમને મને જવાબ આપવા કહ્યું હતું. જો મે મારી રીતે કંઈ પણ જવાબ આપ્યો હોત તો તેઓ તેનો વિરોધ કરશે તે નક્કી વાત છે. તેનું કારણ છે. હું કોઈ છાપાનો સિદ્ધહસ્ત અને જગપ્રસિદ્ધ લેખક નથી. જો છાપામાં લેખ લખતો હોત તો મારી સાથે રેપો જાળવવા, સંપર્કસૂત્રો સ્થાપિત કરવા અને ઓળખાણ ઊભી કરવા મોટા ભાઈએ ચોક્કસ મારા મતને સમર્થન આપ્યું હોત. હું મોટા ભાઈને બરોબર જાણું છું. એટલે અહીં ફિલ્મ ઉદ્યોગના જાણીતા નિર્દેશક પ્રિયદર્શન અને હાઇડ પાર્ક એન્ટરટેઇનમેન્ટના ચેરમેન અશોક અમૃતરાજ ડોગ ફિલ્મ વિશે શું માને છે તે રજૂ કરું છું:

ભારતનું આંતરરાષ્ટ્રીય શોષણ: પ્રિયદર્શન

સ્લમડોગમાં મુંબઈની ઝૂંપડપટ્ટી દેખાડવામાં આવી તેનો મને કોઈ વાંધો નથી। મને માત્ર વાસ્તવિકતાને જે રીતે રજૂ કરવામાં આવી તે ગમ્યું નથી. જમાલને આખી રાત વીજળીના આંચકા આપવામાં આવ્યાં અને સવારે તે ફૂલ જેવો તાજોમાજો દેખાય? અમિતાભ બચ્ચનના હેલિકોપ્ટરને જુહૂના સંડાસ સિવાય બીજે ક્યાં ઉતરવાની જગ્યા જ નહીં? અને ફિલ્મમાં દેખાડવામાં આવેલા તોફાનને રમખાણ કહી શકો છો? જાણે કોઈ બાળકે ફોટો ખેંચ્યા હોય તેવું લાગે છે. જો આ ફિલ્મને કોઇએ બચાવી હોય તો તે ભારતની જમીન સાથે જોડાયેલા એ. આર. રહેમાનના સંગીત અને રસુલ પોકુટ્ટીના સાઉન્ડ ઇફેક્ટ્સે.

સૌથી દુઃખની વાત એ છે કે જ્યારે કોઈ વિદેશી આપણને સ્લમડોગ કહે ત્યારે આપણે સાંભળીએ છીએ, પણ કોઈ ભારતીય વાળંદને બાર્બર કહે છે ત્યારે આપણે વિરોધ કરીએ છીએ. જો સ્લમડોગને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ મળતી હોય તો તેનું કારણ એ છે કે તેઓ ભારત વિશે તેનાથી વધારે કંઈ જાણતા નથી. ભારત આફ્રિકાના ખંડમાં આવેલો સોમાલિયા જેવો દેશ નથી. આપણે વિશ્વની અગ્રણી પરમાણુ તાકાત છીએ. આપણા ઉપગ્રહ બ્રહ્માંડમાં ફરે છે. આપણા પોલીસ કમિશનરોની ઓફિસ ઝૂંપડી જેવી લાગતી નથી. આ તો ભારતનું આંતરરાષ્ટ્રીય શોષણ છે.

બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં ઘણી સારી ફિલ્મો નોમિનેટ નથી થઈ: અશોક અમૃતરાજ

સ્લમડોગ વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ છે, પણ તેની સાથે સાથે તે વાત પણ સાચી છે કે બેસ્ટ ફિલ્મની કેટેગરીમાં ઘણી સારી ફિલ્મો નોમિનેટ નથી થઈ। પછી તે ક્લિન્ટ ઇસ્ટવૂડની ગ્રૈન ટોરિનો હોય કે ક્રિસ નોલાનની ધ ડાર્ક નાઇટ હોય. સ્લમડોગ એવા સમયે આવી છે જ્યારે અમેરિકા મંદીમાંથી પસાર થઈ રહ્યું છે. એક મહિનામાં 60,000 લોકો બેરોજગાર થયા છે. આ પ્રકારની ફિલ્મ તેમને યાદ અપાવે છે કે અત્યારે તેમનું જીવન ગમે તેટલું ખરાબ કેમ ન હોય, પણ ભારતમાં 20થી 30 કરોડ લોકો તેમના કરતાં વધારે ખરાબ હાલતમાં હસતાં-હસતાં જીવી રહ્યાં છે. શું ડિકી એટનબરોની ફિલ્મ 'ગાંધી' ફિલ્મે જે પ્રભાવ પાડ્યો હતો તે પ્રભાવ સ્લમડોગ પાડી શકશે? હું તો એવું માનતો નથી.

બાય બાય મોટા ભાઈ.....

દેખિ દેખિ જીવ અચરજ હોઈ.....


દેખિ દેખિ જીવ અચરજ હોઈ,
યહ પદ બૂઝૈ વિરલા કોઈ,
ધરતી ઉલટી અકાશહિ જાઈ,
ચિઉટીકે મુખ હસ્તિ સમાઈ.

બિનુ પવને જો પર્વત ઉડૈ,
જીવ જન્તુ સબ વૃક્ષહિં ચૂડૈ,
સૂખે સરવર ઉઠે હિલોર,
બિનુ જલ ચકવા કરૈ કિલોર.
બૈઠા પંડિત પઢૈ પુરાન,
બિનુ દેખેકા કરૈ બખાન,
કહહિં કબિર જો પદ કો જાન,
સોઈ સન્ત સદા પરમાન.

પાકિસ્તાનના 30 પ્રશ્નો


છેવટે પાકિસ્તાને સ્વીકારી લીધું કે મુંબઈ હુમલાનું ષડયંત્ર તેની જમીન પર જ રચાયું હતું, પણ તેની સાથે જ તેણે ભારતને 30 પ્રશ્નોની યાદી પણ સોંપી દીધી. પાકિસ્તાનને હવે અપરાધીઓ સામે આગળની કાર્યવાહી કરતાં પહેલાં આ પ્રશ્નોના જવાબ જોઇએ છે. આ પ્રશ્નોની યાદી 'ઇન્ડિયા ટુડે'ના તાજેતરમાં પ્રસિદ્ધ થઈ છે. તેમાં પ્રશ્નો ઓછા અને માગણી વધારે છે. તેમાં ભારતને સહકાર આપવાની ભાવના ઓછી અને ઉલટતપાસ કરવાનો ઇરાદો વધારે છે. પાકિસ્તાન કદાચ એ જાણવા માગે છે કે તેના નાપાક ઇરાદાની કડીઓ ભારતે મેળવી કેવી રીતે...આ યાદી જોઇએ.....

(1) અદાલત સમક્ષ અજમલ કસાબે શું કહ્યું છે?

(2) કસાબની હાલની વર્તમાન તસ્વીરો મોકલો.

(3) તેના ડીએનએનો નમૂનો અને ફોરેન્સિક વિશ્લેષણનો રીપોર્ટ મોકલો.

(4) તેના વસ્ત્રો પર ઉપલબ્ધ નિશાનીઓનો રીપોર્ટ આપો.

(5) તેના રાષ્ટ્રીય ઓળખપત્રની વિસ્તૃત વિગતો આપો.

(6) કસાબ સહિત દસ અપરાધીઓ પાસેથી પ્રાપ્ત થયેલી ચીજવસ્તુઓની વિસ્તૃત વિગતો આપો.

(7) જીપીએસની લોગ ડીટેલ આપો.

(8) સેટેલાઇટ ફોનના કોલ લોગ અને ફોરેન્સિક વિશ્લેષણની વિસ્તૃત જાણકારી આપો.

(9) હુમલાખારોએ ઉપયોગ કરેલા મોબાઇલ ફોનના ફોરેન્સિક વિશ્લેષણની વિસ્તૃત જાણકારી.

(10) બોટમાંથી પ્રાપ્ત થયેલા નમૂના.

(11) અપરાધીઓ અને તેમના માર્ગદર્શકો વચ્ચે થયેલી વાતચીતની સંપૂર્ણ ટેપ આપો.

(12) અપરાધીઓ પાસેથી પ્રાપ્ત થયેલી વસ્તુઓ જપ્ત કર્યાની જાહેરાત આપો.

(13) અપરાધીઓને અને હુમલા વખતે તેમને સૂચના આપતા લોકો વચ્ચેની વાતચીતની સંપૂર્ણ ટેપ.

(14) સિમ કાર્ડનું ફોરેન્સિક વિશ્લેષણ.

(15) સિમ કાર્ડ ઉપલબ્ધ કરાવનાર તૌસિફ રહેમાન અને મુખ્તાર અહેમદ શેખ સાથે પૂછપરછનો રીપોર્ટ.

(16) અપરાધીઓને ભારતીય સિમ કાર્ડ ક્યાંથી મળ્યાં?

(17) પ્રાપ્ત થયેલા શસ્ત્રો પર નિશાનીઓની વિસ્તૃત જાણકારી.

(18) પ્રાપ્ત થયેલા શસ્ત્રોની તસવીર આપો.

(19) તમામ હુમલાખોરોની તસવીરો મોકલો.

(20) તમામ અપરાધીઓની વિસ્તૃત જાણકારી અને તેની ઓળખના પુરાવા.

(21) મુંબઈ એટીએસ પ્રમુખ હેમંત કરકરેની મૃત્યુ જે પરિસ્થિતિઓમાં થયું તેની વિસ્તૃત જાણકારી આપો.

(22) કરકરેની મૃત્યુના સાક્ષીની જુબાની આપો.

(23) ફરીથી ઇંધણ ભરાવ્યા વિના હુમલાખોરો મુંબઈ કેવી રીતે પહોંચ્યા?

(24) શું ભારતમાં ફરી ઇંધણ ભરવામાં આવ્યું હતું?

(25) અપરાધીઓને ભારતીય નૌકાદળે કેમ ન રોક્યાં?

(26) હુમલાખોરોની આંગળીઓના નિશાન અને તેનું ફોરેન્સિક વિશ્લેષણ આપો.

(27) કસાબે જાકિર ઉર રહેમાન લખવીની ઓળખાણ કેવી રીતે કરી?

(28) લખવીની તસવીર ક્યાંથી પ્રાપ્ત થઈ?

(29) દારૂગોળા અને શસ્ત્રો સાથે હુમલાખોરો મુંબઈ કેવી રીતે પહોંચ્યા?

(30) પ્રાપ્ત થયેલી ડિજિટલ ડાયરીની વિસ્તૃત માહિતી અને ફોરેન્સિક રીપોર્ટ આપો.

Monday, February 23, 2009

વેદના, ગુસ્સો અને લડાયકતાઃ પાકિસ્તાનના પત્રકાર આલમનો મિજાજ


છેવટે તેણે સચ્ચાઈની ખાતર પોતાના જીવનું બલિદાન આપી દીધું....જો તેને તમે તમારો સાચો ભાઈ માનતા હોય તો તમારે તાલિબાનો સામે ઝૂકવાનું નથી...સ્વાત ઘાટીને તાલિબાનોને નરકમાં ફેરવી દીધી છે તેનો ચિતાર આપણે દુનિયા સામે રજૂ કર્યો છે અને રજૂ કરીશું...તાલિબાની શાસનમાં કચડાતી પ્રજાની વેદનાનો ચિતાર કરવા હું સ્વાત ઘાટીમાં આવ્યો છું અને હજુ પણ વારંવાર આવતો રહીશ...હું મારી સાથે બંદૂક નહીં લાવું પણ કલમ લઇને આવીશ જેને મારી પર હુમલો કરવો હોય તે કરે......! આ શબ્દો છે પાકિસ્તાનના જીઓ ટીવી ચેનલના સંપાદક હામિદ મીરના છે અને પડઘો છે પાકિસ્તાનના પત્રકાર આલમના મિજાજનો.

વેદના, ગુસ્સો અને લડાયકતા! પાકિસ્તાનના પત્રકારો પાસે આ ત્રણ લાગણી પ્રદર્શિત કરવા સિવાય કંઈ બચ્યું નથી। તેઓ ઝઝૂમી રહ્યાં છે-પોતાની જ બિરાદરીના નરાધમો સામે. તેઓ લડી રહ્યાં છે-સત્તાના કેફમાં મદમસ્ત થયેલા અને ઇસ્લામનું વિકૃત અર્થઘટન કરનારા પોતાના જ જાતબાંધવો સામે. તાલિબાન અને આતંકવાદ એકબીજાના પર્યાય બની ગયા છે. પાકિસ્તાનની સરકારે પાળેલો તાલિબાની ભસ્માસુર અત્યારે તેનો જ કોળિયો કરવા આગળ વધી રહ્યો છે અને તેની સામે કલમના સિપાહીઓએ બંડ પોકાર્યો છે. આ લડાઈમાં જીઓ ટીવી ચેનલના યુવાન પત્રકાર મૂસા ખાનખેલનો ખેલ પડી ગયો. ટીવી ચેનલને ન્યૂઝ પૂરા પાડતો મૂસા પોતે જ હેડલાઇન બની ગયો. તેનો કસૂર શું હતો?

તે પોતાના ધર્મને બદનામ કરતાં વિકૃત તત્વોને ખુલ્લાં પાડતો હતો। તેણે જંગલી તાલિબાનીઓ સામે લડવા પોતાના જાતબાંધવો વચ્ચે ચિંગારી ચાંપી હતી. તેણે આતંકવાદી પિશાચીઓના લોખંડી પહેરામાં કતરાં કતરાં મરતી માતા અને બહેનોના જીવનની કરુણ વાસ્તવિકતા જગજાહેર કરી હતી. ફુલસમાન બાળકોના હાથમાંથી પુસ્તકો છીનવી બંદૂકો પકડાવી દેનારા માનવતાના ભક્ષકોને તેણે ખુલ્લાં કર્યા હતા. પાકિસ્તાનમાં ઇસ્લામનું સાચું અર્થઘટન કરવું ગુનો છે અને તે ગુનાની સજા મૂસા ખાનખેલને ભોગવવી પડી.

તેના આ ખેલમાં તેણે એક દિવસ પોતાના જીવનની બાજી ગુમાવવી પડશે તેનાથી તે વાકેફ હતો। તેની ઉંમર કેટલી હતી? માત્ર 28 વર્ષ. મૂસાએ 19 વર્ષની ઉંમરે પત્રકારત્વ જગતમાં પા પા પગલી માંડી હતી. નવ વર્ષની કારકિર્દીમાં તે 'જંગલીસ્તાન' બની ગયેલા પાકિસ્તાનને ખરેખર પાક બનાવવા માગતા કેટલાંક પત્રકારો સાથે ખભેખભે મેળવીને ઝઝૂમ્યો. બદલામાં તેને અને તેના પરિવારને શું મળ્યું? મૂસાને બદન પર 32 ગોળી મળી અને તેના પરિવારને ગળું કપાયેલી હાલતમાં તેની લાશ. ઇસ્લામપરસ્ત મુસલમાનને તાલિબાની કાફિરોએ રહેંસી નાંખ્યો. સ્વાતની ઘાટીમાં તાલિબાની કાફિરોએ આ પહેલાં પણ ત્રણ પત્રકારોને અલ્લાહના દરબારમાં મોકલી દીધા છે. પાકિસ્તાનને પાક રાખવા અત્યારે બંદૂક સામે કલમ લડી રહી છે.

