Tuesday, February 2, 2010

'પર્યાવરણના પા' પચૌરીના પડીકાનું મૂળ ક્યાં છે?


થોડા દિવસ અગાઉ ગ્લોબલ વોર્મિંગના નામે ચાલતો એક પરપોટો ફૂટી ગયો. અમેરિકાના ઇશારે તા..તા.. થૈયા કરતી સંયુક્ત રાષ્ટ્ર સંઘની એક સંસ્થા ઇન્ટરગર્વમેન્ટ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જ અર્થાત્ આઇપીસીસી અને તેના વડા હિંદુસ્તાનના પ્રસિદ્ધ વિજ્ઞાની આર કે પચૌરીની આબરૂના ધજાગરાં ઊડી ગયા. પચૌરીની ગણના પર્યાવરણના પહેરેદાર તરીકે થાય છે...જહાં પર્યાવરણ વહાં પચૌરી...વન્ય જીવોની સુરક્ષાની વાત આવે ત્યારે તરત મેનકા સંજય ગાંધીનો ચહેરો નજર સામે આવી જાય તેમ પર્યાવરણની ચર્ચા ચાલતી હોય ત્યારે પચૌરી મહોદયની યાદ આવ્યાં વિના ન રહે. પણ અત્યારે તેઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે અને હિમાલયના ગ્લેશિયર પર પર્યાવરણની અસરની આગાહી કરવા બાબતે તેમણે 'હિમાલય જેવડી મોટી ભૂલ' કરી છે તેવું જાહેર થયું છે. તમને ખબર છે કે પચૌરી સાહેબના આ પડીકાનું મૂળ ક્યાં છે? તેમણે હિમાલય જેવડી મોટી ભૂલ કરી તે માટે કોણ જવાબદાર છે?

જાણીને તમને નવાઈ લાગશે અને સાથેસાથે હસવું પણ આવશે. પચૌરી સાહેબના પડીકાનું મૂળ એક પત્રકાર અને સ્ટોરીને સેન્સેશનલ બનાવવાની લ્હાય છે. આ જનાબ ભારતીય નથી, પણ વિદેશી છે! આ વિદેશી પત્રકારના મૂળમાં પહોંચવા માટેની સફર પચૌરી મહોદયથી શરૂ કરીએ. વાત એમ છે કે, હિમાલયના મોટા ભાગના ગ્લેશિયર વર્ષ 2035 સુધીમાં પીગળીને ભારતના અનેક શહેરોમાં ફરી વળશે એવી ખતરનાક આગાહી પચૌરી અને આઇપીસીસીએ વર્ષ 2007માં તેમના એક અહેવાલમાં કરી હતી તે વાત આપણે સહુ જાણીએ છીએ. પણ આવી ભયાનક આગાહી કરવા માટે પચૌરી અને આઇપીસીસીના વિજ્ઞાનીઓએ કોઈ વ્યવહારિક સંશોધન કર્યું હતું? ના. તેમણે આ આગાહી સીધેસીધે વર્લ્ડવાઇલ્ડ લાઇફ ફંડ (ડબલ્યુડબલ્યુએફ)ના એક અહેવાલમાં ઉઠાવી હતી. તમને થશે કે ડબલ્યુડબલ્યુએફના નિષ્ણાતોએ હિમાલયના ગ્લેશિયર પર સંશોધન કર્યું હશે. ના, પચૌરી સાહેબ જેમ તેમનો અહેવાલ ઉઠાવ્યો તેમ આ નિષ્ણાતોએ પણ ઉઠાંતરી જ કરી હતી.

ડબલ્યુડબલ્યુએફએ આ વાત વર્ષ 1999માં 'ન્યૂ સાઇન્ટિસ્ટ' નામની એક લોકપ્રિય સામયિકમાંથી લીધી હતી. આ સામયિકમાં હિમાલયના ગ્લેશિયર પીગળી જવા સંબંધિત લેખ એક વિદેશી પત્રકાર ફ્રેડ પીયર્સે લખ્યો હતો અને પીયર્સ સાહેબના ગોટાળો એક દાયકા પછી પચૌરી સાહેબને ભારે પડ્યો છે. પીયર્સ મહોદય પત્રકાર છે, ગ્લેશિયોલોજિસ્ટ નથી. તેમને વર્ષ 2035માં હિમાલયના ગ્લેશિયર પીગળશે તેવી માહિતી ક્યાંથી મળી?