પત્રકારો માટે જેલની અંધારી કોટડી કે અમાનુષી હત્યાના ભોગ બનવું નવાઈ નથી। આતંકવાદી સંગઠન અલ કાયદાએ સાત વર્ષ પહેલાં અમેરિકાના પત્રકાર ડેનિયલ પર્લનું કરાંચીમાંથી અપહરણ કરી તેનું ગળું કાપી નાંખ્યું હતું. અલ કાયદા તેને અમેરિકાની જાસૂસી સંસ્થા સીઆઇએનો એજન્ટ હોવાનું માનતી હતી. કલમના સિપાહીઓ કાયમ સંઘર્ષ કરતાં રહ્યાં છે. 1990ના જાન્યુઆરીથી માર્ચ સુધીમાં બ્રાઝિલ, અલ સાલ્વાડોર, રૂમાનિયા અને તુર્કીમાં કલમ પકડનારા હાથને ભાંગીને ભૂક્કો કરી નાંખવામાં આવ્યા હતા. નેવુના દાયકમાં ઇરાકમાં રીપોર્ટિંગ કરવા ગયેલા લંડન ઓબ્ઝર્વરના પ્રતિનિધિ ફરઝાદ બાર્ઝોફતને 'ઇરાકનો દુશ્મન' ગણાવી ફાંસીના માંચડે લટકાવી દેવાયો હતો. અત્યારે તાલિબાનો પાકિસ્તાનના પત્રકારોનો દુશ્મન ગણી રહ્યાં છે. આવી જ પરિસ્થિતિ ગુજરાતમાં પણ છે.

યાદ કરો 'ટાઇમ્સ ઓફ ઇન્ડિયા'ના પત્રકાર પ્રશાંત દયાળ અને એડિટર ભરત દેસાઈ પર મોદીકાકાની સરકારે રાજદ્રોહનો ગુન્હો દાખલ કર્યો હતો.........

ચલતે-ચલતેઃ હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ.
કલેજાં ચીરતી કંપાવતી અમ ભયકથાઓ;!
મરેલાંનાં રુધિર ને જીવતાંનાં આંસુડાંઓ
સમર્પણ હો, સમર્પણ હો, પ્રભુ પ્યારા તને ઓ!
ઝવેરચંદ મેઘાણી

કામ કરો, કામ કરો, કામ કરવા મંડી પડો !


જો તમે તમારા વિચારો અને વાણીને સંપૂર્ણપણે એકરૂપ બનાવી શકો તો તમે ધાર્યું કામ કરી શકશો. ભવિષ્યમાં શું થવાનું છે તેની જ જે ગણતરી કર્યા કરે તે કદી કશું સિદ્ધ કરી શકતો નથી. તમે જે સાચું અને શુભ માન્યું હોય, એ ગણ્યા કરવાથી શો ફાયદો ?

જિંદગી કેટલી બધી ટૂંકી છે ! જો તમે ભવિષ્ય ભાખ્યા કરો અને પરિણામોની જ ગણતરી કર્યા કરો તો એટલા સમયમાં કશું પણ સાધ્ય થશે ખરું ? ફળદાતા તો માત્ર ઇશ્વર જ છે; તો બધું એને સોંપી દો। તમારે એની સાથે શી નિસ્બત છે ? તે દ્રષ્ટિએ વિચારો જ નહિ; તમે કાર્ય કર્યે જાઓ.

શ્રદ્ધા, હિંમત, વિવેક અને ત્યાગ તમારા જીવનમાં ઉતારવા પ્રયત્ન કરો। કૃપાનો પવન તો ફૂંકાઈ જ રહ્યો છે; ફક્ત તમારે તમારા સઢ ઊંચે ચડાવવાના છે. તમારું ભાવિ તમારા પોતાના હાથમાં છે. બીજ પોતાની શક્તિથી વૃક્ષ ઊગે છે; હવા અને પાણી કેવળ તેને સહાય જ કરે છે. બહારની સહાય જરૂર ચોક્કસ પડે છે, પણ જો અંદર સત્વ નહીં હોય તો ગમે તેટલી બહારની સહાય થશે તો પણ કંઈ વળશે નહિ.

જો તમારે તમારા ધ્યેયની પ્રાપ્તિ કરવી હશે તો વીર્યશાલી અને કાર્યશીલ બનવું પડશે. કામ કરો, કામ કરો, કામ કરવા મંડી પડો ! नान्यः पन्था विद्यतेडयनाय અર્થાત્ 'આ સિવાય ઉદ્ધારનો બીજો કોઈ માર્ગ નથી.' લોખંડી સ્નાયુઓ અને કુશાગ્ર બુદ્ધિનો સંયોગ થાય તો આખું જગત તમારા ચરણમાં પડે.

મૂકસેવક રવિશંકર મહારાજ


ઘસાઈને ઉજળા થઈએ,
બીજાના ખપમાં આવીએ,
ભેગાં મળીને જીવે તે ગામડાંની સંસ્કૃતિ,
ભેગું કરીને જીવે તે શહેરની સંસ્કૃતિ.

આ ત્યાગ અને સહકારની ભાવના વ્યક્ત કરતાં શબ્દો છે રવિશંકર શિવરામ વ્યાસ એટલે કે ગુજરાતના મૂકસેવક રવિશંકર મહારાજના। આજે મહાશિવરાત્રિનું પાવન પર્વ છે. શિવ એટલે કલ્યાણ અને શિવરાત્રિ એટલે કલ્યાણકારી રાત્રિ. સન 1884માં 25 ફેબ્રુઆરીએ શિવરાત્રિ હતી અને તે દિવસે ખેડા જિલ્લાના રઢુ ગામમાં રવિશંકર મહારાજનો જન્મ થયો હતો. તેમનું મૂળ વતન મહેમદાવાદ તાલુકાનું સરસવણી.

મહારાજ બાળપણમાં ખૂબ તોફાની હતા અને હંમેશા કંઇક નવું કરવાનો તરવરાટ હતો। નદીમાં કલાકો સુધી તરવાનો શોખ તો મિત્રો સાથે ગામના પાદરે આમલીપીપળી રમવામાં એક્કા. પરંતુ તેમની તોફાની વૃત્તિ ક્યારેય કુમાર્ગે ન વળી. પિતા શિવરામ વ્યાસે જીવનમાં શિસ્તનું મહત્વ સમજાવ્યું તો માતાની ધર્મપરાયણ વૃત્તિએ નાનપણથી જ સમાજસેવાના બીજ રોપ્યાં.

સન 1899-1900માં આખા પ્રાંતમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો। ચેપી રોગ હોવાથી સૌ પોતાનો જીવ બચાવવામાં વ્યસ્ત. કોઈ રોગીની પાસે ફરકતું નહોતું. મરેલાની અંતિમ ક્રિયા કરવાની કોઈમાં હામ નહોતી. તે સમયે જે તે વિસ્તારમાં કોઈ સ્વર્ગ સિધાવી ગયું છે કે અલ્લાહને પ્યારું થઈ ગયું છે તેવી જાણ કિશોર રવિશંકરને થાય કે તરત જ તે પોતાના મિત્રોને લઇને ત્યાં પહોંચી જાય અને મૃતકની અંતિમ ક્રિયા કરે. તે સમયે પ્લેગે કાળો કેર મચાવ્યો હતો અને તેમાંથી રવિશંકરના માતા-પિતા પણ બચી શક્યા નહોતા. તેમણે 19મા વરસે પિતાનું તો 22મા વર્ષે માતાનું છત્ર ગુમાવ્યું. ભણતર કેટલું ? માત્ર છ ચોપડી. પણ તેઓ તેમની પાસે અનુભવનું ભાથું વધારે હતું.

તે સમયે ભારતમાં ધોળા અંગ્રેજોનું શાસન હતું। (અત્યારે કાળા અંગ્રેજો શાસન કરે છે) હિંદુસ્તાનમાં વંદેમાતરમની ગૂંજ ઠેરઠેર સંભાળતી હતી. આ દરમિયાન રાષ્ટ્ર અને સમાજની સેવા કરવા આતુર રવિશંકર સ્વાતંત્ર્યસેનાની મોહનલાલ કામેશ્વર પંડયાના સંસર્ગમાં આવ્યા. તેમણે રવિશંકરમાં રહેલી તાકાત અને ઊર્જા પિછાણી. દરમિયાન 1915માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કાયમ માટે ભારત આવી ગયા અને તેમણે અંગ્રેજો સામે આઝાદીની લડત શરૂ કરી. તેમણે અમદાવાદમાં કોચરબ ગામમાં આશ્રમ શરૂ કર્યો.

અહીં ગાંધીજીની રવિશંકર વ્યાસ સાથે મુલાકાત થઈ જેણે રવિશંકરની જીવનને એક નવી દિશા આપી અને રવિશંકર વ્યાસમાંથી રવિશંકર મહારાજ તરફની યાત્રા શરૂ થઈ। ગાંધીજીએ અંગ્રેજ સરકારે જપ્ત કરેલા પુસ્તક 'હિંદ સ્વરાજ' પુસ્તકની નકલો વહેંચવાનું કામ તેમને સોંપ્યું અને તેમણે નડિયાદમાં ઘેરઘેર તે પુસ્તક વહેંચ્યું.

ઇ. સ. 1922માં ગાંધીજીએ અંગ્રેજો સામે અસહકારનું આંદોલન શરૂ કર્યું જેની શરૂઆત બારડોલીથી થવાની હતી. તેમાં ભાગ લેવા 2,000 સ્વયંસેવકોએ નામ નોંધાવ્યા હતા જેમાં બે નામ સૌથી અગ્રેસર હતા-મોહનલાલ પંડ્યા અને રવિશંકર મહારાજ. આંદોલન શરૂ થાય તે પહેલાં જ અંગ્રેજોએ બાપૂની ધરપકડ કરી અને છ વર્ષ જેલની સજા કરી. તે સમયે જેલની બહાર ત્રણ કલાકથી બાપૂના દર્શનની રાહ જોતા ઊભેલા રવિશંકર ચુકાદો સાંભળીને રડી પડેલાં. ત્યારે ગાંધીજીએ તેમને કોમની સેવા કરવાનું કહ્યું હતું. તેમનો એ પડ્યો બોલ ઝીલી તેમણે ધારાળા, પાટણવાડિયા, બારૈયા જેવી કોમની સેવા કરવાનો સંકલ્પ કર્યો.

તેમણે ચોરી કરીને જીવન ગુજરાતી કોમો વચ્ચે જઈ તેમના જીવનમાં માનવતાની મહેંક પ્રસરાવી હતી। દારૂબંધીથી માંડીને દુકાળમાં રાહત આપવા સુધીનાં અને કોલેરાથી માંડીને અતિવૃષ્ટિની મુશ્કેલીમાં જનસેવા કરી માનવસેવા એ જ પ્રભુસેવાનો સંદેશ આપ્યો.

ગુજરાત રાજ્યની સ્થાપના સન 1960માં તેમના શુભ હસ્તે થઈ હતી। તે સમયે તેમણે ગુજરાતના રાજકારણીઓને જનસેવક બનવાની અને સાદગી જાળવી જનતાના હિતમાં શાસન કરવાની સલાહ આપી હતી. અફસોસ આજે મહારાજની સાદગી અને જનસેવાની ભાવનાનું ગુજરાતમાં ક્યાંય સ્થાન નથી. મહારાજે સૂચવેલી સાદગીના સ્થાને ગુજરાતના શાસકો અત્યારે પોતાની પ્રશંસા કરતાં પાટિયા ઠેરઠેર ઊભા કરી પ્રજાને માથે કાળો કેર મચાવી રહ્યાં છે. જનસેવા કરવાના નામે ઠેરઠેર તાયફા રચી ભોટ જનતાની વધુ ને વધુ છેતરપિંડી કરવાના કારસા રચાઈ રહ્યાં છે. ક્યાં સત્તાના કેફમાં મદમસ્ત આધુનિક કૌરવસેના અને ક્યાં મહારાજના સિદ્ધાંતો.....

જનસેવા કરવા ઉઘાડા પગે સેંકડો માઇલનો પ્રવાસ ખેડનાર મહારાજ ભ્રષ્ટાચારથી વ્યથિત હતા. તેમણે તેમના મૃત્યુના આઠ-દસ મહિના પહેલાં તમામ સંસ્થાઓમાંથી સંન્યાસ લઈ લીધો હતો. તેમણે પોતાના અંતિમ સંસ્કાર સાદગીપૂર્ણ રીતે કરવા અને પોતાની પાછળ કોઈ સ્મારક ઊભું ન કરવા સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું. નાદુરસ્ત તબિયતના કારણે તેઓ બોચાસણમાં પોતાના પુત્ર પાસે ચાલ્યાં ગયા. ત્યાં તેમણે પોતે પાંચ દાયકા પહેલાં સ્થાપેલા આશ્રમમમાં 1 જુલાઈ, 1984ના રોજ અંતિમ શ્વાસ લીધા હતા.

Wednesday, February 18, 2009

ઊઠો, જાગો, બધાં દુઃખ દૂર કરવાની શક્તિ તમારી અંદર જ છે


પ્રકૃતિ સામે જે કોઈ બળવો કરે છે તે જ ચેતન છે; તેમાં જ ચેતના પ્રગટ થાય છે. એક નાની કીડીને મારવા પ્રયત્ન કરી જુઓ; જીવન બચાવવા એક વાર તો તે પણ સામનો કરશે. જ્યાં જ્યાં પ્રયત્ન છે, બળવો છે, ત્યાં ત્યાં જીવનની નિશાની છે; ત્યાં ચેતના પ્રગટ થાય છે.

માણસો અને રાષ્ટ્રોની બાબતમાં પણ આ બાબત લાગુ પડે છે. જગતનો ઇતિહાસ વાંચશો તો તમને જણાશે કે એક આપણા દેશ સિવાય બીજા બધા દેશોને એક લાગૂ પડે છે. આજે આપણે એક જ દુનિયામાં જડ પદાર્થની જેમ ભોંય પર ચત્તાપાટ પડ્યાં છીએ. તમે સંમોહની અસર તળે છો. બહુ બહુ સમયથી બીજા તમને કહેતા આવ્યા છે કે તમે નિર્બળ છો, તમારામાં શક્તિ નથી; અને તમે તે સ્વીકારી લઇને એકાદ હજાર વર્ષથી એમ માનતા થઈ ગયા છો કે આપણે કંગાળ છીએ; આપણે નકામા છીએ.

આ શરીર પણ ભારતમાતાની માટીમાંથી જ જન્મ્યું છે; પણ મેં ક્યારેય એવું માન્યું નથી. તેથી જ તમે જુઓ છો કો ઇશ્વરની કૃપાથી જે લોકો હંમેશાં ભારતીયોને હલકા અને નિર્બળ માને છે, તેમણે જ મને દૈવી સન્માન આપ્યું છે અને હજુ પણ આપી રહ્યાં છે. જો તમે એમ માનશો કે તમારા અનંત શકિત, અનંત જ્ઞાન અને અજેય બળ રહેલાં છે, તો તમે પણ મારા જેવા જ બની શકો.

આ સત્ય મારી પાસેથી સાંભળો, સમજો અને તેની અનુભૂતિ કરો; પછી ગામેગામ અને દરેક શહેરમાં તેનો પ્રચાર કરો. બધાંને ઉપદેશ આપોઃ ''ઊઠો, જાગો, હવે વધારે ઊંઘો નહીં; બધી ખામીઓ અને બધાં દુઃખ દૂર કરવાની શક્તિ તમારી અંદર જ છે. તેમાં શ્રદ્ધા રાખો એટલે એ શક્તિ આપોઆપ પ્રગટ થશે.''

કયો માળી માલિકને વધુ પ્રિય?

જે મનુષ્ય દીન-દુખિયાઓમાં, નિર્બળોમાં અને રોગીઓમાં ભગવાન શિવનાં દર્શન કરે છે, તે ખરેખર શિવની ઉપાસના કરે છે. જે મનુષ્ય ભગવાન શિવને કેવળ મંદિરોમાં જ જુએ છે તેના કરતાં જે મનુષ્ય દીનદુખિયામાં તેમનાં દર્શન કરે છે અને નાતજાત વગેરેનો વિચાર કર્યા વિના તેમની સેવા કરે છે, તેની ઉપર ભગવાન શિવ વધુ પ્રસન્ન થાય છે.

એક ધનવાન મનુષ્યને એક બગીચો હતો। તેમાં બે માળી કામ કરતાં હતા। તેમાંનો એક માળી ખૂબ આળસુ હતો; તે બિલકુલ કામ કરતો નહીં. જ્યારે માલિક બગીચામાં આવે ત્યારે ઊભો થઈ હાથ જોડીને કહેતોઃ ''મારા માલિકનું મુખ કેટલું સુંદર છે!'' બીજો માળી ઝાઝું બોલતો નહીં, પરંતુ સખત મહેનત કરતો અને તમામ પ્રકારનાં ફળ અને શાકભાજી ઉગાડતો તથા બધો માલ પોતાના માથે ઊંચકી ખૂબ દૂર રહેતા પોતાના માલિકને પહોંચાડતો. આ બે માળીમાંથી કયો માળી તેના માલિકને વધુ પ્રિય હશે!

ભગવાન શિવ માલિક છે અને આ જગત તેનો બગીચો છે। બે પ્રકારના માળી અહીં હોય છે; એક આળસુ અને કપટી માળી કે જે કાંઈ કરતો નથી, પરંતુ કેવળ ભગવાન શિવનાં સુંદર નેત્રો, નાક અને બીજાં અંગોનાં વર્ણન કર્યાં કરે છે; જ્યારે બીજો માળી ભગવાન શિવનાં દીનદુખિયાં અને નિર્બળ સંતાનો, સર્વ જીવજંતુઓની સંભાળ લે છે. ભગવાન શિવને તે બેમાંથી કોણ વધુ વહાલો હશે?

જે પિતાની સેવા કરવા માગે છે તેણે સૌથી પ્રથમ તેનાં સંતાનોની સેવા કરવી જોઇએ. જે ભગવાન શિવની સેવા ઇચ્છે છે તેણે તેના સંતાનોની સેવા કરવી જોઇએ. તેણે સૌથી પ્રથમ આ જગતમાં બધાં પ્રાણીઓની સેવા કરવી જોઇએ. શાસ્ત્રોમાં કહ્યું છે કે, ઈશ્વરના ભક્તોની જે સેવા કરે છે તે તેના શ્રેષ્ઠ સેવકો છે.

ધર્મ એટલે પ્રેમ અને નિઃસ્વાર્થતા


ધર્મ પ્રેમમાં છે, અનુષ્ઠાનોમાં નહીં. હ્રદયના વિશુદ્ધ અને નિખાલસ પ્રેમમાં ધર્મ રહ્યો છે. જ્યાં સુધી માણસ શરીર અને મનથી પવિત્ર ન હોય, ત્યાં સુધી તેનું મંદિરમાં જવું અને શિવની ઉપાસન કરવી નકામી છે. જેઓ શરીર અને મનથી પવિત્ર છે તેમની પ્રાર્થના ભગવાન શિવ સાંભળે છે; પણ જેઓ પોતે અપવિત્ર હોવા છતાં બીજાને ધર્મનો ઉપદેશ આપે છે, તેમને છેવટે નિરાશા જ હાથ લાગે છે. બાહ્ય ઉપાસના એ આંતર ઉપાસનનાનું એક પ્રતીક માત્ર છે; આંતર ઉપાસના અને પવિત્રતા એ જ સાચી વસ્તુ છે. તે વિના બાહ્ય ઉપાસનાનો કશો જ ઉપયોગ નથી.

કળિયુગમાં લોકો એમ માને છે કે, તેઓ ગમે તેવું વર્તન કરે, પણ પછી કોઈ તીર્થધામમાં જાય તો તેમના બધાં પાપ ધોવાઈ જાય જશે। જો કોઈ માણસ અપવિત્ર મન સાથે મંદિરમાં જાય, તો તેના જૂનાં પાપમાં વધારો થાય છે અને ઘરેથી નીકળ્યો હતો તેના કરતાં વધારે ખરાબ માણસ તરીકે ઘેર પાછો ફરે છે. તીર્થ પવિત્ર સ્થળ છે જ્યાં હ્રદયથી વિશુદ્ધ મનુષ્યો પરમાત્મામાં લીન થઈ જાય છે. જ્યાં મંદિર ન હોય, પણ વિશુદ્ધ મનુષ્યોનો વાસ તે સ્થળ પણ તીર્થ બની જાય છે. વળી જ્યાં સેંકડો મંદિર હોવા છતાં લોકો અપવિત્ર હોય તો તે સ્થળેથી તીર્થ અદ્રશ્ય થઈ જાય છે. તીર્થક્ષેત્રમાં કરેલું પાપ ક્યારેય દૂર થતું નથી.

સર્વ ધર્મ અને ઉપાસનાનો આ મર્મ છેઃ પવિત્ર થવું અને બીજાનું કલ્યાણ કરવું. એક અરીસા ઉપર જો કચરો અને ધૂળ જામી ગયાં હોય તો તેમાં આપણું પ્રતિબિંબ જોઈ શકાતું નથી; તે જ રીતે અજ્ઞાન અને દુષ્ટતા આપણા હ્રદયના અરીસા ઉપર કચરા અને ધૂળ સમાન છે. તેમાં આપણે આપણી જાતનો જ સૌથી પ્રથમ વિચાર કરીએ તો સ્વાર્થીપણુ મોટામાં મોટું પાપ છે. જે એમ વિચારે છે કે, હું પહેલો ખાઈ લઇશ, હું બીજાઓ કરતાં વધુ ધન મેળવીશ, બધું મારી પાસે જ રાખીશ, બીજાની પહેલાં હું સ્વર્ગે જઇશ, બીજાની પહેલાં હું મુક્તિ મેળવીશ, તે મનુષ્ય સ્વાર્થી છે.

નિઃસ્વાર્થ મનુષ્ય કહે છે કે, હું છેલ્લો રહીશ; હું સ્વર્ગમાં જવાની દરકાર રાખતો નથી; નરકે જવાથી મારા ભાઇઓને હું મદદરૂપ થઈ શકું તો હું નરકે જવા પણ તૈયાર છું. આ નિઃસ્વાર્થ વૃત્તિ જ ધર્મની કસોટી છે. જે વ્યક્તિમાં આ વૃત્તિ વધારે હોય છે તે વધુ ધાર્મિક છે અને ભગવાન શિવની વધુ સમીપ છે.

Tuesday, February 17, 2009

ગરીબ દેશના 'કુબેર' શાસક


જે દેશનાં 77 ટકા લોકોની દૈનિક આવક 20 રૂપિયા કરતાં ઓછી છે અને 30 કરોડ લોકો ગરીબી રેખા નીચે ટુકડે-ટુકડે મરી રહ્યાં છે ત્યાં રાજનીતિના ધંધામાં ચાંદી જ ચાંદી છે. અહીં આપણા ગરીબ, લાચાર અને નિઃસહાય દેશના ધનિક રાજકારણીઓની કેટલીક માહિતી રજૂ કરી છેઃ

રાજ્યસભાના લગભગ 50 ટકા અને લોકસભાના 33 ટકા સાંસદો પાસે એક કરોડ રૂપિયા કે તેથી વધારે સંપત્તિ છે.

લોકસભા અને રાજ્યસભાના સૌથી વધુ 10 ધનિક સભ્યોની કુલ સંપત્તિ રૂ. 1,500 કરોડ છે.

લોકસભાની 2004માં યોજાયેલી ચૂંટણીમાં પરાજયનો સ્વાદ ચાખનાર નાગાલેન્ડના નીમથુંગોની સંપત્તિ 9,005 કરોડ છે.

દેશના વિવિધ રાજ્યોની વિધાનસભાના સભ્યો ઘણા સાંસદોની સરખામણીમાં વધારે ધનિક છે. 30 રાજ્યોમાં સૌથી વધારે ધનિક ધારાસભ્યોની કુલ સંપત્તિ 2,042 કરોડ રૂપિયા છે અને સૌથી મોટી કમનસીબી એ છે કે 150 કરોડપતિ ધારાસભ્યોમાંથી 59 પાસે તો પાન કાર્ડ પણ નથી.

ઉત્તર પ્રદેશમાં સૌથી વધારે ગરીબો છે અને તેની 33 ટકા જનતા એટલે કે 5.9 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવે છે , પણ તેના મુખ્યમંત્રી માયાવતી દેશના 30 મુખ્યમંત્રીઓમાં સૌથી વધારે ધનિક છે. માયા મેમસાહબે રૂ. 52 કરોડની સંપત્તિ જાહેર કરી છે. એટલું જ નહીં આ રાજ્યના 113 ધારાસભ્યો કરોડપતિ છે.

મધ્યપ્રદેશમાં છ કરોડ લોકોમાંથી 2।5 કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવનને ટકાવવા સંઘર્ષ કરી રહ્યાં છે, પણ આ રાજ્યના 80 ધારાસભ્યો કરોડપતિ છે.

રાજસ્થાનમાં વસુંધરા રાજેના શાસનકાળમાં અને મધ્યપ્રદેશમાં છેલ્લાં પાંચ વર્ષમાં ભાજપના શાસનકાળમાં ઘારાસભ્યોની સંપત્તિમાં પાંચ ગણો વધારો થયો.

કર્ણાટકમાં કોંગ્રેસ અને દેવગૌડાના જનતા દળ (એસ)ના વારાફરતી શાસનકાળમાં કોંગ્રેસી ધારાસભ્યોની સંપત્તિમાં પાંચ ગણો વધારો થયો.

રાજ્યસભાના 20 સૌથી વધુ ધનિક સાંસદોએ જાહેર કરેલી કુલ સંપત્તિ 1,500 કરોડ રૂપિયા છે.

મુંબઈમાં 1985માં આયોજિત કોંગ્રેસના શતાબ્દી સમારંભમાં રાજીવ ગાંધીએ કહ્યું હતું કે, ''રાજનીતિ, સત્તા અને તાકાતની દલાલીનું સાધન બની ગઈ છે. આ દલાલો (રાજકારણીઓ)ના લોકઆંદોલનોનો હેતુ સામંતવાદી લોકશાહી સ્થાપિત કરવાનો છે.'' હકીકતમાં આપણે ત્યાં સામંતવાદી લોકશાહી ધીમેધીમે ચરમસીમાએ પહોંચી રહી છે. દેશના રાજકીય પક્ષો પર નજર દોડાવો તો તમે પોતે જ અવલોકન કરી શકશો કે એક પણ રાજકીય પક્ષમાં લોકશાહી નથી. બધા પક્ષમાં સામંતશાહી પ્રવર્તે છે અને તેમાં સગા-વહાલાઓનું જ પ્રભુત્વ છે. મોટાભાગના રાજકારણીઓ તેમના પોતાના માથે પડેલા અને લબડતા હોઠ ધરાવતા સંતાનોનો બોજ દેશની જનતા પર લાદી રહ્યાં છે અને જે રાજકારણીઓ વાંઢા છે તેમની સામાજિક-માનસિક તમામ પ્રકારની વિકૃતિઓ અને હતાશાનો ભોગ બિચારી ભોળી જનતા બની રહી છે.


(આંકડા 'ઇન્ડિયા ટુડે'ના તાજા અંકમાંથી લેવાયા છે)

Sunday, February 15, 2009

'ઝૂંપડપટ્ટીનો કરોડપતિ કૂતરો' ફિલ્મ એટલે ડૈની 'ડોગ'ના ભારતીય રાષ્ટ્રીયતા અને ધાર્મિકતા પર પ્રહારો


છેવટે મેં 'ઝૂંપડપટ્ટીનો કરોડપતિ કૂતરો' ફિલ્મ જોઈ. પહેલાં જોવાની ઇચ્છા નહોતી. આ દેશના કેટલાક કહેવાતા બુદ્ધિજીવીઓ કોઈ ફિલ્મને વખાણે ત્યારે તે ફિલ્મ ભારતમાતાને બદનામ કરવાના આશય સાથે જ બનાવી હોવાનો મને ડર લાગે છે. આ ફિલ્મ જોઈ ત્યારે મારો શક સાચો ઠર્યો. એક વિદેશી કરોડપતિ કૂતરા ડૈની બોએલે ખૂબ જ ચાલાકીપૂર્વક ભારતની રાષ્ટ્રીયતા અને ધાર્મિક ભાવના પર પ્રહાર કર્યો અને આ દેશના અમીચંદોએ તેના માનમાં પ્રશંસાપત્રો બહાર પાડ્યા.

ડૈની 'ડોગ' બોએલે ભારતની રાષ્ટ્રીય અને ધાર્મિક બાબતો પર કઈ રીતે પ્રહાર કર્યા છે તે મુદ્દાસર જાણીએઃ

(1) રાષ્ટ્રીયતા પર પ્રહાર

ડોગ શોના યજમાન અનિલ કપૂરને હીરોને એક સવાલ પૂછે છે જેનો જવાબ છે-સત્યમેવ જયતે। આ ફિલ્મમાં રસ્તા પર રહેતા નાયક જમાલ મલિકની યાદશક્તિ અસાધારણ છે. તેને બાળપણમાં ઝૂંપડપટ્ટીની એક શાળામાં અભ્યાસ કર્યો છે, જ્યાં શિક્ષણનું સ્તર એટલું ઊંચું છે કે શિક્ષક વિદ્યાર્થીઓને જાણીતા પુસ્તક 'ધ થ્રીદ મસ્કેટીયર્સ'ના ત્રણ મુખ્ય પાત્રોનું નામ યાદ કરવાનું કહે છે. તેમ છતાં તે શાળામાં જમાલને ભારતનું રાષ્ટ્રીય સૂત્ર 'સત્યમેવ જયતે' છે તેનો અભ્યાસ કરાવવામાં આવતો નથી. આ રીતે ડૈની બોયલે બહુ ચાલાકીપૂર્વક દેખાડ્યું છે ભારતનું રાષ્ટ્રીય સૂત્ર બોદું છે.

(2) ભગવાન રામની વિકૃત રજૂઆત

શો દરમિયાન અનિલ કપૂર જમાલ મિયાને એક પ્રશ્ન પૂછે છે કે-ભગવાન રામના જમણા હાથમાં શું છે? તે પછી ફિલ્મ બહુ ચાલાકીપૂર્વક શોના સ્ટુડિયોમાંથી નીકળી એક એવા દ્રશ્ય પર કેન્દ્રીત થઈ જાય છે જ્યાં હિંદુઓની ભીડ ટ્રેનમાંથી ઉતરી 'મુસલમાનોને મારી નાંખો, કાપી નાંખો' સૂત્રો ઉચ્ચારે છે અને હત્યાના નગ્ન નાચથી ખુશ થાય છે. નફરત, ધૃણા અને બરબાદીના તે નગ્ન નાચ દરમિયાન બે વાર દર્શકો સામે ભગવાન રામની તસ્વીર આવે છે-રામના પોશાકમાં એક છોકરો કાતિલ નજરે જમાલ સામે જુએ છે. રામ સ્વરૂપે દર્શકોની સામે આવેલા તે છોકરીના હાવભાવ હિંસાનો સંદેશ આપે છે જ્યારે તેની આંખોમાંથી નફરતના દર્શન થાય છે. તમે ક્યારેય ભગવાન રામની આવી હિંસક તસ્વીર જોઈ છે, જેમાં તેમને ડરામણી આંખો સાથે પ્રતિહિંસક ભગવાન સ્વરૂપે દેખાડવવામાં આવ્યા હોય. કરોડપતિ ઇંગ્લીશ ડોગ ડૈનીને ભગવાન રામની આ તસ્વીર ક્યાંથી મળી?