પીયર્સ મહોદયનું કહેવું છે કે, ''હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યાં છે તેવી જાણકારી હિંદુસ્તાનના એક સામયિકમાં વર્ષ 1999ના શરૂઆતના મહિનામાં જાણવા મળી હતી. તેમાં 'દલાલનગર' નવી દિલ્હીમાં સ્થિત જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના પ્રસિદ્ધ ગ્લેશિયોલોજિસ્ટ અને સૈયદ ઇકબાલ હસનૈને દાવો કર્યો હતો કે 2035 સુધીમાં હિમાલયના મોટા ભાગના ગ્લેશિયર પીગળી જશે. તે પછી મારો રસ તે વિષયમાં વધ્યો. મેં ઇકબાલને ફોન કર્યો અને તેમનો નાનો ઇન્ટરવ્યૂ લીધો. પછી તે સ્ટોરી ન્યૂ સાઇન્ટિસ્ટને આપી. મેં આધાર રૂપે ઇકબાલ પાસે તેમના સંશોધનની એક નકલ માગી હતી, જે ઘણા સમય પછી મને મળી. પણ તેમાં વર્ષ 2035 સુધી ગ્લેશિયર પીગળી જશે તેવો કોઈ ઉલ્લેખ નહોતો. તેની અગાઉ અહેવાલ તો પ્રકાશિત થઈ ગયો હતો.'' હા, અહેવાલ પ્રકાશિત થઈ ગયો હતો. તે પછી સામયિકે આ અહેવાલ તથ્ય આધારિત નથી તેવો ખુલાસો કરવાની દરકાર લીધો નહોતી. પીયર્સ, સામયિક અને ઇકબાલ હસનૈન બધા આ ગોટાળાને ભૂલી ગયા. પણ તેમને ખબર નહોતી કે આ છબરડો એક દાયકા પછી છાપે અને બ્લોગે ચડશે.

'ન્યૂ સાઇન્ટિસ્ટ'માં વર્ષ 1999માં પ્રકાશિત એક લેખ પર વર્ષ 2005 સુધી કોઈની નજર ન પડી. તેના છ વર્ષ પછી ડબલ્યુડબલ્યુએફએ કોઈ પણ પ્રકારની ચકાસણી કર્યા વિના ઉઠાંતરી કરી અને તેના બે વર્ષ પછી 2007માં પચૌરી એન્ડ આઇપીસીસીએ 'પર્યાવરણના પા' થવાની ઉતાવળમાં ડબલ્યુડબલ્યુએફએ ઉઠાંતરી કરેલા લેખની ઉઠાંતરી કરી.

પીયર્સ આ ગોટાળા માટે હસનૈનને જવાબદાર ઠેરવે છે, પણ હસનૈનની વાત જાણીએ તો તેઓ વધુ સાચા લાગે છે. હસનૈનનું આ વિવાદ વિશે કહેવું છે કે, ''મેં ફ્રેડ પીયર્સને હિમાલયના ગ્લેશિયર 2035માં પીગળી જશે તેવી વાત કરી જ નહોતી. અમારી વચ્ચે હિમાલયના ગ્લેશિયર પીગળી રહ્યાં છે અને આગામી 30થી 35 વર્ષમાં તેમાંથી ઘણા બધા પીગળી જશે તેવી વાતચીત થઈ હતી. તેમણે તેમની રીતે ગણતરી મારીને વર્ષ 2035ની સમયમર્યાદા લખી નાંખી. એટલું જ નહીં મોટા ભાગના ગ્લેશિયર પીગળી જશે તેવું પણ ઉમેરી દીધું. હકીકતમાં મોટા ભાગના ગ્લેશિયર અને ઘણા ગ્લેશિયર આ બંનેના અર્થમાં ઘણો ફરક છે.''

સૌથી મોટું આશ્ચર્ય કઈ બાબતનું છે જાણો છો? હસૈનન જે 'ધ એનર્જી રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટ' (ટેરી)ના ફેલો છે તેના પ્રમુખ પચૌરી મહોદય છે....!

1 comment:

Anonymous said...

ગ્લોબલ વોર્મિગ થી આપણે પૃથ્વી ને નુકશાન પહોચાડી દઈશું,એવી વાતો લોકો કરે છે.એટલે આ માણસ જાત પૃથ્વી કરતા મહાન થઇ ગઈ,બળવાન થઇ ગઈ.આના ઉપર મેં મારા બ્લોગ માં કેટાસ્ટ્રોફી નામનો લેખ મુક્યો છે.પૃથ્વી ને કોઈ નુકશાન થવાનું નથી.જે નુકશાન થશે તે તમને માણસ જાત ને થશે.પૃથ્વી પોતે ગ્રેટ સર્વાંઈવર છે.આવા તો કેટલાય ગ્લોબલ વોર્મિંગ અને હિમયુગો પચાવી ગઈ છે.અને દરેક મોટા કેટાસ્ટ્રોફી પછી નવું જીવન બહેતર જીવન પેદા થયું છે.મારા એ લેખનો મુખ્ય આધાર પ્લાનેટ અર્થ બાયોગ્રાફી નામની ડોક્યુંમેંટ્રી છે.ભાંડો ફોડતા લેખ બદલ આપને ધન્યવાદ.