(3) 'દર્શન દે ઘનશ્યામ'

આ ફિલ્મમાં હિંદુઓએ મુસલમાનોની હત્યા કર્યા પછી ભલાઈનું કામ કરતી એક સેવાભાવી સંસ્થા જમાલ, સલીમ અને લતિકાને ઉઠાવી જાય છે। આ સંસ્થા ગરીબ બાળકોને ગૂંગા, લંગડા અને લાચારા બનાવી દે છે જેથી તેઓ રસ્તા પર ભીખ માગી સંસ્થાની તિજોરી ભરી શકે. તેની સામે કોઈ પણ ભારતીયને વાંધો ન હોઈ શકે, કારણ કે તે હકીકત છે. પણ આ દ્રશ્યો દરમિયાન વારંવાર 'દર્શન દે ઘનશ્યામ' ગીત દર્શકોના માથે મારવામાં આવ્યું છે. તમે પર ભીખ માંગતા કેટલા લોકોને 'દર્શન દે ઘનશ્યામ' ગીત ગાતા જોયા છે? શા માટે ડૈની 'ડોગ' અને તેની ટુકડીએ ધાર્મિક ગીતનો જ ઉપયોગ કર્યો? અત્યારે મોટા ભાગના ભિખારીઓ બોલીવૂડના ગીતો ગાઈને અને તેના પર નાચીનાચીને જ ભીખ મેળવે છે તે બધા જાણે છે. રેલવેમાં મુસાફરી કરશો તો તમને આ વાસ્તવિકતાના દર્શન થઈ જશે.

હકીકતમાં ડૈની 'ડોગ' બોએલે ભારતમાં આવી ભારતની વાસ્તવિકતા દેખાડવાના નામે અમીચંદોની મદદ લઈ ભારત પર વૈચારિક આક્રમણ કર્યું છે. તેના આ દુઃસાહસમાં સાથ કોણે આપ્યો? અમીચંદ જેવી દેશદ્રોહી પ્રવૃત્તિ ધરાવતા ભારતીયોએ. તેમાં બે મોટા અમીચંદ વિશે જાણીએ.

(1) અનિલ કપૂર

આ મહાશય ફિલ્મમાં 'કુત્તા શો'ના યજમાન છે। તેમને સ્લમડોગના પ્રીમિયર દરમિયાન એક પત્રકારે પ્રશ્ન પૂછ્યો કે, 'ફિલ્મના નામમાં સ્લમડોગની જગ્યાએ સ્લમબોય કેમ ન રાખ્યું?' ત્યારે શ્રીમાન અનિલ કપૂરે જે જવાબ આપ્યો તેના પરથી જ તેની માનસિકતા છતી થાય છે. તેણે કહ્યું હતું કે, 'આપણે ઝૂંપડપટ્ટીમાં રહેતાં છોકરાઓને ગંદી નાલી કા કીડા જ કહીએ છીએ ને.' હવે વિચારો કે તમે ઝૂંપડપટ્ટીમાં રહેતા કોઈ બાળકને ગંદી નાલી કા કીડા કહો છો? અનિલ કપૂર વાસ્તવિકતાથી હજારો માઇલ દૂર છે અને તે પાછો સ્લમડોગ ભારતની વાસ્તવિકતાનું દર્શન કરાવતી હોવાનું કહે છે. એક વાર મુંબઈની કોઈ ઝૂંપડપટ્ટીમાં જઇને કોઈ ગરીબ બાળકને ‘ગંદી નાલી કા કીડા’ કહી જુએ. પછી જુઓ તેના બંને ગાલ પર કેવી લાલિમા અંકિત થઈ જાય છે.

(2) શાહ 'રૂક રૂક' ખાન

અમિતાભે બચ્ચને 'ઝૂંપડપટ્ટીના કરોડપતિ કૂતરા' ફિલ્મ વિશે પોતાના બ્લોગમાં ચર્ચા શરૂ કરી એટલે રૂક રૂક મિયા બચ્ચનવિરોધી ટીપ્પણી ન કરે તેવું બને જ નહીં। શાહરૂખે જોયું કે મીડિયા બચ્ચન સાહેબની વિરોધમાં અને ડૈની 'ડોગ'ની તરફેણમાં છે એટલે તેણે મીડિયા જેનું પડખું સેવતું હોય તેની સાથે શૈયાસુખ માણવાનું ઉચિત સમજ્યું (કરણ જૌહરને એક દિવસ રાહત મળી). તેણે તરત જ પોતાની સ્ત્રૈણ શૈલીમાં કહ્યું કે, ફિલ્મનો વિરોધ ન કરવો જોઇએ, કારણ કે તેમાં ભારતની વાસ્તવિકતા દેખાડવામાં આવી છે. જો આ ફિલ્મમાં હિંદુઓને જે રીતે મુસ્લિમો પર હુમલો કરતાં દેખાડવામાં આવ્યાં તે જ રીતે મુસ્લિમોને હિંદુઓ પર હુમલો કરતાં દેખાડવામાં આવ્યા હોત અને સાથે સાથે અલ્લાહને એક હાથમાં તલવાર અને બીજા હાથમાં કુરાન લઇને રજૂ કર્યાં હોત તો શાહરૂખના સાયલન્સરમાં ફિલ્મની પ્રશંસા કરવા જેટલી હિમ્મત હોત?

દુઃખ તો એ વાતનું છે કે, આવા કહેવાતા બુદ્ધિજીવીઓની જમાતમાં સ્થાન મેળવવા ઠેકડા મારતા ભારતીયો ડૈની 'ડોગ'ની પ્રશંસા કરી રહ્યાં છે. કાં તો આવા ભારતીયોમાં રાષ્ટ્રીયતા અને સમ્માનની ભાવના મરી પરવારી છે કાં પછી તેઓ સ્વાર્થમાં અંધ થઈ ગયા છે.

શાસક પર શાસન કરતી મસ્તાની રસકપૂર


રાજસ્થાનના મધ્યકાલીન રાજા મહારાજા એશઆરામ કરવામાં મુઘલ બાદશાહો જેવા જ હતા. તેમના અંતઃપુર મુઘલોના હરમની જેમ અનેક યુવાન સુંદરીઓ મને-કમને રહેતી હતી અને રાજા મહારાજાઓની કામપિપાસાના શાંત કરતી હતી. જ્યારે કોઈ સુંદર સ્ત્રી રાજાની નજરે ચડી જતી ત્યારે રાજા તેને પોતાના હરમમાં લઈ આવતા હતા. ક્યારેક રાજા મહારાજા અંત્યત સ્વરૂપવાન સુંદરીઓની હાથની કઠપૂતળી બની જતાં હતા અને તે સુંદર તેમનો મનફાવે તેમ ઉપયોગ કરતી હતી. તેમ છતાં સરવાળે તેનાથી રાજા અને રાજ્યને નુકસાન જ થતું હતું.

જયપુરના મહારાજા જગતસિંહની એક સુંદરી પાછળની ઘેલછાએ સમગ્ર રાજ્યને નુકસાન પહોંચાડ્યું હતું। સવાઈ જયસિંહએ સર્જેલું વિશાળ સામ્રાજ્ય જગતસિંહની શરાબ અને સુંદરી પાછળની દિવાનગીમાં છિન્નભિન્ન થઈ ગયું હતું. મહારાજા જગતસિંહ ઇ. સ. 1803માં જયપુરની ગાદી પર બેઠા હતા. તે સમયે તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતી. તે ઉતાવળિયા હતા. તેમની કામુકતા અનંત હતી. તેમને 18 પત્નીઓ હતી. સાથેસાથે તેમના હરમમાં અનેક દાસીઓ અને સુંદરીઓ હતી જે જગતસિંહની કામપીપાસાને શાંત કરતી હતી. મહારાજાધિરાજ શરાબ અને સુંદરીઓની દુનિયામાં મસ્ત રહેતા હતા અને રાજકાજ ભગવાન ભરોસે છોડી દીધું હતું.

જયપુર માટે તે મુશ્કેલ સમય હતો। સવાઈ જયસિંહનું રાજ્ય વિશાળ હતું જેનો એક છેડો આગ્રાને સ્પર્શતો હતો. તેમના અવસાન પછી આ વિશાળ સામ્રાજ્ય છિન્નભિન્ન થઈ ગયું હતું. અનેક લોકો નવા દાવેદાર તરીકે સામે આવ્યા અને આ રાજ્યને પોતાના તાબામાં લેવાનો પ્રયાસ કર્યો હતો.

સવાઈ જયસિંહે જમીનનો એક મોટો વિસ્તાર ઇજારા સ્વરૂપે પ્રાપ્ત કર્યો હતો। મુઘલ સામ્રાજ્ય પતન તરફ અગ્રેસર હતું. તે સમયે મુઘલ સામ્રાજ્યે આપેલી જાગીરનું કોઈ મહત્વ નહોતું. આ જાગીરો સોનાની મરઘી સમાન હતી. આ સ્થિતિમાં બાબરના નબળા વંશજો પાસેથી જાગીર મેળવવી સરળ હતી. સવાઈ જયસિંહે અનેક જાગીર ઇજારા પર મેળવી તેને રાજ્યમાં ભેળવી દીધી હતી.

તેમના આ વિશાળ સામ્રાજ્યને સંભાળવા એક મજબૂત અને જાગૃત શાસકની જરૂર હતી। તે સમયે રાજ્યને મરાઠાઓથી સૌથી મોટો ખતરો હતો. તે લોકો રાજ્યમાં લૂંટફાંટ કરતાં હતા. સાથેસાથે રાજાઓ વચ્ચેની પરસ્પર દુશ્મનાવટ પરાકાષ્ઠાએ હતી. આ બધા કરતાં વધારે મહત્વપૂર્ણ મહારાજાની પોતાની કામુકતા તથા પોતાનું મિથ્યાભિમાન રાજ્ય માટે સૌથી વધારે નુકસાનકારક હતું.

આ મુશ્કેલ સમયમાં જગતસિંહે રાજકાજ પર ધ્યાન આપવાને બદલે શરાબ અને સુંદરી પર જ ધ્યાન આપ્યું। રાજ્ય અને રાજ્યની પ્રજાને પ્રેમ કરવાને બદલે તેઓ એક સુંદરીના પ્રેમમાં ગળાડૂબ થઈ ગયા. આ સુંદરી મુસ્લિમ જાતિની હતી. તે નાચ અને ગાયનમાં પ્રવીણ હતી. સોનામાં સુગંધ મળી. સુંદરતાની સાથે નૃત્ય અને ગાયનનો રસ જગતસિંહના મનમસ્તિષ્ક પર બરોબર ચડી ગયો. તે રાજ્ય પર તોળાઈ રહેલા જોખમને ભૂલી ગયા. તેમને અત્ર-તત્ર-સર્વત્ર રસકપૂરના દર્શન થતાં હતા.

તેઓ રસકપૂરને રાણીવાસમાં લઈ આવ્યાં। તેના રહેવા માટે એક સુંદર મહેલ 'રસનિવાસ'નું નિર્માણ થયું. તેમાં એક સુંદર બગીચો હતો જેમાં જગતસિંહ અને રસકપૂરના પ્રેમની સુગંધ ફેલાતી હતી. ધીમેધીમે તેનું સ્થાન જયપુરની મહારાણી સમાન થઈ ગયું. તેના અધિકાર, સુખસુવિધા ઉચ્ચકુળની મહારાણી કરતાં જરા પણ ઓછા નહોતા.

તે તેમની પ્રેમિકા, સાથીદાર, સલાહકાર અને કલાગુરુ હતી। રસકપૂર નૃત્ય અને જ્ઞાન વિદ્યામાં નિપુણ હતી. તેનું મધુર સંગીત રાજાના મનમાં રસધારા વહાવતા હતા. રસકપૂરની સંગીતમય મહેફિલોમાં રાજા એક એવા સંસારના પ્રાણી બની જતાં હતા જેમાં દુઃખ, કષ્ટ અને ચિંતાને કોઈ સ્થાન નહોતું. તેનું મધુર ગાનમાં તે આનંદિત થઈ જતા હતા. તરસ્યાને જળે ત્યારે જે શાંતિ અને રાહત અનુભવે તેવી જ લાગણી રાજા રસકૂપર પાસેથી અનુભવતો હતો. તે મધુર ગાન સાંભળતો સાંભળતો તેના ખોળામાં નિંદ્રાધીન થઈ જતો. તે સમારંભ સમયે જગતસિંહની બાજુમાં બેસીને હાથી પર સવારી કરતી હતી. લોકો તેનું મહારાણીની જેમ સમ્માન કરતાં હતા. મુખ્ય દિવાન મિશ્ર શિવનારાયણ તેને દિકરી સમાન ગણતા હતા.

જયુપરના જાણીતા ઇતિહાસકાર મુંશી જ્વાલાપ્રસાદે રસકપૂરની ઉચ્ચ સ્થિતિ પર ગુસ્સો વ્યક્ત કરતાં લખ્યું છે કે, ''તે નીચા કુળની નૃત્યાંગના જે અધિકારો ભોગવતી હતી અને તેનો દરજ્જો રાજ્યમાં એટલો ઊંચો હતો કે અન્ય પરણિત ઉચ્ચ કુળની મહારાણીઓ ઇર્ષાની અગ્નિમાં બળીને રાખ થઈ ગઈ હતી। જયપુરની સત્તાના સૂત્રો રસકપૂરના હાથમાં હતા. રાજ્યની તમામ અમૂલ્ય ચીજવસ્તુઓ તેને સમર્પિત કરી દેવાઈ હતી. એટલું જ નહીં વર્ષો સુધી એકત્રિત કરવામાં આવેલો જયગઢનો ખજાનો પણ તેને સોંપી દેવામાં આવ્યો હતો. તે પહેલાં આ ખજાનાનું રક્ષણ કાલી ખોહના મીણા કરતાં હતા.''

તે સમયે અંગ્રેજો રાજ્યમાં પગપેસરો કરવાનો પ્રયાસ કરતાં હતા। હોલ્કરે યુવાન મહારાજાને અંગ્રેજોના ષડયંત્ર પ્રત્યે સાવધાન પણ કર્યા હતા. પણ લોર્ડ લેકે એક શક્તિશાળી સેના મોકલવાની ધમકી આપી ત્યારે લાચાર જગતસિંહને અંગ્રેજો સાથે ઇ. સ. 1803ની સંધિ કરવી પડી. આ સંધિ સર્વસ્વ સમર્પણની માનવામાં આવે છે. જગતસિંહ ચારે તરફથી દુશ્મનોથી ઘેરાઈ ગયા હતા.

આ પરિસ્થિતમાં મહારાજા જગતસિંહે કૃષ્ણકુમારી બાબતે જોધપુર સામે યુદ્ધનું રણશિંગુ ફૂંકી દીધું અને લોસલનું યુદ્ધ થયું। તેમાં જગતસિંહ બાપૂની સેનાના ભૂંડા હાલ થયા. બાપૂ પરાજ્યનો સ્વાદ ચાખી નીચી મુંડીએ જયપુર પહોંચ્યા ત્યારે એક બીજી મુશ્કેલી તેમની રાહ જોઈની ઊભી હતી. તેમને બાપૂજી સિંધિયા અને હોલ્કરનો સામનો કરવો પડ્યો. આ બંને મરાઠા સરદારોએ એક મોટી રકમની માંગણી કરી. બીજી બાજુ અમીરખાંએ પણ જયપુર રાજ્યના ગામડામાં લૂંટફાટ કરી આતંક મચાવ્યો હતો. આ રીતે જયપુર પર વિનાશના વાદળો ઘેરાઈ રહ્યાં હતા.

પ્રસિદ્ધ ઇતિહાસકાર કર્નલ ટોડે તે સમયે જયપુરની દુર્દશાનું વર્ણન કરતાં લખ્યું છે કે, ''જયપુરની સુંદર દિવાલોને દરેક લૂંટારા અપમાનિત કરતાં હતા। વ્યાપાર વાણિજ્યનું પતન થઈ ગયું હતું. ખેતીવાડી પતન તરફ અગ્રેસર હતી. કોઈ એક દિવસ દરજીની દિવાન તરીકે નિમણૂંક થતી તો તે પછીના દિવસે એક વાણિયો દિવાન બની જતો. બધા દિવાનની મંઝિલ નાહરગઢનો કિલ્લો હતી, જે અપરાધીઓનું શરણસ્થળ હતું.''

આ સમસ્યામાંથી બહાર નીકળવા એક પછી એક સાત દિવાન બદલવામાં આવ્યાં, પણ કોઈ જયપુરને સંકટમાંથી બહાર કાઢી શક્યું નહીં। આટલા બધા દિવાનની નિમણૂંક પાછળ લોકોએ રસકપૂરનો હાથ હોવાની શંકા વ્યક્ત કરી.

તે અનન્ય સુંદરી હતી, બહાદુર અને પ્રતિભાશાળી હતી, મુશ્કેલીઓને ઉકેલવામાં કુશળ હતી। તે રાજાને દરબારી ષડયંત્રોમાંથી બચાવતી હતી અને જીવનની વાસ્તવિકતાનો બહાદુરીપૂર્વક સામનો કરવા પ્રેરણા આપતી હતી.

જગતસિંહ રાજકાજ ચલાવવામાં તેની સલાહ લેતા હતા। મોટા પદો પર નિમણૂંક તેની ઇચ્છાથી જ થતી હતી. રાજાની વાતો જાણવા તેણે પોતાના જાસૂસો રોક્યા હતા. મુખ્ય દિવાન મહત્વપૂર્ણ કાર્યોમાં તેની સલાહ લેતા હતા. પણ તે રાજ્યના વિવિધ સરદારનો વિશ્વાસ જીતી શકી નહીં.

જયપુરના સરદાર રૂઢિચુસ્ત અને પરંપરાવાદી હતા। તેઓ એક નીચા વર્ણની યુવતીનો રાજકાજમાં વધતો જતો હસ્તેક્ષેપ સહન ન કરી શક્યા. તેમની વાત સંપૂર્ણપણે ખોટી પણ નહોતી. રાજ્ય ચારે તરફથી ઘેરાઈ ગયું હતું અને મહારાજાનું એક પણ પાસું ધાર્યું પડતું નહોતું. તેઓ નિર્ણય લેતાં પહેલાં કોઈની સલાહ પણ લેતા નહોતી. તેમના માટે રસકપૂર સર્વસ્વ હતી. તે તેનો પડયો બોલ ઝીલી લેતાં હતા.

કેટલાક સરદાર નીચા વર્ણની યુવતીને માનપાન આપવામાં પોતાનું અપમાન સમજતા હતા। જે સમારંભમાં રાજા જગતસિંહની શોભા રસકપૂર વધારતી તેમાં હાજર રહેવાની દૂનીના ઠાકુર ચાંદસિંહે ના પાડી દીધી. તેના આ વલણથી જગતસિંહ નારાજ થઈ ગયા અને તેમણે તેની વાર્ષિક કમાણી કરતાં બમણો દંડ કર્યો. તેના કારણે બીજા સરદાર નારાજ થઈ ગયા. દંડ ચૂકવી દેવાયો પણ રસકપૂર અને રાજાની તેના પ્રત્યેની દિવાનગીનો વિરોધ વધતો ગયો. મહારાજાને પદચ્યુત કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું પણ તેની જાણકારી જગતસિંહને મળી જવાથી તેમાં નિષ્ફળતા મળી.

રસકપૂર હવે દુશ્મનોથી ઘેરાઈ ગઈ હતી જે તેને સતત હટાવવા માટે ષડયંત્ર રચી રહ્યાં હતા। તેના ચારિત્ર્યને લઇને અફવા ફેલાવવામાં આવી હતી. તેનાથી તેને ઘણું નુકસાન થયું. છેવટે જગતસિંહ લાચાર થઈ ગયા અને તેમણે તેમના સરદારોને રસકપૂર સોંપી દીધી. સરદારોએ રસકપૂરને નાહરગઢના કિલ્લામાં કેદ કરી હતી.

કહેવાય છે કે કાળ કોટડીમાં યાતના ભોગવીને કેટલાંક વર્ષો પછી તેનું મૃત્યુ થઈ ગયું. કેટલાક લોકોનું માનવું છે કે તે કોઈ રીતે જેલમાંથી ભાગવવામાં સફળ રહી હતી અને પછી જગતસિંહની ચિતા પર સતી થઈ ગઈ હતી. રસકપૂરના વિયોગને જગતસિંહ સહી ન શક્યા અને યુવાવસ્થામાં જ ઇશ્વરને પ્યારા થઈ ગયા.

જે સંસ્થાઓને માનવ જીવ માટે સહાનુભૂતિ નથી, તે સંસ્થાઓ માટે મને જરાય સહાનુભૂતિ નથી


પશ્ચિમના દેશોમાં હિંદુસ્તાનના વૈદિક ધર્મની ધ્વજા લહેરાવી સન 1897માં સ્વામી વિવેકાનંદ કલકત્તા પાછા આવ્યા. તે પછી રામકૃષ્ણ મિશનના શ્રદ્ધાળુઓ અને વિવિધ ધાર્મિક-સામાજિક સંસ્થાના કાર્યકારો તેમને મળવા આવતા હતા. એક દિવસ ગોરક્ષાસમાજના એક ઉત્સાહી પ્રચારક સ્વામીજીની મુલાકાતે આવ્યા. માથે ભગવી પાઘડી સાથે પૂરેપૂરો નહિ પણ લગભગ સંન્યાસીને મળતો આવતો પોશાક તેમણે પહેર્યો હતો. તેઓ ઉત્તર તરફના કોઈ હિંદી ભાઈ હોય તેવું સ્પષ્ટ દેખાતું હતું. આ ગોરક્ષા પ્રચારક ભાઈના આગમનના ખબર સાંભળી સ્વામીજી દીવાનખાનમાં આવ્યા. પ્રચારક ભાઈએ સ્વામીજીને પ્રણામ કરીને ગૌમાતાના એક ચિત્રની ભેટ ધરી. ચિત્ર હાથમાં લઈ સ્વામીજીએ નજીક ઊભેલા એક ભાઈને તે સોંપ્યું અને પ્રચારક સાથે વાત શરૂ કરી.

સ્વામીજીઃ તમારી સંસ્થાનો ઉદ્દેશ શો છે ?

પ્રચારકઃ આપણા દેશની ગૌમાતાઓને અમે કસાઇના હાથમાંથી બચાવીએ છીએ। કેટલીક જગ્યાએ પાંજરાપોળો સ્થાપી છે. માંદી, ઘરડી અને કસાઇ પાસેથી ખરીદેલી ગાયોને આવી પાંજરાપોળોમાં સાચવવામાં આવે છે.

સ્વામીજીઃ એ તો ખરેખર સુંદર કાર્ય છે। તમારી આવકનાં સાધન શાં છે ?

પ્રચારકઃ આપના જેવા મહાનુભાવોની ઉદાર સખાવત પર જ સંસ્થાનું કાર્ય ચાલે છે.

સ્વામીજીઃ અત્યાર સુધીમાં તમે કેટલું ભંડોળ એકઠું કર્યું છે ?

પ્રચારકઃ મારવાડી વેપારીઓ આ કામમાં ખાસ ટેકો આપે છે. આ શુભ કાર્ય માટે તેમણે મોટી રકમ આપી છે.
સ્વામીજીઃ અત્યારે મધ્યપ્રદેશમાં ભયંકર દુષ્કાળ ફાટી નીકળ્યો છે; ત્યાં નવ લાખ માણસો ભૂખે મરી ગયાની ભારત સરકારે જાહેરાત કરી છે. આ દુષ્કાળના સમયમાં તેમને સહાય કરવા તમારી સંસ્થાએ કંઈ કર્યું છે ?
પ્રચારકઃ દુષ્કાળ કે એવી બીજી કોઈ વિપત્તિઓ અર્થે અમે સહાય કરતાં નથી; ફક્ત ગૌમાતાના રક્ષણ માટે જ આ સમાજની સ્થાપના કરવામાં આવી છે.

સ્વામીજીઃ તમારાં પોતાનાં લાખો ભાઈબહેનો દુષ્કાળ વખતે મૃત્યુના પંજામાં સપડાયા છે, ત્યારે તમારી પાસે પૈસો હોવા છતાં પણ આ દારુણ આફત વખતે તેમને અનાજની મદદ કરવાની તમારી ફરજ છે, એમ શું તમે નથી માનતા ?

પ્રચારકઃ ના જી; આ દુષ્કાળ તો માનવીનાં પાપકર્મોના પરિણામે ફાટી નીકળ્યો છે. જેવાં કર્મ તેવાં ફળ.

પ્રચારકના મોંએથી આવા શબ્દો સાંભળતા જ સ્વામીજીની વિશાળ આંખોમાંથી જાણે કે આગના તણખા ઝરવા લાગ્યા; તેમનો ચહેરો લાલચોળો થઈ ગયો. પરંતુ પોતાનો આવેગ દબાવી રાખી તેમણે કહ્યું: "જે સંસ્થાઓને માનવ જીવ માટે સહાનુભૂતિ નથી, પોતાના જ ભાઈઓને ભૂખથી મરતા દેખવા છતાં જેઓ તેમને બચાવવા મૂઠીભર ચોખા પણ આપતા નથી, પરંતુ પક્ષીઓ અને પશુઓને બચાવવા અનાજના ઢગલે ઢગલા આપી દે છે, તેવી સંસ્થાઓ માટે મને જરાય સહાનુભૂતિ નથી. આવી સંસ્થાઓ દ્વારા સમાજનું કંઈ પણ કલ્યાણ થાય તેમ હું માનતો નથી. લોકો પોતાનાં કૃત કર્મોના કારણે મરે છે એમ કહીને જો તમે કર્મવાદની દલીલ કરતા હો, તો એ પરથી આપોઆપ એ સિદ્ધ થાય છે કે આ દુનિયામાં કોઈ પણ બાબત માટે પ્રયત્ન કરવો નકામો છે. પશુઓના રક્ષણનું તમારું કાર્ય પણ આમાં અપવાદરૂપ નથી. તમારા ઉદ્દેશની બાબતમાં પણ એમ જ કહી શકાય કે ગૌમાતાઓ પણ પોતાનાં કર્મને લીધે જ કસાઇના હાથમાં પડીને મૃત્યુ પામે છે, તેથી આ બાબતમાં આપણે કાંઈ કરવાની જરૂર નથી."

પ્રચારક થોડા શરમાયા. તેમણે કહ્યું: "જી હા, આપ કહો છો તે સાચું છે. પણ શાસ્ત્રો કહે છે ગાય તો આપણી માતા છે."

સ્વામીજીએ સ્મિત કરતાં કહ્યું: "ગાય આપણી માતા છે એ હું સમજી શકું છું; તેના સિવાય આવા કાબેલ બાળકોને કોણ જન્મ આપે ?"

સ્વામીજીએ આવો તીવ્ર કટાક્ષ કર્યો હોવા છતાં ગૌરક્ષાસમાજના તે બેશરમ અને નિર્દય પ્રચારકે સંસ્થાના કાર્ય માટે મદદની માગણી કરી. ત્યારે સ્વામીજીએ કહ્યું : "હું તો અકિંચન સંન્યાસી છું; તમને મદદ કરી શકું તેટલા પૈસા હું ક્યાંથી લાવું ? પણ જો કદાચ મારી પાસે કાંઇ પૈસા આવશે તો તેનો ઉપયોગ હું માનવસેવા માટે પ્રથમ કરીશ. સહુ પહેલાં માનવીને જિવાડવાનો હોય; તેને ખોરાક, શિક્ષણ અને આધ્યાત્મિકતા આપવાં જોઇએ. આ બધું કરતાં જો કાંઈ વધશે તો જ તમારી સંસ્થાને કાંઇક આપવામાં આવશે."

આ સાંભળીને પ્રચારક ભાઈ સ્વામીજીને વંદન કરી ચૂપચાપ વિલા મોંએ પાછાં ફર્યા.

કથિત સાંસ્કૃતિક પહેરેદારોનો આશય ખરેખર હિંદુ સંસ્કૃતિના રક્ષણનો છે ?


ઘટના 1: ઉજજૈનમાં બજરંગદળના કાર્યકર્તાઓએ એક ભાઈ-બહેનને પ્રેમી સમજી ફટકાર્યા
ઘટના 2: પૂણેમાં પિકનિક સ્પોટ પર વેલેન્ટાઇન ડે મનાવતાં ચાર પ્રેમી યુગલને શિવસેનાએ પરણાવી દીધા
ઘટના 3: જિંદમાં એક પ્રેમી યુગલને બજરંગદળના કાર્યકર્તાએ ફટકાર્યા. એટલું જ નહીં તેમની સાથે એક પોલીસ કર્મચારીએ પણ તેમની સાથે જોડાઇને યુવતીને વાળ પકડી ઢસડીને ફટકારી
ઘટના 4: મુંબઈમાં શિવ સેનાના કાર્યકારોએ એક પ્રેમી યુગલને પકડી તે બંનેના મોં પર ડામર લગાવી દીધો

વેલેન્ટાઈન ડે આવે એટલે સંસ્કૃતિના કહેવાતા પહેરેદારો ભગવો ઝંડો હાથમાં લઇને પોતાના ગુંડાઓ સાથે છાકટાં થઈને નીકળી પડે છે અને એક દિવસ નાટકબાજી કરી ભરપૂર પબ્લિસિટી મેળવે છે। ટીવી ન્યૂઝ ચેનલો પણ તેમને પબ્લિસિટી આપવામાં પાછી પાની કરતી નથી. શું સંસ્કૃતિના આ કથિત પહેરેદારોને આશય ખરેખર હિંદુ સંસ્કૃતિના રક્ષણનો છે ?

ના, બિલકુલ નહીં। હિંદુ સંસ્કૃતિમાં આ પ્રકારના જંગલી અને અસભ્ય વિરોધને કોઈ સ્થાન નથી. આ દેશનાં દરેક નાગરિકને પોતાના મનપસંદ તહેવારની ઉજવણી શાંતિપૂર્ણ રીત કરવાનો અધિકાર છે. જો યુવાનો વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવા માગતા હોય તો તેનો વિરોધ કરવાનો કોઈને અધિકાર નથી. તેમ છતાં જો આ આપમેળે બની બેઠેલા સાંસ્કૃતિક પહેરેદારોને વેલેન્ટાઇન ડેનો વિરોધ કરવાનો શોખ હોય તો તેમણે શા માટે વિરોધ કરી રહ્યાં છે તેના યોગ્ય કારણો રજૂ કરવાં જોઇએ.પછી વેલેન્ટાઇન ડેની ઉજવણી કરવી કે ન કરવી તેનો નિર્ણય યુવાનો પર છોડી દેવો જોઇએ. શાંતિપૂર્ણ રીતે ઉજવવામાં આવતા કોઈ પણ તહેવારનો વિરોધ કરવામાં નરી મૂર્ખાઈ છે.

આ સાંસ્કૃતિક પહેરેદારો વેલેન્ટાઇન ડેને પશ્ચિમનો તહેવાર ગણે છે અને ભારતીય યુવાનો તેનું આંધળું અનુકરણ કરી રહ્યાં છે તેવી દલીલ કરે છે। કબૂલ. વેલેન્ટાઇન ડે પાશ્ચાત્ય તહેવાર છે. પણ પ્રશ્ન એ થાય છે કે, જો તેમને પશ્ચિમી સંસ્કૃતિ પ્રત્યે આટલી સૂગ હોય તો તો તેઓ શા માટે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમોમાં અભ્યાસ કરવા મૂકે છે? સંસ્કૃત માધ્યમમાં અભ્યાસ કરવા માટે શા માટે મૂકતાં નથી? શા માટે તેઓ તેમના યુવાન પુત્રોને ઓસ્ટ્રેલિયા, યુરોપ અને અમેરિકા સ્થાયી વસવાટ કરવા મોકલી દે છે? કેમ ભારતમાતાની સેવા કરવાની આ સંસ્કૃતિના કથિત પહેરેદારોના સંતાનોની ફરજ નથી? શા માટે તેઓ આધુનિક વસ્ત્રો ધારણ કરે છે? શા માટે તેઓ ધોતિયુ અને પહેરણ પહેરતા નથી? ધોતિયુ અને પહેરણ પહેરતાં સંસ્કૃતિના આ લંગૂર પહેરેદારોને ડર લાગે છે, કારણ કે તેમને શંકા છે કે તેમનો જ કોઈ ભાઈ ભરસભામાં ક્યારેક ધોતિયુ ખેંચી લેશે.

હકીકતમાં આ લોકો સંસ્કૃતિના પહેરેદારો નથી. તેઓ તો કાચિંડા છે જે પોતાના હેતુ પાર પાડવા ક્યારેક લીલો રંગ ધારણ કરે છે તો ક્યારેક કેસરી.

હું ક્યાં કહું છું આપની 'હા' હોવી જોઈએ...


હું ક્યાં કહું છું આપની 'હા' હોવી જોઈએ,
પણ ના કહો છો એમાં વ્યથા હોવી જોઈએ.

પૂરતો નથી નસીબનો આનંદ ઓ ખુદા,
મરજી મુજબની થોડી મજા હોવી જોઈએ.

એવી તો બેદિલીથી મને માફ ના કરો,
હું ખુદ કહી ઊઠું કે સજા હોવી જોઈએ.

આ તારું દર્દ હો જો બીજાને તો ના ગમે,
હમણાં ભલે કહું છું દવા હોઈ જોઈએ.

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઈએ.

ઝાહેદ આ કેમ જાય છે મસ્જિદમાં રોજ રોજ,
એમાં જરાક જેવી મજા હોવી જોઈએ.

બાકી ઘણા હકીમ હતા પણ આ મારી હઠ,
બસ તારા હાથથી જ સિફા હોવી જોઈએ.

પૃથ્વીની આ વિશાળતા અમથી નથી 'મરીઝ',
એનાં મિલનની ક્યાંક જગા હોવી જોઈએ.

મરીઝ

Friday, February 13, 2009

શાહરૂખ 'સ્ટુપિડ' ખાન

કહેવાય છે કે પોતાની ભૂલમાંથી પદાર્થપાઠ શીખે તે માણસ અને ફરી પોતાની જ ભૂલનું પુનરાવર્તન કરે તે મૂર્ખશિરોમણી. આવો જ એક મહામૂર્ખ મુંબઈ નગરીમાં જન્નત નામના બંગલામાં વસે છે. તમને અંદાજ આવી ગયો કે હું કોની વાત કરું છું?

હું કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીના પરિવારજનોની આસપાસ પૂંછડી પટપટાવતા ચાટુકરશ્રેષ્ઠી અને દેશમાં મુસ્લિમ હોવાનો સૌથી વધારે ફાયદો ઉઠાવતા શાહરૂખ 'સ્ટુપિડ' ખાનની વાત કરું છું। આ મહાશય દેશના સાચા સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ચમકાવતી યાદગાર ફિલ્મ 'ડોન'ની રીમેક બનાવીને આખા જગતમાં હાંસીપાત્ર ઠર્યા હતા. પોતાની ફિલ્મોમાં સ્ત્રૈણ પ્રેમીઓનું પાત્ર ભજવતા એક લંગૂરને ડોન તરીકે જોઇને ફિલ્મીરસિકોએ તેને બેફામ ગાળો દીધી હતી.

શાહરૂખ મિયા હાસ્યાસ્પદ ડોન તરીકે રજૂ થયા તેના થોડા દિવસ પછી હું રાજકોટ જતો હતો. તે સમયે લક્ઝરીવાળાએ (તે ભાઈ મુસલમાન હતા) શાહરૂખનું ડોન ચડાવ્યું. તેની જાણ થતાં જ બધા પ્રવાસીઓએ વિરોધ કર્યો. એક ભાઈએ તો કેટલી હદે પોતાનો આક્રોશ ઠાલવ્યો તે કહું. તે ભાઈ પોતાની ખુરશી પરથી ઊભા થયા અને બધાને પૂછ્યું, આ શાહરૂખ ભ**(જેનો અર્થ સ્ત્રીઓનો દલાલ થાય છે) ડોન તરીકે લાયક છે? બધા હસવા લાગ્યા. એક અન્ય પ્રવાસીએ તો એમ કહ્યું, આ તો ડોન અને રાહુલ ગાંધીની બોન છે. અમારા કાઠિયાવાડમાં બોન એટલે બહેન. પછી બધા પ્રવાસીઓએ જો કોઈ બીજી કેસેટ ન હોય તો એક પણ ફિલ્મ નથી જોવું તેવું કહી દીધું. પ્રશ્ન એ થાય છે કે તેને આટલો બધો ગુસ્સો કેમ ચડ્યો અને બીજા લોકોએ પણ તેને કેમ સમર્થન આપ્યું?

હકીકતમાં લોકોને રોતલો અને તોતડો શાહરૂખ જ પસંદ છે. શાહરૂખ બીજો રાજેશ ખન્ના છે. કાકાની જેમ તે માત્ર લવરબોયમાં કાં પછી કોઈ યુવતીની પાછળ લાળ પાડવામાં. બીજું, તેની પાસે અમિતાભ બચ્ચનનું સ્થાન લેવાની બિલકુલ ક્ષમતા નથી તેમ છતાં તે જે રીતે એક રાજકીય પક્ષની મદદથી જે રીતે બચ્ચન પરિવાર વિરૂદ્ધ જે રીતે કાવાદાવા કરી રહ્યો છે તેનાથી બધા તેની મૂળ સ્ત્રૈણ અને દ્વૈષી પ્રકૃતિ જાણી ગયા છે.
હવે આ 'છોટા ડોન' શાહરૂખ પોતાની ડોનનો બીજો ભાગ બનાવવા જઈ રહ્યો છે। તેને ફંડની કોઈ ચિંતા નથી તે સમજી શકાય છે. હકીકતમાં શાહરૂખે ડોન બનાવવી જ હોય તો અભિષેક બચ્ચન કે જહોન અબ્રાહમને લઇને બનાવે. અત્યારે ફિલ્મ ઉદ્યોગમાં માત્ર તે અભિનેતા એવા છે જેની પાસે ડોનના પાત્રને અનુરૂપ દેખાવ અને અભિનયક્ષમતા છે. પણ બચ્ચન પરિવારને જોઈને તો તેનું સાયલન્સર ધુમાડા કાઢવા લાગે છે. ડોન બનવાનું તેનું 'ગાંડ'પણ બચ્ચનનું બળજબરીપૂર્વક સ્થાન લેવાનું એક ષડયંત્ર જ છે. લોકો હવે તેને પ્રેમીના પાત્રમાં પણ પસંદ કરતાં નથી. રબને બના દી જોડીના થયેલા હાલ તેનો તાજું ઉદાહરણ છે.

શાહરૂખ પોતાની ડોનના બીજા ભાગને સુપરહીટ જાહેર કરાવી દેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. અત્યારે તેનો હાથ કોંગ્રેસની સાથે હોવાથી અખબારો તેની જય બોલાવશે તે નક્કી છે. અખબારોને આવો મૂર્ખો સુપરસ્ટાર ક્યાંથી મળવાનો. સ્ટોરી પણ આપે અને તેને છાપવાના રૂપિયા પણ. જય હો, શાહરૂખ મિયાની.

ભારત પુણ્યભૂમિ છે...


ભારત ખરેખર પુણ્યભૂમિ છે. આ પૃથ્વી પર ધન્ય પૂણ્યભૂમિ હોવાનો જો કોઈ ભૂમિ દાવો કરી શકતી હોય, આ પૃથ્વી પરના જીવાત્માઓને પોતાનાં કર્મોનો હિસાબ ચૂકવવા જે ભૂમિ પર આવવું જ પડતું હોય, જ્યાં પરમાત્માને પંથે પ્રયાણ કરી રહેલા દરેક જીવાત્માએ પોતાનું અંતિમ ધામ પ્રાપ્ત કરવા આવવું જ પડતું હોય, જ્યાં માનવતાએ મૃદુતાની, ઉદારતાની, પવિત્રતાની, શાંતિની, સર્વોચ્ચ સ્થિતિ પ્રાપ્ત કરી હોય, સૌથી વિશેષ અંતમુર્ખતાની અને આધ્યાત્મિકતાની જો કોઈ ભૂમિ હોય તો તે ભારત ભૂમિ છે.

ઉચ્ચ આધ્યાત્મિક સત્યના પવિત્ર અને સનાતન જળપ્રવાહથી જગતને વારંવાર નવડાવી દેનાર ધર્મસંસ્થાપકોએ અતિ પ્રાચીન કાળથી આ ભૂમિ પરથી જ આરંભ કર્યો હતો। પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ તે ચારે દિશાઓમાં આ પૃથ્વીને આવરી લેનાર તત્વજ્ઞાનની ભરતીના મહાજુવાળનો આરંભ પૂર્વે આ ભૂમિ પરથી જ થયો હતો અને દુનિયાની ભૌતિક સંસ્કૃતિને-જડવાદને આધ્યાત્મિક ઓપ આપનાર જુવાળનો આરંભ પણ હવે અહીંથી જ થવો જોઈએ. બીજા દેશોમાં લાખોનાં હ્રદયના મર્મભાગોને બાળી રહેલો જડવાદનો ભડભડ બળતો દાવાનળ જેનાથી શાંત થઈ શકે તે જીવનદાયી શાંતિજળ આ ભૂમિમાં જ છે.

આપણી માતૃભૂમિ પ્રત્યે વિશ્વનું ઋણ ઘણું જ મોટું છે। જગતના અન્ય દેશો સાથે સરખામણી કરશો તો જણાશે કે દુનિયા જેટલી આ સહનશીલ હિંદુની ઋણી છે તેટલી આ પૃથ્વી પરની બીજી કોઈ પણ પ્રજાની નથી. જ્યારે ગ્રીસનું અસ્તિત્વ પણ નહોતું, જ્યારે રોમ વિશે કોઈને વિચાર સરખોય નહોતો આવતો, જ્યારે અત્યારના યુરોપિયનોના વડવા જંગલમાં રહેતા અને શરીર પર રંગના લપેડા કરતાં ત્યારે ભારત પ્રવૃત્તિથી ધમધમી રહ્યું હતું.

એક એવો કાળ હતો જ્યારે વિશાળ ગ્રીક પલટનોની કૂચના ધણધણાટથી ધરતી ધ્રૂજતી હતી। ગ્રીકોની એ પ્રાચીન ભૂમિ પોતાની પાછળ એક કથની સરખીયે મૂક્યા વિના આ પૃથ્વીના પડ પરથી ભૂંસાઈ ગઈ છે. એક એવો કાળ હતો જ્યારે રોમનોનો ગરુડધ્વજ આ દુનિયામાં મેળવવા જેવી દરેક વસ્તુ પર ઊડતો હતો, દરેક જગ્યાએ રોમનોની હાક વાગતી હતી. માનવજાતનું મસ્તક તેમની એડી તળે ચંપાયેલું હતું, રોમનું નામ સાંભળતાં ધરતી ધ્રૂજી ઊઠતી. પરંતુ આજે ત્યાંની કેપિટોલની ટેકરી ભાંગીને ભૂક્કા થઈ જઈ ખંડિયેર રૂપે ઊભી છે. જ્યાંથી સીઝરો સત્તાનો દોર ચલાવતા ત્યાં આજે કરોળિયાઓ પોતાનાં જાળાં બાંધે છે.

એવી જ પ્રતાપી બીજી પ્રજાઓ પણ આવી। તેમણે આનંદભર્યા તમાશા માણ્યા, સમૃદ્ધ રાજસત્તાના અને દુરાચારભર્યા પ્રજાકીય જીવનના થોડા એક કલાકો કાઢ્યા અને આખરે પાણી પરના પરપોટા પેઠે ફૂટીને અદૃશ્ય થઈ ગઈ. પરંતુ હિંદુસ્તાનની પ્રજા, તેની સંસ્કૃતિ અને તેનો વારસો આજે પણ અડીખમ છે. જમાનાઓથી કુશાગ્ર બુદ્ધિ અને સદીઓના અનુભવના ફળરૂપે ઘડાયેલા શાશ્વત રિવાજો હજુ પ્રચલિત છે. જેમ જેમ ભારતીય પ્રજા અને તેની સંસ્કૃતિ પર વિપત્તિના આઘાત થાય છે તેમ તેમ આપણો વારસો વધારેને વધારે મજબૂત બની રહ્યો છે. આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આઘાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમ જ રીતભાતો અને રીવાજોની સેંકડો ઊથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભું છે.

સેન્ટર પોઇન્ટઃ આ એ જ ભારતભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જોમ લઈને દુનિયા પરના કોઈ પણ પહાડ કરતાં વધારે મજબૂત છે.

Tuesday, February 10, 2009

દાદીમાના પિત્ઝા


અરે, હુઝુર વાહ દાદીમા બોલિયે! કર્ણાટકની રાજધાની બેંગલૂરની આઇટી કંપનીઓમાં કામ કરતાં યુવાનો પર દાદીમાના હાથનો જાદુ છવાઈ ગયો છે. તેઓ આતુરતાપૂર્વક દાદીમાની વાનની રાહ જુએ છે. આ દાદીમા આખા શહેરમાં પિત્ઝાવાળા દાદીમા તરીકે જાણીતા છે. તેમના હાથે બનેલા પિત્ઝાનો સ્વાદ માણતા યુવાનોને દાદીમાના હાથના પિત્ઝાનું વ્યસ્ન થઈ ગયું છે. આ દાદીમા એટલે બેંગલૂરમાં રહેતી 73 વર્ષીય પહ્મા શ્રીનિવાસન અને તેમની 75 વર્ષીય સખી જયલક્ષ્મી શ્રીનિવાસન. તે બંને હવે હવે પિત્ઝા ગ્રૈની નામે ઓળખાય છે.

શું તમે જાણો છો આ બંને વૃદ્ધ મહિલાઓ આટલી મોટી ઉંમરે પિત્ઝાનું વેચાણ શા માટે કરે છે? તેઓ ન તો એકલતા દૂર કરવા માગે છે કે ન તેઓ આર્થિક તંગીમાં છે। આ બંને મહિલા એક સમાજમાં નિરાધારને આધાર આપવા માટે પિત્ઝા વેચે છે. તેઓ આટલી મોટી ઉંમરે મજૂરી કરે છે જેથી પેટે પાટા બાંધી પોતાના સંતાનોને ભણાવનાર માતાપિતાને જ્યારે તેમના લાડકા સંતાનો જ નિરાધાર કરી રસ્તે રઝળતાં કરી દે તો તેમને આશરો આપી શકે. બેંગલૂરના યુવાનોને દાદીમા અને તેમના પિત્ઝા બંને પ્રત્યે માન છે, કારણ કે તેઓ આ કમાણીમાંથી વૃદ્ધો માટે ઘરડાઘર બનાવવાનું અને તેને નિભાવવાનું તેમનું સ્વપ્ન સાકાર કરવા માગે છે.

પહ્માને 2003માં વૃદ્ધો માટે ઘરડાઘર બનાવવાનો વિચાર આવ્યો હતો। ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી ફાઇનાન્સ મેનેજર તરીકે નિવૃત્ત થયેલા પહ્માએ આ વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા નિવૃત્તિ સમયે પ્રાપ્ત થયેલી રકમમાંથી બેંગલૂરથી 30 કિલોમીટર દૂર વિજયનગર ગામમાં જમીન ખરીદી, પણ આ જમીન પર ઘરડાંઘર બનાવવા 78 લાખ રૂપિયાની જરૂર હતી.

આટલી મોટી રકમ કેવી રીતે ભેગી કરવી તેને પહ્માને સમજણ પડતી નહોતી। પરંતુ કહેવાય છે કે જે પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા સતત મહેનત કરે છે તેમના માટે ખુદ ઇશ્વર જ માર્ગ કરી દે છે. પહ્માને પણ માર્ગ મળી ગયો. તેમની સહેલી જયલક્ષ્મીએ આટલું મોટું ભંડોળ ભેગું કરવા તેમને પિત્ઝા વેચવાની સલાહ આપી. પહ્માને આ સલાહ ગમી ગઈ અને તેમાંથી પિત્ઝા હેવનનો જન્મ થયો.

પહ્મા અને જયલક્ષ્મીએ બહુરાષ્ટ્રીય આઇટી કંપનીઓમાં પિત્ઝાનું વેચાણ શરૂ કર્યું અને ઝડપથી તેમના પિત્ઝા બેંગલૂરના યુવાનોમાં લોકપ્રિય થઈ ગયા। આ બંને મહિલાઓએ તેમના સાહસમાં અન્ય 10 મહિલાઓને પણ રોજગારી પૂરી પાડી છે. તેમણે ઓર્ડર સમયસર પહોંચાડવા માટે એક વાન લીધી છે, જેમાં મહિલામંડળ શાકભાજી, ચીઝ અને પિત્ઝા બેસને લઇને આઇટી ઓફિસમાં જાય છે અને ત્યાં ઓર્ડર મુજબ પિત્ઝા તૈયાર કરી આપે છે. પિત્ઝા તૈયાર કરવા માટે જરૂરી વીજળી, જગ્યા અને અન્ય સ્રોતનો ઉપયોગ ઓફિસમાંથી જ કરે છે. આ રીતે પિત્ઝાની લિજ્જત માણવા ઇચ્છતાં લોકો સસ્તાં, ગરમ અને સ્વાદિષ્ટ પિત્ઝાનો આનંદ લઈ શકે છે.

અત્યારે પહ્મા અને જયલક્ષ્મીનું પિત્ઝા હેવન દરરોજ સરરેાશ 120 પિત્ઝાનું વેચાણ કરે છે. પિત્ઝાની કિંમત 30 રૂપિયાથી લઇને 120 રૂપિયા સુધી છે અને તેમાં પ્રિઝરવેટિવનો ઉપયોગ થતો નથી. તેમાંથી તેમને જે ફાયદો થાય છે અને શુભચિંતકો પાસેથી જે દાન મળે છે તેનું રોકાણ તેઓ તેમનું ઘરડાઘર બનાવવાનું સ્વપ્ન પૂર્ણ કરવામાં કરે છે.

હું હવે લાચાર છું...


હુકમદારની જોહુકમીથી હું હવે લાચાર છું;
મુફલેસ દિલ દરવેશ દર્દી હું હવે બેજાર છું.

ઇશ્કે શરાબીની મજા જોવા હવે તૈયાર છું;
ખોફે જહાં ખમવા ખરે હરદમ હવે હુશિયાર છું.

માશૂકની મુરવ્વત ખરે! કરતાં હવે શીખનાર છું;
આલમ તણી બૂરી ખિલાફી હું હવે જીતનાર છું.

બની બહાવરો! બન્દો સનમ! હું બન્દગી કરનાર છું;
શોખીન શરાબીનો ખુમારીને હવે રડનાર છું.

માશૂક તણા જુલફે રહી આશક સદા છૂપનાર છું;
એ જુલ્ફની ખુશબો અને લજ્જત સદા ચૂમનાર છું.

ગુલઝારની સડકે પડેલા ખારને ખમનાર છું;
એ ગુલ ઉપર આફરીન થઈ ભેટી સદા ચૂમનાર છું.

ઝાંખી થયેલા નૂરની હું પેરમાં પડનાર છું;
મસ્તાન આબેહૂબ હુસ્ને! ત્યાં હું અંજાનાર છું.

આલમ થકી બાતલ થઈ હું દરખતે ચડનાર છું;
પાકી તલાશે એ પરિન્દાને હું પારખનાર છું.

માની મઝા એ સાથ તાબેદારીમાં જીવનાર છું;
કાબિલ! કરો સિતમ મગર ગરદન ન ઊંચકનાર છું.

આબેહયાતીના ઝરામાં હું હવે ડૂબનાર છું;
ઓ સનમ! તું કર રહમ! એ રહેમતે જીતનાર છું.

કલાપી

Thursday, February 5, 2009

સિંહના ટોળા હોતા નથી અને માનવરૂપી કૂતરા એકલાં ફરતા નથી


પોતાના ચમચાઓનો જ ગુલાલ કરતી આ દુનિયામાં સૌથી વધુ અન્યાયનો ભોગ સ્વમાની અને પ્રતિભાશાળી વ્યક્તિઓ બને છે. તમે અવલોકન કરજો કે મોટાભાગની મંડળીઓ હંમેશા ઓછી પ્રતિભાશાળી વ્યક્તિઓ જ બનાવે છે અને તેનો એક જ હેતુ હોય છે-માંહેમાંહેનો સ્વાર્થ સંતોષવો. હકીકતમાં સિંહના ટોળા હોતા નથી અને માનવરૂપી કૂતરા એકલાં ફરતા નથી. માનવરૂપી કૂતરાઓની દુનિયા વિશે જાણવા જેવું છે.

અમુક ઓછા પ્રતિભાશાળી પણ પોતાના આકાઓને ખુશ કરી અડ્ડો જમાવવામાં સફળ નિવડેલા અને એક કે બે મુદ્દે સમાન વિચારો ધરાવતા માનવરૂપી બે પગવાળાં કૂતરા પોતાનો એક અલગ ચાકો બનાવી લે છે। પછી તેઓ પોતાની સાથે રહી શકે અને એકબીજાનો પ્રચાર કરી શકે તેવા બીજા કૂતરાઓને પોતાની સાથે લેવા ઠેરઠેર લાળ પાડતાં ફરે છે. મોટેભાગે તેમને તેમના જેવા ડોગી સરળતાથી મળી જાય છે. ક્યારેક તેમની મંડળીમાં કોઈ રસ ન લે તેવી વ્યક્તિ મળી જાય તો પછી આ બધા ડોગી ભેગા થાય છે અને તેમની સાથે ભળવામાં રસ ન ધરાવતી વ્યક્તિ વિરૂદ્ધ આખા જમાનામાં દુષ્પ્રચાર કરવાનું આયોજન કરે છે. આ આખી ડોગી મંડળી તેમના ક્ષેત્રની જુદી જુદી શેરીઓમાં ફેલાઈ જાય છે અને ત્યાંની જુદી જુદી શ્વાન મંડળીઓમાં પેલી વ્યક્તિ વિરૂદ્ધ ભસે છે. બધી શ્વાન મંડળીઓ એક ગુપ્ત બેઠક યોજી તેમની લાળપાડુ પ્રવૃત્તિઓમાં રસ ન લેનારા માણસનો બહિષ્કાર કરવાનો નિર્ણય લે છે.

આ તો વાત થઈ શ્વાનમંડળીઓની વિવિધતામાં એકતાની। હવે આ મંડળીઓમાં કાર્યરત બે પગવાળાં કૂતરાઓની સર્વસામાન્ય પ્રકૃતિ પર નજર દોડાવીએ. મંડળીની બેઠકમાં દરેક શ્વાન અજાતશત્રુ અને સર્વના મિત્ર હોવાનું એક મહોરું ધારણ કરીને જાય છે. બેઠકમાં તેઓ એકબીજાની એટલી બધી ખુશામત કરે છે કે અમુક શ્વાનને ઘરે આવીને પેન્ટ બદલવા પડે છે. આ પ્રકારના શ્વાન જ્યારે આપણો દિવસ બગડવાનો હોય ત્યારે ભટકાઈ જાય છે. આ સમયે તેમનો અસલી ચહેરો પ્રગટ થાય છે. તે તેમની જ મંડળીના બીજા મોટા ભા થઇને બેસી ગયેલા શ્વાનના ટાંટિયા ખેંચવામાં પાછી પાની કરતા નથી. હકીકતમાં દરેક શ્વાન પોતાની મંડળીનો સિંહ બનવાના પ્રયાસમાં જ લાગેલો હોય છે. વાતને અંતે પછી તે પોતાની મંડળીના સેનાપતિ શ્વાન વિશે ધીમેથી કહે છે કે, 'તેની પાસે પ્રતિભા નથી, વગ છે અને અત્યારે વગદારનો સાથીદાર બનવાનો જમાનો છે.'

ખબર પડી? પોતાની મંડળીના માણસોનો ઉપયોગ કરી આગળ વધવું અને પછી તેમને જ લાત મારવી। દરેક શ્વાન આ જ પ્રકારની પ્રવૃત્તિઓમાં રચ્યોપચ્યો રહે છે. પોતાના મોં અને માથામાં જે ગંદકી હોય છે તેને પુસ્તકનું સ્વરૂપ આપવું અને પછી પોતાની મંડળીના સભ્યોની સંખ્યાની તાકાત દેખાડી પ્રકાશન કરાવવું. પુસ્તક વિમોચનનો કાર્યક્રમ રાખવો અને તેમાં સાથીદાર શ્વાનોને એવા જ પ્રશ્નો પૂછવાનું કહેવું જેથી પોતાની પૂંછડી પટપટાવવાની કળામાં ચાર ચાંદ લાગી જાય.

જો તમે પણ આવી શ્વાનપ્રવૃત્તિ ધરાવતા હોય તો તમારી આજુબાજુ નજર કરજો ગમતાનો ગુલાલ કરતી શ્વાનમંડળી અત્ર, તત્ર, સર્વત્ર હાજર છે। તેમાંથી તમને જે મંડળીમાં સૌથી વધારે ફાયદો દેખાય તેમાં જોડાઈ જજો અને પછી તમારી મંડળીના સેનાપતિ શ્વાનની 'જય હો' બોલાવજો.

અને જો તમારામાં અલગારી પ્રવૃત્તિ હોય, કોઇની ખુશામત કરવાની કળા ન હોય, તમને શ્વાનમંડળી પ્રત્યે સૂગ હોય, ગમતાનો ગુલાલ ઉડાવવાની ઇચ્છા ન હોય, કોઈ દંભેપૂરા અને દિલથી ખોટા શ્વાનનો પ્રચાર કરવામાં બિલકુલ રસ ન હોય તો તો દુનિયાની માને મારી આંખ, યા હોમ કરીને તમારી મનગમતી પ્રવૃત્તિમાં પડી જાઓ.

કૃષ્ણ એવું શું છે તારા નામમાં...


વાંસળી પડઘાય આખ્ખા ગામમાં
કૃષ્ણ એવું શું છે તારા નામમાં

વીજળી ઝબકી ને વાદળમાં શમી
જાણે રાધા ઓગળી ગઈ શ્યામમાં

આંખ મીંચું તોય તું દેખાય છે
જીવ ક્યાંથી લાગે કોઈ કામમાં

રોમરોમે મોરપીંછું ફરફરે
કેવો જાદુ છે તારા નામમાં

ભગ્ન દિલમાં એમ તારી યાદ આ
જાણે ગોરસ કોઈ કાચા ઠામમાં

આદિલ મન્સૂરી

Wednesday, February 4, 2009

રાંચીના દીનબુંધ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી


અત્યારે સામાન્ય માણસ જેટલો આતંકવાદીઓથી ડરે છે તેટલો જ અને કદાચ તેના કરતાં પણ વધારે ફફડાટ તે ડોક્ટરના દવાખાનાના પગથિયા ચડતાં અનુભવે છે. આર્થિક ઉદારીકરણ પછી ટૂંક સમયમાં લખપતિ-કરોડપતિ થઈ જવાની લાલચમાં ડોક્ટરો દર્દીને માણસ સમજવાને બદલે રૂપિયા કમાવવાનું મશીન સમજી બેઠા છે. જે વ્યવસાયનો હેતુ સમાજની સેવા કરવાનો અને લોકોને જીવનદાન આપવાનો હતો તે વ્યવસાયમાં નિર્દય અને ધુતારા પ્રવેશી ગયા હોય તેવો આલમ છે. અત્યારે લોકો ડોક્ટરોને ચંબલના ડાકુ કરતાં પણ ખતરનાક સમજી રહ્યાં છે. આ ઘનઘોર અંધારી રાત્રિ જેવા આલમમાં આશાનો એક દીપ રાંચીમાં છેલ્લાં 42 વર્ષથી ઝળહળી રહ્યો છે.

ઝારખંડની રાજધાની રાંચીના 73 વર્ષીય ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એવા ડોક્ટર છે જેમનું લક્ષ્ય ટાટા, બિરલા કે અંબાણી બનવાનું નથી। તેમનો સિદ્ધાંત જનસેવા એ જ પ્રભુસેવા છે. દર્દી ગરીબ હોય કે ધનિક, તેમની ફી માત્ર પાંચ રૂપિયા છે. ચોંકી ગયા ને! તમે કહેશો કે પાંચ રૂપિયામાં તો અત્યારે 100 ગ્રામ સિંગ-ચણા પણ મળતા નથી. પણ ના શ્યામાપ્રસાદનો હેતુ 100 ગ્રામ સિંગ-ચણા ખાઈને આજુબાજુનું વાતાવરણ ખરાબ કરવાનો નથી. તેમનો હેતુ સમાજમાં ગરીબોની સેવા કરી એક સારા આચરણની સુવાસ ફેલાવવાનો છે.

અત્યારે તે દરરોજ સવારે 10।30 કલાકે પોતાના કિલનિકમાં આવીને દર્દીઓની સેવામાં લાગી જાય છે અને સાંજે 7.30 સુધી આ શ્રમયજ્ઞ ચાલતો રહે છે. તેમણે પટણા મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાંથી ડોક્ટરની ડિગ્રી મેળવી છે અને ત્યાં જ પ્રોફેસર તરીકે સેવા આપી છે. તેમણે 1959માં સિવિલ આસિસ્ટન્ટ સર્જનનું પદ સંભાળતી વખતે સમાજસેવા કરવાની જે પ્રતિજ્ઞા લીધી હતી તેના પર તેઓ સતત અમલ કરી રહ્યાં છે. તેઓ 1966માં રાંચી આવી ગયા અને પછી તે જ તેમની કર્મભૂમિ બની ગઈ.

રાંચીમાં આવીને રહેવાનું શરૂ કર્યાના 42 વર્ષ પછી પણ તે નામમાત્રની ફી લઇને દર્દીઓની સારવાર કરી રહ્યાં છે। ગરીબોના ફિક્કા ચહેરાં પર હાસ્યની એક લહેરના દર્શન કરવા આ વયોવૃદ્ધ ડોક્ટર આવકપેટે જે થોડા-ઘણાં રૂપિયા મળે છે તેમાંથી અમુક રકમનું દાન વિવિધ શાળાને કરે છે. ભોગ-વિલાસ અને દેખાડાની આ દુનિયામાં એવી કઈ બાબત છે જે તેમને સમાજસેવામાં પ્રવૃત્ત રહેવા માટે પ્રેરણા આપે છે?

તેઓ ગરીબોની વેઠવી પડતી મુશ્કેલીઓના નામે લેખો લખી મોટી મોટી વાતો કરી કે ફિલ્મો બનાવી જમાનાની વાહવાહી લૂંટવા માગતા નથી। તેઓ ગરીબી દૂર કરવાના સોનેરી વચનો આપી કોઈ વિસ્તારના ધારાસભ્ય કે સંસદસભ્ય પણ બનવા માગતા નથી. તેમની પ્રેરણા સંવદેનશીલતા છે. તેઓ ગરીબોને જુએ છે ત્યારે તેને તે પોતે કઈ રીતે મદદરૂપ થઈ શકશે તે પ્રશ્ન પોતાની જાતને પૂછી શકે છે અને પછી પોતાનાથી થાય તેટલી મદદ કરે છે. તેમને અનેક આંતરરાષ્ટ્રીય સ્વયંસેવી સંસ્થાઓએ પુરસ્કાર આપવાની ઓફર કરી હતી, પણ તેઓ નમ્રભાવે તેમને દૂરદૂરથી રામરામ કરી દે છે. તેમનો રામ તો ગરીબોની સેવા કરવામાં વસ્યો છે, નહીં કે કોઈ એવોર્ડમાં.

ભેદભાવ શા માટે?


એક દેડકો હતો. ઘણા વખતથી એ કૂવામાં રહેતો હતો. એ ત્યાં જ જન્મ્યો હતો અને ત્યાં જ ઊછર્યો હતો. દેડકાનું જીવન કૂવા પૂરતું જ મર્યાદિત હતું અને તે કૂવાને જ દુનિયા માનતો હતો. એક દિવસ સાગરમાં રહેતો બીજો એક દેડકો એ કૂવામાં આવી પડ્યો.

પેલા દેડકાએ તેને પૂછ્યું, ''તું ક્યાંથી આવે છે?''

''હું સાગરમાંથી આવું છું.''

''સાગરમાંથી? સાગર વળી કેવડો મોટો છે? શું એ આ કૂવા જેટલો મોટો છે ખરો?'' આમ કહીને પેલા કૂવામાંના દેડકાએ કૂવાની એક બાજુએથી બીજી બાજુ સુધી કૂદકો માર્યો.

સાગરમાંના દેડકાએ જવાબમાં કહ્યું, "મિત્ર! સાગરને શું તમે તમારા નાના કૂવા સાથે સરખાવો છો?"

પેલા કૂવામાંના દેડકાએ બીજો કૂદકો માર્યો અને પૂછ્યું, "ત્યારે તમારો સાગર આવડો મોટો છે?"

"તમે મૂર્ખાઈભરી વાત કરી રહ્યાં છો. સાગરને તે વળી કૂવા સાથે સરખાવાતો હશે?"

કૂવામાંના દેડકાએ કહ્યું, "સમજ્યા હવે! મારા કૂવા કરતાં કશું મોટું ન હોઈ શકે; આ કૂવા કરતાં બીજું કશું વધારે વિશાળ હોઈ ન શકે, આ સાગરનો દેડકો જૂઠ્ઠા બોલો છે; તેને તગડી મૂકવો જોઇએ."

અત્યાર સુધી આપણી આ જ મુશ્કેલી રહી છે.

હું હિંદુ છું; મારા નાના કૂવામાં બેસી હું એમ વિચારું છું કે, સમગ્ર જગત આ મારા નાના કૂવામાં સમાઈ જાય છે। ખ્રિસ્તી ધર્મનો અનુયાયી તેના નાના કૂવામાં બેસી રહે છે અને સમગ્ર જગત તેના કૂવામાં સમાઈ જાય છે એમ માને છે. ઇસ્લામનો અનુયાયી તેના નાના કૂવામાં બેસી રહી છે અને તેને જ સમગ્ર જગત માને છે.

પંથવાદ, ધર્માંધતા અને તેમાંથી પેદા થતાં ભયંકર ધર્મઝનૂન આ સુંદર જગતને વરસો સુધી આવરી રહેલાં છે. તે ઝનૂને દુનિયાને હિંસાથી ભરી દીધી છે અને લોહીથી લથબથ કરી નાખી છે, સંસ્કૃતિઓનો નાશ કર્યો છે અને સમગ્ર પ્રજાને નિરાશામાં ગર્ત કરી દીધી છે. આ ત્રાસદાયક રાક્ષસોનું અસ્તિત્વ ન હોત તો માનવસમાજે અત્યાર કરતાં વધારે પ્રગતિ સાધી હોત.

સેન્ટર પોઇન્ટઃ વહેમ એ માનવજાતનો મોટો શત્રુ છે, પણ ધર્મઝનૂન એથીયે મોટો શત્રુ છે

બસ દુર્દશાનો એટલો આભાર હોય છે...


બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

ઝંખે મિલનને કોણ જો એની મજા કહું!
તારો જે દૂર દૂરથી સહકાર હોય છે.

ટોળે વળે છે કોઈની દિવાનગી ઉપર,
દુનિયાનો લોકો કેવા મિલનસાર હોય છે!

દાવો અલગ છે પ્રેમનો, દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેનો અધિકાર હોય છે.

કાયમ રહી જો જાય તો પેગંબરી મળે,
દિલમાં જે એક દર્દ કોઈવાર હોય છે.

હો કોઈ પણ દિશામાં બુલંદી નથી જતી,
આકાશ જેમ જેઓ નિરાધાર હોય છે.

નિષ્ફળ પ્રણય પણ એને મટાડી નથી શકતો,
તારા ભણી જે મમતા લગાતાર હોય છે.

જો એ ખબર પડે તો મજા કેટલી પડે,
ઈશ્વર જગતમાં કોનો તરફદાર હોય છે.

જાણે છે સૌ ગરીબ કે વસ્તુ ઘણી 'મરીઝ',
ઈશ્વરથી પણ વિશેષ નિરાકાર હોય છે.

Monday, February 2, 2009

ચા,ચાય અને ટી



ચા એટલે અમારા પત્રકારોનું અમૃત। ચા મળે એટલે કેટલાંક પત્રકારો પાણી-પાણી થઈ જાય તો કેટલાંક પત્રકારોને પાણી ચડી જાય. ચા મર્દાના પીણું છે. તે મિત્રોના હ્રદયના તાર જોડે છે. મૈત્રીના અફીણને વધુ ઘોળતી ચાનો ઇતિહાસ એકસો-બસ્સો નહીં, પણ પાંચ હજાર વર્ષ જૂનો છે. બીજા શબ્દોમાં કહીએ તો તેનો જન્મ થયો ત્યારે ઇજિપ્તમાં જગપ્રસિદ્ધ પિરામિડોનું નિર્માણ કરનાર ફેરો (શાસક) સત્તા પર હતા, ઉત્તર ભારતમાં મોહેંજોદડો અને હડપ્પા જેવી મહાન સભ્યતા સ્થાપિત થઈ ગઈ હતી, બેબિલોન સંસ્કૃતિ પા પા પગલી માંડતી હતી અને અત્યારે સૌથી વધુ સભ્ય ગણાતી પશ્ચિમી દુનિયામાં મનુષ્યો જંગલી અવસ્થામાં ગુફાઓમાં રહેતા હતા.

ચાનો જન્મ ક્યાં અને કેવી રીતે થયો તેને લઇને અનેક માન્યતાઓ અને દંતકથાઓ છે। તેમાંથી એક સૌથી વધારે પ્રચલિત દંતકથા મુજબ ચાનો જન્મ ચીનમાં થયો છે. કદાચ એટલે ચા શબ્દ ચીનની વધારે નજીક લાગે છે. ચીનમાં ચાનો જન્મ બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારના ફળસ્વરૂપે થયો છે તેવું માનવામાં આવે છે. સેંકડો વર્ષ પહેલાં બુદ્ધનો એક જાણીતો શિષ્ય બોધિધર્મ બૌદ્ધ ધર્મનો પ્રચાર-પ્રસાર કરવા ચીન ગયો. ત્યાં તે એક પર્વત પર થોડો સમય દરરોજ ધ્યાન ધરતો હતો. ક્યારેક-ક્યારેક ધ્યાન દરમિયાન તેને ઝોંકા આવી જતા. તેમણે સતત ધ્યાનમાં મગ્ન રહેવા એક નવી રીત અપનાવી. જ્યારે તેમને ઝોંકુ આવતું ત્યારે તેઓ પોતાના નેણમાંથી વાળ ખેંચી જમીન પર ફેંકી દેતા. બોધિધર્મે તે પર્વત પર ઘણી જગ્યાએ ધ્યાનમાં ધર્યું હતું અને જે જગ્યાએ તેમણે તેમની નેણના વાળ ફેંક્યા હતા ત્યાં ત્યાં ચાની પત્તીઓ ફૂટી નીકળી. તે સમયેથી ચા જાગરણનું સુંદર પ્રતિક બની ગઈ અને ચાની ચુસ્કીથી નિંદ્રારાણી છૂ મંતર થઈ જાય છે તે વાત સાચી છે.

ચા શબ્દનો સૌપ્રથમ ઉલ્લેખ ઇ। સ. પૂર્વે 350માં ચીનમાં પ્રકાશિત થયેલા એક શબ્દકોશ ઇથ-ઇયામાં મળે છે. શરૂઆતમાં ચાનો ઉપયોગ ઔષધિરૂપે થતો હતો. ચીનમાં તેની ઘાટી લીલી પત્તીઓને ઉકળતા પાણીમાં નાંખી તેનો સ્વાદ માણવામાં આવતો. પાછળથી ધીમેધીમે લોકોએ જાણ્યું કે જો તેની કોમળ પત્તીઓને તોડી એક નિશ્ચિત તાપમાને સૂકવી દેવામાં આવે અને તે પછી તેને ગરમાગરમ દૂધ-પાણી સાથે ઉકાળવામાં આવે તો તેની લિજ્જત વધી જાય છે.

ચા શબ્દની ઉત્પત્તિ 'ટે' શબ્દથી થઈ, પણ ઝડપથી આ શબ્દ 'ચા' શબ્દમાં ફેરવાઈ ગયો। આ જ શબ્દ આજે ઉપયોગમાં આવતા 'ટી'નો જન્મદાતા છે. અત્યારે અમેરિકા અને યુરોપમાં ચાને 'ટે' તરીકે જ ઓળખવામાં આવે છે. ભારતમાં તેને ચા કે ચાય, રશિયા અને પોર્ટુગલમાં ચા અને અરબીમાં ચાય નામે ઓળખવામાં આવે છે.

છઠ્ઠી અને સાતમી સદી સુધી ચા પાવડર સ્વરૂપે જ મળતી હતી, પણ સામાન્ય રીતે તેના દાણાને વધુ પસંદ કરવામાં આવતા હતા। રશિયામાં તેની લોકપ્રિયતા બહુ હતી. ધીમે ધીમે ચીનમાં તે એટલી લોકપ્રિય થઈ ગઈ કે તેને વિશેષ પ્રસંગે પીરસવામાં આવતી હતી. આઠમી સદીની શરૂઆતમાં ચા ચીન અને જાપાનમાં સુવિધાસંપન્ન વર્ગ વચ્ચે ખાસ્સી લોકપ્રિય થઈ ગઈ અને તેમના જીવનનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ. તેની લોકપ્રિયતા એવી હતી કે તે બંને દેશની તત્કાલિન સરકારે તેના પર કરવેરો લાગૂ કરવા વિચારણા પણ કરી હતી. દસમી સદીમાં સુંગ શાસનમાં ચાની કળા પરાકાષ્ઠાએ પહોંચી ગઈ.

હુઈ-તી-સન નામના ચીની શાસકના સમયે ચા બનાવવાની પ્રક્રિયા રાજસી અંદાજમાં થવા લાગી। તેના સમયે ચાની પત્તીઓ વીણવાનું કામ માત્ર યુવાન છોકરીઓ જ કરતી હતી. સોનની કાતરની મદદથી તે ફક્ત ચાની તાજી કળીઓ તોડતી હતી. તેને સોનાના જ મોટા વાસણમાં સૂકવવામાં આવતી. પછી તેને રાજાના ગરમ પાણીના પ્યાલામાં નાંખવામાં આવતી હતી. લોકો દૂરદૂરથી આ પ્રક્રિયા જોવા આવતા હતા. આ વાતનો ઉલ્લેખ મહાન પ્રવાસી માર્કો પોલોએ પણ કર્યો છે.

ધીમેધીમે આઠમી સદીમાં ચા જાપાનમાં પહોંચી ગઈ। ઇ. સ. 729માં જાપાનના શાસકે રાજમહેલમાં જૈન કાર્યશાળામાં ભાગ લેનારા ભિક્ષુઓને ચીની ચા પીવડાવી. પછી તો મોહ-માયાનો ત્યાગ કરનાર આ ભિક્ષુઓને ચાનો ચસ્કો એવો લાગ્યો કે તેઓ પોતાના દેશ પાછાં ફર્યા ત્યારે પોતાની સાથે ચાની પત્તીઓ લેતાં આવ્યા અને તેને પોતાના વિહારોમાં લગાવી દીધા. ઐતિહાસક દસ્તાવેજો દર્શાવે છે કે કોરિયામાં ઇ. સ. 661માં ચા ભગવાનને અર્પિત કરવામાં આવતી હતી. ગોરિયો રાજવંશ (918-1932)માં ચાય બૌદ્ધ મંદિરોમાં પ્રસાદ સ્વરૂપે ચઢાવવામાં આવતી હતી.

ચલતે-ચલતેઃ ચા ઉકાળતી વખતે ઉપર પરપોટા આવી જાય તો રૂપિયા આવશે અને તમે ઝડપથી ધનિક બની જશો.

મને એ જોઈ રહ્યાં છે, મને એ વહેમ રહ્યો


મરીઝ

ઘસારા લાખ થયા તોય પહેલાં જેમ રહ્યો,
હવે કહો કે હું પથ્થર રહ્યો કે હેમ રહ્યો.

હતી સરસ બહુ સંગત, બૂરો એ કેમ રહ્યો?
તમારા રૂપની સાથે જ મારો પ્રેમ રહ્યો.

મરણ પછી જે થવાનું છે તેની ટેવ પડે,
હું તેથી મારા જીવનમાં આમતેમ રહ્યો.

તમે જે હસતાં હતાં, મારા ચીંથરેહાલ ઉપર,
જુઓ કફનનો આ અકબંધ લિબાસ કેમ રહ્યો?

ઘણા વરસ પછી આવો સવાલ પૂછું છું,
કે હું શિકાર તમારો રહ્યો કે નેમ રહ્યો?

મેં તેથી સારા થવાની જરા કીધી કોશિશ,
મને એ જોઈ રહ્યાં છે, મને એ વહેમ રહ્યો.

સંગાથી શાયરો આગળ વધી ગયા કેવા?
જુઓ મરીઝ જેવો હતો એ એમ રહ્યો.